અબજમાં એકઃ ભારતની એકમાત્ર મહિલા સર્ફર ઇશિતા માલવિયા

0

ભારતીય પુરુષો પણ જ્યાં દરિયામાં જવાનું બહુ સાહસ કરતાં નથી, ત્યારે આ સાહસિક યુવતી દરિયાની લહેરો પર સવાર થઈને જીવનનો રોમાંચ માણવાની પ્રેરણા આપે છે

તમે બોલિવૂડની મોટા ભાગની ફિલ્મોમાં જોયું હશે કે મોટા ભાગે અભિનેત્રી દરિયાની વચ્ચે મુશ્કેલીમાં ફસાતા જોઈ હશે અને પછી હીરોની એન્ટ્રી પડે છે. પણ અહીં એવું નથી. અહીં તમે દરિયાની વચ્ચે એક સાહસિક અને આત્મવિશ્વાસથી સભર યુવતીને દરિયાની લહેરો પર સર્ફિંગ કરતાં જુઓ છો. દરિયો તેનો પહેલો પ્રેમ છે અને સર્ફિંગ તેનું પેશન. તેના અવાજમાં દરિયાની લહેરોની મીઠાશ છે, પણ સાથે સાથે તેના વ્યક્તિત્વમાં પરિપક્વતા પણ ઊડીને આંખે વળગે છે. વાત છે ભારતની પ્રથમ મહિલા પ્રોફેશનલ સર્ફર ઇશિતા માલવિયાની.

દરિયાનું આકર્ષણ

ઇશિતાનો જન્મ અને ઉછેર દરિયાકિનારે વસેલા મુંબઈ મહાનગરમાં થયો હતો. સામાન્ય રીતે મોટા શહેર અને મહાનગરની છોકરીને બહાર નીકળવાનું પસંદ હોતું નથી. પણ ઇશિતાને પહેલેથી જ શહેરથી બહાર જવું, નવી દુનિયાને જોવાનો, જાણવાનો શોખ હતો. વર્ષ 2007માં ઇશિતા મુંબઈથી કર્ણાટકના દરિયાકિનારે વસેલા નાનાં યુનિવર્સિટી શહેર મનિપાલમાં અભ્યાસ કરવા ગઈ હતી. અહીં તેણે પહેલી વખત સર્ફિંગ પ્રત્યે આકર્ષણ અનુભવ્યું હતું.

પહેલી નજરે પ્રેમ

કહેવાય છે કે જ્યારે તમે કોઈ ચીજવસ્તુને ખરા દિલથી મેળવવા ઇચ્છો છો ત્યારે ઈશ્વર તમને સહાય કરે છે. ઇશિતા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક વખત એવું બન્યું છે કે ઇશિતા અને તેના બોયફ્રેન્ડ તુષારને તેમની જ શાખામાં અભ્યાસ કરતો જર્મનીનો એક વિદ્યાર્થી મળવા આવ્યો. તેની પાસે સર્ફબોર્ડ હતું. તેની મારફતે ઇશિતા અને તુષારને એક આશ્રમનો પરિચય થયો, જ્યાંના શિષ્યો કેલિફોર્નિયાના સર્ફર હતા, જેઓ અડધા કલાકને અંતરે સર્ફિંગ કરતાં હતાં. તેમની વચ્ચે સર્ફિંગ સ્પોર્ટ વિશે થોડી વાતચીત થઈ અને પછી ઇશિતા જીવનમાં પહેલી વખત દરિયાની લહેરો પર સવાર થઈ!

તેને યાદ કરતાં ઇશિતા કહે છે,

"અમે જોયું કે ભારતીયો સર્ફ શીખવા આતુર હતા અને મેં પહેલી વખત સર્ફિંગ કર્યું હતું. મને આજે પણ પહેલી વખત દરિયાઈ લહેરો પર સવાર થવાનો રોમાંચ યાદ છે."

એક બોર્ડ, બે સવાર

ઇશિતા જર્નલિઝમ (પત્રકારત્વ) અભ્યાસ કરતી હતી, જ્યારે તુષાર આર્કિટેક્ચરનો વિદ્યાર્થી હતો. તેમના માતાપિતા તેમના સર્ફિંગ પ્રત્યેના પ્રેમને પચાવી શક્યાં નહી. તેમને તેમના સંતાનોના જીવનું જોખમ લાગતું હતું. તેમણે બોર્ડ ખરીદી આપવાનો ઇનકાર કર્યો. પણ ઇશિતા અને તુષારે વર્ષ 2007માં બે વચ્ચે એક સર્ફ બોર્ડ ખરીદવાનું નક્કી કર્યું. તેમણે શરૂઆતમાં બે વર્ષ એક જ બોર્ડ પર સર્ફિંગ કર્યું હતું.

ઉદ્યોગસાહસિકતાના માર્ગે

ઇશિતા કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે તેને ઉદ્યોગસાહસિક બનવાની તક મળી હતી. તેમણે કર્ણાટકમાં ઉડુપી જિલ્લાના નાના ગામ કોડી બેંગેરેમાં ખાલી બારમાં 'ધ શાકા સર્ફ ક્લબ'ની શરૂઆત કરી હતી. પણ આ શરૂઆત બહુ સરળ નહોતી. તેમને ગારની દિવાલ, ઘાસની છત, મંજૂરીઓ, લાઇસન્સ, માતાપિતાનો વિરોધ જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઇશિતાએ તુષાર સાથે મળીને ક્લબ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ કહે છે,

"જ્યારે તમે કોઈ નવી શરૂઆત કરો છો, ત્યારે સૌથી પહેલી અને મહત્ત્વપૂર્ણ જરૂરિયાત આસપાસના વાતાવરણઅને લોકો સાથે સહ-અસ્તિત્વ જાળવવાની હોય છે. પણ મને લોકોને ભરપૂર પ્રેમ અને સહકાર મળ્યો છે. તેના વિના ધ શાકા સર્ફ ક્લબને સફળતા ન મળી હોત. સ્થાનિક લોકોએ અમને ઘણી મદદ કરી છે."

સર્ફિંગ, ભારત અને મહિલાઓ – એક નવી શરૂઆત

ઇશિતાએ વર્ષ 2007માં સર્ફિંગની શરૂઆત કરી હતી. ભારતમાં આ સ્પોર્ટ હજુ પણ બહુ લોકપ્રિય નથી. વળી તેમાં ગણ્યાંગાંઠ્યાં લોકોને રસ છે, જેમાંથી મોટા ભાગના છોકરા હોય છે. પણ ઇશિતા સરળતાથી હાર માને તેવી વ્યક્તિ નથી અને તેમણે તેમની તમામ શક્તિ કામે લગાડી દીધી હતી. અત્યારે તે ભારતની પ્રથમ સફળ વ્યાવસાયિક મહિલા સર્ફર છે.

ભારતીયો અને તેમાં પણ મહિલાઓને સર્ફિંગથી દૂર રાખવા માટે જવાબદાર કારણ કયું છે? ઇશિતા કહે છે,

"મોટા ભાગના લોકોને તરતા આવડતું નથી અને તેઓ દરિયાથી ડર અનુભવે છે. વળી મહિલાઓ પર સારા દેખાવાનું અને ચોક્કસ પ્રકારના વસ્ત્રો પહેરવાનું સામાજિક દબાણ પણ છે."

પણ ઇશિતાને ભારતમાં સર્ફિંગ સ્પોર્ટમાં મહિલાઓનું ભાવિ ઉજ્જવળ લાગે છે. તેમની એક વિદ્યાર્થીનીની ઉંમર 65 વર્ષ છે, જે ઇશિતા પાસે સર્ફિંગ શીખે છે. વળી આ સ્પોર્ટમાં છોકરીઓની સંખ્યા વધી રહી છે.

જીવન જીવવાનો માર્ગ

આઉટડોર કમ્યુનિટી ઇશિતાની પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત છે. તે અમેરિકન સર્ફર લિઝ ક્લાર્ક જેવા લોકો પાસેથી ખુશ અને મજબૂત રહેવાનું શીખે છે, જેઓ પોઝિટિવિટીમાં માને છે. પોતાના જીવન પર સર્ફિંગની અસર વિશે ઇશિતા કહે છે,

"મને લાગે છે કે જીવન દરિયાની લહેરો જેવું છે. હું દરિયાની લહેરોની જેમ જ મારા સ્વપ્નો સાકાર કરવા દોટ મૂકું છું. જીવનમાં ભરતી આવે છે તો ઓટ પણ આવે છે. પણ ઓટ આવે ત્યારે તમારે નવી ભરતી આવે ત્યાં સુધી ધૈર્ય જાળવવું પડે."

ભવિષ્ય

ઇશિતા ભારત માટે પ્રથમ ફિમેલ સર્ફિંગ/હ્યુમેનિટેરિયન ડોક્યુમેન્ટરી ‘બેયન્ડ ધ સર્ફેસ’માં સામેલ હતી. તેઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના દરિયાની લહેરો પર સર્ફિંગ કરે છે. અતિ સફળ શાકા સર્ફ ક્લબ સાથે ઇશિતા સર્ફ કેમ્પ નમઆલોહા (નમસ્તે + આલોહા) પણ ચલાવે છે, જે ભારતમાં પહેલો કેમ્પ છે. તેમાં એક તરફ નદી હોય છે અને બીજી તરફ દરિયો. વચ્ચે કોઈ સ્થળે તેના વિદ્યાર્થીઓ સર્ફ સેશન્સ વચ્ચે રિલેક્સ થઈ શકે છે.

ખરેખર અબજમાં એક ઇશિતા માલવિયા યુવતીઓને સાહસ કરવાનું અને વિપરીત સંજોગો સામે સંઘર્ષ કરવાની પ્રેરણા આપે છે. તે કહે છે,

"નકલ ન કરો. તમારી ક્ષમતાને પિછાણો અને તેને અનુરૂપ આગળ વધવાનો માર્ગ પસંદ કરો. તમારી અંદર અનંત ક્ષમતાઓ રહેલી છે. ઈશ્વર તેને જ મદદ કરે છે, જે પોતાને મદદ કરે છે. જો હિંમત હોય તો બધું શક્ય છે તેવું માનીને તમારા લક્ષ્યાંક તરફ દોટ મૂકો...પછી જુઓ દુનિયા તમારી મુઠ્ઠીમાં છે."

લેખક- પ્રતિક્ષા નાયક

અનુવાદક- કેયૂર કોટક

Related Stories

Stories by YS TeamGujarati