રોટલી બનાવતું રોબોટ, માત્ર એક બટન પર બનશે ઘર જેવી રોટલી, પ્રણોતિનું ‘રોટીમૅટિક’ બચાવશે તમારો સમય!

1

વ્યસ્ત જીવનશૈલીમાં, સ્વસ્થ ભોજન ખાવાની સમસ્યાઓને ઉકેલવા પ્રણોતિએ રોટલી બનાવવાના અનોખા મશીનની શોધ કરી!

"હું જ્યારે કૉલેજનાં ત્રીજા વર્ષમાં હતી ત્યારે, મેં શર્ટને ઈસ્ત્રી કરવા માટે, એક ઑટોમૅટિક ઈસ્ત્રી બનાવી હતી. તે સમયે જ મને એ વાતનો અહેસાસ થયો કે, હું ખરેખર એક શોધક બની શકું છું, જે લોકોના જીવનને બદલી શકે છે."

પ્રણોતિ નાગરકર સિમ્પ્લિફિકેશનમાં વિશ્વાસ કરે છે. સિમ્પ્લિફાયિંગ (સરળતાં) એ તેમની વ્યક્તિગત ફિલસૂફી છે, અને રોટીમૅટિક બનાવી રહેલી તેમની ટીમ માટે, એક માર્ગદર્શક સિદ્ધાંત છે.

રોટીમૅટિક, કે જે ઝિમ્પ્લિસ્ટિકની પ્રોડક્ટ છે, તે એવું પ્રથમ રોબૉટ છે, જે એક જ ટચમાં સ્વસ્થ અને ઘર જેવી રોટલી અને રૅપ્સ બનાવે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેતી એક નવી વહુ પ્રણોતિ, ઘરે સ્વસ્થ અને હેલ્થી ભોજન બનાવવા માંગતી હતી. તેમણે રોટીમૅટિકની શોધ તે સમયે કરી, જ્યારે તેઓ પોતે અતિ-વ્યસ્ત શેડ્યૂલમાં કામ કરી રહ્યાં હતાં.

ઝિમ્પ્લિસ્ટિકે જૂલાઈ 2015માં, Series B નાં ઈન્વૅસ્ટમૅન્ટનો 11.5 મિલિયન ડૉલરનો રાઉન્ડ પૂરો કર્યો.

શરૂઆતનાં વર્ષો

એન્જિનિયર્સની ચાર પેઢીનાં પરિવારમાં તેઓ મોટા થયા હોવાથી, પ્રણોતિએ હંમેશા શોધક બનવાનાં સપના જોયાં હતાં. તેમના માતા-પિતા વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "મારા માતા-પિતા બન્ને પોત-પોતાની રીતે ઉદ્યોગસાહસિક હતાં. મારી માતા એક અત્યંત બુદ્ધિશાળી અને ક્રિયાશીલ સ્ત્રી છે, અને તેઓ ચિત્રકાર પણ છે. તેમણે તેમની પોતાની એક ઈન્ટિરિયર ડિઝાઈનિંગ કન્સલટૅન્સી શરૂ કરી હતી, અન્ય ઘણાં ક્ષેત્રોમાં કામ કર્યું, તેઓએ પ્રોગ્રામિંગ પણ શીખ્યું જેથી દુનિયાનાં કદમ સાથે કદમ મિલાવી શકે, અને હાલમાં તેઓ ગણિતની શિક્ષિકા તરીકે પોતાનું પૅશન જીવી રહ્યાં છે. મારા પિતા પણ ઘણાં વિનમ્ર તથા અત્યંત તર્કસંગત અને વ્યવહારુ વ્યક્તિ છે. તેમણે મશીન ડિઝાઈનમાં, પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના 50નાં દાયકામાં તેમણે પોતાની પોઈન્ટ-ઑફ-સેલ ટર્નકી સોલ્યુશન્સ કંપની શરૂ કરીને પોતાના માટે કામ કરવાનું શરૂ કર્યું."

પ્રણોતિ કહે છે કે, તેઓ તેમના માતા-પિતાનાં પરફેક્ટ મિક્સ છે, જેમાં તે બંનેના બધાં જ લક્ષણ સ્પષ્ટ રીતે દેખાય છે: તેમની માતાનો સર્જનાત્મક, ક્રાંતિકારી અને વિચારશીલ સ્વભાવ અને તેમના પિતાનો તર્કસંગત, વ્યવહારુ અને વિનમ્ર વિચારસરણી. પૂણેમાં જન્મીને મોટી થયેલી પ્રણોતિ, નેશનલ જુનિયર કૉલેજમાં, તેમના A લેવલ્સ કરવા માટે, સિંગપુર એયરલાઈન્સની યુથ સ્કોલરશિપ થકી સિંગાપુર આવ્યાં. એન્જિનિયરિંગ પ્રત્યે તેમના પ્રેમનાં લીધે તથા આવડતનાં લીધે, તેમણે મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી, અને સિંગાપુરની નેશનલ યુનિવર્સિટીમાં પ્રોડક્ટ ડિઝાઈનિંગમાં પ્રવેશ મેળવ્યો. યુનિવર્સિટી એક્સચેન્જ પ્રોગ્રામનાં ભાગરૂપે, તેઓ બર્કેલીમાં ભણ્યાં.

રોટીમૅટિકની શોધ

એક લોકપ્રિય કન્ઝ્યૂમર બ્રાન્ડ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ, પ્રોડક્ટ્સના કૉન્સૅપ્ટથી ફાઈનલ માસ મેન્યુફેક્ચર ડિઝાઈન સુધી લઈ ગયાં બાદ, પ્રણોતિ જે સમસ્યા વિશે ગંભીર હતાં, તેનો ઉકેલ લાવવાં માંગતાં હતાં: પરિવારોને સ્વસ્થ ભોજન ખાવામાં મદદ કરવી. 

"એટલે જ 2008માં, મેં ઝિમ્પ્લિસ્ટિકને કૉ-ફાઉન્ડ કરી, જેમાં, મેં મારી પર્સનલ સેવિંગ્સ, સમય અને સંબંધો બધાને ઈન્વૅસ્ટ કરી દીધાં, જેથી, દુનિયાનાં પ્રથમ ફૂલ્લી-ઑટોમૅટિક રોટી મશીન ‘રોટોમૅટિક’ નાં અમારા વિઝનને જીવંત કરી શકીએ."

છેલ્લાં સાત વર્ષોમાં, પ્રણોતિ અને તેમની ટીમે અથાગ મહેનત કરી છે, સ્ટાર્ટઅપ@સિંગાપુર જીત્યાં, ઈન્ટૅલ બર્કેલીનાં ટૅક્નૉલોજી આંત્રપ્રેન્યોરશિપ ચૅલેન્જમાં ત્રીજું સ્થાન મેળવ્યું.

પ્રણોતિએ ડેવેલપમેન્ટ પ્રોસેસને શીખવા માટે, એક પ્રોડક્ટ ડિઝાઈન કન્સલટેન્સીમાં 2 વર્ષ સુધી કામ કર્યું છે. સમગ્ર સમય દરમિયાન, તેઓ જેનાં પર કામ કરવા માગતાં હતાં, તેવા આઈડિયાઝનું એક લિસ્ટ તૈયાર હતું. એક હેલ્થ-કોન્શિયસ વ્યક્તિ હાવાનાં લીધે, અને લગ્ન બાદ, તેમણે વ્યસ્ત જીવન હોવા છતાં, સ્વસ્થ ભોજનની યુનિવર્સલ સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું.

ભવિષ્યમાં છવાઈ જશે, ‘રોટીમૅટિક’!

એક વારમાં રોટીમૅટિક 20 જેટલી તાજી રોટલીઓ બનાવી શકે છે, એક મિનિટમાં એક રોટલી, જેમાં, તેલ, પડની જાડાઈ અને શેકવાનાં લેવલ માટે વિકલ્પો આપવામાં આવે છે.

પ્રણોતિ યાદ કરતાં કહે છે કે, "2014માં, પ્રિઓર્ડર કેમ્પેઈન લૉન્ચ કરતી વખતે, હજારો ઓર્ડસ આવતાં હોવાનાં લીધે તે ઘણું જ ઉત્સાહજનક હતું." ટીમ ઘણી ઝડપથી વધી રહી છે, હવે 35 છે અને વધી રહી છે, તેઓ આવનારા પડાવ જેમાં મશીનને તેનાં પ્રિ-ઓર્ડસ ગ્રાહકોનાં પ્રથમ રાઉન્ડમાં લાવવામાં આવશે, તેની રાહ જોઈ રહ્યાં છે. પ્રણોતિ જણાવે છે કે, "એક ફાઉન્ડર તરીકે, ટીમ માટે યોગ્ય વ્યક્તિને શોધવી, એ મારો મુખ્ય ધ્યેય છે. હું નવીનતાનું એક મજબૂત માળખું ઊભું કરવા માંગુ છું, જેમાં પૅશન સાથે સારું કાર્ય કરવાની ઈચ્છા થાય તથા, રોટીમૅટિક જેવાં દુનિયાની પ્રથમ પ્રોડક્ટને બનાવવાં માટે, કાર્યસ્થળમાં પારીવારિક ભાવ ઊભો કરવો ઘણો જરૂરી છે."

હાલમાં, પ્રાથમિક ગ્રાહકો NRI છે, ખાસ કરીને એ ભારતીયો જેઓ USA માં રહે છે. પ્રણોતિ જણાવે છે, 

"રોટલી એમનો મુખ્ય ખોરાક છે, છતાં તેને બનાવવામાં ઘણી મહેનત લાગે છે, તેમાં વાર પણ લાગે છે અને બગાડ પણ બહુ થાય છે, માટે તેઓ એને રોજ ખાઈ નથી શકતાં."

ટૅક્નૉલોજીમાં સ્ત્રીની ભૂમિકા

પ્રણોતિ કબૂલે છે કે, એક સ્ત્રી માટે હાર્ડવેયર પ્રોજેક્ટ તૈયાર કરવો સામાન્ય વાત નથી. લોકો વિશ્વાસ જ નથી કરતાં, કે તેઓ આ કંપનીના ચીફ ટૅક્નૉલોજી ઑફિસર અને એન્જીનીયરિંગ આર્કિટૅક્ટ છે. તેઓ માની લે છે કે, પ્રણોતિ સેલ્સ અથવા માર્કેટિંગની વ્યક્તિ છે. "તેથી, હું મીટિંગ્સમાં મોટરસાઈકલ લઈને જતી હતી, જેથી લોકોને સમજાવી શકું કે હું કંઈક અલગ છું."

જ્યારે તેઓ ગર્ભવતી હતાં, તે સમય પણ એક મોટો પડકાર હતો. તેઓ કહે છે કે, "મેં બને તેટલી મારી ગર્ભાવસ્થા લોકોથી છુપાવી રાખી હતી, કારણ કે હું ખાસ અધિકારો મેળવવા નહોતી માગતી." જોકે, તેમના અનુભવનાં આધારે, તેમણે એ વાત શીખી લીધી કે, એક સ્ત્રી ટેબલ પર શું મૂકે છે તે અનન્ય છે. પ્રણોતિ જણાવે છે કે, “આપણે આપણું સ્ત્રીત્વ જતું કરી દેવાની જરૂર નથી. પણ આપણાં સ્ત્રીગુણ તથા પૌરુષગુણ વચ્ચે યોગ્ય સમતોલન જાળવવું જોઈએ." કોઈ પણ કાર્યમાં 100 ટકા આપી દેવાનાં તેમના વલણનાં કારણે, એક કાર્ય માટે, બીજા સાથે બાંધછોડ ન કરવાનું તેમના માટે શક્ય બન્યું.

તેમનાં કૉ-ફાઉન્ડર, પતિ ઋષિ ઈસરાની, શરૂઆતથી જ તેમની આ યાત્રામાં સામેલ રહ્યાં છે. "શરૂઆતનાં વર્ષોમાં, જ્યારે હું સાવ એકલી હતી, અને એક પ્રથમ પ્રોટોટાઈપ બનાવતી હોવાથી, તેઓ મારું બ્રેઈન સ્ટોર્મિંગ કરતાં હતાં. પછી જ્યારે પ્રોડક્ટ માટે, સોફ્ટવેયર નિપુણતા જટીલ થવા લાગી ત્યારે, મને કંપની ઊભી કરવા માટે તેઓ ફૂલ ટાઈમ મદદ કરવા જોડાયાં." ઋષિનું લાંબા સમયનું સપનું હતું કે તેઓ એક રેસ્ટોરાં શરૂ કરે, અને પરીવારમાં સ્વસ્થ ભોજનનાં મહત્વ વિશે, તેઓ બન્ને એકબીજાનાં સૂરમાં સૂર પરોવે છે.

વધુ પડકારરૂપ પાસુ એ છે કે, જ્યારે તમે સાથે રહીને કામ કરતાં હોવ ત્યારે, તમારી કોઈ સીમા નથી હોતી. આ વિશે પ્રણોતિ ઉકેલ સૂચવે છે કે, વ્યક્તિની ખાસિયતને પારખીને તેને તેની ક્ષમતા અનુસાર કામ સોંપવું, જેથી બધાં લોકો પોત-પોતાની ક્ષમતા અનુસાર કામ કરી શકે. તેઓ કહે છે, "જ્યારે અમે પડકારનો સામનો કરીએ છીએ, ત્યારે અમે બન્ને પહેલાં આંતરિક વિચાર-વિમર્શ કરવા લાગીએ છીએ, જેનાં લીધે અમારા વચ્ચે ગેરસમજ ઉત્પન્ન થાય છે. તમારી કમ્યૂનિકેશન ચેનલને હમેંશા ખુલ્લી રાખવાથી જ ફાયદો થાય છે."

પણ શું શોધક તેની શોધનો ઉપયોગ કરે છે? પ્રણોતિ કહે છે કે, “હાં, અમારા કિચન કાઉન્ટર પર એક રોટીમૅટિક છે! વ્યસ્ત જીવનશૈલીમાં, સ્વસ્થ ભોજન ખાવાની મારી પોતાની સમસ્યાઓને ઉકેલવા માટે, મેં આ મશીનની શોધ કરી હતી. હવે પતિ, નાનો દિકરો અને એક બિઝનેસને ચલાવવા માટે, રોટીમૅટિક, અમારા રોજીંદા ભોજનનું એક અત્યંત ઉપયોગી સાધન છે, જે ખાતરી રાખે છે, કે અમે એક પરિવાર તરીકે, સાથે બેસીને ભોજન કરીએ."


લેખક: સ્મૃતિ મોદી

અનુવાદક: નિશિતા ચૌધરી

Related Stories