સમગ્ર વિસ્તાર પર બે યુવાનોની ‘કોશિશ’ની અસર અને પરિવર્તન પૂરા સમાજમાં!

0

'દીવો પ્રગટાવવાનો પ્રયત્ન છે એ વસ્તીમાં મારો, તારાઓના શહેરમાં જ્યાં અંધારું આજે પણ છે.' 

શહેરોની મોટીમોટી અને ઊંચીઊંચી ઈમારતો, પહોળા રસ્તા અને તેના પર ભાગતી એવી મોંઘીદાટ ગાડીઓ. ગલી, મહોલ્લાઓથી લઈને ચારરસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ. મૂંઝવણભરી એક ગતિમાં ચાલતું જીવન અને તેમાં એકબીજાથી આગળ નીકળવાની હોડ... આ કોઈ પણ મોટાં શહેરની કહાણી-વાર્તા રજૂ કરવા માટે બહુ છે. આ એક અઘોષિત માપદંડ છે, જેનાથી માણસ કોઈ શહેરની ખુશહાલીને આંકે અથવા માપે છે... જ્યાં બધું જ સારું લાગે છે અને દેખાય છે, પરંતુ શહેરોની આ ઝાકઝમાળ અને ભાગમભાગ ભર્યા જીવનમાં આગળ વધવાની લ્હાયમાં કાયમ શહેરની વસ્તીનો એક મોટો હિસ્સો પાછળ છૂટી જાય છે. આધુનિક શહેરી સમાજમાં પણ તેમનું જીવન કષ્ટોથી ભરેલું અને અભાવગ્રસ્ત રહે છે. જીવનના આગળ વધતા આ રસ્તા પર આજે પણ પોતાના શહેરના લોકોથી તેઓ વર્ષો પાછળ છે. તેઓ અશિક્ષિત છે, ગરીબ છે અને જીવનની પાયાની સુવિધાઓથી વંચિત છે. સરકાર દ્વારા ઉપેક્ષા, ઉદાસીનતા અને લાલફિતાશાહી (જેને અફસરશાહી કહી શકાય)ના શિકાર છે. તેમના દુઃખ-દર્દ અને સમસ્યાઓને સમજનારું ભાગ્યે જ કોઈ હોય છે. આ પરિસ્થિતિ લગભગ દરેક શહેરની છે. પરંતુ ભોપાલમાં આવા લોકોની જિંદગીમાં સમયની સાથે ગતિ લાવવા આગળ આવ્યા છે નૈના યાદવ અને પવન દુબે. 

આ બંને યુવાનોએ અનુભવ્યું છે પોતાના જ શહેરમાં હાંસિયામાં રહેનારાઓનું દુઃખ. તેઓ તેમની જિંદગીને ખુશહાલ બનાવવાના પ્રયત્નમાં લાગ્યા છે. શમાને રોશન કરીને દૂર કરી રહ્યા છે, તેમના જીવનમાંથી અંધારું... તેમના પ્રયાસોને સમાજ દ્વારા સરાહના મળી છે, તો બીજી બાજુ વિસ્તારના જનપ્રતિનિધિ અને પ્રશાસને પણ કામમાં સહયોગ આપ્યો છે. પવન દુબે અને નૈના યાદવે યોરસ્ટોરી સાથે તેમના નાનકડા પ્રયત્નના સુંદર સફર અંગે કરી વાતચીત.

