માંડલ ગામના યુવાનની 'પ્યૂનથી પ્રોફેસર' બનવાની અનોખી સફર

0

નસીબનું પાંદડુ ક્યારે ફરે અને ક્યારે તમારી જિંદગી બદલાઇ જાય તે કહેવું કોઈના પણ માટે મુશ્કેલ છે. એવા કેટલાંયે લોકો છે જે કરિઅર બનાવવા મહેનત - મશ્શક્કત કરતા હોય પણ યોગ્ય સલાહ-સહકાર, સુવિધા, સાચી દિશાના અભાવે તેમની જિંદગીની નૈયા ડામાડોળ થઇ જતી હોય છે. પણ આવા સમયે કોઇ યોગ્ય સલાહકાર અને હિતેચ્છુ મળી જાય તો જિંદગીને નવો જોમ મ‌ળી જાય છે ’ને જિંદગીના ખરા લક્ષ્યાંક અહેસાસ થતાં તે દિશામાં નવી પહેલ કરી શકાય છે.. ને સફળતાને નવા આયામ સુધી લઇ જઇ શકાય છે. જો તમારી દિશા અને લક્ષ્યાંક યોગ્ય હશે તો દંભી અને સ્વાર્થી લાગતી દુનિયા પણ સારી અને સ્વચ્છંદીત લાગવા લાગે છે. સફળતાની પહાડીનો સૌથી સરળ રસ્તો મહેનત છે.. આ સમયે સાહિર લુધયાનવીની એક પંક્તિ યાદ આવે છે..‘હમ મહેનતવાલોને મીલકર જબ ભી કદમ ઉઠાયા હે, સાગરને રાસ્તા છોડા, પરિવર્તનને શીશ ઝુકાયા હે’

વાત છે વિરમગામ-માંડલ નજીકના નાનકડા ગામ સોલના એક યુવાનની. જેણે પોતાની જિંદગીમાં મહેનત થકી 'પ્યૂનથી પ્રોફેસર' સુધીની લાંબી મંજિલ કાપી છે. અસામાન્ય લાગતી વાતને સુરેશભાઇ ચૌહાણે સામાન્ય અને સફળ કરી બતાવી છે. 

બારમા ધોરણ સુધી માંડલના સોલ ગામમાં ભણેલા સુરેશભાઇના પરિવારની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી.બારમા પછી જેમ તેમ કરી પરિવારે પૈસા ભેગા કરીને પીટીસીમાં એડમિશન અપાવ્યું પણ સમય અને સંજોગોની થપાટે પરિવારની આર્થિક પરિસ્થિતિ બગડતા તેમને ભણતર છોડવાનો સમય આવ્યો, જ્યાર બાદ તેમને ગાંધીનગરની એક મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટમાં પ્યૂન તરીકેની નોકરી મેળવી ઘરનાને આર્થિક સહાયરૂપ બનતા થયા. આ નોકરી દરમિયાન ઓફિસમાં કામ કરતા અધિકારી લકુમ મુકેશભાઇએ સુરેશભાઇની ઉંમર જોઇને તેમના ભણતર અને તે છોડવાના કારણ વિશે પૂછ્યું, જોકે મદદરૂપ અને યુવાનોના ભણતર વિશે ખાસ ધ્યાન આપનારા મુકેશભાઇએ યુવાનડા સુરેશને નોકરી છોડાવી અમદાવાદની આર્ટસ કોલેજમાં બી.એમાં એડમિશન અપાવ્યું. કોલેજમાંથી મળતી શિષ્યવૃતિને પગલે સુરેશભાઇને પણ નોકરી કરવાની કોઇ જરૂર રહી ન હતી. આ સાથે જ બી.એ. કોલેજમાં પ્રોફેસરોએ પણ તેમને થતી તમામ સહાય આપી. તે ભણતરની હોય કે પછી કોલેજની ફીની..એક ખરા ગુરૂ તરીકેની તમામ જવાબદારી કોલેજના બે પ્રોફેસર્સે આ યુવાન પ્રત્યે નિભાવી. જેમ તેમ કરીને ત્રણ વર્ષનો બી.એનો અભ્યાસ પૂર્ણ કરીને માસ્ટર્સ માટે અમદાવાદની એચ.કે કોલેજમાં એડમિશન લીધું. 

