"AAP એક સફળ રાજકીય સ્ટાર્ટઅપ છે"

સ્ટાર્ટઅપ્સ એટલે વિચાર, આત્મવિશ્વાસ, ધૈર્ય અને ખંતનો સુભગ સમન્વય, જેના વિચારોમાં અરવિંદ અને તેમની ટીમને શ્રદ્ધા હોવાથી જબરદસ્ત સફળતા મળી છે 

"AAP એક સફળ રાજકીય સ્ટાર્ટઅપ છે"

Monday April 04, 2016,

6 min Read

હું પીઢ પત્રકાર શેખર ગુપ્તાનો જાણીતો શો ‘વોક ધ ટોક’ જોતા હતો. હું આ શો નિયમિતપણે જોતા નથી, પણ મેં તેમની સાથે બે કાલેજિયનને વાત કરતા જોયા અને હું અટકી ગયો. થોડો વિચાર કર્યા પછી મને બંને યુવાનો ઓળખાઈ ગયા. તેઓ સ્નેપડીલના સહસ્થાપકો કુનાલ બહલ અને રોહિત બંસલ હતા. સ્નેપડીલ સૌથી મોટા ઓનલાઇન માર્કેટપ્લેસ પૈકીની એક છે, જે '275000 વિક્રેતાઓ, 30 મિલિયન ઉત્પાદનો અને ભારતમાં 6000 શહેરો તથા નગરો'ની પહોંચ ધરાવે છે. સ્નેપડીલે આટલી જબરદસ્ત સફળતા ફક્ત છ વર્ષમાં મેળવી છે. આ બંને યુવાનો 30 વર્ષથી ઓછી ઉંમર બિઝનેસના બાદશાહ બની ગયા છે, પણ સ્ટાર્ટઅપ બિઝનેસમાં સારો અનુભવી મેળવી લીધો છે.

શેખર સાથે વાત કરતાં બંનેએ જણાવ્યું હતું કે તેમણે પોતાની કંપની શરૂ કરવાની યોજના બનાવ્યા પછી ઘણી વખત નાદાર બનવાની અણી પર પહોંચી ગયા હતા. બંને વર્ષ 2007નો આવો જ એક અનુભવ શેખરને જણાવ્યો. તેમાં તેમની પાસે બેંકમાં ફક્ત રૂ. 50,000 હતા અને બીજા દિવસે તેમણે તેમના કર્મચારીઓ રૂ. 5 લાખનો પગાર ચુકવવાનો હતો. તે સમયે તેઓ તેમની કંપની બંધ કરી શક્યા હોત, નોકરી મેળવી શક્યા હતા અને તો પણ અતિ સફળતા મેળવી શક્યા હોત. પણ કુનાલ અને રોહિતે હિંમત હાર્યા વિના મિત્રો પાસે સતત ઉધાર લેવાનું ચાલુ રાખ્યું. પછી વર્ષ 2013માં ફરી તેમની પાસે 1 લાખ ડોલર હતા અને તેમને 5 લાખ ડોલરની ચુકવણી કરવાની હતી. તે વખતે પણ સ્થિતિ પડકારજનક હતી. પણ તેમને પોતાની જાતમાં ભરોસો હતો. તેમણે શેખરને જણાવ્યું કે તેઓ સ્નેપડીલ અને ઓનલાઇન બિઝનેસની સંભવિતતાથી પરિચિત હતા.

image


તેમની વાતો સાંભળીને હું મારા ભૂતકાળમાં સરકી ગયો. મને મારો પોતાનો અનુભવ યાદ આવ્યો. આમ આદમી પાર્ટી (આપ) અલગ પ્રકારનું રાજકીય સ્ટાર્ટ-અપ હતું. તેના મૂળિયા અણ્ણાના આંદોલનમાં હતા, જેણે ભ્રષ્ટાચાર સામે બંડ પોકાર્યો હતો અને થોડા અઠવાડિયામાં રાષ્ટ્રની દિશા બદલી નાંખી હતી. પણ એક સમયે એવો પણ આવ્યો જ્યારે અણ્ણા અને અમારા માર્ગો અલગ થઈ ગયા. અરવિંદ અને તેમની ટીમ રાજકીય પક્ષની રચના કરવા માગતા હતા, પણ અણ્ણાએ તેમના નામનો ઉપયોગ ન કરવાની સૂચના આપી દીધી. અણ્ણા મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા અને તે સમયે તો તેમની સરખામણીમાં ગાંધી અને જેપી સાથે થતી હતી. દરેક ચર્ચાની શરૂઆત અને તેનો અંત અણ્ણા સાથે જ આવતો હતો. તેમના વિના કોઈ પણ સ્વરૂપે આંદોલનને આગળ ધપાવવું અને તેની વ્યૂહરચના બનાવવાનો વિચાર કરવો જ અશક્ય હતો. પણ તેમણે અમારી સાથે છેડો ફાડી નાંખ્યો હતો. તેઓ કોઈની વાત સાંભળવા જ તૈયાર નહોતા. જીવન-મરણનો સવાલ ઊભો થયો હતો. આંદોલન તેની પ્રસ્તુતતા ગુમાવી રહ્યું હતું અને અરવિંદ તથા તેમની ટીમના સભ્યોના મતે વ્યવસ્થામાં સુધારો કરવા રાજકીય રંગમંચ પર પદાર્પણ કરવું જ એકમાત્ર વિકલ્પ હતો. અહીં પ્રશ્ર એ હતો કે તે અણ્ણા વિના શક્ય હતું? ટીમમાં એક જૂથ માનતું હતું કે અણ્ણા વિના રાજકીય પક્ષનું કોઈ ભવિષ્ય નથી. તે નિર્ણાયક ઘડી હતી. છેવટે અરવિંદ અને તેમની ટીમે અણ્ણા વિના આગળ વધવાનો નિર્ણય લીધો.

દિલ્હીને પ્રથમ મુકામ તરીકે પસંદ કરવામાં આવી અને અહીં એક વર્ષની અંદર રાજ્ય સરકારની ચૂંટણી થવાની હતી. અમારી સામે ત્રણ મોટા પડકારો હતા – એક, સંગઠન બનાવવું, બે, કાર્યકર્તાઓની ફોજ ઊભી કરવી અને ત્રણ દિલ્હીવાસીઓને ભાજપ/કોંગ્રેસ કરતાં વધારે સારો વિકલ્પ આપ પૂરો પાડશે તે વાત ગળે ઉતારવી. શૂન્યમાંથી સર્જન કરવાનું હતું. દિલ્હી ભ્રષ્ટાચારવિરોધી આંદોલનનું કેન્દ્ર હતું અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી લોકો સારી રીતે પરિચિત હતા. પણ અમે કોંગ્રેસ અને ભાજપ જેવા દિગ્ગજ પક્ષોને સામે અમે ટક્કર ઝીલી શકીશું કે નહીં એ મોટો પ્રશ્ર હતો.

અમારી ટીમને તો ગળા સુધીની ખાતરી હતી કે આપનો વિજય થઈ શકે છે અને ખરેખર અમારો વિજય થયો. જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે રાજકીય પંડિતો મોંમાં આંગળી નાંખી ગયા હતા. આપને 4 બેઠકથી વધારે મળશે તેવું અનુમાન કરનાર રાજકીય વિશ્લેષકો અને પંડિતો ચકિત થઈ ગયા અને તેમણે આપના વિજયને ક્રાંતિ સમાન લેખાવ્યો. અમે અસંભવને સંભવ કરી દેખાડ્યું હતું અને એ પણ અણ્ણા હઝારે વિના. આ કેવી રીતે થયું? આત્મવિશ્વાસ અને દ્રઢ નિર્ધાર દ્વારા. અમારી સફળતા કુનાલ બહલ અને રોહિત બંસલ જેવી જ નહોતી?

પછી અમે દિલ્હીમાં સત્તા મેળવી અને આપ સરકારે 49 દિવસમાં રાજીનામું આપવાનો નિર્ણય લીધો. દરેક લોકો ચકિત થઈ ગયા હતા. રાજકીય પંડિતો, વિશ્લેષકોએ અમારા નિર્ણયને મોટી ભૂલ ગણાવ્યો હતો અને આપને ક્યારેય સત્તા નહીં મળે તેવી આગાહીઓ કરી હતી. આખા દેશમાં મોદીની બોલબોલા હતી. તેઓ તે સમયે જનતામાં લોકપ્રિય હતા. તેમની વાકપટુતાનું ઘેલું બૌદ્ધિકોને પણ લાગ્યું હતું. ભારતના લોકો મોદીને ભવિષ્યના નેતા ગણતા હતા અને ભૂતકાળની તમામ સમસ્યાઓમાંથી છૂટવા માટે તારણહાર ગણતા હતા. લોકસભાની ચૂંટણીમાં આપને ફટકો પડ્યો અને તેણે દિલ્હીમાં તમામ બેઠકો ગુમાવી. મોદીની લોકપ્રિયતા આસમાને હતી. તેમણે એકલા હાથે ચાર રાજ્યોમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં વિજય અપાવ્યો હતો. પછી દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવી અને તેમને દિલ્હીમાં પણ મોદીની લહેર ચાલશે તેવો વિશ્વાસ હતો. અમારા માટે તો કરો યા મરોનો જગ હતો. અમારા કાર્યકર્તાઓનું મનોબળ નબળી પડી ગયું હતું. લોકો અરવિંદ કેજરીવાલના રાજીનામાથી નારાજ હતા. પણ અમે અમારી ભૂલોમાંથી પદાર્થપાઠ શીખ્યા, તેનો એકરાર કર્યો અને અમે ફરી જીતીશું તેવા વિશ્વાસ સાથે ઝંપલાવ્યું.

