9 વર્ષની વયે જ પારો કઈ રીતે બની દેશની પહેલી મહિલા હૉકર? શા માટે મળ્યું રાષ્ટ્રપતિ સન્માન?

રાજસ્થાનના જયપુરની પારોએ પહેલાં અખબાર વહેંચવાનું કામ ભલે પોતાની મજબૂરીમાં શરૂ કર્યું હતું, પરંતુ આજે આ તેની ઓળખ બની ગયું છે!

9 વર્ષની વયે જ પારો કઈ રીતે બની દેશની પહેલી મહિલા હૉકર? શા માટે મળ્યું રાષ્ટ્રપતિ સન્માન?

Saturday May 21, 2016,

5 min Read

રાજસ્થાનનું જયપુર શહેર સવારની ઊંઘમાં ડૂબેલું રહેતું ત્યારે 9 વર્ષની એક બાળા શિયાળો, ઉનાળો કે પછી વરસાદની ઋતુમાં સવાર સવારમાં ચાર વાગ્યે પોતાના નાનાં પૈડાંની સાઇકલ પર મોટા મોટા પેડલ મારી ગુલાબ બાગ સેન્ટર પહોંચી જતી હતી. અરીના ખાન ઉર્ફે પારો નામની આ છોકરી અહીંથી અખબાર લઈને પછી નીકળી જતી તેને વહેંચવા માટે. છેલ્લાં 15 વર્ષોથી આ સિલસિલો આજેય યથાવત્ છે. પારોએ પહેલાં આ કામ ભલે પોતાની મજબૂરીમાં શરૂ કર્યું હતું, પરંતુ આજે આ તેની ઓળખ બની ગયું છે. પારો જે લોકોને અખબાર પહોંચાડે છે, તેમાં જયપુરનો રાજપરિવાર પણ સામેલ છે.

દેશની પહેલી મહિલા હૉકર અરીના ખાનને સાત બહેનો અને બે ભાઈ છે. આટલા મોટા પરિવારની જવાબદારી તેમના પિતા સલીમ ખાન જ ઉઠાવતા હતા, પરંતુ ટાયફોઇડને કારણે પારોના પિતા બીમાર અને અશક્ત બની ગયા હતા અને તેને કારણે તેઓ સાઇકલ પણ ચલાવી શકતા નહોતા. એ વખતે અરીના પોતાના પિતાને મદદ કરવા માટે તેમની સાથે જવા લાગી. તે પિતાની સાઇકલને ધક્કો મારતી અને ઘરે ઘરે પેપર નાંખવામાં તેમને મદદ કરતી. ઘરનું ગાડું માંડ ચાલી રહ્યું હતું કે અચાનક એક દિવસ અરીના અને તેમના પરિવાર પર સંકટનો પહાડ તૂટી પડ્યો. તેના પિતા સલીમ ખાનનું બીમારીને કારણે નિધન થઈ ગયું. આ સંજોગોમાં પરિવારની જવાબદારી પારો પર આવી ગઈ, કારણ કે તે પોતાના પિતાની સાથે પેપર નાંખવાનું કામ કરતી હતી અને તેને ખબર હતી કે કયા કયા ઘરે પેપર નાખવાના છે. એ વખતે 9 વર્ષની બાળા પોતાના ભાઈ સાથે સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી અખબાર વહેંચવાનું કામ કરવા લાગી.

image


અરીનાએ યોરસ્ટોરીને જણાવ્યું,

“ત્યારે મારે અખબાર વહેંચવાનું કામ 7 કિલોમીટરના ઘેરાવામાં કરવાનું હતું. તેમાં મોટી ચૌપડ, ચૌડા રાસ્તા, સિટી પેલેસ, ચાંદ પુલ, દિલીપ ચોક, જૌહરી બાજાર અને તિલપોલિયા બાજારનો વિસ્તાર સામેલ હતો. ત્યારે હું આશરે 100 ઘરોમાં પેપર વહેંચવાનું કામ કરતી હતી.”

શરૂઆતમાં અરીનાને આ કામમાં બહુ મુશ્કેલીઓ પડતી હતી, કારણ કે 9 વર્ષની બાળા ઘણી વાર રસ્તો ભૂલી જતી હતી. સાથે સાથે તેને કયા ઘરે પેપર નાખવાનું છે, એ પણ યાદ રહેતું નહોતું. નાની બાળકી હોવાથી લોકો જ્યારે તેના પ્રત્યે દયાની દૃષ્ટિથી જોતાં તે એને ગમતું નહોતું.

