હોટલની દુનિયાનો ચમકતો સિતારો 'Keys હોટેલ્સ'

હોટલની દુનિયાનો ચમકતો સિતારો 'Keys હોટેલ્સ'

Monday November 02, 2015,

5 min Read

એમ કહેવાય છે કે સફળતાનો રસ્તો મહેનત થકી જ હાંસલ થાય છે. તેના કારણે જ અત્યાર સુધી તાજ ગ્રૂપમાં કામ કરતા સંજય સેઠી આજે બર્ગ્રૂએન હોટલ્સના સીઈઓ તેમજ મેનેજિંગ ડિરેક્ટર છે. બર્ગ્રૂએન હોટેલ્સ, કીઝ હોટેલ્સની બ્રાન્ડ હેઠળ હોટેલની ચેઇન ચલાવે છે. કીઝ હોટેલ્સ બ્રાન્ડની દેશભરમાં 35 સંપત્તિઓ છે. તેમાંની કેટલીક ઉપર હજી પણ કામ ચાલી રહ્યું છે. હાલમાં કીઝ હોટેલ્સ 14 જગ્યાએ કામ કરી રહી છે. જેમાંની 6 સંપત્તિઓ તેની પોતાની છે. જ્યારે 8 સંપત્તિઓ ઉપર તે સંચાલનનું કામ કરી રહી છે. આ તમામ સંપત્તિઓમાં તેની પાસે કુલ 1300 રૂમ છે. જ્યારે અન્ય 21 સંપત્તિઓ ઉપર વિવિધ સ્તરે બાંધકામનું કામ ચાલી રહ્યું છે. જે પૂરૂં થતાં જ તેનું પણ સંચાલન શરૂ કરી દેવામાં આવશે. હાલમાં કીઝ હોટેલ્સ ઔરંગાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, લુધિયાણા, પૂણે, મુંબઈ, દિલ્હી અને તિરુવનંતપુરમમાં આવેલી છે. જ્યારે મહાબળેશ્વર, ગોવા અને દિલ્હીમાં તેમના રિસોર્ટ્સ અને બેંગલુરુમાં સર્વિસ એપાર્ટમેન્ટ્સ છે.

image


આ અગાઉ સંજય તાજ ગ્રૂપ ઓફ હોટેલ્સ માટે કામ કરતા હતા. તેઓ તાજ હૈદરાબાદમાં એરિયા ડિરેક્ટરના હોદ્દા ઉપર કામ કરતા હતા અને ફલકનુમા પેલેસના વિકાસની દેખરેખ રાખતા હતા. જ્યારે તેઓ લક્ઝરી મહેલ ધરાવતી હોટેલને જોતા હતા ત્યારે તેમની મુલાકાત બર્ગ્રૂએન હોટેલના અધિકારીઓ સાથે થઈ હતી. તે વખતે તેઓ એક એવી વ્યક્તિની શોધમાં હતા કે જે તેમની હોટેલની ચેઇનને સંભાળી શકે. ત્યારબાદ વાત આગળ વધતી ચાલી અને આમ સંજયે એક ઉદ્યોગસાહસિક તરીકેની પોતાની નવી કારકિર્દીની શરૂઆત કરી. સંજયનું કહેવું છે કે હોટેલની સ્થાપના માટે જંગી રકમની જરૂર પડે છે તેથી જો તેઓ પોતાનાં બળે સ્થાપના કરવા ઇચ્છત તો તે શક્ય નહોતું. ત્યાર બાદ બર્ગ્રૂએન ગ્રુપે વેપાર શરૂ કરવા માટે નાણાં રોકવાનાં શરૂ કર્યાં. જેમાં સંજય પાસે હોસ્પિટાલિટી ઉદ્યોગનો એક દાયકાનો અનુભવ કામ લાગ્યો.

