22 વર્ષની ઉંમરે 14 હજારથી કંપની શરૂ કરનાર વિનીત બાજપેયીની ‘શૂન્ય’થી ‘શિખર’ સુધીની અદ્દભૂત સફર

0

એમાં કોઈ સંદેહ નથી કે માણસની સફળતામાં ‘કિસ્મત’ એક મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ તે તેના પર ‘આશ્રિત’ નથી રહેતો. સફળતાની ‘ઈમારત’માં જેટલો જરૂરી ‘કિસ્મતનો સિમેન્ટ’ છે તેનાથી વધુ મહત્ત્વપૂર્ણ છે તેનો પાયો અને દીવાલો, જે માણસ તેના મજબૂત ઈરાદા અને દૃઢ નિશ્ચયથી બનાવે છે. પ્રામાણિકતાના માપદંડ પર તમે ‘મેગનોન ગ્રૂપ’ના સંસ્થાપક અને ચેરમેન વિનીત બાજપેયીની ‘શૂન્ય’થી ‘શિખર’ સુધીના પ્રેરણાદાયક સફર પર નજર નાખી શકો છો. ‘આસમાન સે આગે’ પુસ્તક લખવાવાળા વિનીત બાજપેયીનો પરિચય તેમના પુસ્તકના શિર્ષકથી ખૂબ મળતો આવે છે. તેઓ તેમના જીવનમાં સૌથી પહેલાં એક ‘લક્ષ્ય’ નક્કી કરે છે, પછી ‘જુનૂન’ અને ‘ઈચ્છાશક્તિ’ની સાથે તેને મેળવવામાં પૂરું જોર લગાવી દે છે. તેઓ આજના સમયના એવા સફળ ઉદ્યમીઓમાં સામેલ છે જેમણે તેમના સ્ટાર્ટઅપની શરૂઆત એક નાનકડી મૂડીની સાથે કરી અને થોડા સમયમાં જ તેને એક ‘બ્રાન્ડ’ બનાવી ‘ડિજિટલ માર્કેટ’માં સ્થાપિત કરી દીધું.

વિનીત બાજપેયીએ માત્ર 22 વર્ષની ઉંમરમાં તેમના બિઝનેસની શરૂઆત માત્ર રૂ.14,000ની સાથે કરી હતી. કહેવામાં આવે છે સંઘર્ષ વિના સફળતા નથી મળતી. વિનીત આ ‘કથન’ને સારી રીતે સમજે છે. દિલ્હી વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં સ્નાતક અને પ્રતિષ્ઠિત લાલ બહાદુર શાસ્ત્રી પ્રબંધન સંસ્થાનથી એમબીએ કરનારા વિનીતે ‘સ્થાયી નોકરી’ અને ‘સંઘર્ષ’માં સંઘર્ષને જ પોતાના સાથે તરીકે પસંદ કર્યો. તેઓ જીઈ કેપિટલમાં કામ કરતા હતા તે દરમિયાન જ તેમણે ડિજિટલ એજન્સી ‘મેગનોન’ની પરિકલ્પનાને સાકાર રૂપ આપ્યું. તેઓ એક સ્થાયી નોકરી કરી રહ્યા હતા, જેમાં પૂરી શક્યતા હતી કે આગળ જતાં તેમને પ્રમોશન મળે અને તેમના પગારમાં પણ વધારો થાય.

પરંતુ વિનીતના મનમાં તો કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. તેઓ કંઈક પોતાનું કરવા માગતા હતા. કદાચ તેમને પોતાની આવડત પર પૂરો ભરોસો હતો. તેમણે વગર કોઈ વાર કર્યે જીઈ-કેપિટલમાંથી નોકરી છોડી અને તેમના મિત્રોની સાથે વર્ષ 2000માં ‘મેગનોન’નો પાયો નાખ્યો. પછી શું હતું, વિનીતના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં ‘મેગનોન ગ્રૂપ’ એક બાદ એક સિદ્ધિ મેળવતું રહ્યું. વિનીત બાજપેયી ‘ડિજિટલ વર્લ્ડ’માં એક નામ મોટું નામ બની ગયા. વિનીતના ગ્રૂપ ‘મેગનોન’એ મોટામોટા ડિજિટલ પ્રોજેકટ્સ પોતાના બનાવી લીધા હતા.

