"સમ-વિષમ ફોર્મ્યુલા સાહસિક અને સુંદર છે"

"સમ-વિષમ ફોર્મ્યુલા સાહસિક અને સુંદર છે"

Wednesday December 09, 2015,

6 min Read

સામાન્ય રીતે હું એવું માનતો હતો કે પર્યાવરણ અને આબોહવામાં ફેરફાર એ અંગ્રેજી બોલતા ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનાઢ્ય વર્ગના લોકો માટે બૌદ્ધિક દલીલો કરવાના મુદ્દા છે. હું હંમેશા વિચારતો હતો કે એક સામાન્ય માણસ (કૉમન મેન) તો મહત્ત્વપૂર્ણ એવા રોટી, કપડા અને મકાનની વ્યવસ્થા કરવામાં રોકાયેલો છે. પણ આજે મારે સ્વીકારવું જોઈએ કે મારી માન્યતા ખોટી હતી. દિલ્હી હાઈ કોર્ટે અવલોકન કર્યું છે કે રાષ્ટ્રીય રાજધાની 'ગેસ ચેમ્બર' બની ગઈ છે અને ત્યારબાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકારે સમ-વિષમ ફોર્મ્યુલાની જાહેરાત કરી છે. દિલ્હી હાઈ કોર્ટની ટિપ્પણી અને આપ સરકારની જાહેરાત પછી એકાએક દરકે વ્યક્તિ પર્યાવરણ અને આબોહવામાં આવેલા ફેરફાર વિશે વાત કરી રહી છે. એટલે સુધી કે સાંસદો પણ માસ્ક પહેરલા જોવા મળે છે.

દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરથી પણ વધી ગયું છે તે હકીકતને કોઈ નકારી શકે તેમ નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવા તાત્કાલિક ઉપાય કરવા જરૂરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દિલ્હીને વર્ષ 2014માં વિશ્વના 160 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સૌથી પ્રદૂષિત શહેર જાહેર કર્યું હતું. આ સંદર્ભમાં દિલ્હી સરકારે વારાફરતી દિવસે છેલ્લો આંકડો સમ અને વિષમ નંબર ધરાવતા મોટરાઇઝ વાહનો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. તેનો અર્થ એ થયો કે કોઈ પણ દિવસે દિલ્હીના માર્ગ પર ફરતા વાહનોની સંખ્યા અડધી થઈ જશે. ભારતમાં આ અભિનવ પ્રયોગ છે, જેથી તેણે વધારે પડતું ધ્યાન ખેંચ્યું છે. મોટી સંખ્યામાં લોકો ચિંતિત છે. આ ચિંતાને ચાર કેટેગરીમાં ભેગી કરી શકાશે.

image


1. જયારે કાર પર પ્રતિબંધ હોય અને ઇમરજન્સી ઊભી થાય તો શું કરવું?

2. પોતાનું વાહન ધરાવતા વિકલાંગ લોકોનું શું? જે દિવસે તેમના વાહન બહાર નહીં કાઢવાનું હોય ત્યારે તેઓ અવરજવર કેવી રીતે કરશે? આ એવા વર્ગના લોકો છે, જેમને જાહેર પરિવહનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે, કારણ કે વિકસિત દેશોથી વિપરીત આપણા જેવા વિકાસશીલ દેશના શહેરોમાં તેમના માટે પૂરતી સુવિધા નથી.

3. પોતાની કાર ડ્રાઇવ કરતી અને મોડી રાતે કામ પરથી પાછી ફરતી વર્કિંગ મહિલાઓનું શું? તેમની સલામતી સાથે સમાધાન નહીં થાય અને મોડી રાતે કામ ન કરવા તેઓ નિરુત્સાહ નહીં થાય?

4. સ્કૂલ બસ અને લોકલ ઑટોને બદલે પોતાના વાહનોમાં બાળકોને શાળામાં મૂકવાન જવાનું પસંદ કરતા માતાપિતા માટે એકી-બેકી ફોર્મ્યુલાથી ચિંતા વધી ગઈ છે.

આ તમામ ચિંતાઓ વાસ્તવિક છે. હું એવું પણ સ્વીકારું છું કે ફોર્મ્યુલામાં ગૂંચવણ પણ છે, જેમાં વિપક્ષોએ વધારો કર્યો છે. આપના પ્રતિનિધિ તરીકે મારે તમને ખાતરી આપવી છે કે હજુ આ ફોર્મ્યુલાનો અંતિમ નિર્ણય લેવાયો નથી અને અમલની વાસ્તવિક તારીખ જાહેર થઈ નથી. બીજું, આ યોજનાને અમલમાં મૂકવા ટ્રાફિક વિભાગના મુખ્ય સચિવ, પર્યાવરણ વિભાગના સચિવ અને મહેસૂલ વિભાગના સચિવ એમ ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ તમામ હિતધારકો સાથે ચર્ચા કરશે અને તમામ સૂચનો, ભલામણો અને વિચારોનો સ્વીકાર કરશે અને પછી ફોર્મ્યુલાનો અમલ કરવાની પદ્ધતિઓને અંતિમ ઓપ આપશે. એટલે હું દરેકને ચિંતા ન કરવાની સલાહ આપીશ. અંતિમ યોજનાની રાહ જુઓ અને પછી પ્રતિક્રિયા આપો. દરખાસ્ત પછી પણ જો થોડી અનિશ્ચિતા રહેશે, તો તેનું પણ સમાધાન કરવામાં આવશે. બે અઠવાડિયા પછી સમીક્ષા થશે અને તે અનુરૂપ ફેરફારો કરવામાં આવશે.

ભારતમાં આ નવી દરખાસ્ત છે, પણ તેનો સમગ્ર વિશ્વમાં સફળતાપૂર્વક અમલ થયો છે. તાજેતરમાં પેરિસ અને બીજિંગમાં તેનો અમલ થયો છે. મેક્સિકો સિટી, બોગોટા, સેન્ટિગો, સાઓ પાઓલો, લંડન, એથેન્સ, સિંગાપોર, તેહરાન, સેન જોઝ, હોન્ડુરાસ, લા પાઝ વગેરે શહેરોમાં આ જ ફોર્મ્યુલાનો અમલ થાય છે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ 365 દિવસ માટેની ફોર્મ્યુલા નથી. તેનો ઉપયોગ ઇમરજન્સી જોગવાઈ માટે થાય છે અને તે પ્રમાણે જરૂરિયાત મુજબ તેનો અમલ થાય છે. પ્રદૂષણ ઘટાડાવા જાહેર પરિવહન વ્યવસ્થામાંસુધારો, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને બંધ કરવા, પ્રદૂષણ ફેલાવતા વાહનોને બંધ કરવા, નાગરિકોને ખાનગી કારનો ઉપયોગ કરવા નિરુત્સાહ કરવા જેવા અન્ય પગલાં લેવા જોઈએ. બોગાટામાં આ ફોર્મ્યુલા અઠવાડિયામાં બે દિવસ લાગુ કરવામાં આવે છે. સાઓ પાઓલોમાં આ પ્રેક્ટિસ 1997થી અમલમાં છે અને બીજિંગમાં અઠવાડિયામાં એક દિવસ લાગુ છે. 2008માં ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન ચીનની સરકારે બે મહિના આ ફોર્મ્યુલાનો અમલ કર્યો હતો અને આ માટે તેણે તેના નાગરિકોને ત્રણ મહિના માટે વાહન વેરામાંથી માફી હતી.

દરેક શહેરનું મોડલ અલગ હોય છે. એથેન્સની ભૂગોળ બે ઝોનમાં વિભાજીત છે – આંતરિક અને બાહ્ય ઝોન. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ શહેર પર સતત નજર રાખવામાં આવે છે. પ્રૂદષણ ખતરનાક સ્તરે પહોંચી જતા ઇમરજન્સી જાહેર કરવામાં આવે છે અને રેડિયો, ટીવી અને સરકારી પ્રસારણ સિસ્ટમ પર ફોર્મ્યુલા લાગુ કરવાની જાહેરાત થાય છે. અંદરના ઝોનમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને ટેક્સીઓને સમ-વિષમ ફોર્મ્યુલા મુજબ છૂટ આપવામાં આવે છે. કેટલાંક શહેરોમાં તે આખો દિવસ લાગુ થાય છે અને કેટલાંક શહેરોમાં પીક અવર્સમાં, જેમ કે સવારે 8.30થી 10.30 અને સાંજે 5.30થી 7.30. કેટલાંક લોકો તેવો ખોટો પ્રચાર કરે છે કે આ ફોર્મ્યુલા સતત લાગુ કરવામાં આવશે, પણ તે ખોટી વાત છે. પેરિસમાં સવારે 5.30થી રાતના 11.30 સુધી લાગુ છે. અન્ય શહેરોમાં પણ આવા જ નિયમો છે.

લંડન અને સ્ટોકહોમ જેવા શહેરોએ પ્રદૂષણને નિયંત્રણમાં જાહેર પરિવહન વ્યવસ્થાને મજબૂત કરવા ઉપરાંત અલગ માર્ગ અપનાવ્યો છે. તેને LEZ (લૉ એમિશન ઝોન) મોડલ કહેવાય છે. આ પ્રકારના શહેરો તેમના મુખ્ય સેન્ટર્સને એવા ઝોનમાં ફેરવે છે, જ્યાં એક સ્તરથી વધારે પ્રદૂષણ ફેલાવતા વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે અને દોષિતને ઊંચો દંડ કરવામાં આવે છે. સતત વાહનની ગુણવત્તાને અપગ્રેડ કરાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. પાર્કિંગ અતિ મોંઘું બનાવવામાં આવે છે. લંડનમાં આ પ્રકારના વિસ્તારમાં પાર્કિંગના ચાર્જીસ અતિ ઊંચા છે. અગાઉ કલાક દીઠ 5 પાઉન્ડ લેવામાં આવતા હતા, જેને વધારીને 10 પાઉન્ડ કરવામાં આવ્યાં છે. લંડન 2 અબજ પાઉન્ડથી વધારે કમાણી કરે છે, જેને પરિવહન સંબંધિત સુવિધાઓમાં રોકે છે.

તે જ રીતે સિંગાપોરમાં કાર લાઇસન્સ અને સ્પેસ લાઇસન્સ સિસ્ટમ છે. સિંગાપોરમાં કાર ખરીદવા વ્યક્તિને લાઇસન્સ મેળવવું પડે છે, જે કાર કરતાં વધારે મોંઘું છે. પછી કોઈ પણ વ્યક્તિને કાર લઈને ખાસ વિસ્તારમાં પ્રવેશવા ઊંચી રકમ ચૂકવવી પડે છે. બીજિંગમાં 'કાર પરચેઝ રજિસ્ટ્રેશન સિસ્ટમ' છે, જે લોટરી સિસ્ટમ છે અને રોડ પર ખાસ નંબર ધરાવતી કાર જ ફરી શકે તેવું સુનિશ્ચિત કરે છે.

માર્ગો પર મોટરાઇઝ વાહનોના ઉપયોગને મર્યાદિત કરવા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. સમ-વિષમ ફોર્મ્યુલા તેમાંથી એક છે, જે ઇમરજન્સી સ્થિતિમાં અતિ અસરકારક છે. દિલ્હીના પર્યાવરણને વધારે શુદ્ધ કરવા વૈશ્વિક સ્તરે સફળ પુરવાર થયેલા કેટલાંક મોડલમાંથી શીખવું પડશે. મને આશા છે કે નવી શરૂઆત સાહસિક છે, પણ તેનો આશય સુંદર છે. એટલે આ સુંદર અને સાહસિક પહેલને સફળ બનાવીએ. જો આપણે દિલ્હીવાસીઓ આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા જીવનમાં થોડું એડજસ્ટમેન્ટ કરવાનો નિર્ણય લઈએ તો જ તે શક્ય છે. ચાલો, આપણી આગામી પેઢીઓને પ્રદૂષણ મુક્ત દિલ્હીની ભેટ ધરીએ!!!


આ લેખ મૂળ અંગ્રેજીમાં લખાયો છે જેનો અહીંયા ગુજરાતીમાં ભાવાનુવાદ રજૂ કરાયો છે. તેના મૂળ લેખક વરિષ્ઠ પત્રકાર અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા આશુતોષ છે.

અનુવાદક- કેયૂર કોટક