ITના એક ‘જિજ્ઞાસુ પરીક્ષક’નો કિસ્સો: પરિમલા હરિપ્રસાદ

ITના એક ‘જિજ્ઞાસુ પરીક્ષક’નો કિસ્સો: પરિમલા હરિપ્રસાદ

Wednesday October 14, 2015,

3 min Read

40થી વધુ જોબ ઇન્ટરવ્યૂઝમાં નિષ્ફળતા. છતાં પણ જુસ્સો અકબંધ. અને મક્કમપણે આગળ વધવાનો દ્રઢ નિશ્ચય. યોગ્ય આવડત સાચા અભિગમ સાથે આજે એક પરીક્ષક (ટેસ્ટર)ની જોબમાં પોતાનું અને આ ક્ષેત્રમાં મહિલાઓનું નામ રોશન કરનાર એક વ્યક્તિ એટલે પરિમલા હરિપ્રસાદ. આજે તેઓ ‘મૂલ્ય સોફ્ટવેર ટેસ્ટીંગ’માં ટેસ્ટ લેબ અને એકેડેમીને હેડ કરી રહ્યાં છે. પાછલા 11 વર્ષમાં પરિમલાનો અનુભવ તેમને આ ક્ષેત્રનાં નિષ્ણાંતના સ્થાને બેસાડે છે. મૂલ્ય સોફ્ટવેર ટેસ્ટીંગના CEO પ્રદીપ સુંદરરાજનના મતે પરિમલા પોતાની રીતે કામ કરતા રહે છે અને સાથે જ આસપાસના લોકોને પણ પ્રેરણા આપતા રહે છે.

“મારા માટે ટેસ્ટીંગ એક ડિટેક્ટીવની વાર્તા જેવું છે” તેમ પરિમલાનું કહેવું છે. જોકે તેની સાથે કેટલાંક ખરાબ અનુભવોની પણ વાત પણ પરિમલા કરે છે. પરિમલાએ બેંગ્લોરની JSS કોલેજમાંથી વર્ષ 2003માં પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ત્યારબાદ લગભગ 40 જેટલા ઇન્ટરવ્યૂઝમાં ફેઇલ થયા બાદ તેમને ઓરેકલમાં પરીક્ષક તરીકેની નોકરી મળી. નોકરી મળ્યા બાદ તેમણે જોયું તો તેમની સાથેના કર્મચારીઓ પરીક્ષક (ટેસ્ટર)ની નોકરીથી ખુશ નહોતા. જોકે ત્યારબાદના ૩ મહિનામાં તેમણે કામમાં ખૂબ રસ દાખવીને McAfee, સપોર્ટસોફ્ટ જેવી કંપનીઓ સાથે કામ કર્યું અને સાથે જ ‘વિકેન્ડ ટેસ્ટીંગ’ નામની એક કંપની પણ શરૂ કરી. ત્યારબાદ તેમણે ‘મૂલ્ય’માં નોકરી સ્વીકારી. “મને ટેસ્ટર તરીકેનું કામ ગમે છે કારણ કે એક ટેસ્ટર તરીકે તમે જાણી શકો છો કે તમારા ટેબલ સુધી આવેલી પ્રોડક્ટમાં શું સારું છે અને શું ખામી છે તેનો ક્યાસ કાઢી શકે છે. સોફ્ટવેર ટેસ્ટીંગ એ એક આવડતવાળું કામ છે અને સાથે તે કામમાં ઘણી મહેનત પણ કરવી પડે છે. એક સારા પરીક્ષક (ટેસ્ટર) બનવા માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે. એક ટેસ્ટરનું કામ પ્રોડક્ટની ખામીઓ જાણવાનું છે અને તેના માટે ઘણી આવડતની જરૂર છે.”

image


પરિમલા તેના જીવનમાં આવેલા પડકારો વિશે વાત કરતા કહે છે કે, “લોકો પાસેથી ફીડબેક મેળવવો એ ખૂબ પણ કપરું કામ છે કારણ કે ભાગ્યે જ કોઈ ફીડબેક આપે. જોકે મૂલ્ય ટેસ્ટીંગ દ્વારા લોકોમાં ફીડબેક આપવા પ્રત્યેનો અભિગમ કેળવાય તેવી કેળવણી પર ભાર આપીએ છીએ. સાથે જ આ ક્ષેત્રમાં સ્ત્રીઓ ઘણી ઓછી હોય છે અને માટે જ લોકોનું તમારા કામ પ્રત્યે ધ્યાન ખેંચવુ અઘરૂ બની રહે છે. જોકે લોકોનું ધ્યાન ખેંચવા સતત કામ કરતા રહેવું ખૂબ જરૂરી છે.”

પરિમલા ટેસ્ટીંગના કામમાં વ્યસ્ત ન હોય ત્યારે તેને લખવું પણ ગમે છે. આ સિવાય તેમને હરવા ફરવા તેમજ ખાવાનો ખૂબ જ શોખ છે.

પરિમલા તેમના પરિવારની એવી પહેલી સ્ત્રી છે જેમણે કોલેજ સુધીનું ભણતર પણ પૂરું કર્યું હોય. ઉપરાંત, તેમના સિવાય તેમના પરિવારમાં કોઈ સ્ત્રી 26 વર્ષની ઉંમર સુધી કુંવારી રહી હોય તેવું પણ નથી બન્યું. પરિમલા સ્ત્રીઓની સ્વતંત્રતાને સમજે છે અને કહે છે કે, “આપણા સમાજમાં સ્ત્રીઓને દરેક બાબતે ખૂબ દબાણ કરવામાં આવે છે અને માટે જ તેઓ પોતાનું ભણતર પૂરું કરવાની સાથે જ કિચનમાં જ રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. દરરોજની 8 કલાકની નોકરી બાદ સ્ત્રીઓએ ઘર પણ સંભાળવાનું હોય છે અને જો તે આમ કરવામાં નિષ્ફળ નીવડે તો તે યોગ્ય માતા, પત્ની, કે વહુ નથી કહેવાતી. એક સ્ત્રીનું મહત્ત્વ ફક્ત તેમને 33% અનામત આપવાથી સાબિત નથી થતું. આપણા સમાજમાં બધાને એકસમાન ગણવામાં આવે તેવી ઇકોસિસ્ટમની જરૂરીયાત છે.” પરિમલા મૂલ્ય સોફ્ટવેર્સની સૌપ્રથમ મહિલા કર્મચારી હતી અને ત્યારબાદ તેમણે કંપનીમાં થતી નવી ભરતીઓમાં સ્ત્રીઓની સંખ્યામાં વધારો થતો રહે તેની ખાસ તકેદારી રાખી છે.