કરોડોની નોકરી છોડી, અનેક નિષ્ફળતાઓનો સામનો કરી એક સફળ ઉદ્યોગસાહસિક બનેલા રાજુ ભૂપતિ

પ્રથમ નોકરીનો પગાર રૂ.1000 હતો. 15 વર્ષ આઇટી ક્ષેત્રમાં વિવિધ હોદ્દા પર નોકરી કરી... 3 કરોડનો વાર્ષિક પગાર છોડીને 'હેલોકરી' શરૂ કરી. 'હેલોકરી' દુનિયાની પ્રથમ ઇન્ડિયન ફાસ્ટફૂડ હોમ ડિલિવરી ચેન કંપની છે. 'હેલોકરી'ને 'મેક્ડૉનાલ્ડ્સ' જેવી ગ્લોબલ બ્રાન્ડ બનાવવા ઇચ્છે છે.

કરોડોની નોકરી છોડી, અનેક નિષ્ફળતાઓનો સામનો કરી એક સફળ ઉદ્યોગસાહસિક બનેલા રાજુ ભૂપતિ

Wednesday May 11, 2016,

10 min Read

તમે કલ્પના ન કરી શકો તેટલી તેમણે જીવનમાં ચડતીપડતી જોઈ છે. નિષ્ફળતાઓ – કેટલીક નાની, તો કેટલીક મોટી. એટલી મોટી નિષ્ફળતાઓ કે અનેક સોનેરી સ્વપ્નો એક ક્ષણમાં પત્તાના મહેલની જેમ ખંડિત થઈ ગયા હતા. અનેક વખત નિષ્ફળતાઓ મળી, પણ તેમણે ક્યારેય હાર ન માની. સતત પ્રયાસો ચાલુ રાખ્યા. છેવટે નિષ્ફળતાની દેવીએ હાર માની લીધી અને તેમની મહેનત રંગ લાવી. વાત છે રાજુ ભૂપતિની, જેઓ એક સમયે ડૉક્ટર બનવા ઇચ્છતાં હતાં, પણ જો ડૉક્ટર બની ગયા હોત તો ફૂડ ઇન્ડસ્ટ્રીને એક નવો અને સફળતાની નવી ગાથા લખનાર ઉદ્યોગસાહસિક ન મળ્યો હતો. રાજુ ભૂપતિના જીવનમાં જેટલી મોટી સફળતાઓ છે, તેટલી જ ચકિત કરી દેનાર ક્ષણો પણ છે. મુશ્કેલીઓ તેમને પડકાર ફેંકતી અને તેઓ એવો નિર્ણય લેતા કે સફળતા તેમના ચરણ ચૂમતી.

image


એપલેબ જેવી મોટી કોર્પોરેટ કંપનીના આસિસ્ટન્ટ વાઇસ-પ્રેસિડન્ટ અને સીએસસીની આઈટીએસ ડિલિવરી સર્વિસીસના ચીફ સ્વરૂપે કામ કરનાર રાજુ ભૂપતિએ પોતાની કારકિર્દીની શરૂઆત રૂ. 1000ની નોકરી સાથે કરી હતી. તે સમયે તેમને ખબર નહોતી કે એક દિવસ તેમનો વાર્ષિક પગાર રૂ. 3 કરોડ થઈ જશે. લેબ આસિસ્ટન્ટથી શરૂ થયેલી તેમની સફરમાં તેઓ કંપનીમાં ટોચના સ્થાને પણ પહોંચ્યા. પણ એક દિવસે તેમણે ઉદ્યોગસાહસિક બનવાનું સ્વપ્ન સાકાર કરવા આટલા મોટા પગારની નોકરીને ઠોકર મારી દીધી. 15 વર્ષ નોકરી કર્યા પછી તેમનું મન ઊઠી ગયું અને પોતાનો ઉદ્યોગ સ્થાપિત કર્યો. તેઓ અત્યારે ‘હેલોકરી’ના સંસ્થાપક સ્વરૂપે દેશવિદેશમાં પ્રસિદ્ધ છે.

