દુકાળ જેવી ગંભીર સમસ્યાના નિવારણ માટે કચ્છના લોકોની પહેલ, 14 શાળા-સોસાયટીમાં રૂફ રેઇન વોટર હાર્વેસ્ટીંગ, યુવાનોને બનાવાયા 'ભૂજળ જાણકાર'

દુકાળ જેવી ગંભીર સમસ્યાના નિવારણ માટે કચ્છના લોકોની પહેલ, 14 શાળા-સોસાયટીમાં રૂફ રેઇન વોટર હાર્વેસ્ટીંગ, યુવાનોને બનાવાયા 'ભૂજળ જાણકાર'

Friday April 08, 2016,

5 min Read

પાણી..જેનો ન તો રંગ છે, ના સ્વાદ. છતાં જીવનનો મુખ્ય આધાર છે. પૃથ્વીના ત્રણ ભાગ પર પાણી છે છતાં પૃથ્વીવાસીઓને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે અને વિદ્વાનો તો એમ પણ કહે છેકે હવે જો ત્રીજું વિશ્વયુદ્વ ખેલાશે તો તે પણ પાણી માટે જ હશે. પાણીની આવકના સ્ત્રોત તો અનેક હતા અને છે પણ, વ્યક્તિએ કુદરતે આપણને વિનામૂલ્યે અને અઢળક વહેંચેલા પાણીની કિંમત ન કરી અને 21મી સદીનો સમય એવો આવી ગયો કે પાણી ખરીદીને પીવું પડે છે અને પાણી આપનારને ભગવાન માનતા થયા છે. પણ આ વાત તો એવી છે કે કુદરતે તમને વિનામૂલ્યે સ્વચ્છ હવા અને ઓક્સિજન આપી તેની તમને કદર ન થઇ, પણ હોસ્પિટલમાં મોંઘા ભાવે ઓક્સિજન આપતા ડૉક્ટરને આપણે પૃથ્વી પરનો ભગવાન માનીએ છે..વાત સામાન્ય સમજની છે. મોટા ઉપાડે ગ્લોબલ વોર્મિગને દોષ આપતા રહીશું તો શું બધી સમસ્યાના ઉકેલ આવી જશે. ના, તેનો એકમાત્ર વિકલ્પ ઘટતા જતા પાણીના સ્તરને જાળવીને પાણીની આવકમાં વધારો કરવો.

image


જો હજી પણ પાણીના મૂલ્યને નહીં સમજો તો આવનારો સમય વધુ કપરો બની રહેશે. જો જળને આપણે જીવન માનીને નહીં ચાલીએ તો આવનારા સમયમાં ‘જળ’ જ આપણું જીવન છીનવી લેશે. માટે હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને જળને અમૂલ્ય માનીને વેડફાડ અટકાવીને તેનું ભૂગર્ભ સ્તર ઉંચા લાવવામાં લાગી જઈએ તેમાં જ શાણપણ છે.

ગુજરાત રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હાલના સમયમાં પાણીની પુષ્કળ ખપ છે. તેમાં પણ કચ્છ અને ભુજ એવા વિસ્તારો છે જેની આસપાસ રણવિસ્તાર આવેલો છે અને ભૌગોલિક સ્થિતિ એવી છેકે વરસાદની આવક ખૂબ ઓછી છે. ત્યારે જે જળ સ્ત્રોત કુદરત તરફથી પ્રાપ્ત થયા છે તેને જો સાચવવામાં આવે તો આવનારા ભવિષ્યને પાણીની તકલીફ સહન ન કરવી પડે. તે માટે ભુજની એરીડ કોમ્યુનિટીઝ એન્ડ ટેક્નોલોજી (ACT) સંસ્થા લોકોમાં પાણી મુદ્દે જાગૃતિ લાવવાની સાથે કુદરતી જળસ્ત્રોતને કેવી રીતે સાચવવા અને કેવી રીતે રિચાર્જ કરવા જેવા વિષય પર કામ કરી રહી છે.

image


26 જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપે સમગ્ર ગુજરાતને સમગ્ર રીતે ઘમરોળી કરી દીધુ હતુ અને તેમાં ભુજે ખૂબ મોટી જાનહાનિ સહન કરી હતી. ત્યારબાદ એક તો ભુજને આ‌વી દુર્ઘટનામાંથી ઉભુ થવાનું હતુ અને બીજી તરફ પાણીની સમસ્યા પણ વિકટ હતી. જોશીલા ભુજવાસીઓમાં જોમ એટલું હતુ કે થોડા જ વર્ષોમાં પગભર થઇ રહ્યા હતા, પણ પાણી અંગે લોકોને જાગૃત કરવા અને જળસ્ત્રોતને સાચવવા હેતુસર 8 માર્ચ 2004ના વર્ષમાં એરીડ કોમ્યુનીટીઝ અને ટેક્નોલોજીની સ્થાપના કરવામાં આવી.

રીજનલ વોટર રિસર્ચ - પાણી મૂલ્યતા અને સાચવણી અંગે જાગરૂકતા ફેલાવવાનું કામ તેમાં થતું હતું. જેમાં લોકોને પાર્ટીસિપન્ટ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ વિશે સમજણ આપતા હતા, જેમાં ભૂગર્ભ જળ કેવી રીતે ઘટી રહ્યું છે, ભૂગર્ભમાં કેવા પ્રકારના ખડકોમાં પાણી સચવાતું હોય છે તે અંગે માહિતગાર કરતા હતા.

image


પાણીના કેચમેન્ટ વિશે સમજણ

જળસ્ત્રોત જેવા કે કૂવા, તળાવ, જળાશય, ડેમમાં પાણી જે રસ્તે થઇને આવતું હોય છે તેને કેચમેન્ટ કહેવામાં આવે છે. લોકોને ખાસ કરીને આ કેચમેન્ટ વિશે જાણકારી આપવામાં આવે છે જેના કારણે કેચમેન્ટને લોકો સ્વચ્છ અને દબાણ રહિત રાખે જેના કારણે વરસાદની સીઝનમાં પૂરતા પ્રમાણમાં પાણી કૂવા, તળાવો, જળાશયો અને જમીનમાં જાય જેથી પાણીનું સ્તર ઉંચે આવે.

પાણી બચાવવાના ઉપાય

- રૂફ રેઇન વોટર હાર્વેસ્ટીંગ : આ પ્રોજેક્ટ અંતર્ગત તમારા ઘર, શાળા અથવા ઓફિસમાં એક અંડરગ્રાઉન્ડ હોજ બનાવવાનો રહેશે, તેના કનેક્શન સાથે જ ધાબા પર પાઇપલાઇન ગોઠવવાની રહેશે જેનો બીજો ભાગ હોજમાં રાખવાનો રહેશે. પાઇપમાં વચ્ચે ફિલ્ટર ગોઠવેલું હોય છે જેના કારણે ચોમાસાની સીઝનમાં જેટલો પણ વરસાદ થશે તે તમામ પાણી એ પાઇપલાઇન દ્વારા ફિલ્ટર થઇને હોજમાં જશે. તેનાથી એકઠું થયેલું પાણી એટલું ચોખ્ખું હશે જેનો તમે પીવાના પાણી તરીકે પણ ઉપયોગ કરી શકશો, આ વરસાદનું પાણી શરીર માટે પણ ખૂબ સારું ગણવામાં આવે છે. માત્ર વિચાર કરો ચોમાસામાં વેડફાતા પાણીને તમે સંગ્રહ કરો તો કેટલું પાણી બચાવી શકો છો.

image


- ગ્રાઉન્ડ વોટર રિચાર્જ : જેમાં તમે ધાબાની સાથે ઘરના ચોગાનની લાઇનને જમીનમાં ઉતારો જેના કારણે વરસાદ અને તમારાથી વેડફાતું ચોખ્ખુ પાણી પાઇપ જમીનમાં ઉતારશે. આ પાણી જમીનમાં ઉતરવાના કારણે ભૂગર્ભ જળનું સ્તર પણ ઉંચુ આવશે અને પાણીની ગુણવત્તા પણ સુધરશે.

