એમેઝોનની નોકરી છોડી આ યુવાન હસ્તકળાઓના ઉત્પાદનોનું વેચાણ કરે છે!

એમેઝોનની નોકરી છોડી આ યુવાન હસ્તકળાઓના ઉત્પાદનોનું વેચાણ કરે છે!

Saturday December 05, 2015,

4 min Read

ભારતમાં હસ્તકળાઓનું બજાર વિકસી રહ્યું છે અને રાજસ્થાનમાં મૂળિયા ધરાવતો યુવાન ઓનલાઇન ભારતીય કળાને વૈશ્વિક ફલક પર મૂકીને નવો ચીલો ચાતરે છે!

જ્યારે વરુણ બાંટિયા એમેઝોનમાં નોકરી કરતા હતા, ત્યારે તેમણે ભારતીય હસ્તકળાઓના ઉત્પાદનોના બજારમાં પુષ્કળ તકો હોવાનું અનુભવ્યું હતું. તેમણે જોયું કે ભારતીય હસ્તકળાઓના ઉત્પાદનોનું બજાર વિશાળ છે, જરૂર છે તેમાં ઝંપલાવવાની અને વ્યવસ્થિત અભિગમ સાથે વ્યવસાય કરવાની. તેમણે એમેઝોનને અલવિદા કહી દીધું. પછી મૂળે રાજસ્થાનના વરુણે તેમના એથનિક હસ્તકળાઓ માટેના પ્રેમ અને ઇ-કોમર્સ પર પોતાની કુશળતાનો સુભગ સમન્વય કરીને ઓનલાઇન પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય કર્યો. આ પ્લેટફોર્મ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કળાપ્રેમીઓની એથનિક જરૂરિયાતો પૂર્ણ કરશે તેવા નિર્ણય સાથે વરુણે પોતાની રીતે કશું કરવાનું સ્વપ્ન સેવ્યું હતું.

image


આ સ્વપ્નને સાકાર કરવા વરુણે ઓગસ્ટ, 2015માં વન સ્ટોપ ઇ-કોમર્સ પ્લેટફોર્મ 'ધ એથનિક સ્ટોરી' લૉન્ચ કર્યું, જે એથનિક હોમ ડેકોરની ચીજવસ્તુઓ, જ્વેલરી, અપેરલ્સ, એક્સેસરીઝ અને કોર્પોરેટ ગિફ્ટ ઉત્પાદનો વગેરે જેવી એથનિક અને પરંપરાગત રીતે ડિઝાઇન કરેલા ઉત્પાદનોનું વેચાણ કરે છે. શરૂઆતમાં થોડા મહિના તેમણે પોતે જ એકલા હાથે બધી કામગીરી કરી હતી. પછી તેમની સાથે દીપેશ દરળા જોડાયા હતા, જેઓ અત્યારે આ ટીમમાં સામેલ થઈ ગયા છે.

'ધ એથનિક સ્ટોરી'ના સ્થાપક વરુણનું કહેવું છે, 

“ધ એથનિક સ્ટોરી એક ઓનલાઇન પ્લેટફોર્મ છે, જ્યાં અમે એક પ્લેટફોર્મ પર હસ્તકળાના કારીગરોના કલાત્મક ઉત્પાદનો અને ગ્રાહકોને ભેગા કરીએ છીએ. અમે સ્ટોક આધારિત મોડલ અપનાવ્યું નથી, પણ અમે સમગ્ર ભારતમાં વિવિધ વિક્રેતાઓ અને હસ્તકળા કારીગરો સાથે જોડાણ કર્યું છે. અમે ફોટોગ્રાફી સાથે તેમને મદદ કરીએ છીએ અને એ ઉત્પાદનોને અમારી સાઇટ પર મૂકીએ છીએ. કલાકારો અને હસ્તકળાના કારીગરો સાથે જોડાણ કરવા ઉપરાંત પેઇન્ટ, હોમ ડેકોર અને ભેટસોગાદો માટે ઉત્પાદનો બનાવતા ડિઝાઇનર્સ સાથે પણ કામ કરીએ છીએ.”

પોતાની ઉદ્યોગસાહસિકતાની નવી સફર વિશે તેઓ કહે છે કે દરરોજ સંભવિત કલાકારો સાથે કે રોજિંદા કામગીરી ચલાવવા જરૂરી મૂડી સાથે સંબંધિત કોઈને કોઈને નવા સંઘર્ષનો સામનો થાય છે. અત્યારે ડગલે ને પગલે તેઓ સંઘર્ષ કરે છે. પણ તેમનું માનવું છે કે આ નાની શરૂઆત છે અને તેમણે લાંબી સફર કાપવાની છે.