રાજુ ભૂપતિનો જન્મ આંધ્રપ્રદેશના અમલાપુરમમાં થયો હતો. પિતા નરસિમ્હા રાજુ હોમિયોપેથી ડૉક્ટર હતા. તેઓ સમાજસેવક વધારે હતા. લોકોની મફત સારવાર કરતા હતા. રાજુ પણ પોતાના પિતાની જેમ ડૉક્ટર બનવા ઇચ્છતાં હતાં. તેઓ બાળપણના દિવસો યાદ કરતાં કહે છે, 

"પિતાજી લોકપ્રિય ડૉક્ટર હતા. લોકો પાસેથી રૂપિયા લેતા નહોતા. દરરોજ અનેક લોકો તેમને મળવા આવતા અને મારા માટે તેમને મળવું સરળ નહોતું. તેઓ સતત પ્રવૃત્તિમય રહેતાં હતાં. મારે પણ તેમના જેવું બનવું હતું. મેં પણ ડૉક્ટર બનવાનું નક્કી કર્યું અને બાઈપીસી (જીવવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને રાસાયણિકવિજ્ઞાન)માં તાલીમ લેવા કોલેજમાં પ્રવેશ કર્યો. પણ વિજ્ઞાન શાખામાં અભ્યાસ કરવો મુશ્કેલ હતો અને હું બહુ ધ્યાન શકતો નહોતો."

ભૂપતિએ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા એન્ટ્રન્સ એક્ઝામ એમસેટ પણ આપી, પણ પર્યાપ્ત ગુણ ન મળવાથી તેમને એમબીબીએસ કોર્સમાં પ્રવેશ ન મળ્યો. મેડિકલ કોલેજમાં એન્ટ્રન્સ એક્ઝામમાં ભૂપતિને નિષ્ફળતા મળવાથી આખો પરિવાર નિરાશ થઈ ગયો. જોકે ડેન્ટલ અને હોમિયોપેથીના વિકલ્પ ખુલ્લાં હતાં. પિતા પણ હોમિયોપેથી ડૉક્ટર જ હતા. પછી તેમને કર્ણાટકની હુબલીની એક કોલેજમાં હોમિયોપેથીમાં પ્રવેશમાં અપાવવાનો નિર્ણય લેવાયો. સીટ પણ પાક્કી થઈ ગઈ. પણ ફી ભરે તે અગાઉ એક અનિશ્ચિત અને અવિશ્વસનીય ઘટના ઘટી. આ વિશે ભૂપતિ કહે છે, 

"હુબલીમાં બધું સારું હતું. કોલેજના માહોલને જોઈને હું જૂનાં દિવસો ભૂલી ગયો. હું મારા કાકા સાથે ફી ભરવા હુબલી ગયો. ફી ભરીને ગોવા જવાની યોજના બનાવી હતી, પણ એવું ન થયું. કોલેજના દરવાજા સામે એક એસટીડી પીસીઓ બૂથ હતું. ચાચાએ મને ફીની લાઇનમાં ઊભું રહેવાનું કહ્યું અને તેઓ ફોન કરવાનું કહીને ગયા. થોડા સમયમાં તેઓ પરત ફર્યા, પણ ગંભીર વદન સાથે. મને કહ્યું કે, તારા પિતાજી અન્ય વિકલ્પ વિચારે છે. તેમણે કહ્યું છે કે લોકલ કોલેજમાં પ્રવેશ મળી જશે. મને પરત ફરવાની ફરજ પાડવામાં આવી અને મારાં સ્વપ્નો તૂટી ગયા."
image


હુબલીથી હતાશ અને નિરાશ પરત ફર્યા પછી ભૂપતિને જાણ થઈ કે તેમને ગુડીવાડાની મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી શકે છે. ભૂપતિ રાજુ એનસીસી કેડેટ હતા. તેના કોટામાંથી મેડિસિનમાં પ્રવેશ મળવાની શક્યતા હતી. ત્યાં વેઇટિંગ લિસ્ટમાં તેમનો પહેલો નંબર હતો. ફરી તેઓ નવા સ્વપ્ન સેવવા લાગ્યા. પણ જે દિવસે તેમનો ઇન્ટરવ્યુ હતો, તે જ દિવસે સરકારે એક ઓર્ડર બહાર પાડીને એનસીસી કોટા ઓછા કરી દીધો. ફરી દરવાજા બંધ થઈ ગયા અને ફરી સ્વપ્નો ચકનાચૂર.

ભૂપતિ જૂની કોલેજ જઈને પોતાના મિત્રોનો સામન કરવા ઇચ્છતાં નહોતા. એટલે સ્થાનિક કોલેજમાં પ્રવેશ ન લીધો. તેમણે ફરી એમસેટ આપી, બીજા શહેરમાં જઈને તાલીમ લીધી, પણ ફરી નિષ્ફળતા જ મળી. તેઓ હવે પોતાના શહેર પરત ફરવા ઇચ્છતાં નહોતા. તેમની સામે બીએસસી કરવાનો જ વિકલ્પ હતો. એટલે તેમણે આંધ્રપ્રદેશની કાકિનાડાની એક ડિગ્રી કોલેજમાં એડમિશન મેળવ્યું. તે પ્રસંગને યાદ કરતાં રાજુ કહે છે, 

"મને હંમેશા લાગ્યું છે કે હું ડૉક્ટર ન બન્યો એ સારું થયું. આજે ડૉક્ટર હોત તો ભયાનક ડૉક્ટર હોત. બાળપણથી જ મારું મન એક નિર્ણય લઈ શકતું નહોતું. મારી પ્રકૃતિ અને પ્રવૃત્તિ જુદી હતી. કદાચ એક ઉદ્યોગસાહસિક મનમાં છુપાઈને બેઠો હતો, પણ પોતાને તેનો અહેસાસ નહોતો."

કહેવાય છે કે ક્યારેય જીવનને તેની પોતાની રીતે આગળ વધવા દેવામાં જ શાણપણ છે. ભૂપતિએ પણ આવું જ કર્યું. બીએસસી કર્યા પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પીજી કરવાનો નિર્ણય લીધો. તેઓ બીએસસીએના ત્રણ વર્ષ 35 ટકા સાથે જ પાસ થયા હતા. તો પણ તેમણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેવો અઘરો વિષય પસંદ કર્યો. ભોપાલની એક કોલેજમાં ભૂપતિએ એમએસસીની ડિગ્રી મેળવી. પછી તેમના જીવનને નવો વળાંક લીધો. તેઓ જણાવે છે, 

"મારા મોટા ભાઈ આઈટી ક્ષેત્રમાં હતા. તેમની સલાહ માની, મેં એક મહિના આઇટીની ટ્રેઈનિંગ લીધી. મેં પ્રોગ્રામિંગ શીખી લીધું. તે દિવસોમાં મારા પડોશી અમેરિકાથી આવ્યા હતા અને તેમણે એક કંપની શરૂ કરી હતી. તેમણે મને એક દિવસ તેમની કંપનીમાં કામ કરવાની ઓફર કરી. મેં મારી ભાઈની સલાહ માનીને નોકરી સ્વીકારી લીધી. કમાણીની કમાણી અને ઘરના લોકોને સંતોષ થશે તેવું મેં વિચાર્યું હતું."

પણ ફરી એક વખત ઠોકર વાગી. ભૂપતિએ જણાવ્યું, 

"પડોશીએ મારી નિમણૂક લેબ આસિસ્ટન્ટ તરીકે કરી હતી. કંપનીના માલિકે મને 1000 રૂપિયા પગાર આપવાની વાત કરી. મને તો આઘાત લાગ્યો. મારો પેટ્રોલનો ખર્ચ જ 5000 રૂપિયા હતો. મને ખબર હતી કે મજૂરને પણ વધારે મજૂરી મળે છે. પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો અને મેં નોકરી ચૂપચાપ ચાલુ રાખી. જોકે પહેલા મહિને 1500 રૂપિયા પગાર મળ્યો અને મેં તેમની અપેક્ષા કરતાં વધારે સારી કામગીરી કરી હોવાનું તેમણે જણાવ્યું."

