ગ્રેનેડના વિસ્ફોટમાં ગંભીર ઈજા છતાં પણ 10મા ધોરણમાં ટોચ પર, પ્રેરણાનું બીજું નામ એટલે ‘માલવિકા ઐય્યર’

ગ્રેનેડના વિસ્ફોટમાં ગંભીર ઈજા છતાં પણ 10મા ધોરણમાં ટોચ પર, પ્રેરણાનું બીજું નામ એટલે ‘માલવિકા ઐય્યર’

Tuesday October 20, 2015,

8 min Read

માલવિકા ઐય્યરને 26 મે, 2002નો દિવસ એવી રીતે યાદ છે કે જાણે તે કાલની જ વાત હોય. કારણ કે તે વખતે તે 13 વર્ષની હતી અને 9મા ધોરણમાં ભણતી હતી. તે વખતે શાળામાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું હતું. એક રવિવારે તેના ઘરે કેટલાક મહેમાનો આવ્યા હતા. તે વખતે તેના પિતા ડ્રોઇંગ રૂમમાં બેઠા હતા. માલવિકાની બહેન રસોડામાં ચા બનાવી રહી હતી અને તેની માતા ઘરનાં કૂલરમાં પાણી ભરી રહી હતી. માલવિકા કહે છે, “તે વખતે મેં જિન્સ પહેર્યું હતું. તેનું એક ખિસ્સું ફાટી ગયું હતું અને બહાર લટકી રહ્યું હતું. ત્યારે મારા મનમાં એવો વિચાર આવ્યો કે ખિસ્સાને ફેવિકોલ જેવી કોઈ વસ્તુથી ચોંટાડી દેવું જેથી તે ખરાબ ન લાગે.” તે પછી તે બહાર ગેરેજમાં ગઈ અને ત્યાં પડેલા સામાનના ઢગલામાંથી ગજવું ચોંટાડવા માટે ફેવિકોલ શોધવા લાગી.

image


માલવિકા એ વાતથી અજાણ હતી કે થોડા સમય પહેલા કોલોની પાસે આવેલા દારૂગોળાના ડેપોમાં આગ લાગી ગઈ હતી. આ બિકાનેરની એ જગ્યા હતી કે જ્યાં ઐય્યર પરિવાર રહેતો હતો. દારૂગોળાના ડેપોમાં આગ લાગવાના કારણે તેના અનેક ટુકડા આસપાસના વિસ્તારોમાં ઉડીને પડ્યા હતા. માલવિકા જ્યારે ગેરેજમાં શોધખોળ કરવા લાગી તો તેના હાથમાં એક વિચિત્ર વસ્તુ આવી. જે હાનિકારક નહોતી લાગતી. તે તેને લઈને પોતાના બેડરૂમમાં આવી ગઈ. તેને કલ્પના પણ નહોતી કે તે ગ્રેનેડ હતો. તે વખતે બપોરે સવા વાગ્યો હતો. માલવિકા કહે છે કે એ સમય તેને હજી પણ યાદ છે કારણ કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ઘડિયાળ આ સમય ઉપર બંધ પડી ગઈ હતી.

વિસ્ફોટ સાંભળીને ઘરના લોકોને એમ લાગ્યું કે માલવિકાનાં રૂમમાં રાખેલા ટીવીમાં ધડાકો થયો છે. સ્વાભાવિક છે કોઈને કલ્પના પણ ન હોય કે નાની બાળકીનાં રૂમમાં બોમ્બ વિસ્ફોટ થઈ શકે. વિસ્ફોટ બાદ માલવિકાનાં શરીરની નર્વ્સ સિસ્ટમ બેસી ગઈ હતી. તેના કારણે તેને દર્દનો અહેસાસ પણ ન થયો. જ્યારે તેની માતા રૂમમાં આવી તો દૃશ્ય જોઈને ગભરાઈ ગઈ અને ચીસ પાડી ઉઠી કે મારી દીકરીના હાથ જતા રહ્યા. ત્યારબાદ માલવિકાના પિતા અને તેમના મિત્રએ માલવિકાને ઉપાડી અને કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. આ દરમિયાન માલવિકા લોહીથી લથબથ થઈ ગઈ હતી. તેની સ્થિતિ જોઇને સહુ કોઈ ગભરાઈ ગયા હતા. આ દરમિયાન તેણે જોયું તો તેનો એક પગ હવામાં લટકી રહ્યો હતો અને તેની ચામડી ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ પગ તેના અંકલે પકડી રાખ્યો હતો તે પછી તે એકાએક તેમના ઉપર ખિજાઈ અને ત્યારબાદ તેમણે પોતાના રૂમાલથી પગને બાંધી દીધો.

