વિદર્ભના કપાસ ખેડૂતોને પોતાની સાથે જોડી બનાવ્યા આત્મનિર્ભર, નિશાએ ખેડૂતોને બતાવી નવી દિશા

વિદર્ભના કપાસ ખેડૂતોને પોતાની સાથે જોડી બનાવ્યા આત્મનિર્ભર, નિશાએ ખેડૂતોને બતાવી નવી દિશા

Tuesday October 18, 2016,

4 min Read

કપાસ ખેડૂતોને પોતાની સાથે જોડ્યા! 

તાલીમ આપી બનાવ્યા આત્મનિર્ભર!

મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં છેલ્લાં બે દશકામાં આ વિસ્તારના લગભગ 2 લાખ જેટલા ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે અને આંકડો સતત વધતો જાય છે. જેની પાછળના અનેક કારણો છે, જેમ કે અહીંના ખેડૂતો ખૂબ જ ગરીબીરેખા નીચે જીવે છે, સાક્ષરતાનો અભાવ, સરકારની ખોટી નીતિઓ વગેરે. આ ક્ષેત્રમાં કપાસ ઘણું ઊગે છે. પરંતુ અહીંના ખેડૂતોને કપાસમાંથી ખૂબ જ ઓછા રૂપિયા મળે છે. કારણ કે કપાસને બજાર સુધી પહોંચાડવા માટે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેના કારણે ખેડૂતો માત્ર ઉત્પાદનમાં જ સિમિત રહી જાય છે. આ બધા કારણોને લીધે કિસોનોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળતું નથી. આ ઉપરાંત મીલો પણ ઘણી દૂર હોવાથી ત્યાં સુધી સામાન લઇ જવા- લાવવામાં ઘણો ખર્ચો ખેડૂતોને થઇ જાય છે. આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે આ ઉદ્યોગમાં એજન્ટોની સંખ્યા એટલી બધી વધારે છે કે જેના કારણે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકતું નથી.

નિશા નટરાજને ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રમાં એક નવો પ્રયાસ કરવાની શરૂઆત કરી. નિશા 'જરિયા બ્રાન્ડ'ની ફાઉન્ડર છે. નિશા સૌથી પહેલા માઇક્રોસ્પિન નામના એક સ્ટાર્ટઅપ સાથે જોડાઇ, આ સ્ટાર્ટઅપ કનન લક્ષ્મીનારાયણએ શરૂ કરી હતી. માઇક્રોસ્પિનમાં ઉત્પાદકોને પણ કામે લગાડવામાં આવતા હતાં જેથી પ્રોડક્શન દરમિયાન તેમનો હિસ્સો અન્ય કોઇને ના મળે. 200થી પણ વધારે ખેડૂતો તેમની સાથે જોડાઇ ચૂક્યા છે, જેઓ ઉત્પાદનની સાથે સાથે પ્રોડક્શનમાં પણ પોતાનું યોગદાન આપે છે. નિશા શરૂઆતથી જ ડિઝાઇનિંગનું કામ કરતી હતી. નિશા પોતાના પરિવાર અને મિત્રો માટે જ ડિઝાઇનિંગનું કામ કરતી હતી. નિશાનો ડિઝાઇનિંગનો આ શોખ એક સમયે વ્યવસાય બની જશે તેની જાણ નિશાને પણ ના હતી. નિશાએ ક્રાઇસ્ટ વિશ્વવિદ્યાલયમાંથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. ત્યારબાદ તેઓએ કોચિનમાં કામ કરવાની શરૂઆત કરી અને એમેઝોન જેવી મોટી બ્રાન્ડ સાથે જોડાઇ ગઇ.

image


નિશા યોરસ્ટોરીને જણાવે છે,

"એમેઝોનના કામથી હું એટલી ખુશ નહતી. મારા એક મિત્રએ મને સલાહ આપી કે મારે એવું કામ કરવું જોઇએ જેમાં મને વધારે રસ હોય. આ વાત પર મેં ઘણું વિચાર્યું અને તે દરમિયાન વર્ષ 2013માં મેં મારી એક મિત્ર માટે તેના લગ્નના કપડા ડિઝાઇન કર્યા. આ ડિઝાઇનર કપડાં લોકોએ ખૂબ જ વખાણ્યા. ત્યારે મને પણ વિચાર આવ્યો કે મારે ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કામ કરવું જોઇએ."

આ રીતે નિશાએ શરૂઆતમાં બે કારીગરોની સાથે 'જરિયા'ની શરૂઆત કરી. ત્યારબાદ તેઓએ પોતાના આ કાર્ય દ્વારા સમાજને પણ ફાયદો થાય તે રીતે કામ કરવાની શરૂઆત કરી.

