દેશના પ્રથમ ગ્રામીણ BPO ‘દેસી ક્રૂ’ની પ્રણેતા સલોની મલ્હોત્રા

2

અભ્યાસ પૂર્ણ થયા પછી નોકરી ધંધાની શોધમાં ગામડાંના યુવાનો શહેર તરફ પ્રયાણ કરે એ સાવ સામાન્ય વાત છે. ભારતની આઝાદીના 6 દાયકા વીતી ગયા હોવા છતાં પણ દેશના ગામડાઓમાં યુવાનોને રોજગારીની ખૂબ ઓછી તકો મળે છે. આજ કારણે ગામડાંના યુવાનોએ પોતાનું ઘર છોડીને નોકરીની શોધમાં શહેર તરફ જવું પડે છે. ઉજ્જવળ ભવિષ્ય માટે મોટી સંખ્યામાં યુવાનો શહેર તરફ જાય છે જેના કારણે શહેરોની જનસંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને ગામડાઓ પછાતના પછાત જ રહી જાય છે.

વેબ ડીઝાઈનર યુવતીનો એક અનોખો પ્રયાસ

દિલ્હીની એક વેબ ડીઝાઈનર યુવતી સલોની મલ્હોત્રાએ એવો પ્રયાસ કર્યો જે એક ઉદાહરણ સમાન છે. સલોનીના પ્રયાસે લોકોની વિચારધારા જ બદલી દીધી. માત્ર 23 વર્ષની ઉમરે સલોનીએ શહેરોથી દૂર તમિલનાડૂના અંતરીયાળ ગામમાં ‘દેસી ક્રૂ’ નામનો એક બીપીઓ શરૂ કર્યો અને થોડાક જ વર્ષોમાં આ એક સફળ બીપીઓ તરીકે સ્થાપિત થઇ ગયો. બીપીઓના માધ્યમથી સલોનીએ ગ્રામિણ યુવાનોને ગામડામાં જ રહીને કરિયર બનાવવા માટે પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું.

સલોનીનો ઉછેર દિલ્હીમાં થયો. ધોરણ 12 સુધી દિલ્હીની કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા પછી એન્જિનિયરિંગના અભ્યાસ માટે તે પૂણે પહોંચી અને ત્યાંની ભારતીય વિદ્યાપીઠમાં ભણી. અભ્યાસની સાથે સલોનીએ યુવાનોના એક લીયો ગ્રૂપની રચના કરી અને તે ગ્રૂપની પ્રેસિડેન્ટ બની. અહીં રહીને સલોનીએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે ઘણાં કાર્યો કર્યા, અવનવા અનુભવોથી સલોનીને ઘણું બધુ શીખવા મળ્યું. સલોનીએ નક્કી કર્યું કે, તે ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે.

કેવી રીતે થઇ ગ્રામીણ બી.પી.ઓની શરૃઆત?

આગળ જતા સલોનીએ ગ્રામીણ વિસ્તારો માટે કઇંક મોટું કાર્ય કરવાનું નક્કી કર્યુ. તે વિચારવા લાગી કે તે એવું તો શું કરી શકે કે જેના થકી ગામના યુવાનોને ફાયદો મળે. કોઇ પણ સંસ્થા શરૂ કરવા માટે પૈસા અને અનુભવ બન્નેની જરૂરીયાત હતી. તેથી સલોનીએ દિલ્હી સ્થિત એક વેબ એજન્સીમાં નોકરી શરૂ કરી જેનો મુખ્ય હેતુ હતો કંપની ચલાવવાના ફંડા શીખવાનો. આ દરમિયાન સલોનીની મુલાકાત આઇઆઈટી મદ્રાસના પ્રોફેસર અશોક ઝુનઝુનવાલા સાથે થઇ, તેમણે સલોનીની ખૂબ મદદ કરી, અને 2 ફેબ્રૂઆરી, 2007ના દિવસે સલોનીએ ગ્રામીણ બીપીઓ ‘દેસી ક્રૂ’ની શરૂઆત કરી, જેનો હેતુ હતો, નોકરીની શોધમાં ગામડાથી શહેર તરફ પ્રયાણ કરનારા યુવાનોને રોકીને ગામડામાં જ એમને રોજગારી પૂરી પાડવાનો.

‘દેસી ક્રૂ’એ યુવાનોને એમના જ વિસ્તારમાં નોકરી અપાવવાની જવાબદારી ઉપાડી. ચેન્નઇના કોલ્લુમંગુડી વિસ્તારમાં રહેતા 4 લોકો સાથે ઓફિસની શરૂઆત થઇ. આઇઆઇટી મદ્રાસ વિલિગ્રો અને એક અન્ય ઇન્વેસ્ટરે દેસી ક્રૂની સ્થાપના કરવામાં મદદ કરી. સલોની માટે ચેન્નઇ નવી જગ્યા હતી અને એ વિસ્તારની સ્થાનિક ભાષા પણ તેને આવડતી નહોતી જેના કારણે શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સલોની તેના ધ્યેયને લઇને મક્કમ હતી તેથી સમસ્યાઓને હરાવી સલોની આગળ વધતી રહી અને દેસી ક્રૂ બીપીઓને પણ સફળતાની નવી ઊંચાઇ મળી.

દેસી ક્રૂ બી.પી.ઓ. દ્વારા યુવાનોને મળી રોજગારી...

આજે દેસી ક્રૂના તમિલનાડુમાં 5 સેન્ટર્સ છે અને અનેક યુવાનોને રોજગારી મળી રહી છે. ગામડાંમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાને કારણે શરૂઆતમાં ક્લાયન્ટ્સને સમજાવવા અને તેમનો વિશ્વાસ જીતવામાં ‘દેસી ક્રૂ’ને ઘણી મહેનત કરવી પડી. ગામડાંના લોકોને અંગ્રેજીનું જ્ઞાન ઓછુ હતુ. તેમને સ્થાનિક ભાષા જ આવડતી હતી તેથી શરૂઆતમાં ક્લાયન્ટ્સ કામ આપવામાં આનાકાની કરતા હતા. પણ સલોનીએ બધાનો વિશ્વાસ જીતી લીધો. આ કંપનીમાં કર્મચારીઓને ખાસ પ્રકારની ટ્રેઈનિંગ આપવામાં અવે છે જેથી તેઓ દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકે. ‘દેસી ક્રૂ’ તમિલનાડુ અને કર્ણાટકની વિવિધ કંપનીઓને પોતાની સેવા આપી રહી છે. આ ઉપરાંત દેશની અન્ય કંપનીઓ પણ તેની સાથે જોડાઇ રહી છે. સામાન્ય રીતે એવા ઘણાં બી.પી.ઓ છે કે જે ગામડાંના યુવાનોને નોકરી આપે છે પરંતું ગામડાંમાં તેમની ઓફિસ કે બ્રાન્ચ ખોલતા નથી. ત્યારે સલોનીએ આ લોકોને તેમના જ ગામડાંમાં રહીને નોકરીની તકો આપી.

સલોનીના શ્રેષ્ઠ કાર્યને લોકોએ બિરદાવ્યું

સલોનીને તેના શ્રેષ્ઠ કાર્ય માટે ઘણાં એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી છે. જેમાં 2011માં ટીઆઇઇ શ્રી શક્તિ એવોર્ડ, 2008માં એમટીવી યૂથ આઇકોન માટે નોમિનેટ થવું. 2008 માંજ ‘ઇ એન્ડ વાઇ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર’ માટે પણ નોમિનેટ થઇ. 2013માં ‘ગ્લોબલ સોર્સિંગ કાઉન્સિલ 3 એસ’ એવોર્ડમાં દ્વિતીય પુરસ્કાર મળ્યો. 2009માં ફિક્કી ફ્લો બેસ્ટ વુમન એન્ટરપ્રેન્યોર એવોર્ડ મળ્યો. આટલી નાની ઉંમરમાં આટલી મોટી સફળતા પ્રાપ્ત કરવી એ બહું મોટી વાત છે. સ્થાપનાના થોડાં જ વર્ષોમાં ‘દેસી ક્રૂ’નો વિકાસ 10 ગણો વધી ગયો છે જે ઘણી મોટી સફળતા કહેવાય.

Related Stories