સતત ચાર દિવસ સુધી દર્દથી કણસતી માલવિકાનાં પગમાં ઇન્ફેક્શનનું જોખમ વધી રહ્યું હતું. બીજી તરફ ડૉક્ટર તેના ઇલાજમાં ખૂબ જ સાવચેતી રાખી રહ્યા હતા કારણ કે ગ્રેનેડના અનેક નાના ટુકડાઓ તેનાં પગમાં ઘૂસી ગયા હતા. જે પાછળથી ઘા બની ગયા હતા. લગભગ ત્રણ મહિના સુધી તે ઘાને ખુલ્લા રાખ્યા દરમિયાન માલવિકા તેની રોજ સફાઈ કરતી હતી. માલવિકા માને છે, “આ દુર્ઘટના પહેલાં તેનું જીવન કોઈ સ્વર્ગથી ઓછું નહોતું. આ દરમિયાન તે લોકો સમક્ષ ટોમબોય જેવો વ્યવહાર કરતી હતી. માલવિકા કહે છે કે તે કોલોનીનાં બાળકોની ટોળકીની સરદાર હતી અને સંગીત, નૃત્ય તેમજ રમતગમતમાં તે ખૂબ જ ભાગ લેતી હતી. તેને નૃત્ય પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેના કારણે જ તેણે સાત વર્ષ સુધી કથ્થકની તાલિમ લીધી હતી. નૃત્ય ઉપરાંત તેને રોલર સ્કેટ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તે કહે છે કે કોઈએ તેને ભેટમાં રોલર સ્કેટ આપ્યા હતા. જેને તે 24 કલાક સાતેય દિવસ પહેરી રાખતી હતી. તેને ક્યાંય જવું હોય તો તે પહેરીને જતી હતી, તેને ઉતારતી નહોતી.

image


આ યાદોનાં સહારે માલવિકાએ ઓપરેશન બાદ 18 મહિના વીતાવ્યા. ઓપરેશન અને સારવાર દરમિયાન માલવિકાએ અસહ્ય દર્દનો સામનો કરવો પડ્યો. પરંતુ હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ તેનાં જીવનમાં ખાલીપો આવી ગયો. તેનું કારણ એ હતું કે તેના બધાં જ મિત્રો બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને જીવનને આગળ કેવી રીતે વધારી શકાય તેની યોજના ઘડી રહ્યા હતા. તો બીજી તરફ માલવિકાને ખબર જ નહોતી કે તેણે જીવનમાં શું કરવું. માલવિકા જણાવે છે કે આ દુર્ઘટના બાદ તે એવી સ્થિતિમાં નહોતી કે ફરીથી શાળા શરૂ કરી શકે. ઘરવાળાઓને પણ એવી આશા નહોતી કે તે અગાઉની જેમ શાળાએ જઈ શકશે. પરંતુ જીવનને બીજા દૃષ્ટિકોણથી જોનારી માલવિકા આવી સ્થિતિમાં પણ સામાન્ય લોકોની જેમ આગળ વધવા માગતી હતી. તેના કારણે જ તેણે નક્કી કર્યું કે તે આગામી બોર્ડની પરીક્ષા ગંભીરતાપૂર્વક આપશે.

