"એ 4 વર્ષો બહુ વાર અપમાનો સહન કર્યા, ઓફિસમાંથી ધક્કા મારી બહાર કઢાયો, ત્યારે મળી સફળતા"

મનોજ તિવારીની સફળતા એક અનોખો દાખલો બેસાડે છે... આ જીવનસફરમાં હાર ન માણવાની મક્કમતા, સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટેની નિર્ધારતા અને એક રાજકારણી તરીકે પોતાની અલગ ઓળખ બનાવવાનું લક્ષ્ય!

"એ 4 વર્ષો બહુ વાર અપમાનો સહન કર્યા, ઓફિસમાંથી ધક્કા મારી બહાર કઢાયો, ત્યારે મળી સફળતા"

Friday March 11, 2016,

5 min Read

કહેવાય છે કે હજારો ખરાબ દિવસો પર એક સારો દિવસ ભારે પડે છે. પણ એક સારો દિવસ લાવવા એટલે કે સફળતા મેળવવા અથાક પરિશ્રમ કરવો પડે છે. નિષ્ફળતા મળે ત્યારે નિરાશા ઘેરી વળે છે, પણ હૃદયમાં આશા રાખીને હિંમત કરીને ફરી પ્રયાસ કરવો પડે છે. આ જ સાહસ અને ઝનૂન તમને મંઝિલ સુધી દોરી જાય છે. પણ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આકાશને આંબી ગયા પછી પણ તમારા પગ જમીન પર રહે. સફળતા મળે ત્યારે મનુષ્યના મહેનતની પ્રશંસા થાય છે, પણ તેના વ્યક્તિત્વની સાચી કસોટી સફળતા મળ્યાં પછી તેના વાણી-વર્તન-વ્યવહારમાંથી થાય છે. સફળતા મળ્યાં પછી તેને ટકાવી રાખવા નમ્રતા જરૂરી છે. આવી જ નમ્ર અને માનવીય અભિગમ ધરાવતી સફળ વ્યક્તિ છે મનોજ તિવારી. તેમના નામથી આજે મોટા ભાગના લોકો પરિચિત છે. ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર, ઉત્તમ ગાયક, પરોપકારી અને અત્યારે ઉત્તરપૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી ફક્ત 43 વર્ષની વયે દેશના પ્રસિદ્ધ લોકોમાં સામેલ છે અને સફળતા તેમના કદમ ચૂમે છે.

image


અત્યારે ઉત્તર પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી માટે આ મુકામ સુધી પહોંચવું સરળ નહોતું. પણ કહેવાય છે કે જે વ્યક્તિ હિંમત હારતી નથી, જે તમામ મુશ્કેલીઓ સામે લડે છે, તેના માટે માર્ગ સરળ થઈ જાય છે. યોરસ્ટોરી સાથે એક ખાસ વાતચીતમાં મનોજ તિવારીએ પોતાની જીવનના એવા પાસાં રજૂ કર્યા, જે દરેક માટે પ્રેરણાદાયક છે.

બિહારના કૈમૂર જિલ્લામાં રહેતા મનોજ તિવારી પોતાના વિશે કહે છે,

“મારું બાળપણ પણ ગામના સામાન્ય બાળકની જેમ પસાર થયું. તમામ મુશ્કેલીઓ વચ્ચે. અભ્યાસ કરવા દરરોજ ચાર કિલોમીટર પગપાળા શાળાએ પહોંચવું, આખો દિવસ ભણવું અને પછી ચાર કિલોમીટર ચાલીને પરી ઘરે આવવું. હાફ પેન્ટ અને ગંજી અમારા ગામના બાળકોનો ડ્રેસ કોડ હતો.”

મનોજ તિવારી માને છે કે હકીકતમાં જે જગ્યાએથી અને જે સ્થિતિસંજોગોનો સામનો કરીને તેમની અહીં સુધી પહોંચવાની સફર સ્વપ્ન સમાન છે. તેઓ કહે છે કે, ભૂતકાળમાં ડોકિયું કરું છું તો વર્તમાન સ્વપ્ન જેવું જ લાગે છે અને બધી ઈશ્વરની કૃપા હોય તેવું લાગે છે. તેમણે બાળપણમાં તેમના પિતાજી ગુમાવ્યા હતા અને ઘરની સંપૂર્ણ જવાબદારી માતાને સંભાળવવાની ફરજ પડી હતી. પોતાની માતાને યાદ કરતાં તેઓ ભાવુક થઈ જાય છે. તેઓ કહે છે,

“અત્યારે હું અહીં સુધી પહોંચી શક્યો તે માટે ફક્ત મારી માતા જ જવાબદાર છે. આખી જિંદગી તેણે મને પ્રેરણા આપી છે અને આજે પણ આપે છે. જ્યારે મારી માતાને પરેશાન જોવું છું, ત્યારે મારી ચિંતા વધી જાય છે. એટલે હું તેની બધી ઇચ્છાઓ પૂરી કરું છું.”

મનોજ તિવારીને સરકાર તરફથી સ્કોલરશિપ મળી હતી એટલે અભ્યાસમાં કોઈ મુશ્કેલી પડી નહોતી. પણ ઉચ્ચ અભ્યાસ દરમિયાન તેમણે ઘણી મુશ્કેલીઓ પડી હતી. તેઓ કહે છે,

“મેં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન વર્ષ 1992માં પૂર્ણ કર્યું. આ દરમિયાન મને અવારનવાર નાણાકીય મુશ્કેલી પડી હતી મને ખબર હતી કે માતા પેટે પાટા બાંધીને મને રૂપિયા મોકલે છે. જ્યારે અનાજ વેચશે ત્યારે કમાણી થતી અને પછી મારી મા મને મોકલતી.” અભ્યાસ પૂર્ણ થયા પછી નોકરી મેળવવા પ્રયાસ કર્યા, પણ સતત નિરાશા મળી. દરમિયાન તેમને તેમની અંદર એક ગાયક કલાકાર છુપાયેલો છે તેનો અહેસાસ થયો.