સમાજને બદલવાનો પ્રયત્ન

મૂળરૂપથી ઈન્દોરની રહેવાવાળી 25 વર્ષીય નૈના યાદવ વ્યવસાયે પત્રકાર છે, જ્યારે ઉત્તરપ્રદેશના મઉ જિલ્લાના નિવાસી 33 વર્ષીય પવન દૂબે એક આઈ.ટી. પ્રોફેશનલ છે. બંને છેલ્લાં ચાર-પાંચ વર્ષથી વ્યવસાયના કારણે ભોપાલમાં છે. પહાડ પર વસેલા સરોવરના આ નગરની ખૂબસૂરતી દરેકને પોતાના મોહમાં પાડી દેનારી છે. જે અહીં આવે છે, અહીંના બનીને જ રહી જાય. નૈના અને પવન દૂબેનું પણ ભોપાલ પસંદગીનું શહેર છે, કે એમ જ કહો ને કે ભોપાલથી તેમને ખૂબ જ પ્રેમ છે. આ બંને અન્ય લોકોથી થોડું અલગ વિચારે છે અને કરે છે, તેઓ આ શહેર માટે કંઈ કરવા માગે છે. આ જ મક્સદથી તેમણે બે વર્ષ પહેલાં ભોપાલના પંચશીલ નગરમાં ‘કોશિશ’ નામની સંસ્થાનો પાયો નાખ્યો હતો. તેમનો પ્રયત્ન છે સમાજને બદલવાનો, કંઈક અલગ કરવાનો અને કરાવવાનો... બીજા માટે જીવવાની રીત શીખવાડવાની. પવન અને નૈનાનો આ નાનકડો પ્રયત્ન આજે બહુ મોટો બની રહ્યો છે, તેમની સાથે સેંકડો લોકો જોડાઈ ગયા છે. સામાન્ય વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓથી લઈને વ્યવસાય કરતી મહિલાઓ અને પુરુષો અને તેમના સિવાય વિસ્તારના લોકો- જેઓ સમાજને બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

નિશાના પર છે દારૂબંધી

આમ તો પ્રદેશમાં દારૂની દુકાન અને ઠેકા ખોલવા માટે સરકાર કાયદેસર લાઈસન્સ આપે છે. પરંતુ દુકાન અને ઠેકા ખોલવા માટે ચોક્કસ નિયમ અને કાયદા પણ લાગુ છે, જેનું પાલન કરવું જરૂરી બને છે. આમ છતાં પણ રાજનૈતિક સંરક્ષણ અને ઊંચી ઓળખાણના કારણે આ નિયમોની અવહેલના કરીને દારૂની દુકાન ખોલવામાં આવે છે. ‘કોશિશ’ આવી તમામ દુકાનો વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, જે ગેરકાયદે હોય અથવા નિયમોની અવહેલના કરીને ખોલવામાં આવી હોય. રહેણાક વિસ્તારમાં ખોલવામાં આવેલા દારૂના ઠેકા અને દુકાનો બંધ કરાવવા માટે ‘કોશિશ’ ધરણાં-પ્રદર્શન કરવાની સાથે સરકારી અધિકારીઓ પર દબાણ લાવે છે. સંસ્થાના પ્રયાસથી જ પંચશીલનગરમાં વર્ષોથી ગેરકાયદે ચાલતા દારૂના ઠેકાને સરકાર દ્ગારા બંધ કરાવવામાં આવ્યું. આ ઠેકાના કારણે વિસ્તારના 10થી 12 વર્ષનાં બાળકો પણ દારૂ પીવાની લતનો શિકાર બની ચૂક્યાં હતાં. શ્રમિક કક્ષાના પુરુષો કાચો દારૂ પીને કાયમ પોતાના ઘરમાં મહિલાઓ સાથે મારપીટ કરતા હતા, તેમના ઘરમાં રોજ ઝઘડો-લડાઈ થતાં હતાં. તેમના ઘરનાં બાળકો શાળાએ નહોતાં જતાં. આ વિસ્તારમાં દુષ્કર્મના પણ અનેક બનાવો બન્યા છે. સંસ્થાના પ્રયત્નોના કારણે આ વિસ્તારના તમામ ગેરકાયદે ઠેકા અને દુકાનો બંધ થઈ ગયાં છે. આ વાતથી ખુશ વિસ્તારની જનતાએ નૈના યાદવ અને પવન દૂબેના સન્માનમાં એક પ્રોગ્રામનું આયોજન કર્યું. વ્યવસાયે પત્રકાર નૈનાએ પ્રદેશમાં દારૂબંધીને લઈને પણ અભિયાન શરૂ કર્યું છે. તેમણે સરકારની દારૂ અંગેની નીતિઓના વિરોધમાં જાગરૂકતા અભિયાન ચલાવ્યું છે, તે સરકાર પાસે એ વાતની માગણી કરી રહી છે કે વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે. નૈના કહે છે,

