બે ભાઈઓની મદદથી 30 હજાર ખેડૂતો ઑનલાઈન વેચી રહ્યાં છે પોતાની પ્રોડક્ટ!

વિદેશમાં રહેતા પવિતર પાલ સિંહ અને હરજાપ સિંહે ભારત પરત ફરીને એક એવું પ્લેટફોર્મ ઉભું કર્યું જેમાં ખેડૂતો કોઈ પણ વચેટીયાઓની દખલગીરી વગર પોતાની પ્રોડક્ટ સફળતાપૂર્વક વેચી રહ્યાં છે અને પહેલાની સરખામણીએ વધુ કમાણી કરી રહ્યાં છે.

બે ભાઈઓની મદદથી 30 હજાર ખેડૂતો ઑનલાઈન વેચી રહ્યાં છે પોતાની પ્રોડક્ટ!

Wednesday May 31, 2017,

4 min Read

દેશમાં ખેડૂતોની પરિસ્થિતિ કોઈનાથી છૂપાયેલી નથી. એક બાજુ જ્યાં જગતનો તાત મજબૂર બની રહ્યો છે ત્યાં બીજી બાજુ શાકભાજી, ફળો, દૂધ અને અનાજની કિંમતો આકાશને આંબી રહી છે. કદાચ તમને થશે કે આમ કેમ થઇ રહ્યું છે? પણ હકીકત એ જ છે કે ખેડૂતોને અડધી-પોણી કિંમતે તેમની ઉપજ વેચવી પડે છે તો આ તરફ, લોકોને મોંઘા ભાવે ચીજવસ્તુઓ ખરીદવી પડે છે. ખેડૂતો અને ગ્રાહકોની વચ્ચે વચેટિયાઓની એક એવી મોટી ખાઈ થઇ ગઈ છે કે જેઓ ખેડૂતો પાસેથી ઓછી કિંમતે ઉપજ ખરીદે છે અને ત્યારબાદ તેમને ગમે તે કિંમતે માર્કેટમાં વેચી દે છે. પરંતુ આ સમસ્યાનું સમાધાન પંજાબના આ બે ભાઈઓએ શોધી લીધું છે. 

પવિતર પાલ સિંહ અને હરજાપ સિંહ

પવિતર પાલ સિંહ અને હરજાપ સિંહ


બે વર્ષની અંદર જ 30 હજારથી વધુ ખેડૂતોએ પવિતર અને હરજાપ પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું અને પછી 2016ના જુલાઈમાં ખેડૂતો માટે Farmer Friend નામની વેબસાઈટ લોન્ચ થઇ. આજની તારીખે આ નેટવર્કમાં લગભગ 350 રેસ્ટોરન્ટ્સ તેમજ 2500થી વધુ લોકો રજીસ્ટર્ડ છે જેઓ સીધા જ ખેડૂતો પાસેથી અનાજ અને દૂધ ખરીદે છે. 

અમૃતસરમાં રહેતા મેજર બલકાર સિંહ આર્મીમાં 32 વર્ષ નોકરી કરતા રહ્યાં. 2008માં જ્યારે તેઓ સેનાથી રીટાયર થયા ત્યારે તેઓ પોતાના ઘર, પોતાના ગામ પરત ફર્યા. તેમનું સપનું હતું કે તેઓ પણ પોતાના પિતાની જેમ ખેતી કરે અને તેમણે કર્યું પણ. તેમનો પરિવાર પહેલેથી જ ખેતી કરી રહ્યો હતો. તેમની પાસે 40 એકર જેટલી ખેતીની જમીન છે. પરતું ખેતી શરૂ કર્યા બાદ બલકારને ઘણાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બીજ, ખાતર, પાણીની સાથે સાથે બીજી મોટી સમસ્યા હતી માર્કેટની. તેમણે જોયું કે ખેડૂતો પૂરી મહેનત અને લગનથી ખેતી કરી રહ્યાં છે પણ તેમને પૂરી કિંમત નથી મળી રહી. વચેટીયાઓ અને દલાલ ઘણી ઓછી કિંમતે તેમની પાસેથી ઉપજ ખરીદી રહ્યાં છે અને માર્કેટમાં ઉંચી કિંમતે વેચી રહ્યાં છે. કેટલાંયે ખેડૂતો પોતાની લોન નથી ચૂકવી શકતા તો કેટલાંક ખેડૂતોએ આત્મહત્યા પણ કરી લીધી.

બલકાર સિંહે ખેડૂતોની મુશ્કેલી જોઈને આંદોલન શરૂ કર્યું. તે ખેડૂતોના અધિકારોને લઈને ગામેગામ જાગરૂકતા ફેલાવવા લાગ્યા. જેના કારણે તેમને અમૃતસર તેમજ તરન તારન જિલ્લાની 'કિસાન સંઘર્ષ સમિતિ'ના અધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા.