મનોજ તિવારીએ એક પ્રસંગ યોરસ્ટોરીને જણાવ્યો હતો. તેમણે કહ્યું,

“મેં ગ્રેજ્યુએશન કર્યા પછી નોકરી મળતી નહોતી. જીવનની કોઈ દિશા નક્કી નહોતી. એ 1992નું વર્ષ હતું. મેં એક કાર્યક્રમમાં ગીત ગાયું અને મને 100 રૂપિયા મળ્યાં. પછી મને ગાયન ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. મેં મારા પિતાજીની સંગીત પરંપરાને આગળ વધારવાનો નિર્ણય કર્યો. દરમિયાન હું દિલ્હી આવ્યો. એક સાંસદના સર્વન્ટ ક્વોર્ટરમાં રહ્યો. મારા ગીતો લોકોને સંભળાવતો. તે ચાર વર્ષ દરમિયાન ઘણા લોકોએ મારું અપમાન કર્યું. પણ મેં પ્રયાસો ચાલુ રાખ્યા. કહેવાય છે કે તમારામાં પ્રતિભા હોય તો એક દિવસ જરૂર ઈશ્વર સહાય કરે છે. મારી સાથે એવું જ થયું. ટી સીરિઝના માલિક ગુલશન કુમારે મારો અવાજ સાંભળ્યો અને પછી મેં પાછું વળીને જોયું નથી. મારું ગીત સુપરહિટ રહ્યું.”

પંજાબી કવિ અવતાર સિંઘ પાશે કહ્યું હતું કે, “તમારી અંદર સ્વપ્નો મરી જવા સૌથી ખતરનાક બાબત છે.” મનોજ તિવારી પણ માને છે કે યુવાનોએ સૌપ્રથમ તેમની મંઝિલ નક્કી કરવી જોઈએ. તેમના તેમના સ્વપ્નો વિશે સ્પષ્ટ થવું જોઈએ. યુવાનોએ પોતાના જીવનની દિશા નક્કી કરવી જોઈએ. તેઓ કહે છે કે, 

“મેં જીવનમાં ત્રણ સ્વપ્નો જોયા હતા. પ્રથમ, કોઈ મોટા ઘરની છોકરી મારું ગીત સાંભળે અને મારી પ્રશંસા કરે. બે, અમિતાભ બચ્ચનને મળું અને તેઓ તેમના પુત્ર અભિષેક સાથે મારી ઓળખાણ કરાવે. આ સ્વપ્ન ખરેખર સાકાર થયું હતું. હું અમિતજીને યશરાજ ફિલ્મ્સમાં મળ્યો હતો. સાથે અભિષેક પણ હતો. જે રીતે મેં સ્વપ્ન જોયું હતું, તે જ રીતે સાકાર થયું. ત્રણ, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને મળવાનું સ્વપ્ન જોતો હતો. જોકે તેમની તબિયત સારી નથી એટલે એ સ્વપ્ન સાકાર થયું નથી. પણ અત્યારે વડાપ્રધાનના નિવાસસ્થાને જવાનું થાય છે એટલે અહીં જ અટલજી રહેતા હશે તેવો વિચાર મને રોમાંચિત કરે છે.”

તેમ છતાં મનોજ તિવારીનું એક સ્વપ્ન હજુ સાકાર થયું નથી. એ છે ભોજપુરીને એક ભાષાનો દરજ્જો અપાવવો. તેઓ કહે છે કે, 

“ભોજપુરી અમારી મા સમાન છે. તેમાં જ મીઠાશ છે એ દુર્લભ છે. જ્યારે આઠ દેશોમાં ભોજપુરીને એક ભાષા તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે, ત્યારે આપણા દેશમાં શા માટે નહીં. મને આશા છે કે 22થી 24 કરોડ લોકોની ભાષા ભોજપુરીને ભાષાનો દરજ્જો આપવા વડાપ્રધાન જરૂર વિચાર કરશે. આ માટે હું પ્રયાસરત છું.”

મનોજ તિવારી વર્તમાનમાં જીવવાનું પસંદ કરે છે. તેઓ જે કામ હાથ પર લે છે તેમાં ગળાડૂબ થઈ જાય છે અને આ જ કારણે તેમને સફળતા મળે છે. ગીતો ગાય છે ત્યારે તેમાં ગળાડૂબ થઈ જાય છે. જ્યારે જનતા વચ્ચે રાજકારણી તરીકે જાય છે ત્યારે એક નેતાની જેમ તેમની સાથે ઓતપ્રોત થઈ જાય છે.

પોતાનું મૂલ્યાંકન પ્રામાણિકતાપૂર્વક કરે તેને જ સફળતા વરે છે, પોતાની અંદરની નબળાઈઓ અને ખૂબીઓને સમજે છે તેઓ જ ઇચ્છિત પ્રગતિ કરી શકે છે અને સાર્થક જીવન જીવે છે, જે જીવનના તમામ પડકારોનો સાહસ સાથે સામનો કરે તે જ મજબૂત છે. મનોજ તિવારી આ ત્રણેય પાસાં પર ખરાં ઉતર્યા છે અને એટલે જ સફળતાની દેવી તેમના પર પ્રસન્ન થઈ છે.

લેખક- અરવિંદ યાદવ, મેનેજિંગ એડિટર (ઇન્ડિયન લેન્ગવેજીસ), યોરસ્ટોરી

અનુવાદક- કેયૂર કોટક