સ્ટેન્ડ-અપ કોમેડિયન્સના આ 5 ગુણો ઉદ્યોગસાહસિકોએ શીખવા જેવા...

સ્ટેન્ડ-અપ કોમેડી કળાનું સૌથી અઘરું સ્વરૂપ છે. તેમની મહેનત, લગનમાંથી ઉદ્યોગસાહસિકો ઘણું બધું શીખી શકે છે

સ્ટેન્ડ-અપ કોમેડિયન્સના આ 5 ગુણો ઉદ્યોગસાહસિકોએ શીખવા જેવા...

Tuesday May 17, 2016,

4 min Read

અદિતિ મિત્તલ, સ્ટેન્ડ-અપ કોમેડિયન

અદિતિ મિત્તલ, સ્ટેન્ડ-અપ કોમેડિયન


સ્ટેન્ડ-અપ કોમેડી કળાનાં સૌથી અઘરાં સ્વરૂપો પૈકીનું એક છે. દરરોજ, દર અઠવાડિયે, દર મહિને કોઈ કલાકાર સતત પોતાની કળામાં સુધારો કરે છે અને નવાં દર્શકો સામે પોતાની કળા રજૂ કરે છે. આ સમયે તેના મનમાં એક જ પ્રશ્ર હોય છે – શું દર્શકોને પોતાનો શો પસંદ પડશે? તેમને શો પસંદ પડશે, તો તેઓ ફરી આવશે અને તેમના મિત્રોને ભલામણ કરશે?

ખરેખર સ્ટેન્ડ-અપ કોમેડિયનનું જીવન આકરું હોય છે. તેઓ સર્જક, પર્ફોર્મર્સ અને રીસિવર્સ છે. તેમની નિયતિનો સંપૂર્ણ આધાર તેમની કળા પર હોય છે. તેમને કોઈ બચાવી શકતું નથી અને સફળતા મેળવવા તેમને પોતાની રીતે જ માર્ગ પ્રશસ્ત કરવો પડે છે. શું સ્ટેન્ડ-અપ કોમેડિયન એક અર્થમાં ઉદ્યોગસાહસિકો નથી? ખરેખર સ્ટેન્ડ-અપ કોમેડિયનની સફર ઉદ્યોગસાહસિકો જેવી જ હોય છે. તેઓ અનપેક્ષિત સમસ્યાઓનો સામનો કરે છે, રોકાણકારોનું દબાણ હોય છે, સતત મીડિયા તેમના પર નજર રાખે છે – એક ઉદ્યોગસાહસિકોને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડે છે.

સ્ટેન્ડ-અપ કોમેડિયનમાંથી ઉદ્યોગસાહસિકો ઘણું શીખી શકે છે. અહીં એવી પાંચ બાબતો રજૂ કરવામાં આવી છે, જેને ઉદ્યોગસાહસિકો સ્ટેન્ડ-અપ કોમેડિયનની કળામાંથી પોતાના જીવનમાં ઉતારી શકે છે.

1. પ્રેક્ટિસ કરતાં રહો – આપણા સમયનો મહાન કોમેડિયન જેરી સીનફેલ્ડ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત મનોરંજનનો પુરાવો છે. ન્યૂયોર્ક ટાઇમ્સ સાથે એક મુલાકાતમાં જેરીએ પોતાના જીવનને બદલનાર એક લેખનો યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું, 

"મેં થોડાં વર્ષ અગાઉ એક આર્ટિકલ વાંચ્યો હતો. તેમાં લેખકે જણાવ્યું હતું કે, જ્યારે તમે ઘણી પ્રેક્ટિસ કરો છો, ત્યારે તમે માહેર થઈ જાવ છો. પછી તમારે કશું યાદ રાખવાની જરૂર પડતી નથી. પણ એક વખત તમે પ્રેક્ટિસ બંધ કરો છો, પછી ધીમે ધીમે તમારી કુશળતા ઘટી જાય છે." 

આ વાતે મારું જીવન બદલી નાંખ્યું. તમારે પ્રેક્ટિસ ચાલુ રાખવી જોઈએ.

2. પ્રતિસાદનું મહત્ત્વ સમજો – સ્ટેન્ડ-અપ કોમેડીમાં દર્શકો તાત્કાલિક પ્રતિસાદ આપે છે. જો જોક્સમાં દર્શકો પેટ પકડીને હસે, તો કોમેડિયને સમજવું કે તેમનો શો સફળ છે. પણ જો દર્શકો મોં વકાસીને બેસી રહે તો ખરો પડકાર શરૂ થાય છે અને કોમેડિયને તાત્કાલિક જોક્સ સુધારવા પડે છે. તે જ રીતે ઉદ્યોગસાહસિકોએ લોકો તેમના ઉત્પાદનો કે ઓફરની પ્રશંસા કરવાનું બંધ કરે તો તરત જ પોતાના ઉત્પાદનો કે ઓફરમાં સુધારો કરવો જોઈએ.