બલકાર સિંહનો દીકરો પવિતર સિંહ સોફ્ટવેર એન્જિનિયર છે અને તે સમયે તે નેધરલેન્ડમાં રેસ્ટોરન્ટનો બિઝનેસ સંભાળતા. અવારનવાર જ્યારે પવિતર અને બલકાર સિંહની વાત થતી ત્યારે બલકાર ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરતા. એ જ સમય દરમિયાન, વર્ષ 2014માં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે એક ખેડૂતે રેલના પાટા નીચે પોતાનો જીવ આપી દીધો. જ્યારે પવિતરને આ વાતની ખબર પડી ત્યારે તેઓ નેધરલેન્ડથી ભારત પરત ફર્યા. આ અંગે પવિતર કહે છે,

"મારા પિતાએ મને એક પણ વાર ભારત પાછું આવવાનું નહોતું કીધું. પણ મને લાગ્યું કે મારે ખેડૂતોની મદદ કરવી જોઈએ એટલે હું ભારત પરત ફર્યો." 

પવિતરના કાકાના દીકરા હરજાપસિંહ પણ વિદેશમાં રહેતા હતાં. પવિતરનો નિર્ણય સાંભળીને તેઓ પણ ભારત પાછા આવી ગયા. હવે પવિતરને એક સાથ મળી ગયો હતો. બંનેએ લગભગ દોઢ વર્ષ સુધી દેશના ખૂણે ખૂણે ગયા અને ખેડૂતોની સમસ્યા જાણી.

પોતાના રીસર્ચ બાદ આખરે પવિતર અને હરજાપ એ નિર્ણય પર પહોંચ્યા કે ખેડૂતોની મોટી સમસ્યા માર્કેટની છે. ખેડૂતો અને ગ્રાહકો એકબીજાના સીધા સંપર્કમાં નથી. ખેડૂતો પોતાના પાકના ભાવ પણ જાતે નક્કી નથી કરી શકતા જેથી વચેટીયાઓને જ ઉપજ વેચવી પડે છે. તેઓ ઇચ્છે છતાં પણ ઘરે જગ્યા ઓછી હોવાથી ઉપજને પોતાના ઘરે નથી રાખી શકતા. આ મુશ્કેલીને દૂર કરવા પવિતર અને હરજાપે એક વેબસાઈટ બનાવી જ્યાં ખેડૂતો સીધા જ રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ જેવી મોટી જગ્યાઓ પર સંપર્ક કરીને ઉપજ વેચી શકે છે.

બંને ભાઈઓએ 20 લોકોની એક મજબૂત ટીમ બનાવી અને તેમને વિવિધ ગામોમાં આ પહેલ વિશે જાણકારી આપવા મોકલ્યા. ગામની પંચાયતોએ પણ તેમની મદદ કરી. જ્યારે ખેડૂતોને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ઘણાં ખુશ થયા.

પવિતરે હરિયાણામાં પણ બે 'કિસાન સેવા કેન્દ્ર'ની સ્થાપના કરી. જ્યાં ખેડૂતોને આ પહેલ વિશે જાણકારી આપવામાં આવતી. પવિતર અને હરજાપની મહેનત રંગ લાવી અને બે વર્ષની અંદર જ 30 હજારથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું. ત્યારબાદ 2016ના જુલાઈ મહિનામાં ખેડૂતો માટેની આ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી. હવે આ નેટવર્ક સાથે લગભગ 350 રેસ્ટોરન્ટ્સ તેમજ 2500થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેઓ સીધા ખેડૂતો પાસેથી જ અનાજ અને દૂધ ખરીદે છે. તેનાથી એક બાજુ જ્યાં ખેડૂતોને તો ફાયદો થાય છે તો બીજી બાજુ ગ્રાહકોને પણ શુદ્ધ ખાદ્ય સામગ્રી ઓછી કિંમતે મળી રહી છે. 

પવિતરનું કહેવું છે,

"ખેડૂતોની લોન માફ કરી દેવાથી કે પછી તેમની ઉપજ વધે એવા ઉપાયો કરવાથી તેમની ગરીબી નહીં મટી જાય. ખેડૂતો લોન ભરી શકવા સક્ષમ છે, બસ તેમને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળવો જોઈએ."

સાથે જ તેમની કહેવું છે કે જ્યારે દેશનો દરેક સામાન્ય નાગરિક પણ ખેડૂતોની મદદ કરવા માટે આગળ આવશે ત્યારે આ અસમાનતા અને ખોટી વ્યવસ્થાને રોકી શકીશું. 

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...