તરછોડાયેલા અને નિરાધારનો આધાર એટલે ‘જીવન ટ્રસ્ટ’

તરછોડાયેલા અને નિરાધારનો આધાર એટલે ‘જીવન ટ્રસ્ટ’

Tuesday October 20, 2015,

5 min Read

આપણું કામ કોઈનાં હૃદયને ત્યારે જ સ્પર્શે છે કે જ્યારે તેની સાથે આપણી લાગણીઓ પણ જોડાયેલી હોય. અથવા તો એમ કહી શકાય કે જે કામ તમે મનથી કરો તે જ કામ બીજાનાં મનને પણ સ્પર્શે. જો આપણાં કામ સાથે માનવતા જોડાયેલી હોય તો તે કામ ખૂબ જ મોટું બની જાય અને ઘણાં લોકોને પ્રેરણા પણ આપે. આવું જ એક કામ 32 વર્ષીય અંકુશ ગુપ્તાએ કર્યું. 

image


અંકુશે 2010માં ‘જીવન ટ્રસ્ટ’નો પાયો નાખ્યો અને સમાજ કલ્યાણ સાથે જોડાયેલા કાર્યોમાં લાગી ગયા. અનુભવ ગુપ્તા એક મીડિયા પ્રોફેશનલ છે અને મીડિયામાં તેમની સફળ કારકિર્દી રહી છે. અનુભવ પહેલેથી જ એવું કામ કરવા માગતા હતા કે જેના કારણે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય. આજે તેમની સંસ્થા ‘જીવન ટ્રસ્ટ’ એવા જ કામો સાથે સંકળાયેલી છે. અનુભવે બે મુખ્ય કાર્યો કર્યા છે કે જેના કારણે આજે તેમને દેશભરમાં બિરદાવવામાં આવી રહ્યા છે. પહેલું કામ એલ્બિનિઝમ એટલે કે રંગહીનતા ધરાવતા લોકોની મદદ અને બીજું કિન્નરો માટે કામ કરવું.

એલ્બિનિઝમ એક એવો ડિસઓર્ડર છે કે જેમાં વ્યક્તિનાં શરીરમાં સફેદ સિવાય અન્ય કોઈ રંગ ના દેખાય. તેને રંગહીનતા પણ કહે છે. ઘણા લોકો તેને લિકોડર્મા પણ કહે છે. પરંતુ તે અલગ પ્રકારનો ડિસઓર્ડર છે. એલ્બિનિઝમ ધરાવતા લોકોની દૃષ્ટિ પણ ખૂબ જ નબળી હોય છે. ઓફિસ કે અન્ય જગ્યાએ લોકો તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમની સાથે ખાવા નથી બેસતાં અને એક અંતર રાખે છે. ઘણા લોકો તો તેમની સાથે હાથ મિલાવવાનું કે તેમને સ્પર્શવાનું પણ ટાળે છે. પરંતુ અગત્યની વાત એ છે કે આ ડિસઓર્ડર ચેપી નથી એટલે સ્પર્શવાથી ફેલાતો નથી. બીજું કે આ બીમારીને સફાઈ કે સ્વચ્છતા સાથે કોઈ લેવા-દેવા નથી. એટલે કે કોઈ આવી વ્યક્તિને સ્પર્શે તો તે ગંદી નહીં થઈ જાય અને તેને આ રોગનો ચેપ નહીં લાગે. એલ્બિનિઝમમાં શરીરનો રંગ નથી બનતો તેના કારણે શરીરનું દરેક અંગ સફેદ થઈ જાય છે. 

image


એલ્બિનિઝમ ધરાવતાં બાળકોને શાળામાં ખૂબ જ તકલીફ પડે છે. ઘણાં બાળકો તેમની સાથે નથી રહેતાં કે તેમની સાથે નથી રમતાં. ઘણાં માતા-પિતા પણ પોતાનાં બાળકોને એલ્બિનિઝમથી પીડાતા બાળકોથી દૂર રહેવાની સલાહ આપે છે જે ખોટું છે. તેમણે સમજવું જોઇએ કે એલ્બિનિઝમથી પીડાતાં બાળકો પણ કોઈનાં બાળકો છે અને આ બીમારી કોઈ પણ બાળકને લાગુ પડી શકે છે. ખરેખર તો આ બીમારી નથી ડિસઓર્ડર જ છે. તેમાં કોઈનીયે ભૂલ નથી અને આ ચેપી રોગ નથી. આવામાં લોકોને જાગરૂકતા ફેલાવવાની જરૂર છે અને તે જ કામ અનુભવ ગુપ્તાએ શરૂ કર્યું. તેમણે વિવિધ અવેરનેસ કાર્યક્રમો ચલાવ્યા. તેઓ ઘણી શાળાઓમાં જઈને શિબિરોનું આયોજન કરે છે. લોકોને મળે છે અને તેમને આ રોગની હકીકત સમજાવે છે. વિવિધ મીડિયા સંસ્થાઓ દ્વારા પણ અંકુશે એક અભિયાન ચલાવ્યું કે જેથી લોકોમાં જાગરૂકતા લાવી શકાય.

ભક્તિ તલાટી કે જેઓ પોતે પણ આ ડિસઓર્ડર ધરાવે છે અને તે પોતે મીડિયાકર્મી છે. ભક્તિ ઘણી જગ્યાએ કોલમ લખે છે. તે કહે છે કે તે જ્યાં પણ જાય છે તો બાળકો જ નહીં મોટા લોકો પણ તેને વિચિત્ર નજરે જુએ છે. જોકે, તેનાથી તેમને કોઈ ફેર નથી પડતો પરંતુ તેઓ એ કહેવા માગે છે કે એલ્બિનિઝમ વિશે લોકોને કોઈ જ જ્ઞાન નથી. તેઓ કહે છે કે આ બીમારીને કારણે અત્યાર સુધી તેમને ભણવામાં કે નોકરીમાં કોઈ જ તકલીફ પડી નથી. પરંતુ હવે તેમને ખ્યાલ આવ્યો કે એવા ઘણાં લોકો છે કે જેમને આ બીમારીને કારણે અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ભક્તિએ નક્કી કર્યું કે તે આ તકલીફોમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરશે. ભક્તિ પણ ‘જીવન ટ્રસ્ટ’ને પૂરતો સહયોગ આપી રહ્યાં છે. ‘જીવન ટ્રસ્ટ’ હવે 300 એલ્બિનિઝમથી પીડિત લોકો સાથે છે અને શક્ય હોય તેટલી તેમની મદદ કરે છે. અનુભવ કહે છે, “યુનાઇટેડ નેશન્સ 13 જૂને વિશ્વ એલ્બિનિઝમ દિવસ મનાવે છે. તેના કારણે લોકોને ખૂબ જ ફાયદો થશે અને ટ્રસ્ટ યુએન સાથે મળીને તે દિશામાં કામ કરી રહ્યું છે.”

અનુભવનો બીજો પ્રોજેક્ટ કિન્નરોનાં જીવનમાં સુધારો લાવવાનો છે. જ્યારે તેઓ નાના હતાં અને કોઈ સારા પ્રસંગે કિન્નરો ઘરે આવીને ગીતો ગાતા તો તેમને લાગતું કે ઘણા કિન્નરોનો અવાજ ખૂબ જ સારો હોય છે પણ તેઓ ફિલ્મોમાં કેમ નથી ગાતા. તેમને આગળ વધવાની તક કેમ નથી મળતી. મોટા થયા ત્યારે તેમને સમજાયું કે સમાજમાં કિન્નરોની હાલત ખૂબ જ ખરાબ છે. ઘણા લોકો તેમને સમાજનો ભાગ પણ નથી ગણતા. તેમણે લોકોનાં ઘરે નાચી અને ગાઈને પોતાનું જીવન ચલાવવું પડે છે. કોઈ તેમને નોકરી પણ નથી આપતું કે તેમની સાથે સારો વ્યવહાર પણ નથી કરતું. અનુભવે નક્કી કર્યું કે તેઓ કિન્નરોના ટેલેન્ટને દુનિયાની સામે લાવશે. જેથી કરીને દુનિયા તેમને તેમની પ્રતિભાથી ઓળખે અને તેમનું નામ પણ આદર સાથે લેવામાં આવે. આ કામ ખૂબ જ મુશ્કેલ હતું જેના માટે તેમને 17 મહિનાનો સમય લાગ્યો. તેમણે નક્કી કર્યું કે તેઓ એક આલ્બમ બનાવશે જેમાં ગીતો સુંદર અવાજના માલિક એવા કિન્નરો પાસે ગવડાવશે. અને પછી દુનિયાની સામે આ સુંદર અવાજ લઈને જશે જેથી કરીને દુનિયા પણ તેમની પ્રતિભાને જુએ. 

image


અનુભવે જે આલ્બમ લોન્ચ કર્યું છે તેમાં નવ કિન્નરોએ ગીતો ગાયાં છે. તે તમામ અલગ-અલગ રાજ્યોનાં હતાં. જુદી-જુદી ભાષામાં 13 ગીતો રેકોર્ડ કરવામાં આવ્યાં. આ આલ્બમમાં 6 સંગીતકારોએ કામ કર્યું. 17 મહિનાની સખત મહેનત બાદ આલ્બમ તો તૈયાર થયું પણ તેને રજૂ ન કરી શકાયું કારણ કે ભંડોળનાં કારણે વાત અટકી ગઈ હતી. આ આલ્બમ માટે કોઈ ભંડોળ આપવા તૈયાર નહોતું. ખૂબ જ મહેનત બાદ આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું. 

image


આ પ્રોજેક્ટને યુએનડીપી ઇન્ડિયા અને પ્લેનેટ રોમિયો ફાઉન્ડેશન, નેધરલેન્ડનો સપોર્ટ મળ્યો. આલ્બમને કારણે ઘણાં જ સુંદર અવાજના માલિક એવા કિન્નરોને એક પ્લેટફોર્મ મળ્યું. અને દુનિયાભરના લોકો તેમનાં ગીતો સાંભળી શકે છે. અનુભવ માને છે કે તેમના આ પ્રયાસને કારણે કિન્નરોને સમાજમાં સન્માન મળશે અને લોકો તેમની પ્રતિભાને કારણે તેમને ઓળખશે.