બાળકોને કુદરતની ઓળખ કરાવવા અમ્રિતા કનવાલે ગાંધીનગરમાં બનાવ્યો 6 એકરનો માળો 'kuku's nest'

બાળકોને કુદરતની ઓળખ કરાવવા અમ્રિતા કનવાલે ગાંધીનગરમાં બનાવ્યો 6 એકરનો માળો 'kuku's nest'

Tuesday April 26, 2016,

6 min Read

આજે વાત કરીએ બાળકોની આઝાદીની. તમને લાગશે કે બાળકોની શું આઝાદી હોય, બાળપણ તો આઝાદ પંખી જેવું હોય, પણ એ સમય અલગ હતો જ્યારે બાળક ઘરની બહાર રમવા જતો હતો. આજનું બાળક તો રમે પણ ઘરમાં અને તે પણ ટેબલેટ કે લેપટોપ સાથે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે માતા-પિતા જાતે પણ બાળકોને બહાર જતા રોકે છે. બહાર રમવાની વાત તો દૂર રહી, બા‌ળકના આખા દિવસનું ટાઇમટેબલ પણ વાલીઓ બનાવે છે અને બધું નક્કી પણ તે જ કરે છે કે.. બાળક શું રમશે? શું ખાશે? કેવું મ્યુઝિક સાંભળશે અને કયા પ્રકારનું મ્યુઝિક શીખશે? ટીવીમાં જોશે તો શું જોશે? પોતાનું ભવિષ્ય કઇ ફિલ્ડમાં બનાવશે? હવે તમે વિચારો કે આખી આ પરિસ્થિતિમાં બાળકની આઝાદી ક્યાં છે. આવા જ બાળકોના આઝાદીના વિચાર સાથે ગાંધીનગરની અમ્રિતાએ બાળકો કુદરત સાથે જોડાયેલા થાય તે માટે ‘કુકુઝ નેસ્ટ’ નામનો નાનકડો કેમ્પ ઝોન પોતાના જ ઘરમાં બનાવ્યો છે.

image


હિમાચલ પ્રદેશમાં શાળાનું ભણતર પૂરૂ કરી ઓસ્ટ્રેલિયામાં બી.એનો અભ્યાસ કરીને પરત ફરેલી અમ્રિતા કનવાલને અમદાવાદમાં હ્યુમન રિસોર્સ માટે એક કંપનીમાં નોકરી મળી હતી, જોકે એક જ પ્રકારની કંટાળાજનક જોબ કરવી પસંદ ન પડતા અમ્રિતાએ અમદાવાદની રિવરસાઇડ સ્કૂલમાં શિક્ષક તરીકેની પોતાની નવી ઇનિંગ શરૂ કરી. આ શિક્ષક તરીકેના ગાળા દરમિયાન અમ્રિતાને બાળકો સાથે રહેવું, વિવિધ પ્રવૃત્તિઓ કરવી પસંદ પડી ગઈ હતી.

image



અમ્રિતા અને તેમનો પરિવાર ગાંધીનગરના કોબા સર્કલ પાસે રહે છે, જ્યાં 6 એકરના વિસ્તારમાં તેમને સરસ પ્લાન્ટેશન કર્યું છે અને કુદરતને સતત પોતાની પાસે રાખે છે.

kuku's nestના ફાઉન્ડર અમ્રિતા કનવાલ 

kuku's nestના ફાઉન્ડર અમ્રિતા કનવાલ 


આ પ્રકારનું કુદરતી વાતાવરણ માણતા અમ્રિતાને એક વખત એવો વિચાર આવ્યો કે જે કુદરતી વાતાવરણ મને મળ્યું છે તે વાતાવરણ અને કુદરતને બાળકોમાં પણ વહેંચું અને તે પણ આ સુંદરતાને માણી શકે તેમજ આઝાદ વિચારોને પોતાના અંતરમાં ખીલવી શકે. અમ્રિતાએ પોતાનો આ વિચાર માતા-પિતા આગળ રમતો મૂક્યો અને તેમના માતા-પિતાએ પણ હા પડવામાં પળવારનો વિચાર ન કર્યો. અને આ વાતચીત દરમિયાન જ અમ્રિતાએ પોતાના પિતાનો ચહેરો જોતાં જ કેમ્પનું નામ બોલી પડ્યા જે હતું ‘કુકુઝ નેસ્ટ’.

image


આ નામ રાખવા પાછળ નું કારણ એક તો કુદરતી વાતાવરણ હતું સાથે ‘કુકુ’ તેના પિતાનું હુલામણું નામ અને સાથે પક્ષીનું નામ પણ હતું. નેસ્ટ એટલે આ તેના પિતાનો માળો (ઘર) હતું માટે આ નામ પર પસંદગી ઉતારવામાં આવી. આ આખા કેમ્પની દેખભાળ રાખવામાં અમ્રિતાને તેના પેરેન્ટસ ખૂબ મદદ કરે છે.