મુશ્કેલીના સમયમાં બહુ જ ઓછા લોકો મદદ કરે છે, અરીનાની મદદ પણ અમુક લોકોએ કરી, જેઓ તેના પિતાને ઓળખતા હતા. એટલે અરીના જ્યારે સવારે અખબાર લેવા જતી ત્યારે તેણે લાઇનમાં ઊભા રહેવું નહોતું પડતું. તેને સૌથી પહેલાં અખબાર મળી જતાં હતાં. પરંતુ ત્યાર પછી જ શરૂ થતી અસલી મુશ્કેલી, કારણ કે અખબાર વહેંચ્યા પછી તે જતી હતી શાળાએ. શાળામાં તે વારંવાર મોડી પહોંચતી અને તેને કારણે તેણે આચાર્યની વઢ ખાવી પડતી હતી. અરીના ખાન ત્યારે 5મા ધોરણમાં ભણતી હતી. એક-બે વર્ષ આ રીતે નીકળી ગયાં પછી એક દિવસ શાળાના શિક્ષકો-આચાર્યને તેનું નામ કમી કરી નાખ્યું. ત્યાર પછી અરીના એક વર્ષ સુધી નવી શાળા શોધતી રહી, કારણ કે તેને એવી શાળામાં દાખલ થવું હતું, જ્યાં તેને મોડેથી આવવાની મંજૂરી મળી શકે. દરમિયાન રહમાની મૉડલ સીનિયર સેકન્ડરી સ્કૂલે તેને પ્રવેશ આપ્યો. આ રીતે પેપર વહેંચ્યા પછી એક વાગ્યા સુધી તે શાળામાં ભણતી હતી.

image


શાળામાં જે વર્ગો છૂટી જતાં તેનો અભ્યાસ અરીનાએ જાતે જ કરવો પડતો. આ રીતે તમામ મુશ્કેલીઓ પછી જ્યારે તે 9મા ધોરણમાં પહોંચી ત્યારે તેમની સામે પોતાનો અને પોતાની નાની બહેનનો અભ્યાસ ચાલુ રાખવાનું અઘરું થઈ પડ્યું. ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે કશું કર્યા વિના પોતાનું ભણવાનું ચાલું રાખી શકે. આખરે અરીનાએ પોતાના ઘરની બાજુમાં આવેલા નર્સિંગ હોમમાં પાર્ટટાઇમ નર્સની નોકરી લીધી. આ કામ તે સાંજે 6થી રાતના 10 વાગ્યા સુધી કરતી. અરીના કહે છે,

“એ દરમિયાન જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે કેટલાક છોકરા મને જોઈને કૉમેન્ટ કરતા હતા. કોઈ વધારે પડતું બોલે ત્યારે હું તેને ખખડાવી નાખતી અને તોય ન માને તો હું તેની ધોલાઈ પણ કરી દેતી હતી.”
image


પારોએ એક તરફ અખબાર વહેંચવાનું કામ ચાલું રાખ્યું તો બીજી તરફ પોતાના અભ્યાસને પણ આંચ ન આવવા દીધી. સંઘર્ષનો સામનો કરતાં તેણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ત્યાર બાદ પોતાનું ગ્રેજ્યુએશન મહારાણી કૉલેજમાંથી પૂરું કર્યું. ધીમે ધીમે તે કૉમ્પ્યૂટર ચલાવતા શીખી અને આજે 23 વર્ષની વયે પારો સવારે અખબારો વહેંચે છે અને ત્યાર બાદ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. એટલું જ નહિ તે ગરીબ બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરે છે, તેમને ભણાવે છે અને કેટલીક સંસ્થાઓ સાથે મળીને તેમના માટે કામ કરે છે. અરીનાના સમાજસેવા પ્રત્યેના લગાવને લીધે તેને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો મળ્યાં છે. આ કારણે તે દેશની પહેલી મહિલા હૉકર હોવાની સાથે સમાજસેવા કરતી અરીનાને રાષ્ટ્રપતિએ પણ સન્માનિત કરી છે.

image


અરીના કહે છે,

“જ્યારે મને ખબર પડી કે રાષ્ટ્રપતિ મને પુરસ્કાર આપવાના છે ત્યારે મને એટલો આનંદ થયો કે હું તેનું વર્ણન કરી શકું એમ નથી, જાણે મારા પગ જમીન પર પડી નહોતા રહ્યા.”
image


અરીનાને આજે સમાજમાં બહુ સન્માન મળી રહ્યું છે. જે લોકો કાલ સુધી તેની ટીકા કરતા હતા, તેઓ જ આજે તેમનાં બાળકોને તેનાં ઉદાહરણો આપે છે. તે કહે છે કે આજે તે જ્યાં પણ જાય છે, લોકો તેને ઓળખી લે છે અને તેની સાથે સેલ્ફી પણ ખેંચાવે છે. તેના મત મુજબ જે કામ તેણે પોતાની મજબૂરીમાં શરૂ કરેલું, આજે એ જ કામ તેની ઓળખ બની ગયું છે. પોતાનું એ કામ તેણે આજે પણ ચાલું રાખ્યું છે. પારો કહે છે,

“કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. છોકરીઓ દરેક કામને છોકરાઓ જેટલું જ સારી રીતે કરી શકે છે.”
image


image


લેખક- ગીતા બિશ્ત

અનુવાદક- સપના બારૈયા વ્યાસ

વધુ હકારાત્મક અને પ્રેરણાત્મક સ્ટોરીઝ વિશે જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

મહિલાઓને શોષણ અને અત્યાચારથી મુક્તિ અપાવી તેમને આત્મવિશ્વાસુ અને સક્ષમ બનાવે છે સુનીતા કૃષ્ણન

ફેશનની દુનિયામાં દેશી રંગ પૂરતા પાબીબેન રબારી, રબારી ભરતકામને પાબીબેન.કૉમ દ્વારા બનાવ્યું ગ્લોબલ

5-5 રૂપિયા માટે તરસતી મહિલાઓ કઈ રીતે બની સ્વાવલંબી?