સૂરજના તાપથી જામશે આઈસક્રીમ અને ઠંડુ રહેશે પાણી!

0

ગરમીમાં જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે સૌથી પહેલાં જરૂર પડે છે ઠંડા પાણીની કે આઈસક્રીમની. ઘણી વખત આપણને મનપસંદ આઈસક્રીમ મળતો નથી અથવા તો ઓગળેલો મળે છે. તેવી જ રીતે રસ્તા પર મળતું પાણી કેટલું સાફ હોય છે આપણે ખબર નથી હોતી. બીજી તરફ એવું પણ છે કે, દરેક વ્યક્તિ પેકેજ બોટલ ખરીદવા સક્ષમ નથી હોતી. આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા મુંબઈના ઈલેક્ટ્રોનિક એન્જિનિયર મહેશ રાઠી. તે છેલ્લાં કેટલાક સમયથી સોલાર વિંડ અને બાયોમાસ ક્ષેત્રે કામ કરી રહ્યા છે.

મહેશ રાઠીએ યોરસ્ટોરીને જણાવ્યું,

"કંઈક નવું કરવાની ઈચ્છામાં જ્યારે હું ગુજરાતના ભૂજમાં વિંડ ટર્બાઈનનું રિપેરિંગ કરી રહ્યો હતો તો ફિલ્ડમાં કામ કરતી વખતે મને અનુભવ થયો કે ગરમીમાં ઠંડા પાણીની કેટલી જરૂર પડે છે. ત્યારે મને વિચાર આવ્યો કે સોલાર સિસ્ટમ દ્વારા પાણી ઠંડુ રાખવાનું કોઈ સાધન બનાવવામાં આવે. ત્યારે મેં આ ક્ષેત્રમાં કામ કરવા અંગે વિચાર્યું."

મહેશ રાઠી જણાવે છે કે, જ્યારે લગભગ બે વર્ષ પહેલાં ઉનાળામાં કામ અંગે દિલ્હી ગયો તો ત્યાં ફૂટપાથ પર આઈસક્રીમ કોર્ટમાંથી આઈસક્રીમ તો મળતો પણ મોટાભાગે ઓગળી ગયેલો હતો. મેં ફેરીયાને કહ્યું તો તેણે મને બીજો આઈસક્રીમ આપ્યો પણ કહ્યું કે ગરમીના કારણે આમ થાય છે. બીજી તરફ પાણીના ડિસ્પેન્સરવાળો બે રૂપિયામાં એક ગ્લાસ પાણી વેચતો હતો અને તે કેટલું ચોખ્ખું હતું તે નક્કી કરી શકાય તેમ નહોતું. ત્યારે મને વિચાર આવ્યો કે કૂલિંગ રેફ્રિજિરેટર બનાવવામાં આવે જેનાથી પાણી સાફ થાય અને ઠંડુ પણ થાય.

આ રીતે મહેશ રાઠીએ કૂલિંગ સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તેમને બનાવટ દરમિયાન ઘણી મુશ્કેલીઓ નડી, તેના ઘણા પાર્ટ ચીન અને અમેરિકાથી મંગાવવા પડ્યા તો કેટલીક વસ્તુઓ માત્ર અમેરિકામાં જ મળતી હતી. તેમાં ઘણા પૈસા અને સમયનો બગાડ થયો. તેમણે લગભગ પાંચ લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા અને દોઢ વર્ષની મહેનત બાદ તેમણે એવું કૂલિંગ સિસ્ટમ તૈયાર કરી જેમાં ક્યારેય આઈસક્રીમ નહોતો ઓગળતો અને પાણી પણ ઠંડુ મળતું હતું. તેઓ તેને બજારમાં ઉતારવા તૈયાર હતા. ખાસ વાત એ હતી કે આ આઈસ કાર્ટને સોલાર પેનલ દ્વારા ચાર્જ કરી શકાતું હતું અને વરસાદના સમયે વીજળી દ્વારા પણ ચાર્જ કરી શકાતું હતું. તેમાં લગાવેલી 12 વોટની બેટરી માત્ર અડધા યુનિટમાં ચાર્જ થઈ જતી હતી. આ કાર્ટમાં આઈસક્રીમ અને પાણી ઠંડુ કરવા ઉપરાંત તમારા મોબાઈલ પણ ચાર્જ કરવાની સુવિધા છે.

મહેશના મતે આ કાર્ટ બનાવતી વખતે સૌથી મોટી સમસ્યા રોકાણની આવી અને તેમને કોઈ એવો રોકાણકાર નહોતો મળતો જે આ પ્રોજેક્ટમાં રોકાણ કરી શકે. તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને કાર્ટ સાથે જોડાયેલા વિવિધ પોસ્ટ કરી. ત્યારબાદ મિલાપને તેમનો આ વિચાર પસંદ આવ્યો અને તેમણે આ કાર્ટ બનાવવામાં રસ દાખવ્યો. મહેશ વધુમાં જણાવે છે કે, મેં તેમને જણાવ્યું કે, ક્યાંયથી રોકાણ આવી જાય તો આવા દસ કાર્ટ બનાવવા છે જે કોઈ એનજીઓને ભાડે પણ આપી શકાય છે. આમ કરવાથી ઘણા બેરોજગારોને નોકરી મળી શકે તેમ હતી જેનાથી દર મહિને તેમનું ગુજરાન ચાલે.

મહેશ માત્ર આટલેથી અટક્યા નહોતા. તેઓ હાલમાં એવું સોલાર કાર્ટ બનાવી રહ્યા છે જે સોલન માછલીઓ રાખવાના ઉપયોગમાં લઈ શકાય.  તેના દ્વારા રસ્તા પર માછલીઓ વેચતા લોકો લાંબા સમય સુધી માછલીઓને ફ્રેશ રાખી શકશે. આ રીતે તેમની આવક વધશે અને નુકસાન ઘટશે. મહેશ પોતાની યોજના અંગે જણાવે છે કે, તે સોલાર વિન્ડ અને બાયોમાસ પર કામ કરે છે. તે સોલર એસી અને સોલાર એરકુલર બજારમાં ઉતારી રહ્યા છે જે ફોર ઈન વન છે. આ ઉપકરણમાં કૂલરની સાથે સોલાર પેનલ, બેટરી, કૂલર અને ઈન્વર્ટર લાગેલું છે. તેમના કુલરની ખાસિયત એ છે કે તે ગરમીમાં રૂમને ઠંડો રાખે છે અને ગરમી પૂરી થયા બાદ તે ઈન્વર્ટરનું કામ કરે છે. મહેશે આ વિશેષ કુલરની કિંમત સાડા બાર હજાર રાખી છે.

મહેશના જણાવ્યા પ્રમાણે તેમણે બનાવેલું સૌથી નાનું કાર્ટ 108 લિટરનું છે. તે એક વખત ચાર્જ થયા પછી 16 થી 17 કલાક ચાલે છે. તે ઉપરાંત તેમાં 50 થી 60 લિટર પાણી સ્ટોર કરી શકાય છે. તે સાફ રહેવાની સાથે ઠંડુ પણ રહે છે. આ આઈર કાર્ટની કિંમત 1 લાખ છે. મહેશ જણાવે છે કે, તેમણે અત્યાર સુધીમાં 15 આઈસકાર્ટ હોટેલોને વેચ્યા છે. આ ફ્રિઝર 500થી 1000 લીટરના છે. આ ઉપરાંત કેટલીક મોટી આઈસક્રીમ કંપનીઓ સાથે તેમની ચર્ચા ચાલી રહી છે. મુંબઈના રહેવાસી મહેશ પોતાનો બિઝનેસ વિશ્વામિત્ર ઈલેક્ટ્રિકલ એન્ડ એન્જિનિયર્સ પ્રાઈવેટ લિમિટેડના નામે કરે છે. હવે તેમની યોજના ક્રાઉડ ફંડિગ દ્વારા રોકાણ લાવીને પોતાના વેપારનો વિસ્તાર કરવાની છે.

લેખક- હરિશ

અનુવાદક- મેઘા નિલય શાહ

આવી જ અન્ય સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરોRelated Stories