ટેન્શનને કરો બાય-બાય, ePsyclinic બતાવશે તેને ભગાડવાના ઉપાય

0

મુશ્કેલીઓ કોના જીવનમાં નથી આવતી, પણ તેનાથી ભાગતા ફરવું તે કોઈ ઉકેલ નથી. ઓસ્ટ્રેલિયામાં એમબીએ કરવા દરમિયાન શિપ્રા ડાવરને વારંવાર ઘર યાદ આવતું. આ કારણે તે ખૂબ જ પરેશાન રહેતી હતી. આ અંગે એક પ્રોફેસરે તેને સલાહ આપી કે કોઈ પ્રોફેશનલની સલાહ લેવી જોઈએ. શિપ્રાની પહેલી પ્રતિક્રિયા થોડી કડવી રહી કારણ કે તેને એમ લાગતું હતું કે તેના પ્રોફેસર માને છે કે મેં કંઈક ગુમાવી દીધું છે. બે ત્રણ થેરાપી બાદ તેને થયું કે તે માત્ર બેચેની અને થાકથી વધારે કશું જ નહોતું.

વિદેશમાં માનસિક બિમારી ખૂબ જ નાનકડી વાત છે પણ ભારતમાં તેને જાણે કોઈ ગુનો માનવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ચાર વર્ષ બાદ શિપ્રાએ 'ઈ-સાયક્લિનિક'ની સ્થાપના કરી. ગુડગાંવમાં રહેનારી શિપ્રાએ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીથી બિઝનેસમાં પોતાનું ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેણે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ સાથે ચર્ચાવિચારણા કરીને આ સંસ્થા શરૂ કરવાનું નક્કી કર્યું. ઓસ્ટ્રેલિયામાં થેરાપી દરમિયાન પોતાના અનુભવો બાદ ભારત પરત આવી તો તેણે બંને દેશોના સ્તરમાં તફાવત જોયો. બે બાબતો તેને પરેશાન કરતી હતી. પહેલું કે અહીંયા માનસિક બિમારીને કલંક માનવામાં આવે છે અને પછી તેનો ઈલાજ થાય છે. બીજું કે મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકોની અહીંયા ઉણપ છે.

શિપ્રા ડાવરનો એક મિત્ર જે આઈઆઈટી અને આઈઆઈએમમાં અભ્યાસ કરી ચૂક્યો હતો તેનું જીવન પણ કેટલાક સમય માટે બદલાઈ ગયું જેથી તે ઘણો ઉદાસ રહેતો હતો. શિપ્રાએ તેને પ્રોફેશનલની સલાહ લેવાનું કહ્યું પણ તેણે તેનો વિરોધ કર્યો. તે શિપ્રા સાથે લડી પડ્યો કે તે પોતાના કામ છોડીને મનોરોગીઓના વોર્ડમાં બેસી રહે અને ડૉક્ટરની રાહ જૂએ. આ વાતચીતે શિપ્રાને વિચારવા મજબૂર કરી દીધી કે તેનો કોઈ સરળ રસ્તો નથી અને ઝડપથી તેને તેનો જવાબ પણ મળી ગયો. તેનો જવાબ હતો કે આ બધું જ ઓનલાઈન કરવું.

કેટલાક મહિના સુધી વિચારો કર્યા બાદ તેણે એક પ્લેટફોર્મ ePsyclinic.com બનાવવાનું નક્કી કર્યું. અહીંયા કોઈપણ વ્યક્તિ લેખિત રીતે, વાતચીત દ્વારા કે વીડિયો દ્વારા મનોચિકિત્સકો કે મનોવૈજ્ઞિકોની મદદ લઈ શકતી હતી. મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞિકોની ઓનલાઈન સેવા વિદેશોમાં ખૂબ જ પ્રચલિત છે. ભારતમાં સલાહકારોની કોઈ ઉણપ નથી. કોઈપણ ઓનલાઈન સલાહ-સૂચન લગભગ 20 થી 60 મિનિટનું હોય છે. પ્રશ્ન કેવો જટિલ છે તેના પર તેનો આધાર છે. પહેલું સત્ર મફત હોય છે પણ ત્યાર પછી દરેક સિટિંગના રૂ.600 થી 1500 ચુકવવા પડે છે.

ગુડગાંનથી ચાલતાં આ સાહસમાં હાલમાં 15 મનોવૈજ્ઞાનિકો અને 4 મનોચિકિત્સકો, એક ગાયનેક ડોક્ટર છે જ્યારે 20 સભ્યોની ટીમ પ્રશિક્ષણ લઈ રહી છે. છેલ્લાં બે મહિનામાં ePsyclinic લગભગ 1100 સિટિંગ લઈ ચૂક્યું છે. ePsyclinic માં મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકોને 6 અઠવાડિયાની ટ્રેઈનિંગ આપવામાં આવે છે જેથી તેઓ લોકોની સમસ્યાને ઝડપથી સમજી શકે, તેનો ઉકેલ લાવી શકે. ટ્રેઈનિંગ દરમિયાન અન્ય ઘણા વિષયો અંગે ચર્ચા થાય છે જેમાં આંતરિક સંબંધો, કામનું દબાણ, સારસંભાળ, ગર્ભાવસ્થા, વ્યસન, ઉછેર, વડીલોની સમસ્યાઓ અને અન્ય મનોવૈજ્ઞાનિક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે.

શિપ્રાના જણાવ્યા પ્રમાણે આ કામ કરવા માટે તેને અત્યાર સુધી કોઈ મોટા રોકાણની જરૂર પડી નથી પણ ભવિષ્યમાં એવી કોઈ સંભાવનાને નકારી શકાય નહીં. ePsyclinic લોકોના લગ્નજીવનમાં આવેલી સમસ્યાઓ, કામકામના સ્થળે જોડાયેલા તણાવ અને અસુરક્ષા જેવા મુદ્દે સલાહસુચન આપે છે. આ પોર્ટલે કંઈક નવા ટ્રેન્ડ પર કામ કરવાનું શરૂ કર્યું છે અને તેમાં કામુકતા સાથે સંકળાયેલા મુદ્દા પણ સમાવી લેવાયા છે. શિપ્રાના મતે તેમની પાસે એક વ્યક્તિ આવી જે ખૂબ જ તણાવમાં હતી કારણ કે તેનું સ્વજન મૃત્યુ પામ્યું હતું. તે આ વ્યક્તિનો શોક પણ કરી શકતી નહોતી, તેણે પોતાના સ્વજનની વાતો કરી અને ખૂબ જ અશ્રુ વહાવ્યા.

અહેવાલ જણાવે છે કે, દેશના 6.5 ટકા લોકો ગંભીર માનસિક બિમારીથી પીડાય છે. આવા સંજોગોમાં લોકો આ સંખ્યાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. માનસિક સ્વાસ્થ્ય હવે સામાન્ય ઉદ્યોગ બની રહ્યો છે. એ વાતનું ધ્યાન રાખીને જ શિપ્રા ટૂંક સમયમાં એક વર્ચ્યુઅલ ક્લિનિક પણ શરૂ કરશે.


લેખક – અપર્ણા ઘોષ

અનુવાદ – મેઘા નિલય શાહ

Related Stories