- લેક રિનોવેશન: લેક રિનોવેશનમાં તમારે તળાવનું રંગરોગાન નથી કરવાનું પણ તમારે તળાવના કેચમેન્ટ શોધવાના છે અને દબાણો દૂર કરીને તળાવમાં આવતા વરસાદના પાણીને આવવાના માર્ગ કરવાના છે, જેના કારણે સારા પ્રમાણમાં પાણી તળાવમાં રહી શકે અને પાણી જમીન પર રહેવાના કારણે ભૂગર્ભનું સ્તર પણ ઉપર આવે.

- જૂના સ્ત્રોતને ફરી શરૂ કરવા, રિચાર્જ કરવા : શહેર અથવા ગામમાં સૂકાઇ ગયેલા અથવાતો વર્ષોથી બંધ પડેલા કૂવા, નાળા, તળાવ, બોરવેલ જેવા સ્ત્રોતને ફરી શરૂ કરી શકાય છે, જો બંધ પડેલા સ્ત્રોતના કેચમેન્ટ શોધીને અને દબાણો દૂર કરીને તેના પ્રવાહના માર્ગ શોધીને જૂના સ્ત્રોતને ફરી શરૂ અથવા રિચાર્જ કરી શકાય.

image


ACT દ્વારા જળને જીવન બનાવવા કરાતી મહેનત

ACT દ્વારા ભુજ સિવાય કચ્છ, ઉત્તર - દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પાણીના મુદ્દે કામ કરવામાં આવે છે, સંસ્થા હાલ સુધીમાં વોટર પ્રોજેક્ટસ તો કરે છે સાથે માત્ર ભુજમાં જ 14 જેટલી શાળાઓ-સોસાયટીઓમાં રૂફ રેઇન વોટર હાર્વેસ્ટીંગ અને લેક રિનોવેશન કરી લોકોમાં પાણી અંગે જાગૃતિ લાવી સમાજમાં મોટું યોગદાન આપ્યું છે. સંસ્થા દ્વારા 70 બાળકોની સમિતિ બનાવવામાં આવી છે. જેમાં બા‌ળકોને પાણી અંગે જાગૃતિ કેળવવાની સાથે સારા અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

image


સંસ્થા બીજા રાજ્યોમાં પાણી અંગેના રિસર્ચ અને જળસ્ત્રોત સાચવવા અને સ્તર વધારવાના પોતાના જ્ઞાન મુજબની સમજણ સ્થાનિકો સાથે વહેંચવામાં આવે છે, અને સ્થાનિક સંસ્થા સાથે મળીને જરૂરી પ્રોજેક્ટસ પર કામ પણ કરવામાં આવે છે. બહુ ભણેલા ન હોય છતાં કામ કરવામાં ખંતીલા હોય તેવા યુવાનોને વોટર રિસર્ચ અંગેની તાલીમ આપીને ‘ભૂજળ જાણકાર’ બનાવવામાં આવે છે, જેના પ્રતાપે તે જાણકારો પોતાના વિસ્તારમાં પોતાની સમસ્યાનો ઉકેલ ખૂદ લાવી શકે.

image


હાલમાં સંસ્થા દ્વારા સ્થાનિક તંત્ર સાથે મળીને અમૃતમ યોજના અંતર્ગત ભુજના સ્ટોર્મ વોટરનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પ્લાનિંગ કરીને સમગ્ર ભુજને પાણી મળી રહે અને ભૂગર્ભજળના સ્તર ઉંચા આવે તે દિશામાં આગળ વધી રહ્યા છે.

image


વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.