બાળપણમાં માતા સાથે રસ્તા પર બંગડીઓ વેચનાર કેવી રીતે બન્યા IAS ઓફિસર...

બાળપણમાં માતા સાથે રસ્તા પર બંગડીઓ વેચનાર કેવી રીતે બન્યા IAS ઓફિસર...

Saturday April 30, 2016,

4 min Read

કહેવાય છે કે, લાખો મુશ્કેલીઓ પણ કોઈની હિંમત, ધીરજ અને ઝનુનને રોકી નથી શકતી. સાચી ઈચ્છા, ઈમાનદારી અને પ્રયાસો તથા સક્ષમ વ્યક્તિ પોતાનું લક્ષ્ય સાધી જ લે છે. ભારતના રાષ્ટ્રપતિપદને સુશોભિત કરનારા મિસાઈલ મેન સ્વર્ગીય ડૉક્ટર એ.પી.જે. અબ્દુલ કલામે કહ્યું હતું કે, નાના સ્વપ્નો જોવા અપરાધ સમાન છે. આ મોટા સપના હતા જે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના વારસી તહસીલના મહાગામના રમેશ ધોલપને સફળતાના રસ્તે લઈ આવ્યા.

image


કાચની રંગીન બંગડીઓની જેમ રમેશનું બાળપણ રંગોથી ભરેલું નહોતું. દરરોજ સવારે આ નાનકડું બાળક પોતાની માતા સાથે આકરાં તડકામાં ગામડાના રસ્તાઓ, ચોક અને ચાર રસ્તાઓ પર ખુલ્લા પગે બંગડીઓ વચેવા નીકળતો હતો. તે સમયે બે ટંક ખાવાનું મેળવવું જીવનના સૌથી મોટા જંગ સમાન હતું. માતાના પડછાયાની જેમ તે પણ પાછળ પાછળ જતો અને માતા બૂમ મારતી ‘ચૂડી લે લો... ચૂડી’ તો પાછળ આ છોકરો પણ તોતડા અવાજમાં બોલતો... ‘તુલી લો... તુલી’.

image


ભૂખ એવી સ્થિતિને જન્મ આપે છે જ્યાં સારામાં સારી વ્યક્તિની ધીરજ હાર માની લે છે. કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં જ દેખાઈ જાય છે. પરિસ્થિતિએ તેને જીવન સાથે લડતા શીખવી દીધું હતું. ગરીબી, પિતાને દારૂની લત હતી અને ભૂખથી પીડાતા નાનકડા જીવના મનમાં એક સ્વપ્ને જન્મ લીધો. ખાલી હાથ, માથે છત નહીં અને કલમના જોરે સખત મહેનત કરીને અને ઈમાનદારી સાથે તેણે પોતાના સ્વપ્નને હકિકતમાં ફેરવી કાઢ્યું. તે આજે લાખો લોકો માટે પ્રેરણા સમાન છે. તેનું નામ છે IAS રમેશ ધોલપ. જિંદગીના દરેક તબક્કે પરીક્ષા લીધી છે પણ તે ક્યારેય પોતાના લક્ષ્યથી ભટક્યો નથી.

હાલમાં રમેશ ઝારખંડ મંત્રાલયના ઊર્જા વિભાગના સંયુક્ત સચિવ છે અને તેમની સંઘર્ષ કહાની પ્રેરણાપુંજ બનીને લાખો લોકોના જીવનમાં તેજ પથરાવી રહી છે. રમેશના પિતા નશાની લતના કારણે ક્યારેય પોતાના પરિવાર પ્રત્યે ધ્યાન આપતા નહોતા. આજીવિકા માટે રમેશ અને તેની માતા રસ્તા પર જઈને કાચની બંગડીઓ વેચવા મજબૂર હતા. તેના દ્વારા જે પૈસા મળતા તે પણ રમશના પિતા તેમની શરાબ પાછળ ખર્ચ કરી દેતા.

રમેશ પાસે ન તો ઘર હતું અને ન તો અભ્યાસ માટે પૈસા. તેની પાસે અદમ્ય હિંમત હતી જે તેનું સ્વપ્ન પૂરું કરવા માટે પૂરતી હતી. રમેશનું બાળપણ તેની માસીને મળેલા સરકારી યોજના હેઠળના ઈન્દિરા આવાસમાં પસાર થયું. તે ત્યાં આજિવિકા સાથે અભ્યાસ પણ કરતા રહ્યા પણ જિંદગીને હજીય રમેશની કસોટી કરવી હતી. મેટ્રિક પરીક્ષાના કેટલાક દિવસ બાકી હતા અને રમેશના પિતાનું મોત થઈ ગયું હતું. આ ઘટનાના તેને હચમચાવી નાખ્યો, પણ જિંદગીના દરેક કપરાં કાળને જોઈ ચુકેલા રમેશે હાર ન માની. વિપરિત સ્થિતિમાં તેણે મેટ્રિકની પરીક્ષા આપી અને 88.50 ટકા માર્ક મેળવ્યા.

image


રમેશ ધોલપ જણાવે છે,

"મારા સંઘર્ષના લાંબા ગાળામાં મેં એવા દિવસો પણ જોયા છે જ્યારે ઘરમાં અન્નનો એક દાણો પણ નહોતો રહેતો. ત્યારે અભ્યાસ પાછળ ખર્ચ કરવો તેમના માટે મોટી વાત હતી. એક વખત માતાને સામૂહિક ઋણ યોજના હેઠળ ગાય ખરીદવા માટે 18,000 રૂપિયા મળ્યા અને તેનો ઉપયોગ મેં અભ્યાસ પાછળ કરવાનું નક્કી કર્યું. ગામ છોડવાના ઈરાદે બહાર નીકળ્યો કે તે કંઈક બનીને ગામ પરત ફરશે. શરૂઆતમાં મેં તલાટીની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો અને તલાટીની પરીક્ષા પાસ કરીને તલાટી બન્યો પણ કેટલાક સમય પછી મેં આઈએએસ બનાવાનું લક્ષ્ય નક્કી કર્યું."
image


કહેવાય છે કે પ્રયાસ કરનારની ક્યારેય હાર નથી થતી. આ વાતને ફરીથી સાબિત કરનારા રમેશ ધોલપની વાત હવે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના વારસી તહેસીલ અને તેના ગામના બાળકો અને વડીલોની જીભ પર છે. તેના સંઘર્ષની વાત બાળકો બાળકો જાણે છે. કંગાળ સ્થિતિમાં રમેશ દીવાલો પર નેતાઓના ચૂંટણી નારા, વાયદા અને જાહેરાતો વગેરે દુકાનોના પ્રકારો, લગ્નના શણગારમાં ઉપયોગમાં લેવાતા પેઈન્ટિંગ્સ વગેરે લગાવવાનું કામ કરતા હતા. તેમાંથી જે પણ આવક થતી તેનો ઉપયોગ અભ્યાસમાં કરતા.

કલેક્ટર બનવાનું સ્વપ્ન આંખમાં સજાવી ને રમેશ પૂણે પહોંચ્યો. પહેલાં પ્રયાસમાં રમેશ નિષ્ફળ રહ્યો હતો. લાગતું હતું કે જિંદગીએ ફરી એક વખત રમેશની કસોટી કરવાનું નક્કી કર્યું હતું. મજબૂત ઈરાદા અને મક્કમ મનોબળે તેને હિંમત ન હારવા દીધી. વર્ષ 2011માં તેણે ફરી એક વખત યુપીએસસીની પરીક્ષા આપી. તેમાં રમેશનો 287મો ક્રમ આવ્યો. ત્યારબાદ તેનું આઈએએસ બનવાનું સ્વપ્ન સાકાર થયું.

image


રમેશ પોતાના ગામમાં પસાર કરેલા દિવસો અંગે જણાવે છે,

"મેં મારી માતાને 2010માં પંચાયતી ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કરી હતી. મને લાગતું હતું કે, ગામ લોકોનો સાથ મળશે પણ તેને હારનો સામનો કરવો પડ્યો. તે દિવસે મેં નક્કી કર્યું કે હવે હું ગામમાં ત્યારે જ પરત આવીશ ત્યારે અધિકારી બનીશ."

IAS બન્યા પછી જ્યારે 4 મે, 2012ના રોજ અધિકારી બનીને ગામ પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત થયું. હવે તે લોકો માટે ઉદાહરણરૂપ બની ગયો હતો. તેણે પોતાની હિંમત દ્વારા સાબિત કરી આપ્યું હતું કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. તેના માટે સાચી ઈચ્છા અને પ્રામાણિક પ્રયાસો કરવા પડે છે.

લેખક- કુલદીપ ભારદ્વાજ

અનુવાદ- એકતા રવિ ભટ્ટ

વધુ પ્રેરણાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ વિશે જાણવા Facebook સાથે અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

આજે છે રૂપિયા 20 કરોડના માલિક, ક્યારેક કમાતા હતા માત્ર રૂ.240!

એક રેસ્ટોરાંમાં કચરા-પોતા કરનારે બનાવ્યું સરવણા ભવન, આજે છે 80 રેસ્ટોરાંના માલિક

શાકભાજી વેચવાથી ટોચના કૅન્સર એક્સપર્ટ સુધીની ડૉ. વિજયાલક્ષ્મી દેશમાનેના જીવનની સફર