ભૂપતિ રાજુ લાગણીસભર થઈને કહે છે, 

"મારા કામની કદર કરનાર તેઓ પ્રથમ માણસ હતા. મારામાં આત્મવિશ્વાસ પ્રકટ થયો. મારા માટે તે દિવસ બહુ યાદગાર હતો." 
image


તેમણે કંપનીમાં છ મહિના તનતોડ મહેનત કરી. પછી કંપનીમાં કેટલાંક નવા લોકોને 9,000થી 10,000ના પગાર પર રાખવામાં આવ્યાં. રાજુનો પગાર 1500 રૂપિયા જ હતો. રાજુ પોસ્ટ ગ્રેજ્યુએટ હતો, જ્યારે નવા યુવાનો ગ્રેજ્યુએટ જ હતા. એટલે રાજુને પોતાને ઓછો પગાર શા માટે આપવામાં આવે છે તે સમજાયું નહીં. તેમને આ પરિસ્થિતિ સ્વીકાર્ય નહોતી. તેમણે એક વર્ષમાં તેમની સમકક્ષ થઈ જવાનો નિર્ણય લીધો. તેઓ એક વર્ષમાં પોતાના મિશનમાં સફળ થયા અને નવા કર્મચારીઓ કરતાં આગળ નીકળી ગયા. તે ઉદ્યોગસાહસિકતાની પહેલી ભાવના હતી, જે તેમના મનમાં જાગી હતી. તેમની મહેનત રંગ લાવી અને પ્રોત્સાહન મળ્યું.

ભૂપતિ રાજુ કહે છે, 

"નોન ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોની ક્ષમતા ઓછી આંકવામાં આવે છે. આઈઆઈએમ અને આઈઆઇટીથી આવતા લોકો સારું કામ કરી શકે છે તેવું માનીને ઊંચા હોદ્દા આપી દેવામાં આવે છે." 

ભૂપતિ રાજુ 2001માં એપલેબ જેવી કંપનીમાં નોકરીએ લાગ્યા હતા. પોતાની યોગ્યતા અને મહેનતના જોરે સફળતા મેળવવા લાગ્યા. 10 વર્ષમાં તેમણે મેનેજરમાંથી પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ અને આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ સુધીની સફર પૂરી કરી. પછી એક દિવસ તેમને એપલેબની સીએસસી કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યાં. આ સફરમાં તેમણે સતત સંઘર્ષ કર્યો. તેઓ કહે છે, 

"છ-સાત વર્ષ કામ કર્યા બાદ હું કંપની તરફથી અમેરિકા ગયો. મને ત્યાં પહોંચ્યા પછી અહેસાસ થયો કે આ જગ્યા મારા માટે નથી. મેં પરત ફરવાનો નિર્ણય લીધો, પણ કંપનીને મારી પાસે ઘણી આશા હતી. સીઈઓએ મને કહ્યું કે, ભારત જવું હોય તો કંપનીમાં તમારા માટે કોઈ જગ્યા નથી. હું અમેરિકામાં હતો. પત્ની ગર્ભવતી હતી. મારી પાસે રૂપિયા નહોતા. પણ મેં ભારત પરત ફરવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે રાજીનામું આપવા કંપનીમાં ગયો ત્યારે સીઇઓએ મને સમજાવ્યું કે મારી પત્ની ગર્ભવતી છે એટલે મારે એડજસ્ટ કરવું જોઈએ. બે મહિના કામ કરીને ચાલ્યાં જવાની ઓફર તેમણે કરી. એટલે મેં કંપની ન છોડી. પછી ભારત આવ્યો અને કંપની માટે કામ કરતો રહ્યો. પાંચ-છ વર્ષ પછી ફરી અમેરિકા ગયો. આ વખત મારે ત્યાં જ રોકાવું હતું. માતાના અવસાન પછી હૈદરાબાદ આવ્યો તો જોયું કે તમામ સંબંધીઓ અમેરિકામાં સેટલ થઈ ગયા હતા. એટલે અમેરિકામાં સેટલ થવાનો વિચાર કર્યો. અમેરિકામાં એક સરોવર સામે બંગલો લીધો. નવા બંગલામાં રહેવાની વ્યવસ્થા કરી. સોફા અને સામાન આવી ગયો. એકાએક સીઇઓનો ફોન આવ્યો કે તેમને ભારતમાં મારી જરૂર છે. મેં તેમને અમેરિકા રહેવાની ઇચ્છા જણાવી. પણ તેમણે ભારતમાં 5000 લોકોનો પ્રમુખ બનાવવાની ઓફર મૂકી. તેનો હું અસ્વીકાર ન કરી શક્યો."

રાજુ ભૂપતિએ તે 12 વર્ષમાં 14 વખત ઘર બદલ્યું હતું, પણ આ વખત એક મોટી સિદ્ધિ, મોટા કામ સાથે. સેવન સ્ટાર નોકરી હતી. એક સમયે પાછળની બેંચ પર બેસનાર છોકરો અત્યારે 5000 લોકોનો વડો હતો. આ સમયે મેં ઉદ્યોગસાહસિક બનવાનો નિર્ણય લીધો. આઈટી ક્ષેત્રમાં હું કંટાળી ગયો હતો. આ દિવસોને યાદ કરતાં રાજુ જણાવે છે કે, "15 વર્ષ સુધી મેં સારું કામ કર્યું હતું. આટલી મોટી નોકરી છોડવી સરળ નહોતી. પણ મને કોઈ રોકનાર નહોતુ. પત્ની મને સમજતી હતી. મને નોકરી છોડવાનો અફસોસ પણ નહોતો. કશું કરવું છું એ ભાવના હતી, પણ શું કરવું છે તેની કોઈ દિશા નહોતી. મેં થોડા દિવસ સંગીત શીખવામાં, પુસ્તકોના વાંચનમાં પસાર કર્યા. મારા પિતાએ લખેલા પુસ્તકો નવેસરથી વાંચ્યા."

image


દરમિયાન તેમણે એક શુભચિંતકની સલાહ માની કન્સલ્ટન્સી સ્વીકારી. પછી તેમણે અંગત મિત્ર સંદીપ સાથે ફૂડ બિઝનેસમાં ઝંપલાવ્યું. તેમના કહેવા મુજબ, શરૂઆતમાં આ વેપાર સરળ લાગ્યો. પાંચ રૂપિયામાં બનતી ઇડલી 50 રૂપિયામાં વેચાતી હતી. આ રીતે નફો રળવાના આશય સાથે અમે ફૂડ બિઝનેસ શરૂ કર્યો. ફૂડ બિઝનેસમાં નવું કરવાના ઇરાદા સાથે ટેકઅવે ચેઇન શરૂ કરી. પછી હોમ ડિલિવરીના ક્ષેત્રમાં વેપાર ઊભો કર્યો. તેઓ તેમની કંપની દુનિયાની પ્રથમ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ હોમ ડિલિવરી ચેઇન હોવાનો દાવો કરે છે. આ સ્ટાર્ટઅપ શરૂ થયાના થોડા મહિનાઓમાં ફંડિંગ શરૂ થયું અને વ્યવસાય આગળ વધતો હતો. અત્યારે આ સ્ટાર્ટઅપ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયું છે.

રાજુ કહે છે, 

"મને ઓમલેટ બનાવતા પણ આવડતું નથી. પણ મેં કંપનીમાં મોટાં નિર્ણયો લીધા હતા. મેં એક નાના ગેરેજમાં હોમ ડિલિવરીની શરૂઆત કરી હતી. શૂન્યથી હૈદરાબાદમાં શરૂ થયેલી કંપની થોડા જ દિવસોમાં હૈદરાબાદમાં અને પછી દક્ષિણ ભારતમાં નંબર 1 થઈ ગઈ. અત્યારે અમે વૈશ્વિક કંપની બનવાની દિશામાં અગ્રેસર છીએ." 

આ વેપારમાં પડકારો વિશે તેઓ કહે છે કે, "અહીં દરરોજ નવો પડકાર છે. 8000 અને 9000 રૂપિયા મેળવતા ડિલિવરી બોય્ઝનું કામ કેવું હશે તેનો અંદાજ તમને આવતો હશે. તેઓ કોઈ પણ સમયે તેમને છોડીને જઈ શકે છે. ગ્રાહકો ક્યારે કયા ભોજનની પ્રશંસા કરશે અને કોને ગાળો આપશે તે નક્કી નથી. એટલે ગ્રાહકોની માનસિકતા સમજવા ટેકનોલોજી કંપનીઓનું એક્વિઝિશન કર્યું."

રાજુ ભૂપતિના કહેવા મુજબ, નોકરી કરવી સરળ છે. કંપની વિશે તમારે ચિંતા કરવાની હોતી નથી. કર્મચારીઓને નક્કી સમયે કામ કરવાનું, નિયત દિવસે રજા મળી જાય અને નિયત તારીખ પગાર. પણ દરેકનો દ્રષ્ટિકોણ એકસરખો હોતો નથી. કેટલાંક નોકરીમાં સુખ માને છે, તો કેટલાંક ઉદ્યોગસાહસિક બનવાના રોમાંચની મજા લેવામાં માને છે. પોતાના વિચાર, પોતાનું લક્ષ્યાંક અને ભવિષ્યના પડકારો વિશે રાજુ ભૂપતિ કહે છે, 

"'હેલોકરી'ને વૈશ્વિક સ્તરે લઈ જવાનું સ્વપ્ન છે. બેંગલુરુમાં 6 આઉટલેટ મોટી આશા સાથે શરૂ કર્યા. 4 નિષ્ફળ રહ્યાં. અમે જરાં પણ શરમ અનુભવ્યાં વિના 4 બંધ કરી દીધા. નિષ્ફળતાના કારણો ચકાસ્યાં. જ્યારે તમે બે કિલોમીટર ન ચાલી શકો તો તમારે મેરેથોનમાં ભાગ ન લેવો જોઈએ. ગયા વર્ષે અમે ઝીરો પર હતા. ઓર્ડર મળતા હતા, પણ ખરેખર બિઝનેસ નહોતો થતો. પરિસ્થિતિ સમજીને સુધારો કર્યો અને અમે ફરી સારી સ્થિતિમાં પહોંચી ગયા."

ભૂપતિ રાજુ પોતાની સફળતાના રહસ્ય પરથી પડદો ઊંચકતા કહે છે, "ફોકસ. લક્ષ્ય હાંસલ કરવા તમારે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની જરૂર છે. એક-બે મહિનામાં નાસીપાસ થઈ ન જવાય. વિશ્વાસ સાથે આગળ વધવું જરૂરી છે. હું તેલુગુ મીડિયમમાં ભણતો હતો. નોકરીની શરૂઆતમાં મારે લોકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરવી પડતી હતી. મને ટેવ નહોતી. દરમિયાન બે અમેરિકન આવ્યાં. મારે કંપની વિશે જણાવવાનું હતું, પણ તેમને હું મારી વાત સમજાવી ન શક્યો. મને શરમ આવી. મેં મારી નબળાઈ અનુભવી અને છ મહિનામાં અંગ્રેજી શીખી ગયો. અત્યારે હું 3000થી વધારે લોકો સામે અંગ્રેજીમાં ભાષણ આપું છું અને બધા મારી પ્રશંસા કરે છે."

image


રાજુ ભૂપતિ પોતાના જીવનમાં મળેલા બોધપાઠો બીજા લોકોને જણાવવામાં આનંદ અનુભવે છે. તેઓ કહે છે, 

"જીવનમાં નિર્ણય લેવો જોઈએ. પછી ભલે તો ખોટો હોય. ખોટો નિર્ણય લેશો તો જ સાચો નિર્ણય લેવાનો વિશ્વાસ આવશે. જીવનમાંથી ડર શબ્દ કાઢી નાંખવો જોઈએ. જે કંઈ પણ કરીએ, નિર્ભયતાથી. હારીશું તો ફરી શરૂઆત કરીશું. બીજું, મારે યુવાનોને સમય ન વેડફવાની સલાહ આપવી છે. 35 વર્ષ અગાઉ જ જોખમ લો. પછી અનુભવ કામ આવે છે. કશું પણ કરો તેમાં રૂપિયા બનાવવાની ભાવના ન હોવી જોઈએ, પણ કોઈ ક્ષેત્રમાં કશું કરવાની ભાવના હોવી જોઈએ."

લેખકનો પરિચય- અરવિંદ યાદવ

અરવિંદ યાદવ યોરસ્ટોરીના મેનેજિંગ એડિટર (ભારતીય ભાષાઓ) છે.

અનુવાદક- કેયૂર કોટક

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

એમેઝોનની નોકરી છોડી આ યુવાન હસ્તકળાઓના ઉત્પાદનોનું વેચાણ કરે છે!

8 વર્ષ અગાઉ રૂ. 13 હજારમાં સ્પ્લેન્ડર બાઈક વેચી, સંઘર્ષ કરી, BMW સુધી પહોંચેલા શચિન ભારદ્વાજની સફર

એક જમાનામાં રૂ. 60ના પગારમાં ઘર ચલાવનારા આજે છે કરોડોપતિ!