આ છે અભણ એન્જિનિયર્સ, સોલર પ્લેટ્સ દ્વારા ફેલાવી રહી છે રોશની!

આ છે અભણ એન્જિનિયર્સ, સોલર પ્લેટ્સ દ્વારા  ફેલાવી રહી છે રોશની!

Tuesday January 19, 2016,

5 min Read

રાજસ્થાનના એક નાનકડા ગામડાંની અભણ મહિલાઓ સોલર પ્લેટ્સ દ્વારા આખી દુનિયામાં રોશની ફેલાવી રહી છે!

તિલોનિયા ગામની અભણ અને દાદી-નાનીની ઉંમરની મહિલાઓ બની રહી છે સોલર એન્જિનિયર!

આફ્રીકી દેશો અને એશિયાના અનેક દેશોની કેટલીયે મહિલાઓ આ ગામમાં આવીને સોલર સિસ્ટમનું કાર્ય શીખી રહી છે! 

કહેવાય છે કે જો ઇમાનદારી સાથે યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો તેમાં સફળતા ચોક્કસ મળે છે. આ ઉપરાંત કામની સાથે સમાજના લોકોનું પણ યોગદાન મળી રહે તો સફળતા ચોક્કસ હાંસલ થાય છે જ. આવી જ એક અનોખી સફળતા તિલોનિયા ગામની અભણ મહિલાઓએ મેળવી છે. જેઓ સોલર પ્લેટ્સ દ્વારા આખી દૂનિયામાં રોશની ફેલાવી રહી છે. જેમના આ કાર્યને શીખવા માટે અનેક દેશોની મહિલાઓ પણ તેમની પાસે આવે છે.

image


જાણીને આશ્ચર્ય થાય તેવી વાત છે, કે રાજસ્થાનનું એક નાનકડું ગામડું આખી દુનિયામાં રોશની ફેલાવી રહ્યું છે. આ કાર્ય પણ એવી મહિલાઓ દ્વારા થઇ રહ્યું છે જેઓએ ક્યારેય સ્કૂલના પગથિયા પણ ચઢ્યા નથી. આ અભણ મહિલાઓએ સૌર ઉર્જામાં એન્જિનિયરિંગ કર્યું અને હાલમાં તેઓ અનેક દેશના ગામડાંમાંથી આવતી મહિલાઓને સૌર ઉર્જા દ્વારા ગામડાંમાં કેવી રીતે રોશની ફેલાવી તે અંગેની ટેક્નિક શીખવાડી રહી છે.

આ ગામડાંમાં માત્ર અભણ મહિલાઓ જ નહીં, પરંતુ દાદી- નાનીની ઉંમરની મહિલાઓ પણ સૌર ઉર્જાની પ્લેટ બનાવવામાં અને સર્કિટ લગાવવાનું કાર્ય કરે છે. આ ઉર્જા ક્રાંતિ દ્વારા તિલોનિયા ગામની મહિલાઓને દુનિયાભરમાં ઓળખ મળી છે, જ્યારે ગામડાંમાં પણ શહેરની જેમ સ્ટ્રીટ લાઇટ ઝગમગાતી જોવા મળે છે.

image


જયપુરથી લગભગ 100 કિ.મી.ના કિશનગઢના તિલોનિયા ગામમાં, અંદાજિત 2000 લોકોની આબાદી ધરાવતું આ ગામડું સામાન્ય ગામડાંની જેમ જ દેખાય છે, પરંતુ દુનિયાની નજરે આ ગામ રોશની ફેલાવવા માટે જાણીતું છે. હકિકતમાં અહિંયા બુનકર રોય દ્વારા સ્થાપિત એક સામાજિક સંસ્થા બેયરફૂટ કોલેજ લગભગ 40 વર્ષોથી કાર્યરત છે. આ બેયરફૂટ કોલેજ દ્વારા 2009માં સૌર ઉર્જાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટે તે ગામડાંની સ્ત્રીઓની જિંદગી જ બદલી નાખી. આ પ્રોજેક્ટ અંતર્ગત પહેલા મહિલાઓને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવ્યું અને ત્યારબાદ તેમને સૌર ઉર્જાની સર્કિટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી. જ્યારે ગામડાંની મહિલાઓ આ કાર્યમાં પારંગત થઇ ગઇ ત્યારે તેમના દ્વારા બનાવેલા સોલર લેમ્પ ગામડાંમાં વેચાવા લાગ્યા. આ પ્રોજેક્ટની સફળતાએ મહિલાઓમાં એવો ઉત્સાહ ભરી દીધો કે તેઓને પાછળ ફરીને જોવાની પણ ફૂરસદ ના હતી. આ મહિલાઓ હાલમાં દેશભરમાંથી આવતી મહિલાઓને સૌર ઉર્જાની ટેક્નિક શીખવાડી રહી છે. તિલોનિયા ગામમાં હવે મોટાભાગે વિદેશી મહિલાઓ જ જોવા મળે છે. કહેવાય છે કે ગામમાં હંમેશાં ત્રીસ, ચાલીસ જેટલી આફ્રીકી, ઉત્તર અમેરિકા અને એશિયાના વિવિધ દેશોની મહિલાઓ સૌર ઉર્જાની ટેક્નિક શીખતી હોય છે.

