જીવનની મુશ્કેલીઓને રંગી કલાની દુનિયામાં નામ ઉજાળ્યું

0

એમ કહેવાય છે કે ઉડવું તો એટલું ઊંચે કે વાદળો પણ ત્યાંથી નાના લાગે. શુક્લા ચૌધરીએ પણ કંઇક આવું કર્યું. તેમણે પોતાનાં જીવનની તમામ મુશ્કેલીઓ પાર કરીને માત્ર 48 વર્ષની ઉંમરે ફાઇન આર્ટ્સ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ લીધો, એટલું જ નહીં, પરંતુ અન્ય મહિલાઓ માટે દાખલો પણ બેસાડ્યો.


કોલકાતામાં વર્ષ 1954માં જન્મેલાં શુક્લા પોતાનાં ચાર ભાઇબહેનોમાં સૌથી મોટાં છે. તેમનું બાળપણ કલા અને ભણતરમાં વીત્યું હતું. તેમનાં માતા પણ એક કુશળ કલાકાર હતાં અને તેઓ ઇચ્છતાં હતાં કે તેમનાં સંતાનો પણ ભણવા ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન આપે. શુક્લા ચૌધરીએ બે વર્ષની ઉંમરથી જ ડાન્સ સ્કૂલમાં જવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તેમનાં માતાનો તેમના ઉપર વધારે પ્રભાવ હોવાને કારણે તેમનું ધ્યાન લલિતકળા (ફાઇન આર્ટ્સ) તરફ કેન્દ્રિત થવા લાગ્યું.

બંગાળમાં ઉછરેલાં શુક્લાએ થોડાં વર્ષો બાદ સંગીત શીખવા માટે રવિન્દ્ર ડાન્સ એન્ડ મ્યુઝિક સ્કૂલમાં પ્રવેશ અપાવી દેવામાં આવ્યો. ત્યાંથી જ તેમનો ટાગોર પ્રત્યેનો પ્રેમ જાગૃત થયો. શાંતિનિકેતનમાં ભણતર દરમિયાન તેમનું જીવન કોઈ પણ મુશ્કેલી વિના સરળતાથી ચાલી રહ્યું હતું. ત્યાં તેઓ મન લગાવીને અભ્યાસ પણ કરતાં હતાં જેથી કરીને લલિતકળાની બારીકાઈઓને સમજી શકે. તેઓ ઇચ્છતાં હતાં કે તેમની ગણતરી બંગાળનાં ધૂરંધર કલાકારોમાં થાય. તેઓ વર્ષ 1974થી 1977 દરમિયાન શાંતિનિકેતનમાં રહ્યાં. ત્યાં તેમને ઘણાં જ સારા અનુભવો થયા. તેઓ કહે છે કે તે અનુભવો ખૂબ જ સારા હતા. તે દિવસો દરમિયાન તેઓ પોતાની જાતને આકાશમાં ઉડી રહેલું મુક્ત પંખી સમજતાં હતાં. અહીં તેઓ જે શીખ્યાં તે બધું તેમણે પોતાનાં મનમાં ઉતારી લીધું. આજે મારી પાસે જે કંઈ છે તે શાંતિનિકેતનમાં વીતાવેલા સમયને કારણે જ છે.


અહીં તેમને મોટા કલાકારો સાથે કામ કરવાની તક મળી એટલું જ નહીં પરંતુ વ્યક્તિગત રીતે તેમને કલા સાથે જોડાયેલી આઝાદી પણ મળી હતી. તેના કારણે તેમનામાં સારો એવો આત્મવિશ્વાસ જાગ્યો અને નવી વસ્તુઓ શીખવાની તક મળી. તેઓ લલિતકળાનાં ક્ષેત્રે વધારે અભ્યાસ કરવા માગતાં હતાં પરંતુ વર્ષ 1977માં તેમનાં લગ્ન થઈ ગયાં. લગ્ન બાદ તેમનું જીવન એકદમ બદલાઈ ગયું અને તેમના ઉપર ઘરની જવાબદારીઓનો ભાર આવી ગયો. આ સાથે જ દીકરીની જવાબદારીનો ભાર પણ તેમના ખભે આવી ગયો હતો. તેમનાં પતિની બદલી ભોપાલ થઈ ગઈ હોવાને કારણે તેમનું ભણતર એકદમ અટકી ગયું હતું. શુક્લા ચૌધરીનું કહેવું છે કે, "મારો પરિવાર જ મારી પ્રાથમિકતા હતી. તેમણે પોતાનો સંપૂર્ણ સમય પરિવાર પાછળ આપવાનું શરૂ કરી દીધું. તેમણે પોતાનાં જીવનનાં 25-30 વર્ષ પોતાનાં પરિવારને શ્રેષ્ઠ બનાવવામાં લગાવી દીધા."