અમે જાણતા હતા કે દિલ્હીવાસીઓને અમારામાં વિશ્વાસ છે. તેઓ માનતા હતા કે અમે રાજકારણમાં નવા નિશાળિયા છીએ, પણ ધૂર્ત, ઢોંગી કે અપ્રમાણિક નથી. તેમને વિશ્વાસ હતો કે અમે ખરેખર ભ્રષ્ટાચારી નથી. મુદ્દો સુશાસનનો હતો. અમે લોકો સુધી પહોંચવાનો અને અમારી વાત સમજાવવાનો પ્રયાસ કર્યો. અમે રાજીનામું આપવાની ભૂલનો એકરાર કર્યો અને અમે દિલ્હી માટે કામ કરવાની યોજના ધરાવીએ છીએ તેવું જણાવ્યું. દરમિયાન દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો ચહેરો પણ મોદી જ બની ગયા. અમારો મુકાબલો વડાપ્રધાન મોદી સામે હતો. તેઓ છેલ્લાં 30 વર્ષમાં ભારતના સૌથી મજબૂત વડાપ્રધાન છે. તેમની પાસે નાણાં સહિત બધા હથિયારો હતા. એટલું જ નહીં મોદીને કોઈ હરાવી ન શકે તેવો ભ્રમ પણ સફળતાપૂર્વક એ સમયે ઊભો કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમારી પાસે એક વિચાર હતો.

અમે લોકો સમક્ષ વિચાર રજૂ કર્યો હતો કે પરંપરાગત રાજકારણ અને રાજકારણીઓએ આ દેશને લૂંટવા સિવાય કશું કર્યું નથી અને હવે પરિવર્તનનો પવન ફૂંકવાનો સમય પાકી ગયો છે. અમે ભારતને વધુ સારા લોકોથી શાસિત થવાને યોગ્ય દેશ હોવાનો વિચાર રજૂ કર્યો હતો. અમારો વિચાર પ્રામાણિક રાજકારણ, પારદર્શક રાજકારણ અને જનતાને પોસાય તેવા રાજકારણનો હતો. અમારો વિચારો રંગ લાવ્યા અને આપ તેનું માધ્યમ બન્યું. અમે હિંમત અને ધૈર્ય સાથે ચૂંટણી લડ્યાં અને જે પરિણામ આવ્યા તેનાથી તમે બધા પરિચિત છો. અમે 70માંથી 67 બેઠકો જીતી ગયા હતા. ઐતિહાસિક વિજય થયો હતો.

અત્યારે દિલ્હીની રાજ્ય સરકારે દેશ સમક્ષ શાસનના નવા માપદંડ સ્થાપિત કર્યા છે. દિલ્હીની જેમ આ જ વિચારો અમને પંજાબમાં વિજય અપાવશે. જો અમને અમારી વ્યૂહરચનામાં સફળતા મળશે, તો પંજાબ અને 2017માં ઘણા રાજ્યોમાં અમને આવો જ વિજય મળશે. જો કુનાલ અને રોહિતે હાર સ્વીકારી લીધી હોત, તો શેખર ગુપ્તા આ બંને યુવાન બિઝનેસ બાદશાહોનું ઇન્ટરવ્યૂ લેવા ન ગયા હોત. એ જ રીતે અરવિંદ અને તેની ટીમે પોતાના સ્વપ્નો, વિચારોમાં શ્રદ્ધા ન રાખી હોત તો હું પણ આ લેખ ન લખતો હોત. સ્ટાર્ટઅપ્સ એટલે વિચાર, આત્મવિશ્વાસ, ધૈર્ય અને ખંતનો સુભગ સમન્વય. જેઓ આ ગુણો ધરાવે છે તેઓ વિજેતા બને છે. રોહિત અને કુનાલ વિજેતા છે. ચીયર્સ!

લેખક પરિચય- આશુતોષ

આશુતોષ ટીવી મીડિયાના ભૂતપૂર્વ એન્કર, પત્રકાર છે. હાલ તેઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે.

અનુવાદક- કેયૂર કોટક

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)

image