મેગનોન ગ્રૂપના આવકના આંકડામાં (પાછળ લાગતા ઝીરોમાં) સતત વધારો થતો રહ્યો, જે સતત ચાલતો જ રહ્યો. વિનીતે યોરસ્ટોરીને જણાવ્યું,

"શરૂઆતી સમયમાં મૂળભૂત સંસાધનોના નામ પર ‘મેગનોન’ની પાસે એક જનરેટરવાળો રૂમ, 2 ભાડાના કોમ્પ્યુટર્સ અને માત્ર 2 સહકર્મીઓ જ હતા, પરંતુ આ બધાથી વધારે મોટી વસ્તુ જે અમારી પાસે હતી તે હતો આત્મવિશ્વાસ. અમને ખબર હતી કે યોગ્ય દિશામાં કામ કરવાથી સફળતા ચોક્કસ મળશે."

વર્તમાનમાં ‘મેગનોન ગ્રૂપ’ની કંપની મેગનોન\ટીબીડબલ્યુ અને મેગનોન ઈજી પ્લસના દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવાં મહાનગરોમાં ઓફિસ છે. 250થી વધારે વ્યવસાયિક (પ્રોફેશનલ) મેગનોન ગ્રૂપમાં કાર્યરત્ છે. નેસ્કોમની સદસ્યતાવાળા આઈએસઓ 9001થી પ્રમાણિત મેગનોન ગ્રૂપ પાસે હાયર, ડાઈકિન, હ્યુંડાઈ, હૈવલેટ-પૈકર્ડ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક જેવા ક્લાયન્ટ છે.

વર્ષ 2012માં વિનીત બાજપેયીને એક વધુ મોટી સફળતા મળી હતી. વિશ્વના ડિજિટલ વર્લ્ડના પ્રતિષ્ઠિત નામ ‘ટીબીડબલ્યુ ગ્રૂપ’ (જે ફોર્ચ્યુન 500 ઓમિનીકોમ ગ્રૂપનો ભાગ છે)એ મેગનોન ગ્રૂપનું હસ્તાંતરણ કરી લીધું. હસ્તાંતરણ બાદ પણ વિનીત મેગનોનના ગ્રૂપ-સીઈઓ બન્યા રહ્યા. આટલું જ નહીં માર્ચ 2014માં ‘ટીબીડબલ્યુ’એ વિનીતને તેમના વિશાળ અનુભવ અને કુશળ નેતૃત્વ ક્ષમતાને જોતાં ટીબીડબલ્યુ ઈન્ડિયા ગ્રૂપના મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઈઓ) નિયુક્ત કરી દીધા હતા. તેઓ આ પદ પર નવેમ્બર 2015 સુધી રહ્યા. હવે વિનીત મેગનોન ગ્રૂપના ‘ચેરમેન’ની જવાબદારી સંભાળી રહ્યા છે.

2014માં ઈમ્પેક્ટ પત્રિકાની ડિજિટલ ઈન્ડસ્ટ્રીના 100 પ્રભાવી લોકોની યાદીમાં વિનીત સામેલ હતા. 2013માં સિલિકોન ઈન્ડિયા પત્રિકાએ તેમના મુખપૃષ્ઠ પર વિનીતને ભારતીય મીડિયાનો નવો પોસ્ટર બોય તરીકેની ઓળખ આપી. વિનીતને ઘણાં એવોર્ડ પણ મળ્યા. તેઓ 2013માં લાલ બહાદુર શાસ્ત્રી (કોર્પોરેટ એક્સિલન્સ) એવોર્ડ, 2012માં એમિટી (કોર્પોરેટ એક્સિલન્સ) એવોર્ડ, 2011માં સીએનબીસી ટીવી મર્સિડીઝ બેન્ઝ યંગ તુર્ક એવોર્ડ અને એશિયા પેસિફિક ઉદ્યમી એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે.