3. તમારા ગ્રાહકોને ચાહો – સ્ટેન્ડ-અપ કોમેડિયન માટે સફળતાનું સાચું માપ શોમાં દર્શકોની પ્રતિક્રિયા છે. તે જ રીતે ઉદ્યોગસાહસિકો માટે ગ્રાહકોનો અનુભવ જ સર્વસ્વ છે. જ્યાં સુધી ગ્રાહકોને હરિફોની સરખામણીમાં વધુ સારું કશું મળતું નથી ત્યાં સુધી સ્ટાર્ટઅપને સફળતા નહીં મળે. અમેરિકન કોમેડિયન જોહન ઓલિવર તેનું ઉત્તમ ઉદાહરણ છે. ડેલવેર યુનિવર્ટિસીટમાં રાજકીય કટાક્ષ પાછળના મનોવિજ્ઞાન ભણાવતા ડાંગલ યંગ કહે છે, 

“ઓલિવર અતિ હળવાશ સાથે ગંભીર મુદ્દે નાગરિકોને જાગૃત કરે છે. સામાન્ય રીતે લોકોને ધ્યાનમાં ન આવે તેવી રાજકીય ચાલોને પોતાની રમૂજી શૈલીમાં વ્યક્ત કરીને નાગરિકોને સ્માર્ટ બનાવે છે. તેની આ ખાસિયતે જ અમેરિકામાં તેને મહાન કલાકાર બનાવી દીધો છે.” 

એચબીઓ ચેનલ પર તેમનો કોમેડિયન શો તેનો પુરાવો છે. આ શોમાં દર્શકો કેન્દ્રસ્થાને છે. વર્ષ 2014માં ફિફાએ વસાહતી કામદારો સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો, જેની સામે ઓલિવરે અવાજ ઉઠાવ્યો હતો. ઓલિવરે પોતાના શોમાં રમૂજી શૈલીમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ફિફાના પ્રેસિડન્ટ સેપ બ્લેટર રાજીનામું નહીં આપે ત્યાં સુધી સ્થિતિમાં ફેરફાર થવાનો નથી. પછી ઘટનાચક્ર એવું ફર્યું કે બ્લેટરને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

4. જોખમ ખેડો – જ્યારે સુરક્ષિત રહેવું સરળ છે, ત્યારે જોખમ ખેડવાનું અલગ જ આકર્ષણ છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા વીર દાસનો શો ‘અનબિલિવેબલિશ’ તેનું ઉચિત ઉદાહરણ છે. જ્યારે અન્ય લોકો મેટ્રોપોલિટન શહેરોમાં પોતાની ઓળખ ઊભી કરવા પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે વીરે કોઇમ્બતૂર, ચંદીગઢ, જયપુર, કોચી અને ચંદીગઢ જેવા નાના શહેરોમાં 11-સિટીની ટૂર થકી પોતાની ઇમેજ ઊભી કરવાનું નક્કી કર્યું હતું. પરિણામ? અનબિલિવેબલિશ ભારતમાં કોઈ પણ કોમેડિયન દ્વારા સૌથી મોટી સ્ટેન્ડ-અપ કોમેડી ટૂર બની હતી અને 35,000થી વધારે ટિકિટનું વેચાણ થયું હતું. તેમનું નાના શહેરોમાં જવાનું જોખમ તેમને ફળ્યું હતું.

5. આત્મવિશ્વાસ રાખો – અદિતિ મિત્તલ અત્યારે કોમેડી સર્કિટમાં મોટું નામ છે. પરંતુ આપણને સફળતા જ દેખાય છે, નહીં કે સફળતા મેળવવા પાછળ વ્યક્તિનો પરિશ્રમ અને આત્મવિશ્વાસ. અદિતિને પ્રથમ બ્રેક બ્રિટિશ કોમેડી સ્ટોરના સીઇઓ ડોન વોર્ડે આપ્યો હતો અને પહેલાં જ શોમાં અદિતિ ભાંગી પડી હતી. પછી ડોન વોર્ડે તેને બીજી તક આપી નહોતી. પણ અદિતિ હિંમત હારી નહોતી. તેણે લગભગ એક વર્ષ સુધી પોતાની કળાને સુધારી. પછી પોતાનો વીડિયો વોર્ડને ઇ-મેઇલ કર્યો. તેનો વીડિયો જોઈને વોર્ડને નવાઈ લાગી હતી અને એક વર્ષમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન બનવા અદિતિએ આકરી મહેનત કરી હોવાનું અનુભવ્યું હતું. પછી વોર્ડે તરત જ સ્ટોરમાં અદિતિના સતત આઠ શોનું આયોજન કર્યું અને વિશ્વના મહાન સ્ટેન્ડ-અપ કલાકારો સાથે પર્ફોમ કરવાની તક આપી. જો અદિતિને પોતાની જાતમાં અને પોતાની કળામાં આત્મવિશ્વાસ ન હોત, તો તેને સફળતા ન મળી હોત.

તો ઉદ્યોગસાહસિકોએ આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે સ્ટેન્ડ-અપ કોમેડી સાથે સંકળાયેલા હશો તો આ બાબતો અતિ ઉપયોગી રહેશે.

આ આર્ટિકલમાં ઉપયોગ થયેલા ફોટો સંપૂર્ણપણે www.standupplanet.org ને આભારી છે.

લેખક પરિચય- શ્વેતા વિટ્ટા

અનુવાદક- કેયૂર કોટક

વધુ હકારાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

તમારી અંદર રહેલા ‘બેવકૂફ’ને બહાર લાવશે આ ‘Comedy Queens’!

જો મૂડ ખરાબ હોય તો 'WhySoSerious' ઉપર જાઓ અને ફ્રેશ થઈ જાઓ!

"હું આ ન કરી શકું, આ બહુ અઘરું છે ને, હું આ કરી શકું છું...માં બદલી નાખો" – માલતી