મોતની ધમકીઓ મળી છતાં આ કચ્છી માડુ માછીમારોના હક્કો માટે લડી રહ્યો છે!

મોતની ધમકીઓ મળી છતાં આ કચ્છી માડુ માછીમારોના હક્કો માટે લડી રહ્યો છે!

Friday December 04, 2015,

4 min Read

તે પીએચડીની ડિગ્રી ધરાવે છે પરંતુ પોતાની જાતને આંદોલનકારી કહેવડાવાનું પસંદ કરે છે. તે ઇચ્છત તો સારી નોકરી કરી શકત પરંતુ તે એવા માછીમારો માટે લડી રહ્યો છે કે જેમને કોઈ સાંભળતું નથી. તેનાં આંદોલનનાં પરિણામે જ સરકારે કિનારે રહેતા માછીમારો અંગેની નીતિઓમાં ફેરફારો કરવા પડ્યા હતા. આજે ગુજરાતના કચ્છ જિલ્લામાં રહેતા ભરત પટેલ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ માછીમારો માટે લડીને પણ તેમના વિકાસમાં મદદરૂપ થઈ રહ્યા છે.

image


ભરત પટેલે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેમણે કચ્છ નવનિર્માણ અભિયાનમાં થોડો સમય સુધી નોકરી કરી. આ દરમિયાન તેમણે જોયું કે કચ્છનો દરિયાકાંઠાનો વિસ્તાર ખાસ કરીને કચ્છનો ભદ્રેસર (ભદ્રેશ્વર) વિસ્તાર ઔદ્યોગિક વિસ્તારમાં બદલાઈ રહ્યો છે. અહીં માછીમારોનો એક મોટો સમાજ રહે છે. જ્યારે તેમણે ત્યાં જઈને જોયું તો તેમને લાગ્યું કે માછીમારોનો આ સમાજ અન્ય સમાજથી એકદમ અલિપ્ત થયેલો છે. ત્યાં માછીમારો પાસે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી. આ લોકો શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી સુવિધાઓથી વંચિત હતા. બીજી વાત એ હતી કે આ માછીમારો અહીં ઘણા સમયથી રહેતા હતા તેમ છતાં સરકારી દસ્તાવેજોમાં તેમનાં નામો ક્યાંય નહોતાં. તેવામાં કોઈ પણ ઉદ્યોગો અહીં આવીને માછીમારોને હડસેલી મૂકતા હતા.

image


એટલું જ નહીં કેન્દ્ર સરકારે વર્ષ 2002માં એવી જાહેરાત કરી હતી કે મુંદ્રાથી માંડીને કંડલા સુધીના પટ્ટાને ઔદ્યોગિક પટ્ટો જાહેર કરવામાં આવશે. સરકારની આ યોજનાને કારણે માછીમારોમાં ગભરાટ ફેલાઈ ગયો. કારણ કે જે વિસ્તારોમાં રહીને માછીમારો પોતાનું ગુજરાન ચલાવતા હતા તે સરકારી ચોપડે ખાલી હતી. એટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવાનો અર્થ હતો પર્યાવરણને નુકસાન. તેના કારણે તેમને બેવડો માર પડતો હતો. આ જોઈને ભરત પટેલે માછીમારોને એકત્રિત કરવાનું શરૂ કર્યું. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે અનેક વખત પ્રયાસો કરવામાં આવ્યા. તેમ છતાં તેમને વધારે સફળતા ન મળી. ત્યારબાદ એક મોટા ઉદ્યોગ જૂથે કચ્છના તે જ વિસ્તારમાં લગભગ 2 કિ.મી લાંબા દરિયાકાંઠાના વિસ્તારમાં પોતાનું વીજ એકમ સ્થાપ્યું. તેના કારણે અહીંના શેખરિયા નામનાં એક ગામનો રસ્તો બંધ થઈ ગયો. જેના કારણે લોકોએ સળંગ 32 દિવસ સુધી બ્લોક મેજિસ્ટ્રેટ સામે દેખાવો યોજ્યા. ઉપરાંત બે મોટી રેલીઓ કાઢી. ત્યારબાદ સ્થાનિક વહીવટી તંત્ર જાગ્યું અને આશ્વાસન આપ્યું કે આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે.

