જેને ગળું દબાવીને મારી નાખવાની સલાહો અપાતી હતી તે 'મુખલા' આજે પગથી લખી રહી છે ઇતિહાસ!

0

પગથી લખવામાં મહારત હાંસલ કરનારી મુખલાએ ધોરણ 11માં મેળવ્યા 80 ટકા!

દૃઢ નિશ્ચય અને કઠોર પરિશ્રમનો જીવતો જાગતો દાખલો બની છે મુખલા!

હાથ ન હોવા છતાં શિક્ષણ માટેની ધગશ અને જુસ્સાથી લોકોની પ્રેરણા બની મુખલા!


દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા જે નિયતિને પોતાનું સર્વસ્વ ગણી લે છે અને તેને સ્વીકારીને જેવું મળે એવું જીવન જીવે છે. બીજા પ્રકારના લોકો ભાગ્યના લેખને બદલવાની તાકાત ધરાવે છે. પોતાના મનોબળથી તેઓ નિયતિ સામે સંઘર્ષ આદરે છે. આવા જ લોકો પોતાના જુસ્સા, ધગશ અને દૃઢ નિશ્ચય થકી નિયતિને ઝૂકવા મજબૂર કરી દે છે. સમાજ માટે કંઈક આવા જ પ્રેરણાદાયક ઉદાહરણનું નામ છે – મુખલા સૈની. રાજસ્થાનમાં જયપુર જિલ્લાના કોટપૂતળી કસબાની નજીક આવેલા નારેહડા ગામમાં મુખલાનો જન્મ થયો ત્યારે બધાએ કહ્યું કે આનું ગળું દબાવીને મારી નાખો. જોકે, પિતાએ તેનો જીવવાનો અધિકાર નહિ છીનવીને તેને ઉછેરવાની જીદ કરી. આજે એ જ મુખલા પર સમગ્ર ગામ, સમાજ અને પરિવાર ગર્વ અનુભવે છે. મુખલાને હાથ નથી. પોતાના નિત્યક્રમથી લઈને દરેક કામ મુખલા પોતાના પગથી કરે છે. હાથની ખોટ તેની સફળતામાં બાધક બને એવું મુખલાએ થવા દીધું નથી. હાથને બદલે મુખલાએ પગથી પેન ઉપાડી અને એક એવો ઇતિહાસ લખ્યો, જેને જોઈ-જાણીને દરેક વ્યક્તિના દિલોદિમાગમાં સન્માનની લાગણી પેદા થાય છે.

મુખલા અત્યારે વિવેકાનંદ સિનિયર સેકન્ડરી આદર્શ વિદ્યા મંદિરમાં ધોરણ-12માં અભ્યાસ કરી રહી છે. તે બારમુ ધોરણ ભણી રહી છે, એ મોટી વાત નથી, પરંતુ શિક્ષણ પ્રત્યે તેની ધગશ, જુસ્સો, લગન અને મહેનતના જોરે તેણે 11મા ધોરણમાં 80 ટકા હાંસલ કરીને સૌને સાનંદાશ્ચર્યમાં ડુબાડી દીધા, એ મોટી વાત છે.

મુખલાના પિતા ફૂલચંદ સૈની પોતાના ગામમાં પંચર બનાવવાનું કામ કરે છે અને તેમની માતા ગીતા દેવી ગૃહિણી છે. પોતાની દીકરીને અભ્યાસના આ મુકામ સુધી પહોંચેલી જોઈને ગદ ગદ થયેલા પિતા ફૂલચંદ સૈનીની આંખો છલકાઈ જાય છે. દીકરીને અહીં સુધી પહોંચાડવામાં સમગ્ર પરિવારે બહુ સંઘર્ષ કરવો પડ્યો છે. માત્ર આર્થિક જ નહિ, સામાજિક સંઘર્ષનો પણ સામનો કરવો પડ્યો હતો.

ફૂલચંદભાઈએ ‘યોરસ્ટોરી’ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું, મુખલાનો જન્મ થયો ત્યારે દાઈએ ગળું દબાવીને તેની હત્યા કરવાની સલાહ આપી હતી, પરંતુ મેં અને મારી પત્નીએ સમાજના દરેક પડકારનો સામનો કરીને મુખલાને ઉછેરી છે. આજે તેને પોતાનો અભ્યાસ સતત ચાલુ રાખતી જોઈને ગર્વની અનુભૂતિ થાય છે. મારી આશા છે કે મારી દીકરી એક દિવસ ભણીગણીને કંઈક સારું કામ કરશે.

સમય બદલાતો ગયો અને મુખલાના જુસ્સાની સાથે સાથે લોકોનો સાથ પણ સાંપડ્યો. તેમણે મુખલાને પ્રોત્સાહિત કરી અને તેના દૈનિક જીવન માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ ગિફ્ટના સ્વરૂપે આપી. આને કારણે મુખલાને આગળ વધવાની તાકાત મળે છે, એ સ્વાભાવિક છે.

મુખલા સૈની કહે છે,

"બાળપણમાં ઘરના લોકો કહેતા કે આનું શું થશે, આ તો લખી-વાંચી પણ નહીં શકે. આને તો પરણાવીને ક્યાંય વળાવી પણ નહીં શકાય. અન્ય છોકરીઓને વાંચતાં-લખતાં જોતી ત્યારે મને પણ ભણવાનું-લખવાનું મન થતું. જોકે, હાથ તો હતા નહીં. પછી પગથી લખવાની પ્રેક્ટિસ શરૂ કરી. શરૂ શરૂમાં તો બહુ મુશ્કેલ હતું, પરંતુ ધીમે ધીમે અભ્યાસ થતો ગયો અને હવે તો હાથના તમામ કામ પગથી જ કરી લઉં છું. શાળામાં ભણવા ગઈ તો શિક્ષકોએ પણ મારો જુસ્સો વધાર્યો. મારી ઇચ્છા ભણીગણીને શિક્ષિકા બનવાની છે."

મુખલાના શિક્ષક રતન સૈની કહે છે, 

"મુખલા ભણવામાં એટલી તેજ છે કે તેને કાયમ ભણાવવાનું મન થાય છે. અન્ય વિદ્યાર્થીઓ કરતાં ભણવા બાબતે તે વધારે ગંભીર છે. તેના મનમાં ક્યારેક નથી આવતું કે તેને હાથ નથી. તે હાથ ધરાવતા વિદ્યાર્થીઓ કરતાં પણ સારું અને ઝડપી લખે છે. રંજ એ વાતનો છે કે શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવાતી નથી."

મુખલા સૈની એક છોકરી નથી, બલકે પ્રેરણાસ્રોત છે, એવા તમામ લોકો માટે જે મુશ્કેલના સમયે એવા વિચારમાં ડૂબી જાય છે કે હવે શું કરીશું? કેવી રીતે કરીશું? મુખલાની સફળતા પાછળ તેની સખત મહેનત જવાબદાર છે. સખત મહેનત જ સફળતા તરફ લઈ જતી હોય છે, એ નિશ્ચિત છે. મુખલા સૈનીના જુસ્સાને યોરસ્ટોરીની સો સો સલામ!


લેખક- રુબી સિંહ

અનુવાદક- સપના બારૈયા વ્યાસ


આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અમારા Facebook Pageને લાઈક કરો.

Related Stories

Stories by YS TeamGujarati