બર્ગ્રૂએન હોલ્ડિંગ્સ સાથે જોડાયા બાદ સંજયે એક કૉર ટીમની રચના કરી. તેના માટે તેમણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા દિગ્ગજ લોકો સાથે વાતચીત કરી અને તેમને પોતાની સાથે જોડ્યા. સંજયે આ લોકોને એક ભાગીદાર તરીકે કામ કરવાની તક આપી. અને વેપારના વિકાસ માટે જરૂરી સંયુક્ત સાહસો કર્યાં. એક વાર ટીમની રચના થઈ ગયા બાદ સંજય આગામી પડકારોને પૂરા કરવામાં લાગી ગયા કે જે હતો યોગ્ય જગ્યાએ યોગ્ય હોટેલની પસંદગી અને તેના કારણે જ ઔરંગાબાદ અને તિરુવનંતપુરમ જેવી જગ્યાએ કીઝ હોટેલ્સની ટીમે અંતિમ નિર્ણય લેવા માટે ખૂબ જ મહેનત કરી.

image


પોતાની હોટલ શરૂ કરતાં પહેલાં તેમણે સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરી. આ ગ્રાહકોમાં એ લોકોનો સમાવેશ થતો હતો કે જે લોકો નિયમિત પ્રવાસ કરે છે. એકલી મહિલાઓનાં જૂથ અને ટાયર 3ની હોટલમાં રોકાતા ગ્રાહકોએ તેમને અગત્યની પ્રાથમિક માહિતી આપી. આ કામનો અમલ 3 શહેરોમાં કરવામાં આવ્યો. ત્યારબાદ ગ્રાહકો તરફથી મળેલાં સૂચનોને તેમણે પોતાની હોટેલમાં સામેલ કરવાની કોશિશ કરી. પહેલી હોટેલ શરૂ કર્યા બાદ પણ તેમણે પોતાના ગ્રાહકોનો અભિપ્રાય લેવાની કોશિશ કરી કે શું તેમની હોટેલ ગ્રાહકોની જરૂરીયાત પૂરી કરી શકે છે કે કેમ તે જાણવાની કોશિશ કરી. તેનું પરિણામ એ આવ્યું કે કીઝ હોટેલ્સ મિડ સેગમેન્ટનાં ક્ષેત્રે પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહી છે.

હવે તે લોકોએ પોતાની બ્રાન્ડને થોડી મોટી કરતાં તાજેતરમાં જ 'કી ક્લબ' લાવવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત આ હોટેલ 4-5 સ્ટાર પ્રકારની રહેશે. ખાસ કરીને આ હોટેલ વેપારી મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. એક તરફ જ્યારે કીઝ હોટેલ્સમાં રૂમ સર્વિસની સેવાઓ મર્યાદિત છે. તેવામાં કી ક્લબ હોટેલમાં બારે માસ ચોવીસ કલાક રૂમમાં ભોજનની વ્યવસ્થા, દુનિયાભરનાં ભોજનનું રેસ્ટોરાં, લાઉન્જ બાર, બેન્ક્વેટ, અને કોન્ફરન્સ હોલની સુવિધા હશે. સંજયે પોતાનું ધ્યાન બ્રાન્ડને સ્થાપિત કરવામાં લગાવ્યું છે. જેથી તેની પોતાની આગવી ઓળખ ઊભી થઈ શકે. તેમનું કહેવું છે કે કીઝ હોટેલ્સમાં સ્ટાઇલિશ, આધુનિક, આંતરરાષ્ટ્રીય, સમકાલિન અને શિષ્ટતાનો સમન્વય છે.

image


સંજયનું કહેવું છે કે કીઝ હોટેલ્સનું મુખ્ય ધ્યાન મજબૂત સેલ્સ ટીમને તૈયાર કરવા ઉપર છે. તેમનો દાવો છે કે હાલ તેમની ટીમ દેશમાં આ ક્ષેત્રની કેટલીક મોટી ટીમ પૈકીની એક છે. તેના કારણે જ આજે દેશભરમાં 75 સભ્યો ધરાવતી 13 સેલ્સ ઓફિસ છે. સંજય જણાવે છે કે વર્ષ 2008-09 દરમિયાન તેમના માટે કપરો કાળ ચાલી રહ્યો હતો કારણ કે તે વખતે સમગ્ર વિશ્વમાં મંદી ચાલી રહી હતી. પરંતુ સખત મહેનતના અંતે કીઝ હોટેલ્સે સારો એવો બજાર હિસ્સો મેળવી લીધો. કીઝ હોટેલ્સના મોટાભાગના ગ્રાહકો કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે. તેના કારણે જ તેમણે પોતાના વેપારનો 75 ટકા હિસ્સો કોર્પોરેટ્સ સાથે કરેલા કરાર મારફતે મેળવ્યો છે.

પોતાની શાનદાર સેવાઓ બદલ કીઝ હોટેલ્સને સતત વિવિધ પુરસ્કારો એનાયત કરવામાં આવી રહ્યા છે. કીઝ હોટેલ્સની ઘણી હોટેલ્સને ટ્રિપ એડવાઇઝરે અનેક વખત સન્માનિત કરી છે. વર્ષ 2012માં તિરુવનંતપુરમ ખાતે કીઝ હોટેલ્સની શાખાને દેશની 10 મોટી Trendiest હોટેલ તરીકે સન્માનવામાં આવી હતી. જ્યારે તે જ વર્ષે ટ્રિપ એડવાઇઝર તરફથી 6 હોટેલ્સને શ્રેષ્ઠતા માટે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉદ્યોગ માટે બ્રેગ્રૂએન હોલ્ડિંગ્સે અંદાજે 62 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. જ્યારે કીઝ હોટેલ્સે વિવિધ જગ્યાએથી દેવા મારફતે પણ નાણાં રોક્યાં છે. તેની 21 હોટલ્સ એવી છે કે જેના વિકાસનું કામ વિવિધ સ્તરે ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં કોચી, વિઝગ, શિરડી, અમૃતસર, વૃંદાવન અને હરિદ્વાર ખાતે તેમની હોટેલ બનીને તૈયાર થઈ જશે. સંજયનું કહેવું છે કે લુધિયાણામાં હાલની હોટેલ તેમજ અન્ય એકાદ હોટેલને બાદ કરતાં તમામ હોટેલનો વ્યવસાય સારો ચાલી રહ્યો છે. કંપનીનું લક્ષ્યાંક આગામી નાણાકીય વર્ષમાં રૂ. 170 કરોડની આવક મેળવવાનું છે. આ વેપાર પ્રતિ વર્ષ 100 ટકાના દરે વિકાસ સાધી રહ્યો છે. કીઝ હોટેલ્સનાં વર્ષમાં સરેરાશ 72 ટકા રૂમ ભરાયેલા રહે છે.

સંજયનું કહેવું છે કે તે કીઝ હોટેલ્સને માલિકીવાળી સંપત્તિ, બ્રાન્ડ અને મજબૂત ટીમ સંચાલન મારફતે સંપૂર્ણપણે હોટેલ કંપનીમાં બદલવા માગે છે. દેશ ઉપરાંત તેમની પાસેથી માલદિવ, મધ્યપૂર્વ દેશો, શ્રીલંકા, બાંગ્લાદેશ અને આફ્રિકા જેવા અનેક દેશો પાસેથી માહિતી મગાવવામાં આવી રહી છે. પરંતુ તેમનું કહેવું છે કે હાલ આ દેશમાં જ પ્રગતિની ઘણી તકો રહેલી છે. કીઝ હોટેલ્સની દેશભરમાં ચાલી રહેલી તમામ હોટેલમાં કુલ 1770 કર્મચારીઓ કામ કરે છે. આ લોકોનું અનુમાન છે કે જો પ્રગતિની આ જ ઝડપ ટકી રહેશે તો તેમની પાસે વર્ષ 2016 સુધીમાં 4 હજાર કર્મચારીઓ કામ કરતા હશે.

લેખક- પ્રીતિ ચમીકુટ્ટી