ગેરેજના ભંગારથી રંગીન અને ઉજ્જવળ સ્ટાર્ટઅપ સુધીની ‘ડૉટસ ટૂ લાઈન્સ’ની સફર

ગેરેજના ભંગારથી રંગીન અને ઉજ્જવળ સ્ટાર્ટઅપ સુધીની ‘ડૉટસ ટૂ લાઈન્સ’ની સફર

Sunday December 06, 2015,

6 min Read

ડૉટ્સ ટૂ લાઇન્સ અદિતિ અને સુનિલા માટે એક કામ માત્ર નહીં, પણ તેમનો પહેલો પ્રેમ છે. આ માતા અને દિકરીની જોડીએ તેમની કળા અને રચનાત્મક પ્રતિભાઓને વ્યવસાયિક સ્વરૂપ આપવા હાથ મિલાવ્યા છે. “અનેક ડૉટસ ભેગા થઈને લાઇન બનાવે છે, બહુ લાઇન એકસાથે પેટર્ન બની જાય છે, એકથી વધારે પેટર્નમાંથી ડિઝાઇન બને છે અને ડિઝાઇન જ અમારી દુનિયા છે.” તેમ અદિતિનું કહેવું છે.

image


તેમની સાઇકોલોજિસ્ટમાંથી વ્યવસાયિક કલાકાર બનવા સુધીની સફર અને તેમાં તેમની મમ્મીની રચનાત્મકતા વિશે બેંગલુરુના બજારમાંથી જાણકારી મળી. અહીં પ્રસ્તુત છે તેમણે પોતે ડિઝાઇન કરેલી તેમની ઉદ્યોગસાહસિકતાની સફરઃ

સુનિલા મહાજન

“અત્યારે હું પેઇન્ટ કરું છું અને સાથે સાથે ઉત્પાદનો પણ બનાવું છું. મારી ઉંમર 52 વર્ષ છે.” સુનિલાની જીવનસફર રસપ્રદ છે. નૈરોબીમાં જન્મેલી અને ઉછરેલી આ પંજાબી કૂડીએ લંડન સ્કૂલ ઓફ કરસ્પોન્ડન્સમાંથી કમર્શિયલ આર્ટમાં ડિપ્લોમા કર્યું છે અને પછી સાત વર્ષ ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું. તેઓ લગ્ન કરીને બેંગલુરુ આવ્યા અને એક ગૃહિણી તરીકે જીવનની નવી ભૂમિકામાં પ્રવેશ કર્યો હતો. જોકે પેઇન્ટિંગ સાથે તેમનો નાતો જોડાયેલો હતો. “હું વચ્ચે વચ્ચે પેઇન્ટિંગ કરતી હતી અને પોતાને વ્યસ્ત રાખવા ટૂંકા ગાળાના પેઇન્ટિંગ ક્લાસીસમાં જતી હતી.”

image


ત્રણ વર્ષ અગાઉ તેમનો કળા પ્રત્યેનો પ્રેમ ફરી જાગ્રત થયો હતો. તે સમયે તેમની બહેનના આગ્રહથી તેમણે દિવાળી કાર્ડ બનાવ્યા હતા અને લોકોને મોકલ્યા હતા. હકીકતમાં તે તેમના જીવનમાં નવા પ્રકરણની શરૂઆત હતી. તેમણે પેઇન્ટિંગની સાધના કરી હતી અને તેમના પુત્રના મિત્રોએ તેને પીછાણી હતી. તેમણે સેલ્સ અને એક્ઝિબિશન મારફતે સુનિલા મહાજનની કળાનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. “તેમણે તેનાથી બનતું બધું કર્યું અને કલાકાર તરીકે બજારમાં તે મારો પ્રથમ પ્રવેશ હતો. પછી મેં પાછું વળીને જોયું નથી. મેં ભારત અને વિદેશમાં વિવિધ આર્ટ શોમાં ભાગ લીધો છે. હું મારા કામનું પ્રદર્શન અને વેચાણ કરું છું અને મારી વેબસાઇટ પણ છે.”

અદિતિ મહાજન

27 વર્ષીય અદિતિનો જન્મ અને ઉછેર બેંગલુરુમાં થયો હતો. તેમણે સાયકોલોજી-ક્લિનિકિલમાં માસ્ટર્સ કર્યું હતું અને રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાંથી વિશેષ શિક્ષણ મેળવ્યું હતું. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી તેમણે પેડિયાટ્રિક થેરપીના ક્ષેત્રમાં કામ કર્યું હતું અને બેંગલુરુના બે થેરેપી સેન્ટરમાં કામ કરતા હતા. “મારી છેલ્લી નોકરી બેંગલોર ઇન્ટરનેશનલ સ્કૂલમાં હતી. મને ખરેખર તે કામ કરવું ગમતું હતું એટલે રાજીનામું આપ્યું ત્યારે દુઃખ થયું હતું.”

image


અદિતિ સ્થાયી થવા વિચારતા હતા અને પોતાના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છતા હતાં. આ પ્રક્રિયામાં તેમણે નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો.

