ભારતીય 'બ્રા ક્વીન'નું એક મિશન! તમે તેની સાથે જોડાવા તૈયાર છો?

ભારતીય 'બ્રા ક્વીન'નું એક મિશન! તમે તેની સાથે જોડાવા તૈયાર છો?

Wednesday January 20, 2016,

5 min Read

‘આંતરવસ્ત્રો’ પ્રત્યેનો છોછ અને સમજણ વચ્ચેની ભેદરેખા સમજાવે છે ‘બટરકપ્સ’ની સ્થાપક અર્પિતા!

image


ઘણા એવા વિષયો હોય છે કે જેની પરસ્પર ચર્ચા કરતા પણ ભારતીય મહિલાઓ શરમ અનુભવે છે. ભારતમાં આજે પણ કેટલીય મહિલાઓ અનેક બાબતો પર વાત કરતા અચકાય છે. ગભરાય છે. ભલે પછી તે પોતાની જ વાત કેમ ન હોય. તે છુપાવવાને કારણે તેની તકલીફો પણ કેમ વધી ન જતી હોય. તેમ છતાં તે મહિલાઓ ચૂપ રહે છે. વાતોને પોતાના સુધી સીમિત રાખે છે, અને ક્યારેય પણ ખુલીને વાત નથી કરતી. તેમને કદાચ લાગે છે કે આ વાતો પર ચર્ચા કરવી પ્રતિબંધિત છે. તેમને એ ડર સતાવે છે કે જો તે એવા વિષયો પર ચર્ચા કરશે તો સભ્ય અને સુસંસ્કૃત ગણાતી આપણી મહિલાઓની છબી ખરડાઈ જશે.

એવો જ એક વિષય છે આંતરવસ્ત્ર. જી હાં આંતરવસ્ત્ર. એ તો તમામ જાણે છે કે, આંતરવસ્ત્ર દરેક પહેરે છે. આ તે વસ્ત્ર છે કે જે શરીરની સૌથી વધુ નજીક અને શરીર પર સૌથી વધુ સમય માટે રહે છે. એક રીતે જોઈએ તો આ શરીરનો એક ભાગ જ બની ગયા છે. પરંતુ અનેક કારણોસર આજે પણ ભારતીય મહિલાઓ આંતરવસ્ત્રો વિશે એકબીજા સાથે વાત નથી કરતી. આંતરવસ્ત્ર આજે પણ ભારતીય મહિલાઓ માટે ચર્ચાનો એક અનુચિત, અમાન્ય અને વર્જિત વિષય બની ગયો છે.

પરંતુ એક ભારતીય મહિલાએ નવી શરૂઆત કરી છે. શરૂઆત કરી છે આંતરવસ્ત્રો પ્રત્યે ભારતીય મહિલાઓનો દ્ષ્ટિકોણ બદલવાની અને તેને સંબંધિત વાતચીતની રીતભાતને. જે મહિલાએ આ સાહસિક અને પડકારરૂપ શરૂઆત કરી છે તેનું નામ છે અર્પિતા ગણેશ.

image


અર્પિતા આજે દેશભરમાં મહિલાઓ અને આંતરવસ્ત્રોની સૌથી વધુ જાણકાર માનવામાં આવે છે. આ તેની પહેલ અને પ્રયત્નોનું જ પરિણામ છે કે, ભારતમાં અનેક મહિલાઓ હવે ખુલીને પોતાની પસંદ નાપસંદ અને જરૂરીયાતો વિશે વાતચીત કરવા લાગી છે.

અર્પિતાની સફર સરળ ન હતી. ગત્ત થોડા વર્ષોમાં અર્પિતાને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. ઉતાર ચઢાવ ભરેલા અત્યાર સુધીના સફરમાં અર્પિતાના આંતરવસ્ત્રોને લઈને ભારતીય મહિલાઓના મનમાં રહેલા અનેક માન્યતાઓને તોડી છે, અનેક જૂની પ્રણાલીઓને ખોટી સાબિત કરી છે.

આંતરવસ્ત્રો પ્રત્યે લોકોમાં જાગરૂકતા લાવવા માટે અર્પિતાએ એક મિશન તૈયાર કર્યું. આ મિશનને આગળ ધપાવવા માટે તેમજ તેને સફળ બનાવવા માટે અર્પિતાને અનેક યુવતીઓ અને મહિલાઓને શિક્ષિત કરવી પડી. મહિલાઓના મગજમાંથી જૂનવાણી વાતોને દૂર કરી નવા વિચારો અને ટેકનોલોજી વિશે અવગત કરવા માટે ખૂબ મહેનત કરવી પડી. જેથી કરીને સારી રીતે આંતરવસ્ત્રોથી થનારા લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય. મિશનને સફળ બનાવવા માટે અર્પિતાએ શક્ય તમામ રસ્તાઓ અપનાવ્યા, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કર્યો.

1998થી 2008 સુધી ક્રિએટીવ એડ એજન્સી ચલાવનારી અર્પિતાનો રસ શરૂઆતથી જ આંતરવસ્ત્રોમાં હતી. કંઈક નવુ અને સારું કરવાની ઈચ્છા પણ. સાથે જ અર્પિતાના મનમાં મહિલાઓ માટે પરિવર્તનકારી કામ કરવાનું ઝૂનૂન પણ હતું. અર્પિતાએ ‘બટરકપ્સ’ નામથી આંતરવસ્ત્રોના એક બુટીકની શરૂઆત કરી. આ કોઈ સામાન્ય બુટીક નહોતું. આ બુટીક ભારતની મહિલાઓ માટે પ્રથમ ‘હાઈ એન્ડ લોન્જરે બુટીક’ હતું. અર્પિતાએ પોતાના રસને કારણે ફ્રાંસ અને બેલ્જિયમમાં બ્રાની બે મોટી બ્રાન્ડના ટ્રેઈનિંગ સેન્ટરથી બ્રા ફિટીંગ અને મેકીંગ અંગેનું વિશેષ શિક્ષણ મેળવ્યું. આ પ્રશિક્ષણ પોતાના બુટીકને જાણીતું અને સફળ બનાવવામાં મદદગાર સાબિત થયું. પોતાના આ બુટીક દ્વારા અર્પિતાએ ભારતીય મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટી મોટી ફેશન કંપનીઓ અને બ્રાંડના આંતરવસ્ત્રો ઉપલબ્ધ કરાવ્યા.

image


અર્પિતાએ ભારતીય મહિલાઓને એ વાતનો અહેસાસ કરાવ્યો કે તેની પસંદ અને સુવિધા અનુસાર આંતરવસ્ત્રો પહેરવા જોઈએ, અને આ મામલે પોતાની ઈચ્છાઓ અને શોખ વિશે સંકોચ ન રાખવો જોઈએ.

‘બટરકપ્સ’ને લોકપ્રિય બનાવવા માટે અર્પિતાએ એક નવું બિઝનેસ મોડલ પણ અપનાવ્યું. બ્રાના વેચાણને વધારવા માટે અર્પિતાએ ના માત્ર બુટીક દ્વારા કારોબાર કર્યો બલ્કે ઓનલાઈન વેચાણ પણ શરૂ કર્યું. મહિલાઓ હવે પોતાની પસંદ અને અનુકુળતા અનુસાર ઓનલાઈન જ પોતાની મનપસંદ બ્રા ખરીદી શકે છે. મહિલાઓ માટે કામ કરવું સરળ હતું. હવે તેને બસ ઓનલાઈન જ ઓર્ડર નોંધાવવાનો રહે છે, અને સામાન તેના ઘર સુધી પહોંચી જાય છે. આ જ કારણથી અર્પિતાના બુટીકની બ્રા ખૂબ ઝડપથી વેચાવા લાગી.

પોતે ડીઝાઈન કરેલી બ્રાને કારણે અર્પિતા થોડા જ દિવસોમાં ભારતની ‘બ્રા ક્વીન’ બની ગઈ. ભારતમાં જ નહીં દુનિયાભરમાં હવે તેને ભારતની ‘બ્રા ક્વીન’ તરીકે જ ઓળખવામાં આવે છે.

અર્પિતાને આ ખિતાબથી કોઈ આપતિ નથી. બલ્કે તે આ ખિતાબ પર ગર્વ અનુભવે છે. અને તેને એ વાત પર પણ ગર્વ છે કે, તેણે સફળ વ્યવસાયી બનાવ માટે એક અલગ જ રસ્તો પસંદ કર્યો. ભારતમાં એક એવા કામની શરૂઆત કરી, જે પહેલા કોઈએ નહોતો કર્યો. અનેક મહિલાઓને ખુશી આપવામાં સફળ થઈ. આ વાતનો તેને ખૂબ સંતોષ છે.

અર્પિતા આટલેથી અટકી નહીં. તેણે પોતાની બ્રા અને વેચાણને વધુ વધારવાના ઉદ્દેશ્યથી મોબાઈલ ફોન એપ પણ તૈયાર કરાવી. હવે મોબાઈલ ફોન પર એપનો ઉપયોગ કરી મહિલાઓ ક્યાંયથી પણ બ્રા મંગાવી શકે છે. એટલુ જ નહીં પુરુષ પણ પોતાના પ્રિય માટે આ એપ દ્વારા બ્રા ગિફ્ટ કરી શકે છે.

અર્પિતા માને છે કે, ઓનલાઈન બુટીક અને અન્ય વિદેશી કંપનીઓના એપથી પડકાર મળે છે. અનેક કંપનીઓ બ્રાને સેક્સી, ફંકી અને અન્યથી સસ્તી બનાવી ઓનલાઈન અને ઓફલાઈન વેચે છે. પરંતુ અર્પિતા કહે છે કે, તેની સફળતાની સૌથી મોટુ કારણ ક્વોલિટીના મામલામાં કોઈ સમાધાન ન કરવાનું છે.

અર્પિતાએ પાછલા છ વર્ષમાં પોતાની અનોખી યાત્રામાં એક નહીં અનેક મોટી સફળતા મેળવી છે.

દુનિયાભરમાં 3000થી વધુ મહિલાઓ અર્પિતાના બ્રા બ્લોગથી સીધા જ જોડાયેલા છે. ઘણી બધી મહિલાઓ ઓનલાઈન અને બુટીકથી બ્રા ખરીદી શકે છે.

એટલુ જ નહીં, મોટી મોટી કંપનીઓ અને દેશ-દુનિયાની જાણીતી હસ્તીઓ આંતરવસ્ત્ર મામલે અર્પિતાની સલાહ લે છે. ટોચના ડિઝાઈનર્સ અર્પિતા સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. અર્પિતા આ વાત પર ખુશી વ્યકત કરે છે કે મુશ્કેલીના સમયમાં તેણે હાર ન માની, અને લક્ષ્ય મેળવવા માટે સતત પ્રયત્ન કર્યો. અપિતા અનુસાર આ સફરમાં અનેક એવા હાલાત બન્યા કે તેમણે નવી પહેલને છોડવાનો વિચાર કર્યો. પરંતુ જોશીલા સ્વભાવ અને હારના માનવાના કારણે પોતાની મંઝીલ સુધી પહોંચી શકી.


લેખક- શ્રદ્ધા શર્મા, ફાઉન્ડર, ચીફ એડિટર, યોરસ્ટોરી

અનુવાદક- YS ટીમ ગુજરાતી