મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે: ઘરેલું હિંસાનો ભોગ બનેલી 3800 મહિલાઓને મળ્યું 'સમાધાન'

મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે: ઘરેલું હિંસાનો ભોગ બનેલી 3800 મહિલાઓને મળ્યું 'સમાધાન'

Sunday December 06, 2015,

6 min Read

1700 રેપ સર્વાઇવર બની વકીલ 

'સમાધાન'ની પોતાની 'મોબાઇલ લિગલ ક્લિનિક'

'સમાધાન' વિવિધ જગ્યાએ જઇને આપે છે કાયદાકીય જાણકારી!

મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે દહેરાદૂનમાં છેલ્લાં 20 વર્ષથી 'સમાધાન' નામની હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. જેઓ ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય તો અપાવે છે, સાથે સાથે બળાત્કારનો ભોગ બનનાર મહિલાઓને પગભર કરવા માટે કાયદાઓનું શિક્ષણ આપવામાં આવે છે. જેથી તે મહિલા વકીલ બની અન્ય મહિલાઓની પણ મદદ કરી શકે. 'સમાધાન' દ્વારા અત્યાર સુધી 1700 મહિલાઓને કાયદાનું શિક્ષણ આપવામાં આવ્યું છે. આ મહિલાઓ દેશની વિવિધ અદાલતમાં કામગીરી કરી રહી છે. જ્યારે આ જ મહિલાઓ દ્નારા ઉત્તર ભારતમાં પ્રથમ 'મોબાઇલ લિગલ ક્લિનિક' પણ ચલાવવામાં આવે છે. જે મહિલાઓ માટે જ, મહિલાઓ દ્વારા જ ચાલે છે!

લખનઉમાં એક સાંજે, લગભગ 14-15 વર્ષની એક છોકરી પોતાના વ્હિકલ પર સ્કૂલેથી ઘરે જઇ રહી હતી. રસ્તામાં તેણે જોયું કે કરિયાણાની એક દુકાનમાં પર એક છોકરી કફોડી સ્થિતિમાં ઊભી છે. જ્યારે તેની નજર તે છોકરી પર પડી તો તે છોકરી પણ તેને જોઇને જાણે મદદ માગી રહી હતી. તે પોતાનું વ્હિકલ લઇને તે છોકરી પાસે જેવી પહોંચી તરત જ તે છોકરી વ્હિકલની પાછળ બેસી ગઇ અને મોટે મોટેથી બોલવા લાગી “દીદી મને બચાવી લો.”

image


બાઇક પર જઇ રહેલી તે છોકરીનું નામ છે રેણુ.ડી.સિંહ. જે આજે દહેરાદૂનમાં 'સમાધાન' નામથી ઘરેલૂ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને બચાવવાની કામગીરી કરી રહી છે, તેમના માટે કાયદાકીય લડાઇ લડી રહી છે અને આવી મહિલાઓ માટે પુનઃવર્સનનું (ફરીથી સ્થાઇ કરવા) કામ કરી રહી છે. રેણું લખનઉની તે સાંજને યાદ કરતા જણાવે છે,

"જ્યારે હું તે છોકરીને મારા ઘરે લઇને આવી ત્યારે મને ખબર પડી કે તેનો સગો બાપ તેના પર બળાત્કાર કરતો હતો, અને જ્યારે તે ગર્ભવતી બની ગઇ તો તેની ઓરમાયી માતા તેની પિટાઇ કરતી હતી અને તેની પાસે ઘરનું બધું કામ કરાવતી હતી. જ્યારે તેની પોતાની સગી માતા ગામડે રહેતી હતી."

પોલીસ જ્યારે તેની માતાને લઇને આવી ત્યારે રેણુએ તે છોકરીને પોતાની માતા સાથે મોકલવી પડી. આ ઘટનાના થોડા દિવસ પછી રેણુ તે છોકરીને મળવા માટે એક દિવસ સ્કૂલે જવાની જગ્યાએ તેના ગામડે પહોંચી ગઇ. ત્યારે તે છોકરીની માતાએ રડતાં રડતાં રેણુને જણાવ્યું કે ગામડે આવ્યા પછી પંચાયતના નિર્ણય પ્રમાણે તેના લગ્ન એક ઉંમરલાયક વ્યક્તિ સાથે કરી દેવામાં આવ્યા અને લગ્નના ચાર દિવસ પછી તે છોકરીની લાશ ગામના તળાવમાંથી મળી આવી. આ વાત સાંભળી રેણુ સ્તબ્ધ થઇ ગઇ. તે લગભગ એક મહિના સુધી ઉદાસ રહી. તેણે આ સમગ્ર ઘટના વિશે પોતાની દાદીને જણાવ્યું. રેણુની દાદીએ તેને કહ્યું, 

"કોઇ પણ દુ:ખને લઇને દુ:ખી થવાથી સમસ્યા દૂર થતી નથી, પરંતુ વ્યક્તિએ આ સમસ્યા અંગે શું કરવું જોઇએ તે અંગે વિચારવું જોઇએ." 

ત્યારે રેણુએ તેની દાદીને કહ્યું કે તે પછાત જાતિની મહિલાઓને મદદરૂપ થવા માગે છે.

આ ઘટના બાદ રેણુએ લખનઉની ક્રિશ્ચિયન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ અને ત્યારબાદ એલએલબી કર્યું. રેણુ જણાવે છે કે તેઓએ દેશમાં કટોકટીનો સમય ખૂબ જ નજીકથી જોયો છે. ત્યારે તેમની ઉંમર 14-15 વર્ષની હતી, પરંતુ તે જયપ્રકાશ નારાયણના ભાષણો અને સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોથી ઘણી પ્રભાવિત હતી. આ કારણોથી તેની અંદર આંદોલનકારી સ્વભાવ ઉત્પન થયો હતો. આજે તેમનું સંગઠન 'સમાધાન' માત્ર ઉત્તરાખંડ અને યુપી સુધી જ નહીં પરંતુ રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશન, સૌરાષ્ટ્ર વગેરે જગ્યાએ ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે અનેક કાર્ય કરી રહી છે. રેણુના આ અંગે જણાવે છે,

"મેં મારા આ કામની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા કેટલીક મહિલાઓ મારી સાથે જોડાઇ. ત્યારબાદ કેટલાંક વકિલો, ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકો પણ જોડાયા. જેઓએ અમારા માટે ગાઇડની ભૂમિકા અદા કરી."
image


20 વર્ષથી ચાલે છે 'સમાધાન' હેલ્પલાઈન 

શરૂઆતનાં સમયમાં રેણુએ કેદી મહિલાઓ માટે કામ કર્યું. તેઓએ ત્યાંની પરિસ્થિતિને સમજવાની કોશિષ કરી, કે જેલમાં કેદી મહિલાઓની જરૂરિયાતો શું છે. ત્યારબાદ તેમની સામે બળાત્કારના કેસ પણ આવવા લાગ્યા. ત્યારે તેમને લાગ્યું કે રેપ પીડિતોને પીડિત બનાવીને રાખવું ખોટું છે. આ માટે તેઓએ તેમને સર્વાઇવર કહેવાનું શરૂ કર્યું. રેણુ અને તેમના સંગઠન સાથે જોડાયેલી ટીમ ગામડે ગામડે ફરીને મહિલાઓને કાયદા અંગેની જાણકારી આપે છે. જેથી તેઓને તેમના અધિકારો અંગે જાણકારી મળી રહે. ઘરેલું હિંસા કે પછી શારિરીક હિંસાનો ભોગ બનેલી મહિલાઓની મદદ માટે 'સમાધાન' લગભગ 20 વર્ષથી હેલ્પલાઇન ચલાવે છે. આ હેલ્પલાઇન દ્વારા ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓની તકલીફોને સમજવાની સાથે સાથે તેને તેમાંથી બહાર લાવવાના રસ્તા પણ જણાવવામાં આવે છે. જરૂરિયાત લાગે તો તે પીડિત મહિલાને પોતાના ત્યાં શરણ પણ આપવામાં આવે છે.

રેપ સર્વાઇવરને વકીલ બનાવવાનું બીડું ઝડપ્યું

image


રેણુ જણાવે છે,

"મેં વિચાર્યું કે રેપ સર્વાઇવરને પગભર બનાવવી હોય તો તેને નાના મોટા ઘરેલું કામ જેવા કે અથાણા, ચટણી, પાપડ બનાવતા શીખવાડવાની જગ્યાએ તેને શિક્ષિત કરીને વકીલ બનાવવી જોઇએ. જેનાથી તેઓ પગભર પણ થશે અને તેમના જેવી અનેક મહિલાઓની મદદ પણ કરી શકશે."

રેણુના કારણે આજે 1700 જેટલી રેપ સર્વાઇવર મહિલાઓ દેશની વિવિધ અદાલતોમાં વકિલની ભૂમિકા નિભાવી રહી છે તો કેટલીક મહિલાઓ કાયદાકિય ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રેણુએ વકીલ તરીકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રેણુ રેપ પિડીત મહિલાઓનો કેસ લડતી હોવાથી શરૂઆતમાં લોકો તેને ખરાબ નજરે જોતા હતા. જ્યારે રેણુ ગર્વથી જણાવે છે કે જે મહિલાઓ વિવિધ પ્રકારની હિંસાનો ભોગ બનેલી છે તેવી મહિલાઓનો કેસ તે ફ્રીમાં લડે છે. તેમના માટે 'સમાધાન'ના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહેશે. આજ સુધી રેણુ અને તેમની ટીમ ઘરેલું હિંસાનો ભોગ બનેલી 3800 જેટલી મહિલાઓને મુક્તિ અપાઇ ચૂકી છે.

હિંસા સામે લડવા શરૂ થયું 'મોબાઇલ લિગલ ક્લિનિક'

રેણુ દરેક ઘર સુધી ન્યાયને પહોંચાડવા માગે છે. એટલા માટે તેઓએ ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓને પેરા લિગલ વોલેન્ટીયર્સની ટ્રેઈનિંગ આપે છે. જેના પરિણામે આજે તેમની પાસે આવા સ્વયંસેવકોની ઘણી મોટી ટીમ છે. ઉત્તર ભારતમાં 'સમાધાન' એક માત્ર એવું સંગઠન છે જેમની પાસે મોબાઇલ લિગલ ક્લિનિક છે. જેમાં એક બસની અંદર આખી ઓફિસ સમાવી લેવામાં આવી છે. આ વાન ઉત્તરાખંડના 122 તાલુકાઓ ફરી રહી છે. તેઓ પછાત વિસ્તારોમાં જઇને ત્યાંના જેટલા પણ ઘરેલું હિંસા અથવા શારિરીક હિંસાનો ભોગ બનેલી હોય તેવી મહિલાઓ સાથે ચર્ચા કરે છે. આ એક એવી લિગલ ક્લિનિક છે જે મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ લિગલ મોબાઇલ ક્લિનિકમાં 6 છોકરીઓની ટીમ હોય છે, જે કાયદાની વિદ્યાર્થીની હોય છે. જેમાંથી ચાર સેન્ટરની છોકરીઓ હોય છે, જ્યારે 2 ઇન્ટર્ન હોય છે, જે વિવિધ વિશ્વવિદ્યાલયોમાંથી અહિંયા ટ્રેઈનિંગ માટે આવે છે. આ લિગલ મોબાઇલ ક્લિનિક ટીમની કાયદાની વિદ્યાર્થીનીઓ બસમાં કોઇ ખરાબી આવે તો તે ઠીક પણ કરી શકે છે સાથે સાથે તેમને સેલ્ફ ડિફેન્સની ટ્રેઈનિંગ પણ આપેલી હોય છે. આ મિશનને પાછલા વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું.

image


મહિલાઓના ઉત્થાન માટે રેણુએ હજી સુધી લગ્ન કર્યા નથી. તેઓએ દેહરાદૂનમાં પોતાનું એક એવું સેન્ટર બનાવ્યું છે જ્યાં 50 જેટલી મહિલાઓ રોકાઇ શકે છે. આ મહિલાઓ કોઇને કોઇ હિન્સાનો ભોગ બનેલી છે. તેમની સાચી ઓળખ છુપાઇને રાખવામાં આવે છે. તેઓ આ સેન્ટરમાં રહીને એજ્યુકેશન મેળવી શકે છે, રોજગારી શોધી શકે છે. “સમાધાન”માં આવનાર દરેક મહિલાઓની મેડિકલ જરૂરિયાતને પણ પૂરી કરવામાં આવે છે. તેમને કાયદાકીય મદદ પણ આપવામાં આવે છે. અહિંયા આવનાર દરેક મહિલાઓ 18 વર્ષથી ઉપરની ઉંમરની હોય છે. જરૂરિયાતમંદ કોઇ પણ મહિલા રેણુને ફોન અથવા ઇમેલ દ્વારા સંર્પક કરી મદદ માંગી શકે છે. ત્યારબાદ તેમની જરૂરિયાતને સમજીને તે ભવિષ્યમાં શું કરવા માગે છે તે નક્કી કરવામાં આવે છે. જો તે ભણવા માંગતી હોય, તો તેની ફી પણ તેની ઇચ્છા પ્રમાણેની કોલેજ કે સ્કૂલમાં ભરી દેવામાં આવે છે.

image


આ ઉપરાંત 'સમાધાન' દ્વારા દર મહિને સ્કૂલ અને કોલેજમાં કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યાંના વિદ્યાર્થીઓને કાયદાકીય જાણકારી પણ આપવામાં આવે છે.

અનુવાદક– શેફાલી કે. કલેર