"દારૂથી એક ઘર, પરિવાર અને સમાજથી લઈને પૂરા દેશને નુકસાન થઈ રહ્યું છે. આનું સૌથી મોટું નુકસાન મહિલાઓ અને બાળકોને થઈ રહ્યું છે. સરકાર સત્તાની લાલચમાં દારૂ પર પ્રતિબંધ નથી લગાવી શકતી, જ્યારે કે દારૂમાંથી પ્રાપ્ત થતા મહેસૂલ કરતાં ઘણી વધારે રકમ દારૂથી ઊભી થનારી સમસ્યાઓ પર સરકાર વાર્ષિક ખર્ચે છે. વહેલામોળા તમામ રાજ્યોએ બિહારની જેમ દારૂબંધીની દિશામાં વિચારવું પડશે. હાલમાં પૂર્ણ દારૂબંધી સુધી અમે અમારી લડાઈ ચાલુ રાખીશું."

ઘરેલુ હિંસા નિયંત્રણ અને સ્ત્રી શિક્ષા પર ખાસ ભાર

પવન દુબે કહે છે કે, અહીંની ઝૂંપડપટ્ટીમાં રહેનારી મહિલાઓ સૌથી વધુ ઘરેલુ હિંસાનો ભોગ બને છે. તે કાયમ આના પર મોઢું સીવી લે છે. તેમને ખબર જ નથી કે સરકારે ઘરેલુ હિંસાથી બચવા અને તેમની સમસ્યાના સમાધાન માટે સંસ્થાઓનું ગઠન કર્યું છે. પવન દૂબેની ટીમ આ મહિલાઓને ઘરેલુ હિંસા મુદ્દે જાગરૂક કરે છે. તેમની સમસ્યાઓના સમાધાન માટે તેમને ફેમિલી કોર્ટ, લોકઅદાલત, મહિલા પોલીસ સેલ અને મહિલા આયોગના દરવાજા સુધી પહોંચાડવાનું કામ કરે છે. ટીમ સગીર છોકરીઓને યૌનશોષણ મુદ્દે જાગરૂક કરવાનું કામ પણ કરે છે. શાળાઓ અને મહોલ્લાઓમાં વર્કશોપ લગાવીને બાળકીઓને સ્નેહ, દુલારની આડમાં થતા શારીરિક શોષણમાં ફરક જણાવે છે. સ્કૂલમાંથી ડ્રોપઆઉટ બાળકોની ઓળખ કરીને તેમને ફરીથી શાળાએ મોકલવાનું કામ પણ કરે છે, ખાસ કરીને છોકરીઓને શાળાએ મોકલવા માટે તેમનાં માતા-પિતાથી અપીલ અને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પવન દૂબે કહે છે,

"જ્યાં સુધી સમાજની દરેક કન્યા શિક્ષિત નથી થઈ જતી, ત્યાં સુધી અમારું મિશન ચાલતું રહેશે. અમારો ઉદ્દેશ સમાજની દરેક સ્ત્રીને સુશિક્ષિત કરીને કન્યા કેળવણી અંગે જાગૃતિ લાવવાનો છે. સરકાર કન્યાઓના શિક્ષણ માટે તમામ પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે, પરંતુ જાગરૂકતાના અભાવમાં સમાજનો એક વંચિત સમૂહ આનો લાભ નથી ઉઠાવી શકતો. આપણે સમાજના અંતિમ વ્યક્તિને પણ શિક્ષાના દ્વાર સુધી પહોંચાડવાનો છે."