પાશેરામાં પહેલી પૂણી

જ્યારે અદિતિએ નોકરી છોડી ત્યારે તેમણે તેમના મિત્રો માટે ગિફ્ટ ખરીદવાને બદલે પોતે કેટલીક ગિફ્ટ બનાવીને આપવાનું નક્કી કર્યું હતું. તેમની મમ્મીએ તેમના ઘરના ગેરેજમાં પડેલા એમડીએફ (મધ્યમ જાડાઈ ધરાવતા ફાઇબર બોર્ડ)ના ભંગારનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું, જેણે અદિતિની રચનાત્મકતાને પ્રેરિત કરી હતી.

અદિતિ કહે છે, “મારી મમ્મીએ વિવિધ સ્થળેથી આ ભંગાર ભેગો કર્યો હતો અને તે કી રિંગ્સ બનાવવા ઉપયોગી થશે તેવું જણાતું હતું – ખાસ કરીને ફિશ કટઆઉટ્સમાં. એટલે મેં તેના પર પ્રયોગ કર્યો હતો અને તેઓ ખરેખર સુંદર લાગતા હતા. મારા મિત્રોને તે પસંદ પડી હતી અને મારી કળાને બિરદાવી હતી.”

image


પોતાની ફ્રેન્ડ પૂજાએ પ્રોત્સાહન આપતા અદિતિએ વધુ કી ચેઇન્સ બનાવ્યા હતા. પછી આ આઇટમ સુનિલાને દેખાડી હતી. કી ચેઇન્સ જોતા જ સુનિલા ખુશ થયા હતા. બંનેએ તેમના ઉત્પાદનની રેન્જ વધારવાનો નિર્ણય લીધો હતો અને ટૂંક સમયમાં ફોટો ફ્રેમ અને કોસ્ટર્સ રજૂ કર્યા હતા. આ રીતે તેમના કળા પ્રત્યેના પ્રેમમાંથી ઘરેથી ચાલતા બિઝનેસની શરૂઆત થઈ હતી.

ડૉટ્સ ટૂ લાઇન્સ

સુનિલા અને અદિતિએ એમડીએફ સાથે શરૂઆત કરી હતી. અત્યારે તેઓ એમડીએફ અને ગ્લાસ તેમજ પેપર અને પેઇન્ટ સાથે કામ કરે છે. “અમે વિવિધ શહેરોમાંથી, ખાસ કરીને ચેન્નાઈ અને ગુડગાંવમાંથી કાચો માલ મંગાવીએ છીએ. હજુ અમને બેંગલુરુમાં ભરોસાપાત્ર સ્ત્રોત મળ્યો નથી, જે અમારી ડિઝાઇનને અને અમે જે ઇચ્છીએ છીએ તેને ન્યાય આપી શકે.”

image


તેઓ ઘરેથી કામ કરે છે, જેને તેઓ ‘આરામદાયક જગ્યા’ કહે છે અને ટીમમાં ફક્ત અદિતિ અને સુનિલા સામેલ છે. તેમને કુટુંબના સભ્યો, મિત્રો અને સંબંધીઓની ઘણી મદદ અને ટેકો મળે છે. તેમના અંગત સંબંધી કોટેશ્વર રાવ તેમને ઉત્પાદનોના બારીક ફિનિશિંગ અને તેમના માટે તમામ ડ્રિલિંગ કામ કરે છે.

તેઓ કહે છે, “અમારા ઉત્પાદનોની રેન્જ રૂ.150થી શરૂ થાય છે અને રૂ.1,500થી રૂ.2 હજાર સુધીની હોય છે. અમારી કીરિંગ્સ અને મેગ્નેટ્સ લોકોને આકર્ષે છે. તહેવારો અને લગ્નની સિઝનમાં અમારી ટ્રે અને કોસ્ટર્સ અમારા સૌથી વધુ વેચાતા ઉત્પાદનો છે.”

તેઓ ઝિંગોહબ, વર્લ્ડઆર્ટકમ્યુનિટી, વીસ્વદેશી, સેન્ડમાયગિફ્ટ વગેરે જેવી કેટલીક પોર્ટલ્સ પર હાજરી ધરાવે છે અને બેંગલુરુમાં કિત્શ મંડી અને અન્ય જેવા બજાર મારફતે ઓફલાઇન વેચાણ પણ કરે છે. તેઓ કોર્પોરેટ ઓર્ડર્સ પણ લે છે. તેમનો બિઝનેસ મંત્ર છે – ‘રચનાત્મક રીતે ડિઝાઇન કરેલી જીવંત હસ્તકળા.’ તેમને તેમના ગ્રાહકો પાસેથી પ્રેરક પ્રતિસાદ મળે છે.