સમયની સાથે-સાથે એક તરફ તેમનાં બાળકો મોટાં થતાં જતાં હતાં તો શુક્લા ચૌધરીની જવાબદારીઓ ઘટતી જતી હતી. તે વખતે તેમણે વિચાર્યું કે ફરીથી ભણવાનું શરૂ કરવામાં આવે તો કેવું. આ દરમિયાન તેમનાં અને તેમનાં પતિ વચ્ચે ગેરસમજ પણ ઊભી થઈ હતી. તેના કારણે પણ તેમને એમ લાગ્યું હતું કે પગભર થવા માટે ભણવું ખૂબ જ જરૂરી છે. શુક્લા ચૌધરી પોતાની હૃદયની નજીક રહેલાં ક્ષેત્ર મારફતે પોતાની આગવી ઓળખ ઊભી કરવા માગતાં હતાં. કલા જ તેમનું જીવન હોવાને કારણે તેઓ ફરીથી માનભેર કલા સાથે જોડાવા માગતાં હતાં.


શુક્લા ચૌધરીએ 48 વર્ષની ઉંમરે સ્નાતકની પદવી મેળવવાનો નિર્ણય લીધો. તેના માટે તેમણે લેક્ચરમાં ભાગ લેવાનું શરૂ કર્યું. પ્રેક્ટિકલ એસાઇનમેન્ટ કર્યાં અને કોલેજ સાથે સંકળાયેલાં કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તે વખતે તમામ વિદ્યાર્થીઓ, કર્મચારીગણ અને પ્રોફેસર્સ તેમને 'ટાઇમપાસ આન્ટી' તરીકે ઓળખતા હતા. તેઓ માનતા હતા કે શુક્લા ચૌધરી પોતાનો ફાજલ સમય પસાર કરવા અને શોખથી કોલેજમાં આવે છે. તેમાંના મોટાભાગના લોકો એવા હતા કે જેમને ખબર નહોતી કે શુક્લા ચૌધરી એક ગૃહિણી છે અને ત્રણ સંતાનોનાં માતા છે. કોઈને તેમનો ભૂતકાળ ખબર નહોતો અને તેમને એ પણ ખ્યાલ નહોતો કે તેઓ આવું શા માટે કરી રહ્યાં છે. શુક્લાએ પણ તેમને ક્યારેય પોતાની મજબૂરી જણાવવાનું યોગ્ય નહોતું લાગ્યું અને તેમણે તે લોકો પાસેથી સહાનુભૂતિની પણ અપેક્ષા નહોતી રાખી. જોકે તેઓ એવું ઇચ્છતાં હતાં કે વિદ્યાર્થીઓ તેમની સાથે પણ એવો જ માનભેર વ્યવહાર કરે કે જે તેઓ અન્ય લોકો સાથે કરતા હતા. આ બધી મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે પણ તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખીને ખુશ હતાં.

જો હ્રદયમાં હામ હોય તો કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું અને માર્ગ મળી જાય છે. તમામ પડકારોનો સામનો કર્યા બાદ શુક્લા પોતાનું ચિત્ર પ્રદર્શન યોજવામાં સફળ રહ્યાં. આ પ્રદર્શનનું નામ તેમણે 'ધ ફાઇટ ઓફ ફિનિક્સ' રાખ્યું. આટલું બધું થવા છતાં પણ શુક્લા ચૌધરીની મુશ્કેલીઓ ઘટવાનું નામ નહોતી લેતી. તેમની સામે સૌથી મોટો પડકાર ભાષાનો હતો. તેઓ કડકડાટ અંગ્રેજી નહોતાં બોલી શકતાં હોવાને કારણે તેમને લઘુતાગ્રંથિ બંધાઈ ગઈ હતી. શુક્લા શરૂઆતમાં તો અંગ્રેજી માધ્યમમાં ભણતાં હતાં પરંતુ તે પછી તેઓ બંગાળી માધ્યમમાં ભણવા લાગ્યાં હતાં. ત્યારબાદ તેમનાં લગ્ન થયાં તો તેમનાં પતિની બદલી પહેલાં ભોપાલ અને પછી હૈદરાબાદ થઈ ગઈ હતી. જ્યાં હિન્દી બોલવાથી કામ ચાલી જતું હતું. આમ તો શુક્લાને હિન્દી પણ સારી રીતે નહોતું આવડતું પરંતુ પોતાની આસપાસના લોકોને હિન્દીમાં બોલતાં સાંભળીને તેઓ હિન્દી શીખી ગયાં હતાં. અંગ્રેજીમાં નિપુણતા હાંસલ કરવા માટે તેમણે ઈંગ્લીશ સ્પિકિંગ ક્લાસમાં જવાનું શરૂ કર્યું. પરંતુ સમયના અભાવે તેઓ અભ્યાસક્રમ પૂરો નહોતાં કરી શક્યાં. તે ક્લાસના કારણ તેઓ પતિ અને બાળકોને સમય નહોતાં આપી શકતાં.


જ્યારે તેમણે બીજી વખત સ્નાતક કરવાનો નિર્ણય લીધો ત્યારે પણ ભાષા મોટો પડકાર હતી. કારણ કે તેઓ જે અભ્યાસક્રમ કરી રહ્યાં હતાં તે મરાઠી માધ્યમમાં હતો. તે વખતે તેઓ મરાઠીમાં લખેલી નોટ્સની ફોટોકોપી કરાવતાં ત્યાર બાદ તેનો અનુવાદ તેમનાં પતિ અને સહાધ્યાયીઓને હિન્દીમાં કરવાનું કહેતાં હતાં. વારંવાર આ સમસ્યાને જોતાં એક વખત તેમનાં પતિ, દીકરીઓ, મિત્રો અને નોકરાણી એકસાથે બેઠાં. ત્યારબાદ તેમણે સંક્ષિપ્તમાં થોડાં ફકરા અંગ્રેજીમાં લખ્યા કે જેને તેઓ સમજી શકતા હતા. આ એક અઘરી પ્રક્રિયા હતી પરંતુ વર્ષ 2005માં 51 વર્ષની ઉંમરે શુક્લા ચૌધરીએ પૂણે યુનિવર્સિટીના સ્નાતકમાં પ્રથમ ક્રમ મેળવ્યો.

આજે શુક્લા ચૌધરી ભલે કડકડાટ અંગ્રેજી કે હિન્દી નથી બોલી શકતાં પરંતુ તેઓ ખુશ છે કે તેઓ પોતાની વાત કોઈ પણ ભાષાના અવરોધ વિના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે છે. તેમનું માનવું છે કે તેઓ કલાના માધ્યમથી પોતાની વાત દુનિયાની સામે મૂકવા માટે સક્ષમ છે. જોકે, શુક્લા આજે પણ અંગ્રેજી બોલવામાં સતર્ક રહે છે પરંતુ તે જે કંઈ બોલે છે તેને લોકો ધ્યાનથી સાંભળે છે તે જ વાત અગત્યની છે. અત્યાર સુધી શુક્લા ચૌધરી દેશનાં 12 મોટાં શહેરોમાં એકલે હાથે પોતાનાં ચિત્ર પ્રદર્શનો યોજી ચૂક્યાં છે. તેમની કલામાં તમને રોજિંદું જીવન જોવા મળશે. તેના માટે તેઓ ચમકદાર રંગો અને બોલ્ડ સ્ટ્રોકનો પ્રયોગ કરે છે. તેમનાં ચિત્રો ખરીદનારાઓમાં દેશનાં જ નહીં પરંતુ વિદેશી લોકોનો પણ સમાવેશ થાય છે.

શુક્લા કહે છે કે આગળ ભણવા માટે સકારાત્મક વિચાર અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં રહેવું જરૂરી છે. તેમના જણાવ્યા અનુસાર મગજને ક્યારેય આરામ આપવો ન જોઇએ. જ્યારે મગજ કામ કરવાનું બંધ કરી દે ત્યારે નકારાત્મક વિચારો ઘર કરી જાય છે. તમે જે કામ કરતાં હો તેના ઉપર દરેક પળે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. મહિલાઓ વિશે તેઓ કહે છે કે, "આજની મહિલાઓ પહેલાં કરતાં વધુ સ્વતંત્ર છે અને તેમની પાસે વધારે તકો રહેલી છે. સાસરિયાંઓ સાથે અણબનાવ છતાં પણ મેં તે જ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે જે મારે કરવું હતું. તે મારી ઇચ્છાશક્તિ અને સાહસની લડાઈ હતી." શુક્લા જ્યાં સુધી તેમને જોઇતી વસ્તુ મળી ન જાય ત્યાં સુધી તેની પાછળ લાગેલાં રહે છે. કોઈ પણ ચિત્રકાર માટે તેની આંખો અગત્યની હોય છે પરંતુ શુક્લા ચૌધરીની બંને આંખોની દૃષ્ટિ આંશિક રીતે ઘટી ગઈ છે. તેમ છતાં પણ તેમણે તેમનાં કામને વિના અવરોધે ચાલુ રાખ્યું છે.