એ બારેય યુવતીઓ જ છે, પરંતુ જરા અલગ પ્રકારની!

સિંહ-દીપડાઓ સામે અડગ રહેતી યુવતીઓ! 

એ બારેય યુવતીઓ જ છે, પરંતુ જરા અલગ પ્રકારની!

Tuesday March 08, 2016,

5 min Read

એ બારેય યુવતીઓ જ છે, પરંતુ જરા અલગ પ્રકારની. ડ્રેસ-સાડીને બદલે ખાખી ડ્રેસ તેમની ઓળખ બન્યો છે. માથે લાજ કાઢવાને બદલે સિલ્વર બેજ લગાડેલી કેપ પહેરે છે. હાથમાં વેલણને બદલે વોકીટોકી અને લાકડી રાખે છે. ચાર દિવાલોને બદલે જ્યાં દૂર દૂર સુધી દિવાલ શોધવી મુશ્કેલ છે એવા ગીરના જંગલમાં એ બારેય કામ કરે છે. રહેવા માટે ઘર છે, પરંતુ ઘર કરતા બહાર જંગલમાં તેમને વધારે રહેવું પડે છે. અને ડ્યુટીનો સમય છે 24 કલાક.

image


આપણે વાત કરી રહ્યાં છીએ ગીર જંગલમાં કામ કરતી વનપાલ સહાયક અને વનરક્ષા સહાયક કન્યાઓની. પુરુષો પણ જ્યાં એકલા જવામાં વિચાર કરે એવા જંગલમાં આ યુવતીઓ વનની રક્ષા કરવાનું કામ કરે છે. રાત કે દિવસની ચિંતા કર્યા વગર તેમણે તૈયાર રહેવું પડે છે.

શહેરમાં મ્યૂઝિક સિસ્ટમ પર વાગતા ગીતોથી સવાર પડતી હોય જ્યારે અહીં આ યુવતીઓની સવાર સિંહોની ડણકથી પડે છે. દિવસભર ટ્રાફીકના ઘોંઘાટને બદલે પર્ણમર્મર, દીપડાના ચડકારા અને પક્ષીઓનો કલરવ સંભળાય છે. શેરીમાં રખડતા ગાય-કૂતરાં વચ્ચેથી આપણે પસાર થઈએ એમ આ યુવતીઓ સિંહ-દીપડા વચ્ચેથી નીકળવામાં સંકોચ અનુભવતી નથી.

1400થી વધારે ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગીરના જંગલમાં અત્યારે 12 યુવતીઓ આ પ્રકારનું કામ કરે છે. તેમનો પ્રયોગ સફળ થયા પછી રાજપીપળાના જંગલમાં પણ કેટલીક યુવતીઓને જંગલમાં ટારઝન બનાવીને મોકલવામાં આવી હતી.

image


મેંદરડાથી સાસણ જતાં રસ્તામાં વાણિયાવાવ ચેકપોસ્ટ આવે છે. એ ચેકપોસ્ટ પર મૂળ અમદાવાદની મનિષા વાઘેલા કામ કરે છે. તેમનું કામ શું એ વર્ણન લંબાવવાને બદલે તેમના જ શબ્દોમાં સાંભળીએ..

“2011ની વાત છે. દિવસ તો શાંતિથી પસાર થઈ ગયો હતો. ખાસ કશી નવાજૂની થઈ ન હતી. પરંતુ સાંજ પડ્યે અમને બાતમી મળી કે કેટલાક શિકારીઓ જંગલમાં ઘૂસ્યા છે. શિકારીઓ રાતે જ સક્રિય થાય અને વળી હથિયારો પણ હોય. પણ તોય અમારે ફિલ્ડમાં તો જવું જ પડે. ત્રણ સાથીદારોને લઈને હું અમરાપુર ગીર પાસેના જંગલમાં પેટ્રોલિંગ માટે પહોંચી. રાતનો અંધકાર હતો અને જંગલમાં નિરવ શાંતિ હતી. એ વચ્ચે અમને કોઈ ચહલ-પહલ નજરે પડી. અમે એ દિશામાં આગળ વધ્યાં, ત્યાં જ એક ભાઈ મોટરસાઈકલ લઈને ભાગવા માંડ્યો. અમે જંગલના ખડબડિયા રસ્તા પર તેનો પીછો કર્યો અને પકડી પણ પાડયો. એ શિકારી જ હતો. ચિંકારાનો શિકાર કરી તેના ટૂકડા કરી એ લઈ જતો હતો. તેની સાથે કુલ 9 ચોર સંડોવાયેલા હતાં. બધાને અમે પકડ્યા અને હવે તેમનો કેસ ચાલે છે.”

એ રાતે મનિષા અને તેના સાથીદારો જંગલમાં પહોંચ્યા ન હોત તો શિકારીઓ પોતાનું કામ ચાલુ રાખત અને ભવિષ્યમાં વધુ મોટા શિકારની પણ હિંમત કરત. પરંતુ મનિષાએ એવુ થવા દીધું નહીં.

image


જંગલમાં આગ લાગે, કોઈ પ્રાણી ઘાયલ થયાના સમાચાર મળે, ગામમાં સિંહ-દીપડા ઘૂસી આવે, પ્રાણીઓ અંદરો અંદર લડીને ઘાયલ થાય.. એવા અનેક સંજોગોને પહોંચી વળવા આ વનકન્યાઓે સતત તૈયાર રહેવું પડે. જંગલના પ્રાણીઓ ટાઈમટેબલ જોઈને કામ કરતાં નથી, એટલે વળી 24 કલાક સતર્ક રહેવું પડે. વહેલી સવારે ચા પીવાની બાકી હોય ત્યારે પણ બુલાવા આવે અને અડધી રાતે પથારીમાંથી ઉઠીને પણ જંગલયાત્રા કરવી પડે.

મનિષા એકલી રહે છે, પણ જંગલનો તેને ડર નથી. એ કહે છે કે જંગલ પ્રત્યે લગાવ હતો એટલે તો અહીં કામ કરું છું, બાકી અમદાવાદમાં ક્યાં નોકરી નથી મળતી.

કેયુરી ખાંભલા કેરી માટે પ્રસિદ્ધ તાલાલાની વન ઓફિસમાં કામ કરે છે. કેરીના સંખ્યાબંધ બગીચાઓ હોવાથી સિંહ-સિંહણને સંતાવાની તેમાં જગ્યા મળી રહે છે. અને તેને કારણે જ આ વિસ્તારમાં ખેડૂતો પર હુમલા પણ થાય છે. એ વખતે કેયુરી ખાંભલા જેવી યુવતીઓએ દોડવું પડે છે.

કેયુરી કહે છે, 

“અત્યારે તો તમારી સામે બેઠી છું, પણ હમણાં વાયરલેસ આવે તો જંગલભેગુ થવું પડે. જંગલમાં સિંહબાળો અને દીપડાઓ કુવામાં પડી જાય એવી ઘટનાઓ વારંવાર બને છે, ત્યારે અમારે તુરંત જવુ પડે. કેમ કે અમારું કામ માણસોના રક્ષણ કરવા સાથે જંગલના જીવોનું જતન કરવાનું પણ છે. દીપડો કુવામાં પડી જાય તો કાઢવો બહુ અઘરો પડે કેમ કે દીપડો બહુ તોફાની હોય છે. તેને શાંત કરી બહાર કાઢી સલામત રીતે જંગલમાં મૂકવો પડે."

પ્રકુતિમાં રસ ધરાવતી કેયુરી મૂળ તો પોરબંદરની છે, પણ છેક તાલાલા સુધી નોકરી માટે લાંબી થઈ છે. ગ્રેજ્યુએશન પછી તેણે ફિઝિકલ એજ્યુકેશનનો અભ્યાસ કર્યો છે એટલે તેને શહેરમાં જ નોકરી મળી ગઈ હોત. પણ કેયુરીને એ નોકરી કરવી ન હતી.

image


આ કામ કરવામાં ડર નથી લાગતો

જવાબ આપતાં કેયુરી કહે છે, 

“નોકરી કરવાનું નક્કી કર્યુ ત્યારે જ ખબર હતી કે આવા આવા જોખમો હશે. એ પછીય હું મારી મરજીથી અને મારા પરિવારની સહમતીથી આવી છું. કેમ કે મને આ કામ ગમે છે. એટલે ડર લાગવાનો કોઈ સવાલ નથી.”

સિંહ દર્શન કરવા પેકેજ ટૂરમાં નિકળેલા પ્રવાસીઓ ક્યારેય ગીરના જંગલને સમજી ન શકે. એટલે ત્યાં કામ કરવું કેટલુ અઘરું છે, એ સમજવું મુશ્કેલ છે. ગીર ગાઢ જંગલ નથી વગડો છે. એટલે બહારથી લીલુંછમ દેખાતુ જંગલ અંદરથી ગરમ છે. વાતાવરણ ચોમાસાને બાદ કરતાં એકદમ સુક્કું હોય છે. દૂર દૂર સુધી માણસો મળે નહીં, પણ સિંહ-દીપડા-નીલગાય-ચિંકારા વગેરે પ્રાણીઓ સતત પોતાની હાજરી પુરાવતા રહે. મોબાઈલના નેટવર્ક ન આવવા જેવી તો બીજી અનેક સમસ્યાઓ છે. જંગલ ખાતાએ પેટ્રોલિંગ માટે બાઈકો આપી છે, પણ એ બંધ પડે જંગલ વચ્ચે તો શું કરવું?

image


વિલાસ આંટાળા, જ્યોતિ વાઝાં, જયશ્રી પટાટ, શબનમ રિંગબલોચ, યાસ્મિન પઠાણ, મધુ કરંગિયા, જયા જારા, ભાવના લિંબડ, નાસિર ચોટિયારા અને હેતલ કિંગરખેડિયા.. મનિષા અને કેયુરી સિવાય વિવિધ ચેકપોસ્ટ પર કામ કરતી આ બારેય યુવતીઓ જંગલને ધબકતું રાખે છે. યુવતીઓને જંગલની વિકટ પરિસ્થિતિમાં ફરજ બજાવવાનો પ્રયોગ સફળ થયા પછી હવે તો ભારતના બીજા કેલાક જંગલોમાં આવા પ્રયોગો થયા છે. પણ વનપાલ સહાયક અને વનરક્ષા સહાયક તરીકે યુવતીઓની ગીરમાં ભરતી થઈ ત્યારે ગીર આવું કરનારું આખા દેશનું પ્રથમ જંગલ હતું.

image


મુશ્કેલ કામ માત્ર પુરુષો જ કરી શકે એ વાત અહીં તદ્દન ખોટી પડી છે અને રોજ રોજ ખોટી પડતી રહે છે.

image


aઆવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરો.