પત્રકારત્વને અલવિદા કહી યુવાને શરૂ કરી ફૂડ વેગન, 'પત્રકાર'થી ‘મોમોમેન’ સુધીની રૂચિરની સફર

3

શેફાલી કે કલેર

પ્રહલાદનગર વિસ્તાર હોય કે અન્ય કોઈ પણ હેપનિંગ વિસ્તાર, 'મોમોમેન' આપણને અચૂક જોવા મળી જાય. પણ આ 'મોમોમેન' કેવી રીતે અમદાવાદીઓના ફેવરિટ બની ગયા તે જાણવું પણ ઘણું જ રસપ્રદ છે.

- 23 વર્ષની ઉમરે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશેલા રૂચિર આજે ગુજરાતમાં ‘મોમોમેન’ તરીકે પ્રખ્યાત છે.

- મોમોમેનની સફર 2011માં શરૂ થઇ હતી અને આજે 40થી વધુ ફ્રેન્ચાઇઝ ધરાવે છે.

‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જેવી જાણીતી બ્રાન્ડના ટેબ્લોઇડમાં પત્રકાર તરીકે નોકરી મળી જાય પછી બીજુ શું જોઇએ!! સપનાની નોકરી તો મળી ગઈ પરતું રૂચિરને આ નોકરીથી સંતોષ ન હતો. આ અમદાવાદી યુવાનને તો ઉદ્યોગસાહસિક બનવુ હતું. પત્રકારત્વ છોડી ઉદ્યોગસાહસિકતામાં ઝંપલાવનાર રૂચિરની સ્ટોરી ઘણી રોમાંચક છે.

બીકોમ પછી સીડીસી જેવી અમદાવાદની પ્રતિષ્ઠિત કોલેજથી માસ કોમ્યુનિકેશન કરી રૂચિર ‘અમદાવાદ મિરર’માં પત્રકાર તરીકે જોડાયા. મિરરમાં 2 વર્ષ સુધી નોકરી કર્યા પછી રૂચિરે નોકરી છોડી ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો. નોકરી છોડીને ઉદ્યોગસાહસિક બનવાનો વિચાર સહજ નહોતો તેથી રૂચિરના આ નિર્ણય સાથે તેના પેરેન્ટ્સ સહમત નહોતા. પેરેન્ટ્સે કહ્યું કે જ્યારે જીવનમાં બધું સેટ થઇ ગયું હોય ત્યારે તેણે પ્રોબ્લેમેટિક બનાવવાની શું જરૂર છે? પણ રૂચિર ઉદ્યોગસાહસિક બનવા માટે મક્કમ હતો તેથી તેણે જાણીતી સંસ્થા માઇકામાં ‘કોમ્યુનિકેશન મેનેજમેન્ટ એન્ડ આન્ત્રપ્રેન્યોરશિપ’ અભ્યાસક્રમમાં એડમિશન મેળવી લીધું.

“મારા માતા પિતા બન્ને સરકારી નોકરીમાં છે અને હું ઉચ્ચ અભ્યાસ કરીને નોકરીમાં સેટ થઇ ગયો હતો તેથી, ધંધો શરૂ કરવાના નિર્ણય સાથે માતા પિતા સહમત નહોતા, શરૂઆતમાં તેમને મનાવવામાં ઘણી મથામણ થઇ, કારણ કે હું જેવો ઉદ્યમ શરૂ કરવા માંગતો હતો એવું કોઇ વેન્ચર માર્કેટમાં હતું નહીં, તેથી મારી યોજનાની સમજ પાડવા માટે પેરેન્ટ્સને મારે ઘણી રીતે સમજાવવા પડયા. પેરેન્ટ્સ કહેતા હતા કે જ્યારે બધું સેટ છે ત્યારે ‘વ્હાય ટૂ કોમ્પલિકેટ લાઇફ’! જે છે એને આગળ વધારો, પેરેન્ટ્સ ઇચ્છતા હતા કે, હું પત્રકારત્વમાં જ રહું.”

આગળ વાત કરતા રૂચિર કહે છે, “મારી પાસે 2-3 બિઝનેસ પ્લાન હતા, જે અંગે હું સતત વિચારતો રહેતો હતો અને પછી મેં નક્કી કર્યુ હતું કે, મારે હવે નોકરી નથી કરવી. માઇકામાં પ્રવેશ પછી જાણવા મળ્યું કે હું અભ્યાસ સાથે જો ‘સ્ટાર્ટઅપ’ કરૂ તો કોલેજ તરફથી ફંડ મળે, અને ત્યારે હું 23 વર્ષનો હતો. આજથી 5 વર્ષ પહેલા અમદાવાદમાં ફૂડ વેગનનું કલ્ચર ન હતું. ખાણી પીણી એટલે રેસ્ટોરાં અને લારીઓ, આ બન્નેની વચ્ચે કશું નહોતું. ત્યારે મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો અને ફૂડ વેગન શરૂ કરી. લારી જેવા અફોર્ડેબલ ભાવમાં મેં રેસ્ટોરાં જેવી સર્વિસ અને ક્વોલિટી આપવાની શરૂઆત કરી. હું પોતે ફૂડી છું અને અવનવા ફૂડ ટ્રાય કરવા અને શોધવા મારી હોબી છે તેથી કોઇ અન્ય બિઝનેસ શરૂ કરવાની જગ્યાએ મેં ખાણીપીણીનો ધંધો શરૂ કર્યો અને મારી ફૂડ વેગન ‘હેલ્ધી છે’ લોન્ચ કરી. હું કંઇક નવું કરવા માગતો હતો તેથી પહેલા હું બાઇક કે ઘોડાગાડી ધરાવતી ફૂડ વેગન બનાવવા ઇચ્છતો હતો. મેં આ અંગે રિસર્ચ કર્યુ ત્યારે જાણવા મળ્યુ કે, ઘોડા સાચવવા અઘરા હતા. ઘોડાગાડીવાળી ફૂડ વેગનનો વિચાર પડતો મૂક્યો. ત્યારે મારી નજર ટાટાના મિની ટ્રક ‘છોટા હાથી’ પર ગઇ. અને મિની ટ્રકમાં મારી પ્રથમ ફૂડ વેગન ‘હેલ્ધી છે’ની શરૂઆત કરી, લગભગ 4 વર્ષ ‘હેલ્ધી છે’ની ગાડી ચાલી. જેમાં અમે વેજીટેબલ સુપ, સેલેડ, મોમો, હેલ્ધી સેન્ડવિચ અને નૂડલ્સ પિરસતા. નોકરી કરીને થોડા રૂપિયા બચાવ્યા હતા, થોડી મદદ મિત્રો પાસેથી અને થોડું ફંડ મારી કોલેજ પાસેથી મળ્યું.”

‘ફૂડ સ્ટાર્ટઅપ’ને કેવી રીતે આગળ વધારવું અને સફળ બનાવવું તે રૂચિર ‘હેલ્ધી છે’થી જ શીખ્યો, ખાણીપીણીના ધંધામાં રોજબરોજ આવતી સમસ્યાઓ અને પડકારો અંગે પણ ધંધો કર્યા પછી જ ખબર પડી. ગ્રાહકો કઇ રીતે વર્તે છે, કેવી ડીમાન્ડ કરે છે, તે તમામ બાબતો પણ જાણવા મળી. રૂચિર કહે છે, “હેલ્ધી છે વેગન મારા ઉદ્યોગસાહસિક તરીકેના સફરનો મજબૂત પાયો બની. આજથી 5-6 વર્ષ પહેલા અમદાવાદના ખાણીપીણી બજારમાં ‘મોમો’ જેવી કોઇ કેટેગરી નહોતી, ‘મોમો’ યંગ ક્રાઉડને આકર્ષે છે. મને મોમોમાં શક્યતાઓ દેખાઇ. આવનારા સમયમાં મોમો વડાપાઉ અને દાબેલીની જેમ ફાસ્ટફૂડનું સ્થાન મેળવી શકે છે તેવું મને લાગવા લાગ્યું. અને કાઉન્ટેબલ વસ્તુ હોવોથી મોમોને સેન્ટ્રલ કિચનમાં બનાવી અલગ અલગ લોકેશન્સ પર વહેંચી પણ શકાય.

ફૂડ વેગન બંધ કરીને રૂચિરે ભાડે દુકાન રાખીને ‘મોમોમેન’ રેસ્ટોરાંની શરૂઆત કરી, ‘મોમોમેન’ રેસ્ટોરાંએ બે વર્ષ પૂર્ણ કર્યા અને રૂચિરના મોમોને લોકો તરફથી સારો રિસ્પોન્સ મળવા લાગ્યો. પણ દુકાનના માલિકે તે દુકાન વેચવા કાઢી અને આખરે દુકાન વેચાઈ જતાં રૂચિરે રેસ્ટોરાં બંધ કરવી પડી. આ સ્થિતિમાં નાસીપાસ થવાની જગ્યાએ રૂચિરે એક ઇનોવેટિવ રસ્તો શોધી નાંખ્યો, તેણે ‘મોમોમેન’ ખૂમચા શરૂ કર્યા અને પોતાની રેસ્ટોરાંના તમામ સ્ટાફને રૂચિરે આ કામમાં પણ સાથે રાખ્યા.

રૂચિર કહે છે, “શરૂઆતમાં મારી પાસે 4 કર્મચારીઓ હતા તેથી મેં 2 ‘મોમોમેન’ બજારમાં ઉતાર્યાં, મારા માણસો અમદાવાદના જુદા જુદા 2 લોકેશન્સ પર ઉભા રહી જતા અને એમની પાસેના તમામ મોમો વેચાઇ જાય ત્યારે ફોન કરતા, હું એમને વેચવા માટે બીજા મોમો આપી આવતો. આ પ્રયોગ પણ સફળ રહ્યો. તેથી મેં બેરોજગાર યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા પ્રેરિત કર્યા. અને માત્ર 15000 રૂપિયાનું રોકાણ કરી ‘મોમોમેન’ની ફરતી ફ્રેન્ચાઇઝ વેચી." 

"માત્ર 15 હજારના રોકાણ સામે મહિને 7થી 10 હજાર કમાવા મળતા હતો તેથી મારી પાસે સામેથી લોકો ફ્રેન્ચાઇઝ માટે આવવા લાગ્યા. આજે અમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ધંધો ફેલાવ્યો છે, અમારી પાસે હાલ 40 ‘મોમોમેન’ છે. અમે એક ‘મોમોમેન’ રેસ્ટોરાંની ફ્રેન્ચાઇઝ આપીએ છીએ અને એ રેસ્ટોરાં હેઠળ 10 મૂવિંગ ‘મોમોમેન’ રેસ્ટોરાંની આસપાસના વિસ્તારમાં ઉભા રહી જાય છે. આમ એક રેસ્ટોરાંની શરૂઆતની સાથે 10 નાના ઉદ્યોગસાહસિકોને પણ ધંધો કરવાની તક મળે છે. જો અમને ભાડાની દુકાન ખાલી કરવાની નોટિસ ન મળી હોત તો અમેં ક્યારેય ‘મોમોમેન’નો વિચાર અમલમાં ન મૂકી શકયા હોત."

Related Stories