image


kuku’s nestમાં થતી પ્રવૃત્તિઓ અને ફી

અમ્રિતા કનવાલે 22 ઓગસ્ટ, 2014ના રોજ કોબા સર્કલ પાસે આવેલા પોતાના 6 એકર ઘરમાં જ ‘કુકુસ નેસ્ટ’ કેમ્પની શરૂઆત કરી હતી, જેમાં તે બાળકોને ભણતર સાથે ગણતર, નર્ચર ધ નેચર એટલે કે કુદરતની સંભાળ, ગેમ્સ, સામાજિક માનવતા કાર્યોના વિચાર, આદર-માન, વૃક્ષો-પ્રાણી-પક્ષી પૃથ્વી કેટલા જરૂરી અને તેની સંભાળ, ટીમ સ્પીરીટ વગેરે જેવી બાબતોનું સિંચન કરે છે.

કુકુઝ નેસ્ટમાં ઘણીવાર બાળકો માત્ર કેમ્પમાં પણ આવતા હોય છે. આ નાઇટ સ્ટેના કેમ્પમાં બાળકોને સવારના દૂધ-નાસ્તાથી લઇને જમવાનું અને રહેવા માટે એ.સી રૂમની સેવા આપવામાં આવે છે. ઘણી વાર સ્કૂલ્સ પણ પોતાના વિદ્યાર્થીઓને કેમ્પમાં મોકલે છે, જેની ફી સ્કૂલ પાસેથી લેવામાં આવે છે. જોકે સ્કૂલમાંથી આવતા વિદ્યાર્થી સાથે તેમના એક ટીચર પણ સાથે આવતા હોય છે. સામાન્ય રીતે માત્ર એક દિવસના નેચર કેમ્પમાં આવતા બાળકો પાસેથી ફી લેવામાં આવતી નથી અને તેમને માત્ર નેચરની સમજણ આપી શકાય તેવા આત્મસંતોષના વિચારથી વિનામૂલ્યે કેમ્પ કરાવાતો હોય છે. સામાન્ય રીતે એક બેચમાં 20 બાળકો હોય છે પણ સ્કૂલ બેચ હોય તો તેમાં 35 બા‌‌ળકો પણ આવતા હોય છે.

ફાઉન્ડર અમ્રિતા વિશે...

અમ્રિતાએ શિક્ષક તરીકે કામ કર્યા પછી પોતાની ઇચ્છાના પથ પર ચાલવાનું વિચાર્યું અને કુકુસ નેસ્ટની શરૂઆત કરી. આજે આખા કેમ્પની જવાબદારી અમ્રિતા એકલા હાથે ઉપાડે છે. જેમાં બાળકોને કેવી સગવડતા આપવી, કેવી પ્રવૃત્તિઓ શીખવવી તમામ કાર્યોનું ડિઝાઇનિંગ અમ્રિતાએ પોતે કર્યું છે.

અમ્રિતા બાળકોની સમજણ કેળવવા અને આવનારા સમયમાં બાળકોને કેવા પ્રકારનું શિક્ષણ જોઇશે તેના માટે વિવિધ શાળાઓની મુલાકાત લે છે. અમ્રિતાએ હોંગકોંગ જઇને પણ બા‌ળકોના ભણતર અંગે સમજણ કે‌ળવી છે કે કેવા પ્રકારનું ભણતર અને વાતાવરણ બાળકોને આવનારા સમયમાં જોઇશે. હાલ અમ્રિતા ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલમાં કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલી છે, સાથે જ સ્કૂલ્સ દ્વારા થતી ડિઝાઇન ફોર ચેન્જ એક્ટીવવિટીઝમાં પણ સંકળાયેલી છે. પણ આજના સમયમાં અમ્રિતાને જ્યાં બાળકોના ઘડતરમાં ખાલી જગ્યા લાગી, તે પૂર્વ આ પ્રવુંત્તિની શરૂઆત કરી.

kuku’s nestમાં બાળકોનું ટાઇમ ટેબલ

કેમ્પની શરૂઆતમાં સવારના સમયે બાળકોને નાસ્તો અને ફ્રૂટ જ્યુસ આપવામાં આવે છે, ત્યારબાદ અમ્રિતા બાળકોને 6 એકરની કેમ્પની વિઝિટ કરાવીને કેવા પ્રકારના કુદરતી વાતાવરણમાં દિવસ દરમિયાન તેઓ પ્રવૃત્તિઓ કરવાના છે, સાથે જ કુદરતી સંપત્તિ અંગેની સમજણ આપવામાં આવે છે. ત્યારબાદ સવારની તાજગીમાં બાળકોને ટ્રેઝર હન્ટ ગેમ રમાડવામાં આવે છે, જેમાં તમામને પાંચ-પાંચની ટીમમાં વહેંચી દેવામાં આવે છે, જેના કારણે તેમને એકતાનું મહત્વ સમજાવી શકાય. ગેમ બાદ બપોર થતાં જ બાળકોને જમવાનું આપવામાં આવે છે.