સોલર પ્રોજેક્ટ પર કામ કરતી મોહની કંવર (જેઓ હવે ત્યાંના ટીચર છે) યોરસ્ટોરીને જણાવે છે કે, બેયરફૂટના કારણે હાલમાં આ ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ છે. હવે આ ગામમાં દરેકે દરેક વસ્તુ વિજળીથી નહીં, સોલરથી ચાલે છે.

સૌથી મોટી વાત તો એ છે કે તિલોનિયાની મહિલાઓ હોય કે પછી વિદેશી મહિલાઓ આ દરેક મહિલાઓ દસ પાસ પણ નથી. કોઇ પણ નવી વસ્તુ શીખવાડવા માટે અને શીખવા માટે સૌથી મહત્વની બાબત હોય છે ભાષા, પરંતુ ભાષા અહીંયા બાધારૂપ બનતી નથી. રંગો અને ઇશારાઓ દ્વારા તેઓ પરસ્પર સરળતાથી કોમ્પ્યુનિકેશન કરી ટેક્નિકલ જ્ઞાન મેળવી લે છે. જ્યારે આ પ્રોજેક્ટ પર કામ કરતી અન્ય ટીચર વિભા જણાવે છે, 

"જ્યારે હું અહીંયા આવી ત્યારે મને પણ કોઇ બાબતનું જ્ઞાન નહતું તથા મને હિન્દી બોલતા પણ નહોતું આવડતું. આજે હું અહીં એક ટીચરના રૂપમાં કામ કરૂ છું અને બીજી મહિલાઓને સોલર ઉર્જાની સર્કિટ બનાવતા શીખવાડું છું."

આ સેન્ટરના સંચાલક રતનદેવી પહેલા એક ઘરેલૂ સ્ત્રી હતાં. જેઓએ ક્યારે પણ ઘરની બહાર પગ નહતો મૂક્યો. પરંતુ આજે તેઓ દુનિયાભરની મહિલાઓને ટ્રેઈનિંગ અપાવી રહ્યાં છે. રતનદેવી યોરસ્ટોરીને જણાવે છે, 

"સૂરજની આ રોશની મહિલાઓના સશક્તિકરણમાં ઘણું મોટું યોગદાન આપી રહી છે. મહિલાઓ ટેક્નિકની સાથે સાથે પૈસા પણ કમાઇ રહી છે."

બહારના દેશમાંથી આવેલી મહિલાઓ સોલર ટેક્નિક અંગેની જાણકારી મેળવીને ઘણી ખુશ છે. આફ્રીકાના દેશમાંથી આવેલી રોઝનીલ જણાવે છે,

"અમારા ત્યાં વિજળી નથી. અહીંયા સોલર સિસ્ટમ દ્વારા જે રીતે વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે તે ટેક્નિક હવે હું મારા ત્યાં લોકોને શીખવાડીશ અને વિજળી મેળવીશું."

આ રીતે વોર્નિકા પણ જણાવે છે, "અમારા દેશમાં મહિલાઓ આ રીતના કામ કરતી નથી, પરંતુ અમે હવે તેમને આ રીતેના કામ શીખવાડીશું."

માત્ર વિદેશીઓ જ નહીં, પરંતુ બિહાર, ઝારખંડ અને આંધ્ર પ્રદેશમાંથી આવેલી મહિલાઓ પણ સોલર સિસ્ટમ બનાવવાની ટ્રેઈનિંગ લઇ રહી છે. પોતાના પરિવાર અને બાળકોને છોડીને આ મહિલાઓ તિલોનિયા ગામમાં 6 મહિના સુધી રહે છે. તિલોનિયા ગામની મહિલાઓ ટ્રેઈનિંગ આપવા માટે ઓડિયો–વિઝ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરે છે.

બિહારની પ્રભાવતી દેવી અહીં ટ્રેઈનિંગ લેવા માટે આવી છે. તેમના ગામમાં વિજળી ન હોવાથી ત્યાંની પંચાયત સમિતિએ તેમને અહીંયા ટ્રેઈનિંગ માટે મોકલ્યા છે. માત્ર ચાર ધોરણ ભણેલા પ્રભાવતી માટે સોલર સિસ્ટમને શીખવી સહેલી ન હતી. તેઓએ તેમના પરિવાર અને પતિને સમજાવ્યું કે સોલર સિસ્ટમ શીખીને આવીશ તો આખા ગામમાં રોશની આવશે અને તેનાથી આવકમાં પણ વધારો થશે.

તિલોનિયા ગામની બેયરફૂટ કોલેજ સંસ્થા અત્યાર સુધી લગભગ 100થી પણ વધારે ગામમાં સોલર લાઇટ દ્વારા રોશની પહોંચાડી ચૂક્યા છે. તિલોનિયામાં હવે લોકો તેમના ઘરોમાં કેરોસીનના દિવા પ્રગટાવતા નથી. આ ગામડામાં હાલમાં વિજળી છે, પરંતુ વધુમાં વધુ સોલર ઉર્જાનો જ ઉપયોગ કરીને લોકો તેમનું કામ કરે છે. સોલર ઉર્જા દ્વારા અહીંયાની મહિલાઓ મહિને 8 હજાર રૂપિયા સુધીની કમાણી કરી લે છે. જેના કારણે લોકોની રહેણીકરણીમાં પણ સુધારો આવી રહ્યો છે અને મહિલાઓમાં આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે.


લેખક – રૂબી સિંઘ

અનુવાદક – શેફાલી કે. કલેર