લોકો સાથે તાલમેળ બેસાડવાની 3 સફળ ટેકનિક્સ

0

તાલમેળ સ્થાપિત કરવા તમારે સારા શ્રોતા અને પ્રામાણિક બનવાની જરૂર છે

તમે અંતર્મુખી છો? તમને ઔપચારિક વાતચીતમાં રસ નથી? દરરોજ નિરર્થક વાતોમાં સમય પસાર કરવો તમને પસંદ નથી? તમે અંતર્મુખી હોય, ફાલતુ વાતોમાં રસ ન ધરાવતા હોય તો તેમાં કશું ખોટું નથી. મોટા ભાગના સફળ લોકો અંતર્મુખી હોય છે. તેમને પોતાની વાતો કરવામાં બહુ રસ નથી. પણ તમારે જાણવું જોઈએ કે મોટા ભાગના સફળ લોકો સાથે સારો તાલમેળ ધરાવતા હોય છે. તેઓ જાણતા હોય છે કે સફળતા મેળવવા લોકોનો સાથસહકાર જરૂરી છે અને આ માટે તેમની સાથે તાલમેળ સ્થાપિત કરવો મહત્ત્વપૂર્ણ છે.

તમે ઉદ્યોગસાહસિક, સ્ટાર્ટઅપના સભ્ય, કોર્પોરેટ પ્રોફેશનલ હોઈ શકો છો, કે ફ્રીલાન્સર પણ હોઈ શકો છો. જ્યાં સુધી એક યા બીજી રીતે મનુષ્ય સાથે કામ પાર પાડો છો, ત્યાં સુધી તમારે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તમારે અન્ય લોકો સાથે અમુક પ્રકારની આનંદદાયક વાતચીતમાં સંકળાવું પડશે, બે ઘડી મોજમસ્તી કરવી પડશે. હું જાણું છું આપણે મહિલાઓએ વાતચીતમાં, ખાસ કરીને પુરુષો સાથે વાતચીતમાં કાળજી રાખવી પડશે. પણ આપણે બિઝનેસ વર્લ્ડમાં છીએ. આ આપણી રોજગારી છે, આપણું કામ છે અને આપણો ઉદ્દેશ છે.

જો સફળતાને કોઈ આકાર હોય, તો તે ત્રિકોણ હશે. આધારથી શિખર સુધી પહોંચવા માટે તમારે બે વિકર્ણની જરૂર પડશે. આ વિકર્ણ બીજું કશું નથી, પણ દરેક સ્તરે તમને મળતો લોકોનો સાથસહકાર છે. તમે પુરુષ હોવ કે સ્ત્રી, તમારે સફળતાના શિખર પર પહોંચવા લોકોનો સાથસહકાર મેળવવો પડશે.

એટલે અહીં હું લોકો સાથે તાત્કાલિક તાલમેળ સ્થાપિત કરવા ત્રણ અતિ સફળ ટેકનિક જણાવું છુઃ

સામેની વ્યક્તિમાં ખરેખર રસ લો

અનેક અભ્યાસો સૂચવે છે કે લોકોને ભાગ્યે જ તમારા કપડાં, તમારો મેકઅપ કે તમે શું કરો છો વગેરે બાબતો યાદ રહે છે, પણ તમારી સાથે વાતચીતમાં જે અનુભવ થયો એ લોકો મોટા ભાગે ભૂલતાં નથી. તો કહેવાનો અર્થ એ છે કે ઇરાદાપૂર્વક સાથે તાલમેળ સ્થાપિત થાય તેવો પ્રયાસ કરવો જોઈએ. હું આ બાબતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે મોટા ભાગની વ્યક્તિઓ પોતાની અપેક્ષા મુજબ સામેની વ્યક્તિ વર્તે તેવું વિચારે છે. પણ સાચું કહું તો આપણી અપેક્ષા મુજબ દુનિયામાં કોઈ વર્તતું નથી અને વર્તી પણ ન શકે. તેઓ ક્યારેય તમને કોઈ બાબતની ખાતરી આપતા નથી. તમને કદાચ તમારી અપેક્ષાથી વિપરીત નિરાશાજનક કે ઠંડો પ્રતિસાદ મળી શકે છે. સંબંધો વિકસતા થોડો સમય લાગે છે. એટલે અનપેક્ષિત પ્રતિસાદનો સામનો કરવા તૈયાર રહો.

જોકે તમે શરૂઆતમાં સામેની વ્યક્તિની આસપાસ ચર્ચાને કેન્દ્રિત કરી શકો છો. તેના ઘણાં ફાયદા છે. પ્રિન્સટન યુનિવર્સિટી સંકેત આપે છે કે લોકોને સૌથી વધુ પોતાના વિશે વાત કરવી ગમે છે. એટલે જો ‘તમે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા?’ કે ‘તમે આ કારકિર્દી શા માટે પસંદ કરી?’ જેવા પ્રશ્રો પૂછશો સામેની વ્યક્તિ પોતાને ખાસ અનુભવશે અને તમારી સાથે સરળતાથી હળીમળી જશે. તેનો અન્ય એક ફાયદો એ છે કે આ પ્રકારના પ્રશ્રોથી તેઓ વાતોમાં રહેશે અને તમને વોર્મ અપ ટાઇમ મળી જશે. આ રીતે તમે વાતચીત શરૂ કરી શકશો અને વાતને સારી રીતે આગળ વધારવામાં મદદ મળશે.

સારા શ્રોતા બનો અને તાલમેળ વધારો

સામાન્ય રીતે લોકો ચર્ચામાં સામેલ થાય છે, પણ માત્ર પોતાની વાત રજૂ કરવા માટે. સામાન્ય રીતે આપણામાંથી મોટા ભાગના લોકો પોતાની વાત રજૂ કરવામાં જેટલા કુશળ છે, તેટલાં સામેવાળાની વાત સાંભળવામાં નથી, ખાસ કરીને મહિલાઓ. પણ જ્યારે તમે બીજા લોકો સાથે તાલમેળ સ્થાપિત કરવાનો પ્રયાસ કરતાં હોય ત્યારે તમારા મનમાં બીજા વિચારો ન ચાલવા જોઈએ. તમે જોયું હશે કે જ્યારે તમે બીજા લોકો સાથે વાત કરો છો ત્યારે તેઓ તેમનું માથું હલાવે છે. તમે એ પણ નોંધ્યું હશે કે જ્યારે તમે અન્ય લોકોનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરો છો, ત્યારે તેઓ બીજી તરફ જુએ છે. આ પ્રકારની વર્તણૂંકથી તમે નારાજ થશો. અહીં ધ્યાન રાખવા જેવી બાબત છે કે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરે ત્યારે તમારે આવું વર્તન કરવાનું નથી. કોઈ વ્યક્તિ તમારી વાતમાં રસ લે તો તેની વાત પણ તમારે સાંભળી જોવી જોઈએ. એટલે અન્ય કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરે ત્યારે તમારે તેની વાત ધ્યાનપૂર્વક સાંભળી માથું ઉપર-નીચે કરીને તેની વાત સાંભળવામાં આવે છે તેવો સંકેત આપવો જોઈએ. તમે ‘હમ’, ‘યસ’, ‘ઓહ રાઇટ’, ‘ગ્રેટ’, ‘ઑસમ’ જેવો શબ્દોનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી સામેની વ્યક્તિને અહેસાસ થશે કે તમે ખરેખર તેની વાતમાં રસ લઈ રહ્યાં છો અને તેની સાથે સારો એવો તાલમેળ સ્થાપિત થશે.

પ્રામાણિક બનો

મિલનસાર વ્યક્તિ બનવા માટે તમે કોઈ પણ આશય વિના બધા સાથે વાતચીત કરી શકો છો. પણ આ તમારે અતિ પ્રયાસ કરવાની જરૂર છે. બીજું, પ્રામાણિક બનો. જો તમે ઓછા લોકો સાથે કામ કરતા હશો, તો તેઓ તમને ઓળખતા હતા. તમારે વિશે તેમના મનમાં મજબૂત અભિપ્રાયો અને ધારણાઓ હશે, જેને બદલવા મુશ્કેલ છે. એટલે ધીમે ધીમે આગળ વધો. તમારે કાર્યસ્થળે જે લોકો સાથે સારો મનમેળ હોય અને જેની સાથે બેસીને તમને આનંદ થતો હોય તેવા લોકોની યાદી બનાવો. આ લોકો સાથે વધારે સમય પસાર કરો. તમને સમજતાં અને પ્રોત્સાહન આપતા લોકો તમારા પ્રયાસોને બિરદાવશે અને આ સંપૂર્ણ કવાયતમાં તમને સારો સાથસહકાર આપશે. તમે તેમના વિશે કોઈ મત કે ધારણા બાંધ્યા વિના રહી શકો છો. તાલમેળ બનાવવાનો સોનેરી નિયમ એ છે કે તમે તમારી જાત સાથે જેટલા પ્રામાણિક રહેશો, તેટલા જ લાંબા ગાળાના સંબંધ વિકસાવી શકશો. પણ તે માટે તમારી તમારી સ્વાભાવિકતા ગુમાવવાની નથી. તમે સ્વભાવિકતા જાળવીને પણ પ્રામાણિક રહી શકો છો. તો તાલમેળ સ્થાપિત કરવા પા પા પગલી માંડો, જો જો દોટ ન મૂકતાં!


લેખક- શ્રેયા ધિંગરા જે સર્ટિફાઇડ ઇમેજ કોચ છે અને યોર ઇમેજ એન્ડ આઇના સ્થાપક છે – જે એક ઇમેજ કમ્યુનિકેશન કન્સલ્ટન્સી છે, જ્યાં શ્રેયા વ્યક્તિગત અને કોર્પોરેટ ક્લાયન્ટ સાથે કામ કરે છે. શ્રેયા તેમને લોકો સાથે તાલમેળ સ્થાપિત કરવા, તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક છબી સુધારવા, બોડી લેંગ્વેજ સુધારવામાં મદદ કરે છે. શ્રેયાએ એમબીએ કર્યું છે અને પાંચ વર્ષ અગાઉ પોતાની કન્સલ્ટન્સી શરૂ કરતાં અગાઉ ત્રણ વર્ષ સુધી રિટેલ અને મીડિયા ઉદ્યોગમાં કામ કર્યું હતું.

અનુવાદક- કેયૂર કોટક

Related Stories

Stories by YS TeamGujarati