થોડા સમય પછી તેમને બામ્બુ એક્સપર્ટ દ્વારા બામ્બુમાંથી વસ્તુઓ બનાવવાની ટ્રેઈનિંગ આપવામાં આવે છે, જેમાં બાળકોને બામ્બુમાંથી જુદી-જુદી કેટલી વસ્તુ બની શકે અને કેવી રીતે બને તે તેમને શીખવવામાં આવે છે. આ શીખવવા પાછળનું કારણ તેમને એ સમજાવવાનું છેકે જીવન જરૂરિયાતની તમામ વસ્તુ કુદરત આપણને આપે છે, જેની આપણે કદર કરવી જોઇએ. આ બામ્બુ વર્કશોપ માટે કોબા સર્કલ પાસે સ્લમ વિસ્તારમાં રહેતા બામ્બુવર્ક કરતી વ્યક્તિને બોલાવવામાં આવે છે, જેના કારણે જરૂરિયાતમંદને રોજગારી પણ મળી શકે. બામ્બુ સાથે કારીગરી કર્યા બાદ બાળકોને પાણી સાથે મસ્તી કરવા ખુલ્લામાં રમવાની છૂટ આપવામાં આવે છે.

મડ મેકિંગ: બાળકોને મડ મેકિંગ એટલે કે માટીમાંથી બનતી વસ્તુ કેવી રીતે બને આખી પ્રક્રિયા તેમને ખુદ કરાવવામાં આવે છે, જેમાં બાળકો નાની કુહાડી અને પાવડા લઇને ખાડો ખોદે અને થોડી માટી એકઠી કરીને તેને ચાળણીમાં ચાળે છે જેના કારણે કોઇ કચરો રહી ન જાય. બાદમાં તેને પાણી અને ખાતર સાથે મીક્ષ કરીને માટીના વાસણો અને તેમના મનમાં જે પણ પ્રકારની ડિઝાઇન હોય તે બનાવવા દેવામાં આવે છે.

તમામ આઉટડોર પ્રવૃત્તિઓ પૂર્ણ કરીને બાળકોને ઇનડોર એક્ટિવિટીઝ માટે અંદર લઇ જવામાં આવે છે, જ્યાં તેમની સાથે દિવસ દરમિયાન કરેલા કાર્યોની ચર્ચા કરવામાં આવે છે અને તેમનું શું કરવામાં વધારે મજા આવી અને શું કાર્ય કરવું ન ગમ્યું તેનો વાર્તાલાપ કરવામાં આવે છે. જ્યાં બાળકોને નેચર અને નર્ચર વિશે સમજાવવામાં આવે છે.

પોતાની આ અનોખી પહેલ વિશે અમ્રિતા કહે છે,

“મારી આ પ્રવૃત્તિ દ્વારા હું સતત એવો પ્રયાસ કરું છું કે દરેક બાળકને કુદરત સાથે જોડી તેમની વિચારસરણી ખીલવતી રહું. સાથે જ નાની નાની વસ્તુ માટે પણ સામેવાળી વ્યક્તિનો આભાર કેવી રીતે પ્રગટ કરવો અને માન કેવી રીતે આપવું તેની સમજણ પણ આપું છું. તો ઘણી વખત બાળકોને નર્મદાના કિનારે નાઇટવોક પર લઇ જઉં છું જ્યાં બાળકો ખુલ્લા આકાશ નીચે થોડી વાતચીત કર્યા બાદ કુકુસ નેસ્ટમાં પરત આવીએ છીએ, જ્યાં ડાન્સ કરીને અમારો દિવસ પૂર્ણ કરીએ છીએ.” 
image


 બીજા દિવસે સવારે બાળકોને 3 કિ.મીની શારિરીક કસોટીની રમત રમાડવામાં આવે છે. બાદમાં તેમને મધપૂડાની ડિઝાઇન અને તેમાં થતાં મધના પ્રોડક્શનની સમજણ આપવામાં આવે છે સાથે જ મધમાખી પોતાના ઘરની કેવી રીતે રક્ષા કરે છે અંગે જાણકારી પાય છે. કુદરત પાસેથી આપણે કેવી ડિઝાઇન શીખી છે અને તેમાંથી નવી ડિઝાઇન કેવી બનાવી છે તે અંગે રસપ્રદ ચર્ચા કરવામાં આવે છે અને નેચર સાથે આપણે કેવી અને કેટલી રીતે જોડાયેલા છે તેનાથી અવગત કરાવવામાં આવે છે.

image


આ પ્રકારની અનોખી પહેલ વિશે માહિતી મેળવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ આ સ્ટોરીઝ વાંચો:

'નચિકેતા': એક એવી સ્કૂલ જ્યાં એડમિશન લેતાની સાથે જ બાળકને અપાય છે તુલસીનો છોડ!

અમદાવાદમાં રહેતો ૧૪ વર્ષનો હર્ષવર્ધન છે એક ટેક કંપનીનો CEO! 

18 વર્ષથી નાના એડિટર અને રિપોર્ટર્સ, આ છે 'બાલકનામા' ન્યૂઝપેપરની કહાની