લગભગ એક મહિના બાદ નિશાએ માઇક્રોસ્પિનમાં વિઝિટ કરી તો ત્યાં તેઓ એક ખેડૂતને મળી જેના પિતાએ પાક (ફસલ) ખરાબ થવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. કારણ કે તેના પિતા પર લોન ચૂકવવા માટેનું દબાણ વધી ગયું હતું અને તેમની પાસે એટલા રૂપિયા ન હતાં. આ વાત ખેડૂતોનું દુઃખ રજૂ કરવા માટે ઘણી હતી. તે સમયે આ છોકરો પૂણેમાં કન્સ્ટ્રકશન વર્કર તરીકે કામ કરી રહ્યો હતો. પરંતુ તેના પિતાના મૃત્યુ પછી તેને પાછા પોતાના ઘરે જવું પડ્યું હતું. સાત મહિના અહિંયા વર્કર તરીકે કામ કર્યા બાદ તે યુવાને પોતાના માટે એક લ્યૂના પણ ખરીદી હતી. જે આ ગરીબ ખેડૂતના દીકરા માટે ઘણી મોટી બાબત હતી. આ ઘટના બાદ નિશાએ નક્કી કર્યું કે તે હવે માઇક્રોસ્પિન સાથે જોડાઇને કામ કરશે અને ગરીબ ખેડૂતોને મદદ કરશે. માઇક્રોસ્પિન ગરીબ તથા ખેડૂતો સાથે જોડાઇને ખૂબ જ સારું કાર્ય કરી રહ્યું છે. 

image


ત્યારબાદ નિશાએ એક કેમ્પેઇનની શરૂઆત કરી. નિશા પોતાની કંપનીને બીજી ફેબ ઇન્ડિયા કે વેસ્ટસાઇડ બનાવવા માગતી ન હતી. તે ખેડૂતો પાસે જ દરેક કામ કરાવવા માગતી હતી, જેથી વચ્ચેના એજન્ટોને કોઈ ભાગ આપવો ના પડે. માઇક્રોસ્પિનમાં ખેડૂતો દ્વારા જ ઉત્પાદન થાય છે અને તેમને યોગ્ય તાલીમ આપી તેમની પાસે જ કામ કરાવવામાં આવે છે.

નિશા પાસે ડિઝાઇનિંગની કોઇ ડિગ્રી નથી, તેણે ડિઝાઇનિંગની કોઇ ટ્રેઈનિંગ પણ લીધી નથી. પરંતુ તેઓ જાણતા હતાં કે પુસ્તકિયા જ્ઞાન અને હકીકતમાં ઘણો ફરક હોય છે. ભવિષ્યમાં નિશા પોતાના કલેક્શનનો એક મોટો સ્ટોર શરૂ કરવા માગે છે. જ્યાં તેઓ યોગ્ય કિંમતમાં વસ્તુઓ વેચશે અને તેના દ્વારા ગરીબ ખેડૂતોને મદદ પણ મળી રહેશે.

નિશાનું અગાઉનું કલેક્શન વેચાઇ ચૂક્યું છે. હવે તેમને બલ્કમાં ઓર્ડર મળી રહ્યાં છે. નિશા જણાવે છે,

"આપણા સમાજમાં ઘણો મોટો વર્ગ એવો છે જે હાથવણાટની વસ્તુઓ ઘણી પસંદ કરે છે અને તેવી વસ્તુઓ ખરીદવા માટે હંમેશાં તૈયાર જ હોય છે."

કામ દરમિયાન નિશાને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો છે. કારણ કે આ એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં પુરુષોની સંખ્યા વધારે છે. આવા સંજોગોમાં નિશાને કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. નિશાની ઉંમર નાની છે, જેથી જ્યારે તે કોઇ નવી ડિઝાઇન તૈયાર કરતી ત્યારે કારીગરો તેને તે ડિઝાઇનમાં ફેરફાર કરવાની સલાહ આપતા રહેતા હતા, અને નિશા આ જ રીતે તેમની સાથે કામ કરતા હતાં. જેના કારણે લોકો તેમને વધારે પસંદ કરતા હતાં. નિશા જણાવે છે,

"કોઇ પણ કાર્યમાં મુશ્કેલીઓ તો આવતી જ રહેતી હોય છે. આવા સંજોગોમાં વ્યક્તિ પોતાની ભૂલોના આધાર પણ ઘણું નવુ શીખી લેતી હોય છે."

આજ કારણ છે કે નિશા સતત આગળ વધી રહી છે અને પોતાની સફળતાનો શ્રેય પોતાની મહેનતને આપે છે.

લેખક- આશુતોષ ખંતવાલ

અનુવાદક- YS ટીમ ગુજરાતી