'Fixofy' પર બધું જ ફિક્સ થાય છે!

0

ઘરની જુદી જુદી જરૂરીયાતોને ધ્યાનમાં લઈને પ્લમ્બરથી લઈને અનેક સેવાઓ લોકો માટે સરળ બનાવતી આ સાઈટ કારીગરોને રોજગાર તથા જરૂરીયાતવાળા લોકોને કારીગર આપવામાં સેતુ બની રહી છે!

આ સ્ટાર્ટઅપમાં એ ક્ષમતા છે કે જુદા જુદા સ્તરના લોકોને એકસાથે જોડે છે. નરુલ્લાહ નામે એક શરમાળ અને નવવિવાહિત પ્લમ્બર તેનું ઉદાહરણ છે. તે પહેલા જુદી જુદી જગાએ જઈને કામ કરતો હતો. થોડા સમય પહેલા તેણે બેંગલુરુમાં સેવા આપનાર 'ફીક્સોફી' જોઈન કરી લેવાનો નિર્ણય કરી લીધો. તે કહે છે, "આમ કરવાથી હું બહુ જ ખુશ થયો. કેમ કે આમાં માત્ર આપણે એટલું જ કરવાનું હોય છે કે કામ બરાબર કરો અને ગ્રાહકોને સતોષ મળે તેવી કામગીરી કરતા રહો."

'ફીક્સોફી'ની યાત્રા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થઇ. એક વાર તેના સ્થાપક મયૂર મિશ્રાને પોતાના ઘરના રીપેરીંગ માટે કેટલાક મજૂરોની જરૂર પડી. તેઓ કહે છે, "મારા માટે તે એક મોટો પડકાર હતો કે જે શહેરમાં આપણે ભલે 10-10 વર્ષથી રહેતા હોઈએ પણ તમને યોગ્ય માણસો ન મળે ! અને આ તો ઘર-ઘર ની જરૂરીયાત છે."

તેમણે એક મહિનાની મહેનત પછી જાન્યુઆરી, 2015માં 'ફીક્સોફી'ની ઓફીસ સરજાપુર,બેંગલુરુમાં શરૂ કરી. અને માર્ચ સુધીમાં કામને અમલમાં લાવી દીધું. એપ્રિલ સુધીમાં તે કોરમંગલા વિસ્તાર સુધી પહોંચી ગયા. શશાંક પૈરી અને શિવનારાયણ કાર્તિકને પોતાની ટીમમાં સામેલ કરનાર મયુર કહે છે, "અમે જ્યારે અમારી ધારણાને સાબિત કરી આપી, તો તેને ફેલાવવામાં કોઈ મુશ્કેલીઓ ન પડી. હવે આ જ સેવા ગુડગાંવમાં લોન્ચ કરવા માટે એક ઓપરેશન મેનેજર તૈયાર થયા છે."

રોજીંદી ઘરેલુ સમસ્યાઓ હલ કરવા કોઈ ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ ન હતી અને કામની ગુણવત્તાનો પ્રશ્ન તો ઉભો જ હતો. ઉપરાંત આ ક્ષેત્રમાં પહેલેથી જ અનેક બ્રાંડ ઉપલબ્ધ હતી. જેમ કે ઓનેસ્ટકોલર્સ , ઇઝીફોકસ, ડોર મેન્ટ, બુકમાઈબાઈ, ટાસ્કબોબ, જેપ્પર અને ટાઈમસેવર્સ વગેરે।

પણ મયૂર કહે છે, "ફીક્સોફી અલગ છે. જેમાં 10 સેકન્ડમાં જ બૂકિંગ કરી શકાય છે અને 30 મિનીટમાં સેવાઓ પહોંચાડી દેવામાં આવે છે. અમારું ધ્યાન બેકએન્ડ ઇકોસિસ્ટમને એટલી મજબૂત કરવા પર છે કે કારીગરો અને ગ્રાહકો જલદીમાં જલદી એકબીજાનો સંપર્ક કરી શકે. જે કોઈ સેવા માટે બોલાવનારાઓ છે તે કામ કરનારને પ્રત્યક્ષ મળવા ઈચ્છે છે. આથી કારીગર પણ ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવી હોય તે જરૂરી બને છે." ફીક્સોફીએ કલાક પ્રમાણે ફી લેવાની પ્રથા નથી રાખી. જેથી ગ્રાહકોને પોતાના ભાવ જાતે નક્કી કરવામાં સરળતા રહે છે. મયૂર કહે છે,

"આખરે તો કારીગરોને નવા ગ્રાહક જોઈએ છે અને ગ્રાહકોને યોગ્ય કિંમતે સારું કામ આપનારા કારીગરો જોઈએ છે. માટે ફીક્સોફી તેમને માટે કમાણી વધારનાર પ્લેટફોર્મ છે અને ઈમાનદારી અમારો સિદ્ધાંત છે, સાચું કહું તો કોઈ એક ફિક્સ ફી લેવાનો અમારો વિચાર હતો. પણ સેવાઓના સ્તર જ એટલા વિવિધ છે કે તેમ કરવું સંભવ ન લાગ્યું. ક્યારેક તો એવું બન્યું કે સમસ્યા કોઈ બીજી જ વિચારી હોય અને નીકળે કોઈ ત્રીજી જ ! જો કે સેવા પ્રાપ્ત કરનાર ગ્રાહકો જ કેટલીક સમસ્યાઓ હલ કરી દે છે. અને જ્યાં ડીલિવરીનો સવાલ છે ત્યાં બંને પક્ષ ખુશ રહે તે અગત્યનું છે. આથી જ ગ્રાહકો ખુદ પોતાના કામની કિંમત જણાવે છે."

ફીક્સોફીનું હવે પછીનું લક્ષ્ય પોતાના કામને શક્ય તેટલું ઓટોમેટીક કરવા પર છે. મયૂર કહે છે, "અત્યાર સુધી અમારા બધા જ ટેક્નિકલ કામ બહાર કરવામાં આવતા હતા. પણ અમે ઈચ્છીએ છીએ કે અમારી પોતાની જ ટીમ ટેક્નિકલ કામના બેકેન્ડ સંભાળે." તે માને છે કે કામમાં જેટલું માણસનું યોગદાન ઘટશે, તેટલી ગ્રાહકોને સેવા આપવામાં ઝડપ વધશે. ફીકસોફી પ્લાનિંગ, પેઇન્ટિંગ અને ઈલેક્ટ્રીકલ(જેમાં ઘરેલુ સાધનો અને લેપટોપ રીપેરીંગ પણ સામેલ છે) સેવાઓ આપે છે. અત્યારે તો આટલી જ સેવાઓ સીમિત છે. પણ મયૂર ચાહે છે કે ગુણવત્તામાં જરાપણ સમાધાન કર્યા વિના હાઉસહોલ્ડ સેવાઓ-જેમ કે સફાઈ, પેસ્ટકંટ્રોલ વગેરે પણ ઉમેરવી.

જે કારીગરો તેમાં જોડાયા તેમને પણ ઘણો લાભ થયો હોવાનું બધા સ્વીકારે છે. તેમને રોજ ઓછામાં ઓછા 3 ગ્રાહકો મળે છે અને પોતાનો કારોબાર ફેલાવવામાં તેમને મદદ મળે છે.

ફીક્સોફીની યાત્રા પડકારો વિનાની નથી રહી. એક તરફ જ્યાં અવ્યવસ્થિત સેકટરને સ્ટાર્ટઅપ સાથે જોડાવાનું હતું તો બીજી તરફ લોકો અને કારીગરવર્ગને પોતાની સાથે જોડવાના હતા.

આર.ટી.નગરથી સંચાલન કરતા શશાંકનું કહેવું છે, "મારા માટે આ જગાએ જોડાવું એ મારા જીવનનો એક સોનેરી અવસર હતો, આઈડીયા બહુ જ સુંદર હતો, ટીમ બહુ સારી હતી. અમે શરૂઆતમાં આ કામ ઉપાડી જ લીધું. શરૂમાં અમે અનુભવ વિનાના હતા. આથી આ બહુ જ થકવી દેનારી પ્રક્રિયા લાગતી હતી. પણ અમે ભૂલોમાંથી શીખ્યા અને આગળ વધતા રહ્યા."

અત્યંત સ્પર્ધાના આ સમયમાં કોઈપણ કારોબાર સ્થાપિત કરવો એ ઘણી મુશ્કેલીનું કામ છે. આ કામમાં જોડાયેલા આઈ.આઈ.ટી. -હૈદરાબાદના ઇન્ટર્ન પાર્થ શ્રીવાસ્તવ કહે છે, "અમે લોકોએ પહેલા જ દિવસથી શીખવાનું શરૂ કરી દીધું હતું. મેં માર્કેટિંગ માટે અરજી કરી હતી. પણ મેં ઓપરેશન્સ, ફાઈનાન્સ અને ઓન ફિલ્ડ પણ કામ કર્યું. અહીં હું સમજ્યો કે કેવી રીતે એક કંપનીનું સંચાલન થાય છે. અમે રાતે 10-10 વાગ્યા સુધી ઓફીસમાં કાર્યરત રહેતા પણ કામ કરવાનો આનંદ અનોખો હતો."

કોઈ પણ સ્ટાર્ટઅપની જેમ ફીક્સોફી પણ ફંડિંગની શોધમાં છે. અને પોતાના કારોબારની બારીકીઓનો ખુલાસો કરવામાં જરા સંકીર્ણ છે. ફીક્સોફી કેટલો ધંધો વિકસાવશે, બજારમાં કઈ નવી વસ્તુઓ લાવશે તે તો ભવિષ્ય જ કહેશે. પણ અત્યારે તો બેંગલુરુની જનતા માટે તેમની એક વેબસાઈટ અને એક એપ છે. સારી સેવા આપનારની શોધ સતત અને મુશ્કેલીઓવાળી હોય છે. જેમાં મોટે ભાગે કારીગરો સ્વતંત્ર કામ કરનારા હોય છે. જેમ કે જાવેદ. તે 4 વર્ષના બાળકનો પિતા છે ને તે કહે છે, "જો હું ફોક્સોફી સાથે ન જોડાયો હોત તો મને આટલો લાભ ન થાત જેટલો અત્યારે થયો છે! જે વૃક્ષ વિકસવા ચાહે તેને પોતાના મૂળની જરૂર પડે છે તેં મારે અહીં થયું છે." આ ધંધામાં 22 વર્ષ વિતાવ્યા પછી તેને પૂરો વિશ્વાસ છે કે તે ચાહે બેંગલુરુમાં રહે કે પછી ચેન્નાઈમાં. લોકો તેને હંમેશા બોલાવશે. "હું ફીક્સોફી સાથે બે-ત્રણ મહિનાઓથી કામ કરું છું અને મને લાભ થયો છે." તે માત્ર 5 ધોરણ સુધી ભણ્યો છે અને અલગ-અલગ વર્કશોપમાં આ કામ શીખ્યો છે. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે પોતાનો કારોબાર ચલાવવા ઈચ્છે છે? ત્યારે માથું હલાવતા તેણે કહ્યું, "આ દરેકનું સ્વપ્ન હોય છે. પણ હાલ તો હું બસ વ્યસ્ત રહેવા ઈચ્છું છું."

વેબસાઈટ- Fixofy

લેખક- એસ.ઐજાઝ

અનુવાદક- હરિક્રિષ્ના શાસ્ત્રી

Related Stories