રૂ. 10માં ચા-કૉફી પીવડાવી બ્રાન્ડિંગના કિંમતી ફંડા શીખવાડે છે રમેશ!

રૂ. 10માં ચા-કૉફી પીવડાવી બ્રાન્ડિંગના કિંમતી ફંડા શીખવાડે છે રમેશ!

Wednesday March 09, 2016,

3 min Read

પીમ.. પીમ.. પીમ.. પીમ – હોર્નનો અવાજ સંભાળાય છે અને અમને ખબર પડી જાય છે કે

“રમેશ આવી ગયો છે!”

એક મિનિટમાં પર્પલમેન્ગોની આખી ટીમ બહાર આવી જાય છે અને તેમના હાથમાં તાજાં ધોયેલા, બહુરંગી ચુંબક કૉફી મગ હોય છે. પ્લાસ્ટિકના બે બાસ્કેટમાંથી રમેશ દૂધ, ચા અને ગરમ પાણીના મોટા ફ્લાસ્ક બહાર કાઢે છે. અને આ ચીજવસ્તુઓમાંથી તે ગરમાગરમ ચાના કપ બનાવે છે.

તેની આ ઓફરમાંથી સૌથી વિશિષ્ટ બાબત છે – રમેશની શૈલી. તે પોતાની આગવી શૈલીથી બાસ્કેટમાંથી દરેક બેવરેજ બનાવે છે અને પીરસે છે.

- સૌપ્રથમ અમને ચા મળે છે. અમારામાંથી જેમને રમેશની ચા થોડી કડક લાગે છે, તેમને તે થોડું દૂધ નાખીને લાઇટ કરી દે છે.

- પછી લેમન ટીના રસિયાઓ લાઇનમાં આવે છે અને તેમને હંમેશા ફુદીનાના તાજા પાન ચુસ્કી માણવા મળે છે.

- પછી થોડી મીઠી કૉફી પીનાર લોકોને તેમના કપ મળે છે.

રમેશ બાર-ટેન્ડર જેવો માહોલ ઊભો કરે છે. તે તેનો ફ્લાસ્ક થોડી ઊંચાઈએ રાખે છે અને તેમાંથી તે દરેક કપમાં પ્રવાહી રેડે છે એટલે કપમાં ઉપર ફીણ વળે છે. આ બધી મજા અને મસ્ત સ્વાદ તમને ફક્ત રૂ. 10માં મળે છે. રમેશ ચા અને કૉફીનો સામાન્ય વ્યવસાય જ કરે છે, પણ તેને વિશિષ્ટ બનાવે છે – ગ્રાહકોનો સંતોષ. ગ્રાહકોને સંતોષ જ તેની સફળતાનું રહસ્ય છે. અહીં રમેશ પાસેથી શીખવા જેવા બિઝનેસને કેટલાંક ફંડા આપ્યાં છે.

image


તમારા ગ્રાહકની જરૂરિયાતને સમજોઃ રમેશ ધ્યાનમાં રાખે છે કે દરેક ગ્રાહકની ચોક્કસ પસંદ હોય છે. તે દરેક ગ્રાહકને કેટલી ખાંડ પસંદ છે તેનું ચોક્કસ પ્રમાણ જાણે છેઅને દરેકને પૂરતો સંતોષ મળે એ માટે સારો એવો પ્રયાસ કરે છે.

સંબંધોની જાળવણીઃ રમેશ ઓફિસના સભ્યો સાથે સુમેળભર્યો સંબંધ રાખે છે, કોઈ સભ્ય ન દેખાય તો તેના વિશે પૂછપરછ કરે છે. તે બાજુના એપાર્ટમેન્ટની સિક્યોરિટી ગાર્ડ સાથે પણ સારો સંબંધ રાખે છે. તે સમજે છે કે દરેક સંબંધ અલગ છે અને અલગ રીતે તેનું સંચાલન કરવાની જરૂર છે.

ટાઇમ ઇઝ મનીઃ તે કોઈ સ્ટોપ પર 10 મિનિટથી વધારે ઊભો રહેતો નથી, કારણ કે રમેશ માટે સમય જ નાણાં છે. તેના ફ્લાસ્ક પર કલર કોડ હોય છે, જેથી તે દરેક ફ્લાસ્કમાં કઈ સામગ્રી છે તેને ખોલ્યા વિના જાણે છે. તેની કામ કરવાની કુશળતાના કારણે તે દરેક સ્ટોપ પર રૂ. 200ની કમાણી કરે છે.

નિયમિતતાઃ ગયા ચોમાસામાં વરસાદ વરસાદ હતો અને અમે આખો દિવસ વરસાદની ખુશનુમા ઠંડક વચ્ચે કોફી માટે આતુર હતા. અમને ખાતરી હતી કે મુશળધાર વરસાદમાં રમેશ નહીં આવે. પણ તેણે નિયમિત સમયે આવીને અમને બધાને ચકિત કરી દીધા હતા.

બ્રાન્ડની લોયલ્ટી ઊભી કરવીઃ અમારા પડોશમાં ઘણા લોકો ચા-કૉફીનો ધંધો કરે છે, પણ અમારી પહેલી પસંદ રમેશ જ છે. તે અમારા ઘરઆંગણે અમને મજા કરાવી દે છે અને મૂડ લાવી દે તેવી ચા-કૉફી આપે છે.

રમેશ જે કામ કરે છે તે પ્રમાણમાં સરળ લાગી શકે છે અને તેમાં નફાનું ધોરણ વધારે હોય તેવું પણ લાગી શકે, પણ રમેશે પોતાની ગરમ પીણાની જે બ્રાન્ડ ઊભી કરી છે તે રાતોરાત ઊભી થઈ નથી. તેની બ્રાન્ડ તેની ઘણા દિવસોના પ્રયાસનું ફળ છે. હકીકતમાં તે આપણા બધા માટે પ્રેરણારૂપ છે અને ગ્રાહકોને સંતોષ આપો તો તમારા વ્યવસાયને જરૂર સફળતા મળે છે તેનો પુરાવો છે.

અતિથી લેખિકા- રેશમા થોમસ

રેશમા થોમસ પર્પલમેન્ગો (www.purplemango.in)માં પાર્ટનર છે, જે છ વર્ષથી બેંગલુરુમાં કાર્યરત ક્રિએટિવ કમ્યુનિકેશન એજન્સી છે.

અનુવાદકઃ કેયૂર કોટક