વરુણે શરૂઆતમાં રૂ. 4 લાખના રોકાણ સાથે ઇ-કોમર્સ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી, જેમાં તેમણે તેમની તમામ અંગત બચત, પીએફ અને અન્ય બચતનો ઉપયોગ કર્યો હતો. તેમણે મોટા ભાગનું રોકાણ બ્રાન્ડિંગ, વેબસાઇટ ડેવલપમેન્ટ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને નાની ઓફસ ઊભી કરવા માટે કર્યં હતું. તેઓ કહે છે કે, “અમે આ સાહસ શરૂ કર્યાને કેટલાંક મહિનાઓ જ થયા છે અને અમારા વ્યવસાયમાં વધી રહ્યો છે અને આ માટે ભંડોળ ઊભું કરવા નજર દોડાવી રહ્યાં છીએ.”

વૃદ્ધિની તકો અને પડકારો

એથનિક ભેટસોગાદો અને હસ્તકળાના ઉત્પાદનોનું બજાર બહુ મોટું છે. તેમાં પુષ્કળ તકો છે, તો સાથે સાથે પડકારો પણ છે. ભારતીય હસ્તકળાઓ વિશિષ્ટ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ઊંચી કિંમત અંકાય છે. દરેક ભારતીય રાજ્ય વિવિધ હસ્તકળા ધરાવે છે, જેમાં તેમનો ઇતહાસ અને ધાર્મિક મૂલ્યો પ્રતિબિંબિત થાય છે તેમજ આ પ્રકારની કળા ધરાવતી ચીજવસ્તુઓ ધરાવતી ગર્વની બાબત બની જાય છે.

પ્લેટફોર્મને દિવાળી અને તહેવારની સિઝન દરમિયાન સારી સંખ્યામાં ઓર્ડર્સ મળ્યા હતા. તેણે તેની વેબસાઇટ પર 25000થી વધારે મુલાકાતીઓ હોવાનો દાવો કર્યો છે. “આવા સરસ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ઉત્પાદનો અને અમારા સાહસનું ભાવિ ઉજ્જવળ છે.”

આગળ જતાં તેઓ વેબસાઇટમાં ગ્રાહકની માગ અનુસાર વિકલ્પ ઉમેરશે અને તેમાં વિવિધ પ્રાંતોની ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરતા ઉત્પાદનોનું પણ વેચાણ થશે. વરુણ કહે છે કે, 

"અત્યારે અમે રાજસ્થાન અને ગુજરાતના ઉત્પાદનો ધરાવીએ છીએ, પણ અમે આગળ જતાં વેબસાઇટ પર કેટેગરી અને પ્રાંત મુજબ ખરીદીના વિકલ્પો પણ ઉમેરીશું."

વરુણનું માનવું છે કે આ સેગમેન્ટમાં પડકાર વિવિધ અને વિશિષ્ટ ઉત્પાદનો ઓફર કરવાનો અને યોગ્ય પ્રકારના ઉત્પાદન માટે યોગ્ય કલાકારો શોધવાનો છે.

બજાર અને સ્પર્ધા

ભારતીય બજારમાંથી દર વર્ષે 5,000 મિલિયન ડોલરની કિંમતના કળા અને હસ્તકળાના ઉત્પાદનોની નિકાસ થાય છે અને આ સેગમેન્ટમાં અનેક નવા સાહસિકો પ્રવેશ કરી રહ્યાં છે.

'ધ એથનિક સ્ટોરી'ની સીધી સ્પર્ધા ઇન્ડિયારુટ્સ, ક્રાફ્ટ્સવિલા અને ઇન્ડિકલા જેવી કંપનીઓ સાથે છે. ઉપરાંત તેની હરિફાઈ ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી મોટી ઓનલાઇન સાઇટ્સ સાથે પણ છે, જેઓ પણ આ સેગમેન્ટમાં કાર્યરત છે. જોકે 'ધ એથનિક સ્ટોરી' ઉત્પાદનની કેટેગરીની દ્રષ્ટિએ આ પ્રકારના પ્લેટફોર્મથી અલગ પડે છે. તેનું માનવું છે કે ઇન્ડિયારુટ્સ અને ક્રાફટ્સવિલા એથનિક એપેરલ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે 'ધ એથનિક સ્ટોરી' એથનિક હોમ ડેકોર અને હોમ ફર્નિશિંગ ઉત્પાદનો ઓફર કરશે.

વેબસાઇટ


લેખક- તૌસિફ આલમ

અનુવાદક- કેયૂર કોટક