દુર્ઘટનાને કારણે તે 9 અને 10 ધોરણ નહોતી ભણી શકી. અને બોર્ડની પરીક્ષાને માત્ર 3 મહિનાની વાર હતી. તે વખતે તે મોટાભાગનો સમય પથારીમાં પડ્યા રહેવા માટે મજબૂર હતી. દુર્ઘટના પહેલા માલવિકા ભણવામાં સામાન્ય વિદ્યાર્થીની હતી. તે વખતે તે મોટાભાગનો સમય રમવા-કૂદવા, મજાક મશ્કરીમાં વીતાવતી હતી. પરંતુ હવે તેનું જીવન બદલાઈ ગયું હતું તેણે પોતાની જાતને દુનિયા સામે સાબિત કરી નાખવાનું નક્કી કરી લીધું. ત્યારબાદ તેણે પોતાની બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યું અને દિલથી પુસ્તકોની દુનિયામાં ખોવાઈ ગઈ. તેણે બોર્ડની પરીક્ષાને ગંભીરતાથી લેતાં સ્થાનિક કોચિંગ ક્લાસની સેવા લેવાનું પણ શરૂ કર્યું. આ દરમિયાન તેની માતા તેને કોચિંગ સેન્ટરમાં લાવવા-મૂકવાનું કામ કરતી હતી. ત્રણ મહિનાની આકરી મહેનત અને તેની લગનને કારણે એ દિવસ પણ આવ્યો કે જ્યારે તેણે પરીક્ષા આપી. ખાસ વાત એ હતી કે તે લખવા માટે અક્ષમ હોવાને કારણે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોની પરીક્ષા પણ તેણે ડિક્ટેટ કરીને આપી હતી. પરીક્ષા આપ્યા બાદ તેને વિશ્વાસ હતો કે તે આ પરીક્ષામાં માત્ર પાસ જ નહીં પરંતુ તેને સારું પરિણામ પણ મળશે.

હવે એ દિવસ પણ આવી ગયો કે જેની તે જ નહીં પરંતુ તેનો પરિવારને પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તેની જિંદગી એક નવા વણાંક ઉપર આવીને ઊભી હતી. કારણ કે જે દિવસે પરિણામ આવ્યું માલવિકાનું જીવન રાતોરાત બદલાઈ ગયું. કારણ કે માલવિકાને 500માંથી 483 માર્ક્સ મળ્યા હતા. એટલું જ નહીં, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં તેને 100 માર્ક્સ મળ્યા હતા. હિન્દીમાં તેને 97 માર્ક્સ મળ્યા હતા અને રાજ્યમાં તેનો પહેલો નંબર આવ્યો હતો. તેની આ સફળતાને કારણે મીડિયાનું ધ્યાન તેની તરફ ગયું. ત્યાર પછી દરેક વ્યક્તિ જાણવા માગતી હતી કે બોમ્બ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થઈને વિકલાંગ થયેલી વિદ્યાર્થીની આટલા સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકે છે. 

image


તેની આ સિદ્ધિને જોઈને રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે તેને મળવા બોલાવી હતી. જે જીવનમાં ક્યારેય ન વિસરી શકાય તેવી પળ હતી. આ બધું હોવા છતાં તેને એમ લાગ્યું હતું કે તેનાં જીવનમાં ઘણું બધું નથી બદલાયું. તે પહેલાની જેમ જ તૈયાર થતી હતી. તેને તૈયાર થવું સારું લાગતું હતું. તે અલગ-અલગ ઇન્ટરવ્યૂમાં અલગ-અલગ કપડાં પહેરતી હતી અને એ વાતનું ધ્યાન રાખતી હતી કે તે સુંદર દેખાય.

આવી દુર્ઘટના બાદ અન્ય કોઈ હોત તો તે હિંમત ખોઈ બેસત પરંતુ માલવિકાએ પોતાની જાતને સંભાળી એટલું જ નહીં પરંતુ દુનિયા સામે સાબિત કરી દેખાડ્યું કે વિકલાંગ હોવા છતાં પણ તેનામાં કેટલી પ્રતિભા, હિંમત અને ધીરજ છે. ત્યાર પછી તેણે પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું અને સેન્ટ સ્ટિફન કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકનું ભણતર પૂરૂં કર્યું. તેના કારણે તે મજબૂત બની એટલું જ નહીં પરંતુ તેનામાં વિશ્વાસ પણ આવ્યો. માલવિકાએ દિલ્હીમાં ‘દિલ્હી સ્કૂલ ઓફ સોશિયલ વર્ક’માંથી સામાજિક કાર્યોમાં અનુસ્નાતકની પદવી મેળવી. માલવિકા ફિલ્ડ વર્ક સાથે વિકલાંગ બાળકોને ભણાવવાનું કામ કરવા લાગી. અહીં તેણે વિકલાંગ બાળકોમાં હિંમત અને તાકાત હોવાનો અનુભવ કર્યો.