image


આ ઉપરાંત અહીં વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 60 કિ.મીના દરિયાકાંઠા વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ લાવવા અંગેની યોજના ઉપર કામ શરૂ કરવામાં આવ્યું. તેનો સ્થાનિક સ્તરે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ સામે લોકોએ કોર્ટનાં દ્વાર પણ ખખડાવ્યાં. ત્યારબાદ આ યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા. કંપનીએ એ વાતની ખાતરી આપવી પડી કે તે દરિયાનાં પાણીનો ઉપયોગ નહીં કરે. તેના કારણે પર્યાવરણ સલામત રહેશે તેટલું જ નહીં પરંતુ માછીમારોની આજીવિકા પણ જોખમાશે નહીં. ભરત પટેલનાં આંદોલનને કારણે સરકારે પોતાની અનેક નીતિમાં બદલાવ કરવા પડ્યા છે. જેમ કે પાવર પ્રોજેક્ટે પોતાના પ્રોજેક્ટ માટે નવેસરથી મંજૂરી લેવી પડશે. અગાઉ કોઈ પણ જૂના પાવર પ્રોજેક્ટ થોડા ફેરફારો સાથે પોતાનું વિસ્તરણ કરી શકતો હતો.

image


આવી રીતે વધુ એક મોટા ઉદ્યોગ જૂથને મુંદ્રામાં પાવર પ્રોજેક્ટ માટે પર્યાવરણ અંગેની મંજૂરી મળી. તેમાં એવી શરત રાખવામાં આવી કે તે પોતાના ઉદ્યોગ માટે જે સમુદ્રાના પાણીનો ઉપયોગ કરશે તેમાંથી વધેલાં પાણીને દરિયામાં છોડવાને બદલે ફરીથી તેનો ઉપયોગ કરવાનો રહેશે. પરંતુ ઉદ્યોગ જૂથે તેમ ન કર્યું તેના કારણે દરિયા કિનારાના પર્યાવરણને નુકસાન થવા લાગ્યું. આ ઉપરાંત તેઓ ઓપન સાયકલ કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં હતાં. તેમાં પાણીનો ઉપયોગ 10 ગણો વધારે થતો હતો અને પર્યાવરણને પણ નુકસાન થતું હતું. ઓપન સાયકલ કૂલિંગ સિસ્ટમમાં પાણીનો ઉપયોગ બોઇલરને ઠંડુ કરવા માટે કરવામાં આવે છે. તેના કારણે તે પાણીનું તાપમાન 60 ડિગ્રી સુધી વધી જાય છે. તેને પાછું દરિયામાં છોડી દેવામાં આવે છે. સમુદ્રમાં પાણીનું તાપમાન 30 ડિગ્રી કરતાં પણ વધી જાય તો તેમાં રહેલા દરિયાઈ જીવો મરી જાય છે અથવા તો તે જગ્યાએથી જતા રહે છે. આટલું જ નહીં ઓપન સાયકલ કૂલિંગ સિસ્ટમ માટે દર કલાકે 6000 લાખ લિટર પાણીની જરૂર પડે છે. ત્યારબાદ તેમણે આ અંગેની ફરીયાદ વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્કને કરી. તેની તપાસ થતાં સત્ય બહાર આવ્યું. તેના કારણે પર્યાવરણ જ નહીં પરંતુ તે વિસ્તારમાં રહેતા માછીમારો પણ અસરગ્રસ્ત થતા હતા. ત્યાર પછી તેમનો આ સંઘર્ષ હજી સુધી ચાલી રહ્યો છે.


image


કચ્છના દરિયાકાંઠે રહેતા માછીમારોને શિક્ષિત કરવા માટે ભરત પટેલે માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠન ટ્રેડ યુનિયન બનાવ્યું છે. આ યુનિયનમાં લગભગ 400 કિ.મી. લાંબા કચ્છના દરિયાકાંઠે રહેનારા માછીમારોનો સમાવેશ થાય છે. ભરતને તેના કામને કારણે ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. તેમના ઉપર ઘણી વખત માછીમારોને ઉશ્કેરવાનો આરોપ પણ લગાવવામાં આવે છે. તેમ છતાં પણ ભરત જણાવે છે કે કચ્છના દરિયાકાંઠે રહેતા મોટાભાગના માછીમારો પોતાના હક્ક માટે લડવાનું શીખી ગયા છે. તેઓ માછીમારોને કાયદાની બારીકાઈઓ શીખવાડે છે એટલું જ નહીં પરંતુ તેમની કાયદાકીય મદદ પણ કરે છે. તેઓ તેમને સમજાવે છે કે આરટીઆઈનો ઉપયોગ કરીને કેવી રીતે તેઓ માહિતી મેળવી શકે છે. અત્યાર સુધી તેમણે માછીમારોને એટલી માહિતી આપી દીધી છે કે તેમનું કહેવું છે કે કાલે હું અહીંથી જતો પણ રહું તો પણ આ વિસ્તારના લોકોને ખબર છે કે પોતાની લડાઈ કેવી રીતે લડી શકાય છે.

લેખક- હરિશ બિશ્ત

અનુવાદક- મનીષા જોશી

સંઘર્ષને લગતી અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો: