સ્ટાર્ટઅપ્સ હવેથી નિયમોનાં પાલનના બદલે વેપાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે – નિર્મલા સીતારામન

સ્ટાર્ટઅપ્સ હવેથી નિયમોનાં પાલનના બદલે વેપાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે – નિર્મલા સીતારામન

Saturday January 16, 2016,

3 min Read

image


સ્ટાર્ટઅપ્સ ધરાવતા ઉદ્યોગસાહસિકો હવેથી સરકારના વિવિધ વિભાગોની મંજૂરી લઈને નિયમોનું પાલન કરવાને બદલે પોતાના વિચારો અને વેપાર કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. એનડીએ સરકાર સ્ટાર્ટઅપ માટે જેમ બને તેમ વહીવટીય પ્રક્રિયાઓ અને અમલદારોનો સંપર્ક સાધવા માટેની પ્રક્રિયા ઘટાડવા માટેના પ્રયાસો કરી રહી છે કે જેથી તેમને વેપાર શરૂ કરવા માટેનું પ્રોત્સાહન મળે. તેમ દિલ્હી ખાતે રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન નિર્મલા સીતારામને ઘણી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલા 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા' કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેમની સરકાર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને દેશમાં કેવી રીતે પ્રોત્સાહન આપશે તે અંગે પણ તેમણે વિગતે વાત કરી હતી.

તેમણે જણાવ્યું,

"15 ઓગસ્ટ 2015થી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા'ની જાહેરાત કરી છે ત્યારથી અમે તમામ પ્રધાનો આ ક્ષેત્રના તમામ હિસ્સેદારોને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેમની વચ્ચે એકસૂત્રતા કેવી રીતે સાધી શકાય અને વિવિધ સ્ટાર્ટઅપ્સ સાથે વાતચીત કેવી રીતે કરી શકાય."

તેમણે ઉમેર્યું હતું કે આ માટેની સિસ્ટમ તૈયાર કરી દેવામાં આવી છે સરકાર તેના માટેની મદદ ઝડપથી આપવા માગે છે.

મંજૂરી મેળવવા માટે નીતિઓમાં રહેલી સ્પષ્ટતાનો અભાવ અને મંજૂરી મેળવવાની લાંબી પ્રક્રિયા તેમજ તેમાં થતાં વિલંબ અંગે તેમણે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સને તેમાંથી ખૂબ જ ઝડપથી રાહત મળશે. એનડીએ સરકાર સ્ટાર્ટઅપનો વિકાસ થાય તે માટેની સુવિધાઓ આપશે. સરકાર એ વાતનું ધ્યાન રાખશે કે તેમને આપવામાં આવતી મંજૂરીમાં વિલંબ ન થાય અને તેઓ નિયમોનું પાલન અને મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં ગૂંચવાવાને બદલે પોતાના વેપાર અને આઇડિયા ઉપર ધ્યાન આપે.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં હવે વાતાવપણ બદલાયું છે અને અહીં ઉદ્યોગસાહસિકો પ્રત્યે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સરકારી નોકરી મેળવવા માગતા યુવાનોની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી નોકરી હવે યુવાનોને કરવી નથી તે તમામ લોકો પોતાના નસીબના માલિક બનવા માગે છે. સીતારામને એમ પણ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સે ભારતમાં શા માટે આવવું જોઇએ, રહેવું જોઇએ અને ભારતને મર્યાદિત ન સમજવું જોઇએ કારણ કે ટેકનોલોજી સિવાય અહીં અન્ય ક્ષેત્રોનો પણ વિકાસ થઈ રહ્યો છે. એક જમાનો હતો કે જ્યારે ઉદ્યોગસાહસિકતાને ઘણા લાંબા સમય સુધી એક જુગાડ કે ગોઠવણ તરીકે જોવામાં આવતી હતી. હાલમાં સિલિકોન વેલીમાં વસતા ભારતીયો પણ પરત આવી રહ્યા છે. એવું એટલા માટે બની રહ્યું છે કે ભારતમાં ઘણા સમયથી સ્ટાર્ટઅપ્સનો જમાનો ખીલ્યો છે. અહીં આવીને તેઓ પોતાના દેશને થોડું પ્રદાન કરવા માગે છે.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં એક વર્ષમાં સ્ટાર્ટઅપ્સને ધિરાણ આપવાનું પ્રમાણ 50 ટકા જેટલું વધ્યું છે. સરકારની ફંડ ઓફ ફંડ્ઝ નામની જે યોજના છે તે સ્ટાર્ટઅપ્સને મદદ કરવાના ભાગરૂપે જ શરૂ કરવામાં આવી છે.

ઘણા ઉદ્યોગસાહસિકો સ્ટાર્ટઅપમાં નિષ્ફળ જાય છે. તેઓ એમ કહેતા હોય છે કે ભારતમાં રહેલી વધારે પડતી લાલ ફિત્તાંશાહીને (રેડ ટેપિઝમ) કારણે તેમને પોતાનો વેપાર ચલાવવામાં નિષ્ફળતા મળી છે. પ્રધાને જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સ નિષ્ફળતામાંથી ગર્વપૂર્વક બહાર આવે તેના માટે સરકાર રોકાણકારોને રોકાણ પાછું ખેંચવાના અને સ્ટાર્ટઅપ્સને બંધ કરવા માટેના નિયમો પણ સરળ બનાવશે. નાદારી બિલ હાલ સંસદમાં વિચારણાહેઠળ છે.

યોરસ્ટોરી સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયાની અધિકૃત ભાગીદાર છે.

આ ઇવેન્ટના લાઇવ કવરેજ માટે અહીં ક્લિક કરો.