હાલમાં જ વિનીતે તેમના જ એક ઉપક્રમ ‘ટેલેન્ટટ્રેક’ની ઘોષણા કરી છે. વિનીતે જણાવ્યું છે કે ‘ટેલેન્ટટ્રેક’ એક એવો પરસ્પર સંવાદાત્મક મંચ છે, જ્યાં મીડિયા, કલા અને રંગમંચ જગત સાથે જોડાયેલી પ્રતિભાઓ પોતાના ‘હુનરના પ્રોફાઈલ’ને દર્શાવી તેમના માટે અવસરની શોધ કરી શકે છે. આ ‘અભિનવ મંચ’ને ઈન્ડસ્ટ્રી તરફથી જોરદાર પ્રતિક્રિયા મળી છે. હજુ સુધી 30,000થી વધુ હુનરબાજોએ તેના હુનરની નોંધણી ‘ટેલેન્ટટ્રેક’ પર કરાવી છે. વિનીત કહે છે,

"દેશમાં પ્રતિભાઓનો ભંડાર છે. અહીં લોકોમાં ખૂબ પ્રતિભા અને હુનર છે. અમુક લોકોને તક મળે છે, અમુક લોકો અવસર ન મળતાં નિરાશ થઈ જાય છે. ‘ટેલેન્ટટ્રેક’ ‘હુનરબાજો’ માટે તેમની પ્રતિભા મુજબ તક આપવાનું માધ્યમ (બ્રિજ) બનશે. અમે ‘ટેલેન્ટટ્રેક’ના મંચ દ્વારા લોકોને ‘સ્ટાર’ બનાવીશું."

વિનીતમાં સકારાત્મકતા અને તત્પરતા ખૂબ છે. પોતાની આ સફળ ઉદ્યમી યાત્રા દરમિયાન વિનીતે (અંગ્રેજી ભાષામાં) મેનેજમેન્ટ પર 2 પુસ્તકો ‘ધ સ્ટ્રીટ ટુ હાઈવે’ અને ‘બિલ્ડ ફ્રોમ ધ સ્ક્રેચ’ પણ લખ્યાં. ત્યારબાદ હિન્દીમાં ‘આસમાન સે આગે’ પણ આવ્યાં. તેમનાં પુસ્તકોની સમાજના દરેક વર્ગ (મુખ્યત્વે ઔદ્યોગિક વર્ગ)એ ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ છે. આ પુસ્તકોના માધ્યમ દ્વારા વિનીત યુવા ઉદ્યોગસાહસિકોને તેનો ઉદ્યોગ આગળ વધારવા માટે પ્રેરિત કર્યા છે. તેઓ જણાવે છે,

"એક નાના ઉદ્યોગને મોટો બનાવી શકાય છે. માત્ર જરૂર છે આત્મવિશ્વાસની અને એક ‘જુનૂન’ની, જે તમને ખૂબ આગળ લઈ જાય. જો તમારા હાથમાં કોઈ કાર્યનું નેતૃત્વ સોંપવામાં આવે છે, તો સૌપ્રથમ તમારું કામ તમારા માટે તમારી ‘અભિવૃત્તિ’માં પરિવર્તન કરવાની હોય છે. તમારી અભિવૃત્તિ હોવી જોઈએ, ન તો હું આરામ કરીશ, કે ન તમને આરામ કરવા દઈશ."

વિનીત જણાવે છે કે કોઈ પણ સ્ટાર્ટઅપને આગળ વધારવા માટે કોઈ વિશેષ રણનીતિની જરૂર નથી હોતી. તમારી મહેનત અને સમર્પણ તમને જાતે જ સફળતાની રોશની તરફ દોરી જશે.

વિનીત કહે છે,

"થોડો સંયમ...થોડું સમર્પણ... અને સતત મહેનત, તમને સફળ બનાવે છે."

લેખક- રોહિત શ્રીવાસ્તવ

અનુવાદક- બાદલ લખલાણી

Related Stories