શીખવાડી રહ્યાં છે સ્વાસ્થ્ય રક્ષાના પાઠ

કોશિશના સંચાલિકા નૈના યાદવ કહે છે, 

"શહેરની ગંદી ઝૂંપડપટ્ટીમાં રહેનારી મહિલાઓ કાયમ સ્વાસ્થ્યની સમસ્યાઓથી લડતી રહે છે. બીમાર પડતાં તે સરકારી હોસ્પિટલ કે દવાખાનામાં જવાના બદલે કાયમ ઊંટવૈદું કરતા ડોક્ટર્સ પાસે પહોંચી જાય છે, જે તેમની બીમારી દૂર કરવાના બદલે વધારી દે છે. અમે આ મહિલાઓને આંગણવાડી કેન્દ્રો, આશા કાર્યકર્તાઓ અને સરકારી સ્વાસ્થ્ય સેવાઓનો વધુ સારો ઉપયોગ કરવા માટે જાગૃત અને પ્રેરિત કરીએ છીએ."

સ્વાસ્થ્ય કક્ષાના પાયાના નિયમોની તેમને જાણકારી ઉપલબ્ધ કરાવીએ છીએ. એઈડ્સ અને અન્ય ચેપી યૌનરોગો પ્રત્યે તેમને જાગૃત કરવામાં આવે છે. સમયેસમયે સ્વાસ્થ્ય તપાસ શિબિર લગાવીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. આ સિવાય સરકાર દ્ગારા તેમના હિતમાં ચલાવવામાં આવનારી બધી યોજનાઓની તેમને જાણકારી અને તેનો લાભ અપાવવામાં તેમની મદદ કરવામાં આવે છે.

વ્યક્તિગત ખર્ચો ઓછો કરીને સભ્યો એકઠું કરે છે ફંડ

નૈના યાદવ કહે છે,

"સામાજિક કામોમાં ખર્ચ કરવા માટે અમને ક્યાંયથી કોઈ આર્થિક સહાય નથી મળતી. અત્યાર સુધી સભ્યો દ્વારા જ નાણાંની વ્યવસ્થા કરવામાં આવે છે. અમારી સાથે જોડાયેલા મોટાભાગના સભ્યો માખનલાલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ પોતાની રોજની ચા, કોલ્ડડ્રિંક્સ, ફાસ્ટફૂડ અને હરવાફરવાના ખર્ચમાં વપરાતાં નાણાંમાં કાપ મૂકીને સંસ્થાને પોતાનાથી બનતી આર્થિક મદદ કરે છે. સભ્યો તેમના ઘરની પેપર-પસ્તી અને ભંગારનાં નાણાં સંસ્થાને ડોનેટ કરે છે. અમુક નોકરિયાત સભ્યો પોતાના ખિસ્સામાંથી પણ ખર્ચ કરવા માટે આગળ આવે છે."

સમાચારોથી મળી કંઈક કરવાની પ્રેરણા

નૈના અને પવન બંને એક જ ન્યૂઝ ચેનલમાં નોકરી કરે છે. ચેનલમાં આવા લોકો પર એક વિશેષ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેણે સમાજ અને દેશના નિર્માણમાં કંઈક યોગદાન આપ્યું હોય, કે સમાજની ઘરેડથી હટીને કંઈક અલગ કામ કર્યું હોય. નૈના કહે છે,

"આવા જ સમાચારથી આઈડિયા આવ્યો કે, કેમ નહીં હું પણ કંઈક નવું કરું... અને પછી અમે શરૂ કરી દીધો કંઈક અલગ કરવાનો નાનકડો પ્રયાસ. શરૂઆતી સમયમાં લાગ્યું કે નોકરી કરતાં સમયે અન્ય લોકો માટે સમય મુશ્કેલીથી નીકળી શકશે, પરંતુ એવું બિલકુલ ન થયું. સારાં કામની શરૂઆત પરિણામની ચિંતા કર્યા વિના જ કરવી જોઈએ. અને મેં પણ એવું જ કર્યું... આજે મારા કામમાં લોકો સ્વેચ્છાએ મદદ કરવા માટે આવે છે."

લેખક- હુસૈન તાબિશ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વિવિધ સામાજિક પહેલને લગતી અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો