જાહેરાતો મારફત ‘માર્કેટિંગ’ અને ‘સેલ્સ’ને પહેલાં કરતાં સુધારવા હોય તો ‘સિલ્વર પુશ’ વિશે જાણો

0

ઇન્ટરનેટે દુનિયાભરમાં ક્રાંતિ લાવી દીધી છે. વેબસાઈટ, ઇ-કોમર્સ, ફેસબૂક, ટ્વિટર, યૂટ્યૂબ વગેરેએ દરેક પર પોતાની આગવી છાપ છોડી છે. તેવામાં એક સવાલ સતત ઉઠતો રહે છે કે શું ટીવીનો સમય સમાપ્ત થવાનો છે અને બધુ જ ઇન્ટરનેટ અને યૂટ્યૂબમાં સમેટાઇ જવાનું છે? સવાલ મહત્વપૂર્ણ પણ છે. જોકે ટીવીનું પોતાનું મહત્વ છે અને તેનું અસ્તિત્વ આટલી જલ્દી સમાપ્ત થાય તેમ લાગતુ નથી. FICCIઅનુસાર ૨૦૧૫માં ટેલીવિઝન જાહેરાતોનું બજાર રૂપિયા ૧૭,૪૬૦ કરોડ સુધી રહેવાનું અનુમાન છે, જે વર્ષ ૨૦૧૯ સુધી ૨૯,૯૧૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. સ્પષ્ટ છે કે જે શક્તિ વિઝ્યુઅલ મીડિયામાં છે તેની તુલના હજુ પણ કોઇની સાથે કરી શકાય તેમ નથી. બીજું કારણ આ પણ છે કે ટીવી દૂરદૂરના વિસ્તારોમાં હજુ પણ પોતાની પહોંચ બનાવીને બેઠું છે જ્યાં ઇન્ટરનેટને પહોંચવામાં હજુ પણ સમય લાગશે. અમે તમારી સાથે ટીવી અને તેની પર દેખાડવામાં આવતી જાહેરાતોની દુનિયા અને તેના બજાર વિશે એક ખાસ કારણથી વાત કરી રહ્યા છીએ. કારણ કે અહીં વાત છે ટીવી ક્ષેત્રે જાહેરાતોની દુનિયામાં એક એવા ‘પુશ’ની જે ખરેખર ‘સિલ્વર’ છે. ટીવી ભલે રૂપેરી પરદાની જેમ ના હોય પણ એક વાત તો નક્કી છે કે આજે તેની શક્તિ સિલ્વર સ્ક્રીન કરતા જરાય ઓછી નથી.

સિલ્વર પુશ

‘સિલ્વર પુશ’ એક એવો ‘પુશ’ જે કોઇ પણ કંપનીની કિસ્મતને ચમકાવી દે, એક એવી સંસ્થા જે બીજી કંપનીઓનાં માર્કેટિંગ અને સેલ્સને પહેલા કરતા વધારે સારુ કરવામાં મદદગાર છે. દુનિયાભરની કંપનીઓ ‘સિલ્વર પુશ’નો ઉપયોગ કરીને ગ્રાહકોના મન મિજાજને સમજી શકે છે અને તે હિસાબે જ પોતાની કંપનીના ટર્નઓવરને વધારવા માટે જરૂરી પગલા ઉઠાવી શકે છે. હકીકતમાં ‘સિલ્વર પુશ’ ટેલીવિઝન પર દેખાડવામાં આવતી જાહેરાતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને મોબાઈલ મારફત આંકડા એકત્ર કરે છે કે કઇ જાહેરાતની લોકો પર અસર પડી હતી અને તે કેટલી પડી હતી. સીધા શબ્દોમાં કહીએ તો સિલ્વર પુશ ગ્રાહકો અને જાહેરાત વચ્ચે મોબાઇલ મારફત એક સેતુનું કામ કરે છે અને તે આ જણાવવામાં સક્ષમ છે કે કઇ જાહેરાતની કેટલી અસર થઇ છે.

સિલ્વર પુશનો પ્રારંભ

‘સિલ્વર પુશ’નો પ્રારંભ હિતેશ ચાવલા અને મુદિત શેઠે સાથે મળીને કર્યો હતો, YourStory સાથે વાતચીત દરમિયાન તેના કો-ફાઉન્ડર હિતેશ ચાવલાએ જણાવ્યું હતું કે ‘‘અમે કાંઇ અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. સતત પ્રયત્ન કરી રહ્યા હતાં કે કાંઇ નવું કરવામાં આવે. ત્યારે જ આઇડિયા આવ્યો કે ટેલીવિઝનની જાહેરાતોના આંકડા અને તેનાથી ગ્રાહકોને થતી અસરો વિશે કાંઇ કેમ કરવામાં ના આવે. ટેલીવિઝનની જાહેરાતોની ગ્રાહકો પર કેવી અસર પડે છે, તે દિશામાં કામ કરવામાં આવે. લગભગ ત્રણ વર્ષ પહેલા ઓક્ટોબર ૨૦૧૨માં અમે ‘સિલ્વર પુશ’નો પ્રારંભ કર્યો હતો.’’

હિતેશે YourStoryને જણાવ્યુ કે, ‘‘૨૦૦૪માં આઈઆઈટી દિલ્હીથી ડીગ્રી મેળવ્યા અલગ-અલગ જગ્યાઓ પર કામ કર્યુ હતું અને તે પછી ૨૦૧૧માં ‘વાઇઝઆસિસ્ટ’ નામની એક કંપનીની શરૂઆત કરી. તે દરમિયાન એક પ્રોડક્ટ ‘વાઇઝટચ’ પણ બનાવી હતી, જે આઉટડોર મીડિયા સ્ક્રીન અને ટેબ્લેટ્સ માટે સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મનું કામ કરતી હતી. આ દરમિયાન જ સિલ્વર પુશનો આઇડિયા આવ્યો હતો. હિતેશનું આમ પણ કહેવુ હતું કે, ‘‘હકીકતમાં અમને એમ લાગ્યું હતું કે કોઇ એવું કામ કરીએ જેમાં સામાન્ય લોકોને જોડવામાં આવે અને બજારનું પણ ધ્યાન રાખવામાં આવે. ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં પૈસા ઘણા હોવાથી તેમાં નવું કરવા માટે ઘણુ બધુ હતું અને તેથી જ અમે તે દિશામાં કામ શરુ કર્યુ હતું.”

સિલ્વર પુશમાં રોકાણ

સિલ્વર પુશનો દાવો છે કે સ્માર્ટફોન અને ૬-૭ એપ્લિકેશન્સ મારફત તેમણે અત્યાર સુધીમાં ગ્રાહકો સુધી પોતાની પહોંચ બનાવી છે. જ્યાં સુધી મૂડીરોકાણનો સવાલ છે તો સિલ્વર પુશના સંસ્થાપકોએ શરૂઆતમાં પોતાના ખિસ્સામાંથી પૈસા લગાવવા પડ્યા હતા. પછી ધીમે-ધીમે તેમની પહોંચ રોકાણકારો સુધી થવા લાગી હતી. અને જોત-જોતામાં જ તેમનો આઇડિયા રોકાણકારોને તેમના તરફ ખેંચવા લાગ્યો હતો. ફિલ્મ નિર્માતા અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારા રોની સ્ક્રૂવાલાની કંપની યૂનીલેઝરે સિલ્વર પુશમાં રોકાણ કર્યુ છે. તે ઉપરાંત આઈડીજી વેન્ચર, ૫૦૦ સ્ટાર્ટઅપ્સે પણ સિલ્વર પુશમાં રોકાણ કર્યુ છે.

જાહેરાતની કંપનીઓનાં આંકડા

YourStory સાથેની વાતચીતમાં સિલ્વર પુશના સહ-સંસ્થાપક હિતેશ ચાવલાએ કહ્યું હતું કે આંકડા એકત્ર કરવાનું કામ એકદમ ઓર્ગેનાઇઝ રીતે કરવામાં આવે છે. જો એડર્વટાઇઝિંગ કંપનીઓને જરૂર હોય તો ‘સિલ્વર પુશ’ તેમને રોજિંદા ધોરણે પણ આંકડા પૂરા પાડે છે. આ આંકડાઓની સત્યતા જ સિલ્વર પુશની સૌથી મોટી મૂડી છે અને તે જ કારણ છે કે આજે દરેક મોટી બ્રાન્ડ કે એડર્વટાઇઝિંગ કંપનીઓ સિલ્વર પુશ સાથે જોડાયેલી છે. આંકડાઓ એકત્ર કરવાનું કામ ખૂબ જ સાવધાની સાથે અને ટેક્નિકલી સક્ષમ રીતે કરવામાં આવે છે.

ભવિષ્યની યોજનાઓ

સિલ્વર પુશે પોતાનું કદ વધાર્યુ છે. દેશભરમાં પોતાની મજબૂત શાખ બનાવ્યા બાદ હવે તે વિદેશોમાં પણ જાહેરાત કંપનીઓ સાથે કામ કરવાની તૈયારી કરી રહી છે. હિતેશના જણાવ્યા પ્રમાણે તેમની કંપની ફિલિપાઇન્સમાં પણ કામ કરી રહી છે. ભવિષ્યમાં અમેરિકા અને યૂરોપના દેશોમાં પણ વિસ્તારની યોજના છે.

આ એકદમ સ્પષ્ટ વાત છે કે અલગ વિચાર અને માનસિકતા તેમજ તેને દ્રઢતા અને પ્રમાણિકતા સાથે પૂરી કરવાની તાકાતના જોરે જ સિલ્વર પુશ ત્રણ વર્ષમાં જ આજે આ સ્તરે પહોંચી ગઇ છે.

વેબસાઇટ

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories