મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ ‘બિક્સી’, ટૂ વ્હીલર દ્વારા લોકોને મંજિલ સુધી પહોંચાડવાનો ભરોસો

મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ ‘બિક્સી’, ટૂ વ્હીલર દ્વારા લોકોને મંજિલ સુધી પહોંચાડવાનો ભરોસો

Wednesday April 06, 2016,

5 min Read

મહિલાઓ જો કંઈ કરવાનું નક્કી કરી લે તો તેઓ કોઈ પણ ક્ષેત્રમાં પુરુષોથી પાછળ નથી રહેતી. મહિલા સશક્તિકરણના આ સમયમાં આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી રહી છે. અને તે કામને પણ તે સફળતાપૂર્વક કરી રહી છે, જે ક્યારેક પુરુષપ્રધાન માનવામાં આવતું હતું. શહેરીકરણના આ સમયમાં આજે જ્યાં એક તરફ ઝડપથી જનસંખ્યા વધી રહી છે, ત્યાં લોકોની મૂળભૂત સુવિધાઓમાં કમી આવતી જાય છે, જેમ કે શિક્ષા, સ્વાસ્થ્ય, પરિવહન વગેરે. આવી જ સમસ્યાઓમાંથી એક છે પરિવહનની સમસ્યા. આ સમસ્યાને કંઈક અંશે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે ગુડગાંવમાં રહેનારી દિવ્યા કાલરાએ. જેમણે તેમના 3 સહયોગી સાથે ટુ-વ્હીલર ટેક્સી ‘બિક્સી’ની શરૂઆત કરી છે.

image


દિવ્યાએ ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે ઘણી વિદેશી કંપનીઓમાં કામ કર્યું. બીજા દેશોમાં કામ કરવા દરમિયાન તેમણે ત્યાંના ઔદ્યોગિક વાતાવરણને જાણ્યું અને ત્યાંના સામાજિક મૂલ્યોને ઓળખવાનો પ્રયત્ન કર્યો. હંમેશાંથી દિવ્યા કંઈક નવું કરવા માટે વિચારી રહી હતી, તે કંઈ અલગ કામ કરવા વિચારી રહી હતી. એક દિવસ તેના પતિ મોહિતના મગજમાં ‘બિક્સી’નો વિચાર આવ્યો... ત્યારબાદ તેમણે તેમના પતિ મોહિત અને મિત્ર ડેનિસની સાથે મળીને ‘બિક્સી’ સર્વિસની શરૂઆત કરી. આ સેવાને શરૂ કરતા પહેલાં દિવ્યા અને તેમના પતિએ દિલ્હી અને ગુડગાંવના મેટ્રો સ્ટેશનની આસપાસના વિસ્તારનો ઘણો સરવે કર્યો હતો. દિવ્યાએ જોયું કે મેટ્રો સ્ટેશન પર ઉતરતાં જ લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે રિક્ષા અને ઓટોવાળા મળતા હતા, જેઓ થોડા અંતર માટે પણ વધુ ભાડાની માગણી કરતા હતા. તેમણે જોયું કે આ જગ્યાઓ પર ભીડ પણ બહુ રહે છે, જેના કારણે દરરોજ મુસાફરી કરનારા લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે.

image


કહેવાય છે કે જેમનો ઈરાદો મજબૂત હોય છે નસીબ પણ તેમને જ સાથ આપે છે. જે સમયે દિવ્યાએ બાઈક ટેક્સીસેવા વિશે વિચાર્યું, તે જ સમયે હરિયાણા સરકારે ટુ-વ્હીલર વાહનોને સંલગ્ન રેગ્યુલેશન પાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટને મંજૂરી આપી દીધી. આવી રીતે દિવ્યા અને તેમના 2 સાથીઓએ મળીને જાન્યુઆરી 2016માં ‘બિક્સી’ની સેવા શરૂ કરી દીધી. તેમણે તેમની આ સેવાને 2 ભાગમાં વહેંચી, એક હિસ્સાનું નામ આપ્યું ‘બ્લૂ બિક્સી’જે માત્ર પુરુષો માટે, અને બીજી સેવા શરૂ કરી ‘પિન્ક બિક્સી’ જેનો ફાયદો માત્ર મહિલાઓ ઉઠાવી શકે છે. લોકોને પરેશાની ન થાય તે માટે તેમની પોતાની એપ પણ છે, જેને માત્ર એક મહિનામાં 1 હજાર લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. ‘પિન્ક બિક્સી’જે મહિલાઓ માટે છે, જેમાં ટુ-વ્હીલરનાં ડ્રાઈવર પણ મહિલા જ હોય છે. ‘પિન્ક બિક્સી’ની સેવા સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પ્રાપ્ય છે, જ્યારે પુરુષો માટે આ સેવા સવારે સાડા સાત વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી મળી રહે છે. લોકો દ્ગારા મળી રહેલી પ્રતિક્રિયા અંગે દિવ્યા જણાવે છે,

"અમને શરૂઆતથી જ લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, અમુક લોકો તો અમારા રોજના ગ્રાહક બની ગયા છે."
image


હાલમાં આમની પાસે 10 પુરુષ અને 5 મહિલા ડ્રાઈવર્સ છે, જેમની ઉંમર 20થી 45 વર્ષની વચ્ચે છે. ‘બિક્સી’ તેમના ડ્રાઈવર્સને ટ્રાફિકના નિયમો સિવાય લોકો સાથે સંપર્ક કરવા, તેમની સાથે વાતચીતની રીત પણ શિખવાડે છે. સાથે જ ડ્રાઈવર્સને એ રસ્તા અને એરિયાથી પણ પરિચિત કરાવાય છે, જ્યાં આ સેવા ઉપલબ્ધ છે. દિલ્હીને અડીને આવેલા ગુ઼ડગાંવમાં પોતાની સેવાઓ આપી રહેલ‘બિક્સી’નું ભાડું પણ ખૂબ સાધારણ રાખવામાં આવ્યું છે, જેથી કરીને સામાન્ય માણસ પણ આ સેવાનો ફાયદો લઈ શકે. ‘બિક્સી’ની સેવા લેવા માટે દરેક મુસાફરી માટે પહેલાં 2 કિ.મી. માટે રૂ.10 આપવાના રહે છે, જે એક રીતે જોઈએ તો ફિક્સ ચાર્જ હોય છે, ત્યાર બાદ કિ.મી.દીઠ રૂ.5નું ભાડું આપવાનું રહે છે. ‘બિક્સી’ની મહિલા ડ્રાઈવર એક દિવસમાં સરેરાશ 10 રાઈડ કરે છે, અને દરેક રાઈડ આશરે 4 કિ.મી.ની હોય છે, જ્યારે પુરુષ ડ્રાઈવર સરેરાશ 20થી 30 રાઈડ રોજ કરે છે, જે આશરે સાડા ચાર કિ.મી.ની એક રાઈડ હોય છે.

image


દિવ્યાના જણાવ્યા મુજબ મહિલા ડ્રાઈવર્સને તેઓ વધારે દૂરના અંતર સુધી નથી મોકલતા, તેઓ માત્ર 4થી 5 કિ.મી.ના વિસ્તારમાં જ તેમની સેવા આપે છે. મહિલા ડ્રાઈવર્સની સુરક્ષા વિશે વાત કરતાં દિવ્યા જણાવે છે,

"એપમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈને એક ફિચર ઉમેરવામાં આવ્યું છે. જેમાં sos બટન આપવામાં આવ્યું છે, જેને દબાવતાં જ અમે ડ્રાઈવર અને મુસાફર બંનેની સ્થિતિ જાણી શકીએ છીએ. આવી સ્થિતિમાં અમારી ટીમના સભ્યો કોઈ પણ સ્થિતિમાં તેમના સુધી પહોંચી જાય છે, આ સિવાય અમે તેમને મરચાનું સ્પ્રે પણ ઉપલબ્ધ કરાવ્યું છે. આ ઉપરાંત જો કોઈ મુસાફર સાથે કોઈ પરેશાની કે દુર્ઘટના સર્જાય તો એપમાં આપેલું બટન દબાવતાં જ મુસાફરના 2 પરિચિત સુધી મેસેજ પહોંચી જાય છે."

‘બિક્સી’વિશે વાત કરતાં દિવ્યા વધુમાં જણાવે છે, 

"મહિલાઓને ધ્યાનમાં રાખીને અમે બે રંગ પિન્ક અને બ્લ્યૂ રાખ્યા છે, જેથી પુરુષ અને મહિલા મુસાફરોને ‘બિક્સી’ની સેવા લેવામાં સુવિધા રહે." 

ખાસ વાત એ છે કે ગૂગલ પ્લે-સ્ટોરથી કોઈ પણ આ એપને ડાઉન લોડ કરી શકે છે. એપને જો કોઈ મહિલા ડાઉનલોડ કરવા માગે છે કો ‘પિન્ક બિક્સી’ને ડાઉનલોડ કરી શકે છે, જ્યારે કોઈ પુરુષ ‘બિક્સી’એપને ડાઉનલોડ કરવા માગે તો ‘બ્લૂ બિક્સી’ને ડાઉનલોડ કરી શકે છે.

image


મહિનાની અંદર જ ગુડગાંવમાં તેમની સેવા આપીને લોકો વચ્ચે સ્થાન મેળવી ચૂકેલ ‘બિક્સી’ની ડિમાન્ડ હવે અન્ય શહેરોમાં પણ થવા લાગી છે. આ જ કારણ છે કે હવે દિવ્યા અને તેમની ટીમની નજર દિલ્હી, નોએડા, જયપુર, હૈદરાબાદ, બેંગલુરુ અને અન્ય શહેરો પર છે, જ્યાં તેઓ આવી સેવા આપી શકે. જો કે અન્ય રાજ્યમાં તેમની સેવા આપવા અંગે તેમનું કહેવું છે કે, તેઓ તે રાજ્યોમાં ટુ-વ્હીલર વાહનો માટે રેગ્યુલેશન ખૂલવાની રાહ જોઈ રહી છે. દિવ્યાનું કહેવું છે કે,

‘પિન્ક બિક્સી’ જે માત્ર મહિલાઓ માટે છે તેના માટે શહેરની મહિલાઓને ઘણો વિશ્વાસ છે, ત્યારે જ તો ગુડગાંવમાં 57 વર્ષની એક મહિલા અમારી સેવાનો રોજ દિવસમાં 4 વાર ઉપયોગ કરે છે.

‘બિક્સી’ની સેવા અઠવાડિયામાં 6 દિવસ એટલે કે સોમવારથી શનિવાર સુધી ઉપલબ્ધ છે, રવિવારે આ સુવિધા ઉપલબ્ધ નથી. બિઝનેસના વિસ્તાર અંગે દિવ્યાનું કહેવું છે કે હાલમાં તેમની કેટલાક મૂડી રોકાણકારો સાથે વાત ચાલી રહી છે, કેમ કે બિઝનેસની શરૂઆત તેમણે તેમની જમાપુંજી દ્ગારા જ કરી છે.

લેખક- હરીશ

અનુવાદક- બાદલ લખલાણી

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.