ટીપે ટીપે આવતી ખુશીઓથી છલકાયા ગ્રામજનોના ઘર

0

કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય! ‘બૂંદ એન્જિનિયરિંગ એન્ડ ડેવલોપમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ’નો પણ કંઇક આવો જ મૂળ મંત્ર છે. ‘બૂંદ’ એક સામાજીક ઉદ્યમ છે જે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, એનસીઆર અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વૈકલ્પિક ઉર્જા આપવાનું કાર્ય કરી રહી છે.

2010થી ‘બૂંદ’ ભારતના પછાત વિસ્તારોમાં ગરીબોને વિજળી, પીવાનું પાણી, કિટ– નિયંત્રણ સેવાઓ તથા સ્વચ્છતા સેવાઓ આપવાનું કાર્ય કરી રહી છે. આ ઉપરાંત, ગ્રામીણ ઉદ્યમી તૈયાર કરવામાં તથા સૌર લેમ્પ, સૌર ઉપકરણો, વોટર ફિલ્ટર, સૌર ઉર્જાથી ચાલતા ગેસ વગેરેની વિતરણ વ્યવસ્થા કરવાનું કાર્ય પણ કરી રહી છે. “અમે ભારતના દૂરના વિસ્તારોમાં જઇને ત્યાં માત્ર ઉર્જા પહોંચાડવાનું કાર્ય નથી કરતા પરતું ત્યાની સામાજીક સમસ્યાઓ પ્રત્યે પણ ધ્યાન આપીએ છીએ. અમારો મુખ્ય હેતુ તેમની ભૌગૌલિક જરૂરિયાતો પૂરી કરવાનો છે.” આ વાક્યો છે રૂસ્તમ સેન ગુપ્તાના.

‘બૂંદ’ એક સામાજીક ઉદ્યમ છે જેની સ્થાપના રૂસ્તમ સેન ગુપ્તા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ‘બેઇઝ ઓફ પિરામીડ’ (base of the pyramid /BoP)ના વિશેષજ્ઞ પણ છે. તેઓ ટકાઉ અને સમાજને ઉપયોગી નીવડે તેવા (sustainable) સામાજિક ઉદ્યમો પર શોધ કરે છે. જેઓ BoP માટે ઉત્પાદનો અને સેવાઓની ડિઝાઇન તથા ડેટા વિશ્લેષણ ના વિશેષજ્ઞના રૂપમાં કામ કરે છે અને વિવિધ દેશોના વિશ્વવિદ્યાલયમાં માર્કેટ એન્ટ્રી તથા ઇમર્જિંગ માર્કેટ ઇકોનોમિક્સ પર સલાહકારની કામગીરી બજાવે છે.

કયા લક્ષ્ય પર કાર્ય કરે છે ‘બૂંદ’?

‘બૂંદ’નું લક્ષ્ય છે કે અન્ય દેશોમાં જે રીતે લોકોને સુખસુવિધા મળી રહી છે તેવી રીતે પછાત વિસ્તાર અને ગામડાંના લોકોને પણ તે દરેક પ્રકારની સુખસુવિધા મળી રહે. "ઉન્નાવ, ઉત્તરપ્રદેશના પરા નામના ગામમાં 5000 રૂપિયા માસિક આવક ધરાવતા 25 ગરીબ ખેડૂત પરિવાર પોતાના ઘરની વીજળી માટે પ્રિ-પેઈડ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે, જેવી રીતે આપણે મોબાઈલ કાર્ડ રીચાર્જ કરાવીએ તે રીતે. આ સમાધાન દેશના સૌથી ગરીબ પરિવાર માટે છે જેઓ વીજળીનું ઉત્પાદન કરવા જરૂરી એવી પેનલ્સ લગાવવાનો ખર્ચ નથી કરી શકતા. આ 25 પરિવારના સભ્યો ‘બૂંદ’ માટે વીજળી પ્રાપ્ત કરે છે, જે ગામના ગરીબોને તેમના અનૂકુળ સૌર ઉર્જા ઉપકરણ બનાવીને વેચે છે. પરા ગામમાં ‘બૂંદ’ દ્વારા એક KW ક્ષમતાનું સૌર ઉર્જા અપીકો ગ્રીડ સિસ્ટમ (solar powered pico-grid system) સ્થાપિત કરવામાં આવી છે.

જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માઇક્રો ગ્રિડ સિસ્ટમ યોજના તૈયાર કરાઇ

800 વોટની આ અપીકો ગ્રિડ સિસ્ટમ 25 પરિવારને વીજળી ઉપલબ્ધ કરાવે છે. દરેક પરિવાર પોતાની જરૂરિયાત અનુસાર વિજળી ખરીદી શકે છે. ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માઇક્રો ગ્રિડ સિસ્ટમ યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં બે લેમ્પ, એક મોબાઇલ ચાર્જર અથવા ડી.સી. પંખો ચલાવવા માટેની વિજળી ઉપલબ્ધ કરવામાં આવે છે. દરેક ગ્રાહકના ઘરમાં એક મીટર લગાવવામાં આવે છે. વપરાશકાર પોતાની આસપાસના ‘બૂંદ’ ચાર્જિંગ સ્ટેશનમાં જઇને એડવાન્સમાં પણ પૈસા ભરી, કાર્ડ ખરીદી વિજળી લઇ શકે છે. મે, 2014 સુધીમાં ‘બૂંદ’ આવા 11 અપીકો ગ્રીડ સ્થાપિત કરી ચુક્યું છે, જે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના 275 પરિવારને સફળતાપૂર્વક વિજળી પૂરી પાડે છે. રૂસ્તમ કહે છે કે આ વર્ષના અંત સુધીમાં અમારે આવા 50 ગ્રિડ ઉભા કરવા છે.

સોલર એનર્જીના કારણે દૂધ ઉત્પાદકોની આવકમાં 40 ટકાનો વધારો

આવા વિદ્યુતીકરણની સમાજ પર મોટી અસર પડતી હોય છે. 27 વર્ષીય અજયકુમાર જે પોતે પણ એક દૂધ ઉત્પાદક છે. તેઓ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાંસ્થિત હસનગંજ બ્લોકની ગ્રામિણ દૂધ સહકારી મંડળી માટે દૂધનો સંગ્રહ પણ કરે છે. આ વિસ્તારમાં વિજળી નિયમિતપણે મળતી ન હોવાને કારણે દૂધ ઉત્પાદકો દૂધની ગુણવત્તા જાળવી નથી શકતા. જેના કારણે તેમને દૂધની યોગ્ય કિંમત પણ નથી મળતી. બ્લોકના ઇલેક્ટ્રોનિક દૂધ ટેસ્ટિંગ સેન્ટરમાં બૂંદે 225 વોટની સોલર સિસ્ટમ સ્થાપિત કરી. હવે અજયકુમાર ખૂબ જ ખુશ છે કારણ કે તે હવે દૂધની ગુણવત્તા જાળવી શકે છે. અને તેની આવકમાં 30થી 40 ટકા સુધી વધારો નોંધાયો છે. આ ઉપરાંત બૂંદ ઘરવપરાશ માટે 40 વોટના ત્રણ બલ્બ અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ ચલાવવા માટે સક્ષમ સોલર પાવર હોમ લાઇટિંગ સિસ્ટમ પણ લગાવે છે.

50 હજારથી વધુ ગામવાસીઓનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું

અમે સતતપણે જુદા જુદા સર્વે કરીને ગામમાં રહેતા પરિવારોની ઉર્જાની જરૂરીયાતોની માહિતી મેળવતા રહીએ છીએ. અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમારા સોલર ઉપકરણો ખરીદવા માટે તેઓ કેટલા રૂપિયા ખર્ચ કરી શકે છે. કારણ કે તેઓ વિજળીની અછતને કારણે મુશ્કેલીઓનો સામનો કરે છે અને ઉર્જા જ્યાંથી પણ મળી જાય એને ખરીદવા ઇચ્છતા હોય છે. આવા લોકોને આસાનીથી સોલર ઉપકરણો માટે રાજી કરી શકાય છે. જોકે સોલર ઉપકરણો ખરીદવા માટે બેંક પાસેથી કે અન્ય ફાઇનાન્સ સંસ્થાઓ પાસેથી લોન મેળવવાનું કાર્ય સૌથી વધુ પડકારજનક છે તેમ રૂસ્તમ જણાવે છે. તેઓ ઉમેરે છે કે, બૂંદે અત્યાર સુધી 7500 સોલર એનર્જી સિસ્ટમ વેચી છે અને આ પહેલને કારણે ખૂબજ ટૂંકા સમયગાળામાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના 50000થી પણ વધુ ગામવાસીઓના જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. સોલર ઉપકરણોને કારણે દુકાનદારો વધુ સમય માટે પોતાની દુકાન ખુલી રાખી શકે છે પરિણામે તેમના વેચાણમાં 30 ટકાનો વધારો થયો છે. રૂસ્તમને વિશ્વાસ છે કે, વિકાસ અને સમાજીક પ્રભાવ માટે સસ્ટેઈનેબલ વિકાસ મોડલની જરૂર હોય છે. તેઓ જ્યારે પણ વિવિધ કોલેજમાં વ્યાખ્યાન આપવા જાય છે ત્યારે સસ્ટેનેઈબિલિટીનો સંદેશ અચૂક આપે છે.

Related Stories