image


માલવિકાનું માનવું છે કે તેણે જીવનમાં અનેક એવા નિર્ણયો લીધા કે તેના કારણે તે જીવનમાં પોતાનું અલગ સ્થાન મેળવવામાં સફળ રહી. દુર્ઘટના બાદ લોકો માલવિકા વિશે અનેક પ્રકારની વાતો કરતા હતા. તેઓ કહેતા હતા કે છોકરીની જાત છે, તેની સાથે લગ્ન કોણ કરશે? લોકો તેને સમજાવતાં કે તેણે શું કરવું જોઇએ અને શું નહીં. શરૂઆતમાં માલવિકાએ તેમના ઉપર વિશ્વાસ મૂક્યો પરંતુ પછી તે અલગ રીતે વિચારવા લાગી. હવે તેને પોતાની જાત ઉપર વિશ્વાસ આવી ગયો હતો તેથી તેનાં જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. આજે માલવિકા પી.એચડી સ્કોલર છે અને આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર છે. યુ ટ્યુબ ઉપર તેની અભૂતપૂર્વ ટેડ વાતચીત હજારો લોકો જોઈ ચૂક્યા છે. જે ડિઝાઇનર્સ વિકલાંગો માટે કપડાં બનાવે છે તેમના માટે તે મોડલ તરીકે કામ કરે છે. માલવિકા કહે છે કે તે જ્યારે રેમ્પ વોક કરતી હોય અને સ્પોટલાઇટ તેના ઉપર હોય તો તે પોતાની જાતને કોઈ બોલિવૂડની કોઈ વાર્તાનો ભાગ માને છે. તે હિલ્સ નથી પહેરી શકતી તેથી તેણે પોતાના માટે ખાસ ચપ્પલ બનાવડાવી છે.

image


માલવિકા કહે છે કે એક દિવસ તે ચેન્નાઈનાં બજારમાં ફરી રહી હતી તે દિવસે ખૂબ જ બફારો હોવાને કારણે તેને પરસેવો થઈ રહ્યો હતો. તેના કારણે તેનો કૃત્રિમ હાથ નીચે પડી ગયો તો આજુબાજુ ઉભેલા લોકોના પ્રતિભાવો હેરાન કરનારા અને ડરાવનારા હતા. પરંતુ આ ઘટના અંગે તે પોતે ખૂબ જ હસી રહી હતી કારણ કે બીજા લોકોને ખબર નહોતી કે તેની સાથે શું બન્યું હતું. એટલું જ નહીં માલવિકા કહે છે કે તેના પગમાં પણ ખામી છે અને તેના કારણે જ તે કોસ્મેટિક સર્જરી કરાવવા માગે છે. તે તેના માટે ડોક્ટર પાસે ગઈ તો ડોક્ટરે તેમ કરવાની ના પાડી દીધી અને કહ્યું કે તમારા પગમાં એટલા બધા ઘા છે કે તે ચાલી નહીં શકે. પરંતુ જ્યારે તેણે ડોક્ટરને એમ કહ્યું કે તે દવાખાનામાં જાતે ચાલીને આવી છે ત્યારે ડોક્ટર પ્રભાવિત થયા પણ તેમણે જણાવ્યું કે પગ સાથે જોડાયેલી તેની નર્વ્સ સિસ્ટમ 70થી 80 ટકા બરબાદ થઈ ગઈ છે. તેણે એ વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે હાલ તેના પગ જેટલું કામ કરી શકે છે તેટલું કરતા રહે.

image


આટલું બધું થયા પછી પણ જ્યારે માલવિકાને લોકો એવી પ્રતિતિ કરાવે છે કે તે વિકલાંગ છે ત્યારે તે સ્કોટ હેમિલ્ટનના એ શબ્દોને યાદ કરે છે કે કોઈનાં પણ જીવનમાં વિકલાંગતા એ ખરાબ વર્તન છે. માલવિકા કહે છે કે તે દેશની રાષ્ટ્રપ્રમુખ પણ બની જશે તો પણ લોકો તેને દયાદૃષ્ટિથી જ જોશે. તેથી તેણે પોતાની ક્ષમતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. તેના કારણે જ તે પોતાનું જીવન બદલવામાં સફળ રહી છે. માલવિકા કહે છે કે તકો દરેકનાં જીવનમાં આવે છે તેને વ્યર્થ ન જવા દો પરંતુ તેને મેળવવા માટે લડો અને આગળ વધો.