એક ઉદ્યોગસાહસિક તરીકે અન્ય એક મોટો પડકાર છે. આ વિશે તેઓ કહે છે, “કામગીરીમાં બજાર કરતાં અલગ પડવું અને સતત નવીન ઉત્પાદનો રજૂ કરવા જરૂરી છે. અત્યારે ઘણા લોકો હસ્તકળા ઉત્પાદનો રજૂ કરે છે. ડિકૂપેજ (સર્ફેસ ડેકોરેશન) અતિ લોકપ્રિય ટેકનિક છે. એટલે સ્પર્ધામાં ટકવા અમારે સતત કશું ને કશું નવું અને ઉત્કૃષ્ટ કરતું રહેવું પડે છે. આ કારણે અમે વિવિધ ટેકનિકનું મિશ્રણ કરીએ છીએ. એક જ ટેકનિકનો ઉપયોગ કરવાનું ટાળીએ છીએ. તમારું કામ લોકો ધ્યાનમાં લે એ અન્ય એક પડકાર છે અને તમારી મહેનતનું પરિણામ પણ છે.”

image


પડકાર

આ માતા અને દિકરીની સખી જેવી જોડી ખભેખભો મેળવીને કામ કરે છે. તેમના જોડાણ અંગે અદિતિ કહે છે, “અરે, ખરેખર મજા આવે છે. મમ્મી અને મારી વચ્ચે હંમેશા બહેનપણી જેવો સંબંધ હતો અને હવે મારા કામનો બધો સમય તેની સાથે પસાર કરવાની મજા જ અનેરી છે. અમે સફળતા અને નિષ્ફળતાનો સ્વાદ એકસાથે ચાખ્યો છે, પણ તેમાંથી અમે ઘણું શીખ્યાં છીએ. તેના વિના એક પણ દિવસની કલ્પના કરવી મુશ્કેલ છે. તે વિચારતા ખરેખર ડર લાગે છે કે હું જીવનના એવા તબક્કામાં છું, જેમાં મારા લગ્ન થઈ શકે છે અને મારે તેનાથી દૂર થવું પડશે.”

વ્યક્તિગત રીતે જોઈએ તો અદિતિ સામે સૌથી મોટો પડકાર નોકરી છોડવાનો હતો, જેને તે પસંદ કરી હતી. વળી તેને પોતાની રીતે ચડઊતરનો સામનો કરવાનો અને નવી શરૂઆત કરવાનો હતો. અન્ય ઘણા ઉદ્યોગસાહસિકોની જેમ તેને પણ શરૂઆત કરવામાં થોડો ડર લાગતો હતો, સફળતા મળશે કે નહીં તેની ચિંતા હતી અને વ્યવસાય બરોબર ચાલશે તે અંગે શંકા હતી.

સુનિલા માટે, એક કલાક માટે પણ યોગ્ય બજારમાં સારી તક મળવાનો અને તેમના કામની નોંધ લેવાય તે અતિ જરૂરી છે અને આ એક મોટો પડકાર છે. તેઓ કહે છે, “શરૂઆતમાં તો પોતાના કામમાં વિશ્વાસ રાખવો અને તેને જાળવવો મોટો પડકાર હતો. પણ મારા માર્ગદર્શક લિસા કોલના માર્ગદર્શન હેઠળ ધીમે ધીમે મારો આત્મવિશ્વાસ વધ્યો હતો.”

image


પ્રેરણા

સુનિલા તેમના પરિવારજનો, ખાસ કરીને તેના ભાઇબહેનોની અત્યંત નજીક છે. થોડા સમય અગાઉ તેમના ભાઈનું અવસાન થયું હતું અને કુટુંબને મોટું નુકસાન થયું છે. પણ આપત્તિના સમયે બંનેને કુટુંબે સહારો આપ્યો છે અને વિપરિત પરિસ્થિતિઓનો હસતાં મોંઢે સામનો કરવાની શક્તિ આપી છે.

તેમને પ્રેરિત કરતી બીજી બાબતો વિશે અદિતિ કહે છે, “જ્યારે તમને ખબર હોય કે તમે તમારા પોતાના બૉસ છો અને તમે તમારા માટે જ કામ કરો છો ત્યારે તમારા કામ કરવાનો ઉત્સાહ બેવડાય છે.”

આગામી મહિનાઓમાં આ જોડી તેમના ઉત્પાદનની રેન્જ વધારવા અને તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા ભારતના સ્ટોર્સનો ઉપયોગ કરવા આતુર છે. તેઓ ઉત્સાહ સાથે કહે છે, “અમને વેડિંગ પ્લાનર્સ સાથે કામ કરવું અને લગ્ન માટે નવવધૂ અને વરરાજાના વસ્ત્રો ડિઝાઇન કરવું ગમશે. અમે અમારા ઉત્પાદનની રેન્જ વધારવા અને ફેબ્રિક્સને સામેલ કરવા પણ આતુર છીએ.”

Facebook Page

લેખક- તન્વી દુબે

અનુવાદક- કેયુર કોટક