ભણતર પ્રત્યે ધ્યાન કહો કે જીવનની જરૂરિયાત સમજો. ભણતર અને જ્ઞાનને જ પોતાની જિંદગી બનાવી લીધી..કેમકે પોતાની સાથે પરિવારને પણ સારી જિંદગી આપવાની હતી. સારા સ્વભાવને કારણે પ્રોફેસર્સ સાથે સંબંધ પણ સમન્વયના રહ્યા હતા. જોકે કોલેજ પૂર્ણ થયા બાદ એચ.કે તરફથી તેમને લેક્ચરર તરીકે આવવા આમંત્રિત કરાયા હતા. આ સુરેશભાઇના જિંદગીની સૌથી સુખદ પળ હતી. એક તો પરિવાર માટે આવક ઉભી થવાની હતી. સાથે જ જીવનનો નવો આયામ મેળવવાની પણ ખુશી હતી. એક સમય એવો હતો જ્યાં ભણતર છોડવું પડે તેવી પરિસ્થિતિ આવી હતી ત્યારે એક સજ્જનની મુલાકાતે આખી જિંદગીની દિશા અને દશા બંને બદલી નાખી હતી. 

હવે તો નોકરી પણ હતી અને ભણવાનું કારણ પણ હતુ તેમને એમ.ફીલ પૂર્ણ કરીને પી.એચડીમાં એડમિશન મેળવ્યું. હાલ સુરેશભાઇ અમદાવાદ વિદ્યાપીઠમાંથી સમાજશાસ્ત્ર વિષય પર પીએચડી કરી રહ્યા છે.

સુરેશભાઇની મહેનત તો હતી જ સાથે નસીબે એક એવી વ્યક્તિનો સંપર્ક સાધ્યો કે ક્યારેય વિચાર્યું ન હતું તેટલું ભણતર પણ મેળવી શક્યા. જિંદગી તમને હરાવવાની કોશિશ કરશે પણ જો તમારામાં લડવાની અને જીતવાની ખેવના હશે તો કોઇ પણ મોટી સમસ્યા કેમ ન હોય તેને તમે તમારા કૌશલ્ય અને શાલીનતાથી પાર પાડી શકશો. પણ જો તમે જિંદગીને છેતરવા જશો તો તે તમને છેતરવામાં ક્યાંય બાકી નહીં રાખે. સારા બનો, સરળ બનો અને સામાન્ય બનો. 

પોતાના જ તાલુકામાં પ્રોફેસર થયા!

એક સમયે ભણતર માટે ધોરણ 12મા પછી તાલુકો છોડવો પડ્યો હતો તેજ તાલુકામાં એમ.ફીલ પછી કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી મળી હતી. પોતાના જ વતનમાં પ્રોફેસર બનવાનો મોકો મળે તે કોઇ પણ વ્યક્તિના જીવનનો અનમોલ યાદગીરી હોય છે. હાલ સુરેશભાઇ 27 વર્ષની ઉમરે પીએચડી કરવા સાથે બે કોલેજમાં લેક્ચરર તરીકે કામગીરી કરી રહ્યા છે.

પોતાના જેવા બીજાને પણ ભણાવવાની ખેવના

પોતાના જીવનમાં જે રીતે સજ્જન આવ્યાને મારી જિંદગી બદલાઇ તેવી રીતે હું પણ મારા જેવા અનેક જરૂરિયાતમંદોને મદદ કરીને તેમનું કરિઅર બનાવવામાં મદદ કરવા માગે છે. હાલ પણ સુરેશભાઇ કોલેજમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સલાહકાર તરીકે કરિઅર માટેની સાચી દિશાનું માર્ગદર્શન પૂરૂ પાડે છે.

Related Stories

Stories by YS TeamGujarati