સ્કૂલોના ભારે-ભરખમ દફ્તરોનું એક સમાધાન, 3 ઇન 1 ‘યેલો બેગ’ 

0

રોજ સવારે સ્કૂલે જતી વખતે બાળકોના ચહેરા પર તેમના દફ્તરનો બોજ સ્પષ્ટ જોઇ શકાય છે. આ બોજને ઘટાડવા માટે ઘણા લોકોએ વિચાર કર્યો છે, સરકારે નીતિઓ સુદ્ધાં બનાવી પણ કોઇ ખાસ ફરક નથી પડ્યો. તેમ છતાં એક વ્યક્તિએ આ સમસ્યાને ગંભીરતાથી લીધી અને એક એવી સ્કૂલ બેગ તૈયાર કરી હતી જેનું વજન માત્ર બસ્સો ગ્રામ છે, તે બેગ પર પાણીની અસર જરાય નથી થતી અને સૌથી ખાસ વાત આ છે કે જમીન પર બેસીને કોઇપણ બાળક તેનો ટેબલ તરીકે ઉપયોગ કરી શકે છે. આટલી બધી ખૂબીઓ હોવાની સાથે તેની એક વિશેષ ખૂબી છે અને તે છે, તેમાં લાગેલી સોલર લાઇટ. જેથી જે વિસ્તારોમાં વીજળીની સમસ્યા છે ત્યાં પણ બાળકો પ્રકાશમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે.

દેશમાં શિક્ષણ મેળવવું દરેક બાળકનો મૌલિક અધિકાર છે અને સરકાર પણ દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવા માટે સતત પ્રયાસરત રહે છે. સરકારની અનેક યોજનાઓ છે જેમની મારફત ઘણી સ્કૂલોમાં બાળકોને મફતમાં પુસ્તકો, ડ્રેસ અને બપોરનું ભોજન બાળકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી ગરીબથી ગરીબ બાળક પણ શિક્ષણ મેળવી શકે. તેમ છતાં બાળકો સામે જે સૌથી મોટી સમસ્યા આવે છે તે હોય છે કે સ્કૂલથી મળેલા પુસ્તકોને ક્યાં રાખવા, કારણ કે આ બાળકો પાસે કોઇ સારી સ્કૂલ બેગ નથી હોતી. બાળકોની આ સમસ્યાને દૂર કરવા માટેનો પ્રયાસ રાજસ્થાનના ઉદયપુરમાં રહેનારા મનીષ માથુરે કર્યો છે.

મનીષે સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ ઉદયપુરની એક કોલેજથી બીબીએ કર્યુ હતું. તે બાદ તેમણે વર્ષ ૨૦૦૯માં ગુડગાંવની સ્કાય લાઇન બિઝનેસ સ્કૂલથી માનવ સંસાધન જેવા વિષય પર એમબીએ કર્યુ હતું. મનીષે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૧ વર્ષ સુધી ઉદયપુરની તાજ લેક પેલેસમાં એચઆર એક્ઝીક્યૂટિવ તરીકે નોકરી કરી હતી તે બાદ તેમણે ઝોનલ મેનેજર તરીકે ૨ વર્ષ સુધી પાયરોટેક વર્ક્સ સ્પેસમાં કામ કર્યુ હતું. નોકરી દરમિયાન મનીષ વિચારવા લાગ્યા હતા કે કંઇ એવું કરવામા આવે જે બીજાથી અલગ હોય અને તેનો ફાયદો સમાજને મળે, આ જ કારણ હતું કે તેમણે અભ્યાસ પૂરો કર્યા બાદ ત્રણ વર્ષ સુધી અલગ-અલગ સ્થળોએ કામ કર્યુ હતું.

મનીષે યોરસ્ટોરીને જણાવ્યું,

“‘મેં ઉદયપુરની સરકારી સ્કૂલથી મારો અભ્યાસ પૂરો કર્યો હતો. અભ્યાસ દરમિયાન મેં જોયુ હતું કે ઉદયપુરની આસપાસ ઘણાં આદિવાસી વિસ્તારો છે, જ્યાંની સરકારી સ્કૂલોમાં ઘણા બાળકો ભણતાં હતાં. આ સ્કૂલોમાં બાળકોને એપ્રિલ-મે મહીનામાં જે પુસ્તકો મળતા હતા તે વરસાદમાં પલળી જવાને કારણે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં ફાટી જતા હતા અને જ્યારે ફેબ્રુઆરી-માર્ચ મહીના સુધીમાં તેમની પરીક્ષા થતી હતી ત્યારે તેમની પાસે તે પુસ્તકો કોઇ કામના નહતા રહેતા.”

મનીષનું માનવુ છે કે આજે આપણે વિકાસની ભલે ને ગમે તેટલી વાતો કરી લઇએ પણ ગામોમાં આજે પણ ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો જમીન પર બેસીને જ ભણે છે અને ઘેર પહોંચ્યા બાદ તેમણે લાઇટ નહીં હોવાને કારણે ફાનસના પ્રકાશમાં જ ભણવુ પડે છે. આ બંન્ને સમસ્યાઓને કારણે એક તો તેમની કરોડરજ્જૂ પર ખરાબ અસર પડે છે અને તે કારણે થોડા સમય બાદ પીઠમાં દુખાવા જેવી સમસ્યા થઇ શકે છે અને બીજું ઓછા પ્રકાશને કારણે તેમની આંખો પણ ખરાબ થઇ શકે છે.

મનીષે વર્ષ ૨૦૧૪માં પોતાની નોકરી છોડી દીધી હતી અને પોતાના વિચારને સાકાર કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ એક એવી બેગ બનાવશે જે આ બાળકો માટે ફાયદાકારક સાબિત થાય અને તેમના પુસ્તકો પણ સુરક્ષિત રહે. આ રીતે લગભગ ૬ મહીના સુધી તેઓ અને તેમના મિત્રો આ બેગ પર કામ કરતા રહ્યા હતા અને ઓક્ટોબર ૨૦૧૪માં તેમણે એક એવી બેગ તૈયાર કરી લીધી હતી જે તેમના વિચાર પ્રમાણેની હતી.

મનીષે પોતાની આ બેગને ‘યેલો’ નામ આપ્યુ છે. આ બેગની ખાસિયત આ છે કે સ્કૂલે જતી-આવતી વખતે તે સ્કૂલ બેગનું કામ કરે છે અને સાથે જ વરસાદ અને પાણીની આ બેગ પર કોઇ અસર નથી પડતી, કારણ કે આ બેગ પોલીપ્રોપિલિનથી તૈયાર કરવામાં આવે છે. પુસ્તકો રાખવાની સાથે જ આ બેગ ભણવા દરમિયાન ૩૫ ડિગ્રીના ખૂણા સાથે ટેબલનું કામ પણ કરે છે. આ બેગમાં એક સોલર એલઈડી બલ્બ લગાવવામાં આવેલો છે જેનાથી બાળકો રાતે આરામથી અજવાળામાં અભ્યાસ કરી શકે.

મનીષના જણાવ્યા પ્રમાણે કોઇ પણ સ્ટાર્ટઅપને શરૂ કરવામાં તકલીફ તો આવે જ છે અને જો તે સ્ટાર્ટઅપ સામાજિક હોય તો તેમાં કોઇ પણ સહયોગ કરવા તૈયાર નથી થતું કારણ કે તેમાં જલ્દી રિટર્ન નથી મળતું. મનીષ પ્રારંભિક મૂડીરોકાણ વિશે જણાવે છે કે ‘યેલો બેગ’માં તેમણે પોતાની બચતના પૈસા લગાવ્યા હતા અને કેટલાક પૈસા તેમણે પોતાના મિત્રો અને સંબંધિઓ પાસેથી ઉધાર લીધા છે. તેઓના અનુસાર આ કામમાં તેમને, તેમના મિત્રો અને પરિવારના લોકોએ ઘણી મદદ કરી છે.

મનીષે ‘યેલો બેગ’ને ગરીબ બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. પોલીપ્રોપિલિનથી તૈયાર એક મજબૂત અને પાણીથી અસર નહીં પામનારી આ પ્લાસ્ટિક બેગ છે. આ બેગમાં કોઇ પ્રકારનો સાંધો નથી. તેને માત્ર એક સીટથી તૈયાર કરવામાં આવી છે જેથી સિલાઈ ખુલી જવાનો ભય ના રહે. તે બેગનું વજન માત્ર બસ્સો ગ્રામ છે. મનીષના અનુસાર આ બેગ કોઇપણ પ્રકારની તકલીફ વિના એક વર્ષ સુધી સરળતાથી ચાલી શકે છે.

મનીષે ‘યેલો બેગ’ ન્યૂનત્તમ ખર્ચે તૈયાર કરી છે તેમણે જ્યારે આ ‘યેલો બેગ’ને બજારમાં ઉતારવાની તૈયારી કરી હતી ત્યારે તેમણે વિચાર્યુ,

“મેં જે બાળકોને ધ્યાનમાં રાખીને આ બેગને તૈયાર કરી છે તેઓ તો ૫૦ રૂપિયાની કોઇ વસ્તુ પણ નથી ખરીદી શકતા જ્યારે આ બેગ તો ૭૯૯ રૂપિયાની છે તેઓ આને કઇ રીતે ખરીદી શકશે.”

મનીષે ત્યારે તેને એનજીઓ, કોર્પોરેટ અને સરકારી વિભાગો મારફત આ બેગને ગરીબ બાળકો સુધી વહોંચાડવા વિશે વિચાર્યુ હતું. તેમણે જોયુ હતું કે ઘણા કોર્પોરેટ સીએસઆર યોજના હેઠળ શિક્ષણના ક્ષેત્રે યોગદાન આપે છે. મનીષે ધણા ઔદ્યોગિક અને વેપાર ગૃહો, જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એલએન્ડટી, ટાટા, એચડીએફસી મારફત લગભગ ૫ હજાર બેગ અત્યાર સુધી ગરીબ બાળકો વચ્ચે વહેંચી ચુક્યા છે. આ બેગ તેઓ ચેન્નઈ, કોઇમ્બતૂર, મુંબઈ, કલ્યાણ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વહેંચી ચૂક્યા છે. 

સરકારી સ્તર પર માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં પણ તેમની વાત ચાલી રહી છે. તે સિવાય ઘણા અન્ય સંગઠનો સાથે પણ તે આ બેગ વિશે વાત કરી રહ્યા છે.

પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે મનીષનું કહેવુ છે,

“આ વર્ષે અમારું લક્ષ્ય લગભગ ૨૦ હજાર બાળકો સુધી આ બેગ પહોંચાડવાનું છે. જ્યારે દેશમાં આ પ્રકારની લગભગ ૪ કરોડ બેગ્સની જરૂર છે. જો અમને સરકારી સહયોગ મળે તો અમે આ તમામ બાળકો સુધી આ બેગને પહોંચાડવા ચાહીએ છીએ.”

લેખક- હરીશ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.

Related Stories