11મા ધોરણમાં ભણનારા વિદ્યાર્થીએ સાકાર કર્યું મોદીનું ‘મેક ઇન ઇન્ડિયા’નું સપનું

અંકિત ત્રિપાઠીએ વૉટ્સએપને પડકાર આપી શકે એવી એપ ‘એન્કએપ’ બનાવી છે, જેને યુઝર્સ દ્વારા 4.5 સ્ટારના રેટિંગ્સ મળ્યા છે

11મા ધોરણમાં ભણનારા વિદ્યાર્થીએ સાકાર કર્યું મોદીનું ‘મેક ઇન ઇન્ડિયા’નું સપનું

Saturday May 21, 2016,

3 min Read

દેશના વડાપ્રધાન મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને ગોરખપુરના 11મા ધોરણના વિદ્યાર્થી અંકુર ત્રિપાઠીએ સાકાર કરી બતાવ્યું છે. યુવાનોમાં અત્યંત લોકપ્રિય વૉટ્સએપ, વાઇબર, હાઇક જેવી આંતરરાષ્ટ્રીય મેસેજિંગ એપ્લિકેશન્સની જેમ જ અંકુરની એન્કએપ પ્લે સ્ટોરમાં ધૂમ મચાવી રહી છે. આ કિશોરનો દાવો છે કે આ એપ વૉટ્સએપ કરતાં બમણી ક્ષમતા ધરાવે છે અને તેમાં અનેક ઉમદા ફીચર્સ પણ મોજુદ છે.

ગોરખપુરના રાપ્તીનગર મહોલ્લામાં રહેનારા અંકુર ત્રિપાઠી નવલ્સ એકેડમીમાં ધોરણ-11ના વિદ્યાર્થી છે. કૉમર્સનું શિક્ષણ લઈ રહેલા આ કિશોરે મોબાઇલના વૉટ્સએપને જોઈને પોતાની એક એપ બનાવવાનું પ્રણ લીધું. અનેક દિવસો સુધી રિસર્ચ અને જાણકારી મેળવ્યા પછી છેવટે અંકુરને ઇચ્છિત સફળતા હાંસલ થઈ ગઈ. પોતાની સફળતાને પોતાના પરિવાર, મિત્રો, શિક્ષકો સહિત ઇન્ફર્મેશન ટેક્નોલોજીના જાણકારો સમક્ષ રજૂ કરીને તેણે સૌને ચોંકાવી દીધા. વૉટ્સએપ સહિત હાલમાં ઉપલબ્ધ તમામ મેસેજિંગ એપ્લિકેશન્સ કરતાં વધારે ફીચર્સ ધરાવતા એન્કએપને અંકુરે 3 ફેબ્રુઆરી, 2016ના રોજ પ્લે સ્ટોર પર રજિસ્ટર્ડ કરાવી. રજિસ્ટર કરાવ્યા પછી ધીમે ધીમે પણ આ એપ્લિકેશન ધમાલ મચાવવા માંડી છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકો આ એપને પોતાના એન્ડ્રોઇડ ફોનમાં ડાઉનલોડ કરી ચૂક્યા છે. ડાઉનલોડની પ્રક્રિયા સતત જારી છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ એપ્લિકેશનને તમામ યુઝર્સે 4.5 સ્ટારના રેટિંગ આપ્યા છે.

image


મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા અંકુર ત્રિપાઠીના પિતા ગોરખનાથ ત્રિપાઠી રજિસ્ટ્રી વિભાગમાં નોકરી કરે છે. માતા ગૃહિણી છે. ત્રણ ભાઈઓમાં અંકુર સૌથી મોટો છે. અંકુરે યોરસ્ટોરીને જણાવ્યું,

“મારા પિતાજીની નોકરી એવી છે કે દર ત્રણ વર્ષે તેમની બદલી થાય છે, જેનાથી મારા મિત્રો માંડ મળે છે ત્યાં વિખૂટા પડવાનું થાય છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે મેં ઇન્ટરનેટની દુનિયા સાથે મારો સંબંધ વધાર્યો અને સતત નવી તકનીક અને ટ્રેન્ડ શીખવાનું શરૂ કર્યું.”
image


ઉલ્લેખનીય છે કે અંકુરે માહિતી ક્રાંતિના આ દોરમાં પણ વગર કોઈ વિશેષ તાલીમ કે ટેક્નીકલ સપોર્ટ વિના દુનિયાની તમામ વિખ્યાત મેસેજિંગ એપ્લીકેશનની સામે સંપૂર્ણ ભારતીય મેસેજિંગ એપ્લીકેશન થકી દમદાર હાજરી નોંધાવી છે.

એન્કએપ એક સોશિયલ નેટવર્કિંગ એપ છે. વૉટ્સએપની જેમ જ કામ કરે છે, પરંતુ તેનાં ફીચર્સ અને ક્ષમતા વૉટ્સએપ કરતાં બે ગણી છે. અંકુર જણાવે છે,

“આ એપ થકી મોટામાં મોટી ફાઇલ ટ્રાન્સફર કરી શકાય છે. આમાં મેસેજ ઑટોમેટિકલી ક્લાઉડમાં સેવ થઈ જાય છે, જેને ક્યારેય પણ મેળવી શકાય છે. આની સર્વિસ પણ અન્ય નેટવર્કિંગ એપની જેમ બહુ ઝડપી છે. સૌથી મોટી ખૂબી એ છે કે તે બિલકુલ ફ્રી , સાથે સાથે પૂર્ણપણે ભારતીય છે. એન્કએપ થકી એક સાથે 100 લોકોને મેસેજ મોકલી શકાય છે.”
image


અંકુર ભવિષ્યમાં એપ ડેવલપર બનવા માગે છે. તેઓ એક એવું પ્લેટફોર્મ ઊભું કરવા માગે છે, જ્યાં બીજી પ્રતિભાઓ કામ કરી શકે અને પોતાની ક્રિએટિવિટી દર્શાવી શકે, જેથી દેશના વિકાસમાં કામ આપે. સાથે સાથે તેમની દિલી ખ્વાહિશ છે કે તેઓ સપોર્ટ ડિજિટલ ઇન્ડિયા માટે કામ કરવા માગે છે. અંકુરે જણાવ્યું કે વૉટ્સએપ યુઝ કરવાથી દેશનું ધન વિદેશમાં જશે, પરંતુ સ્વદેશી એપથી દેશને જ ફાયદો થશે. આપણાં નાણાં વિદેશમાં જતાં બચી શકશે. અંકુર દેશની માહિતી ક્રાંતિના દોરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માગે છે.

image


લેખક- કુલદીપ ભારદ્વાજ

અનુવાદક- સપના બારૈયા વ્યાસ

'મેક ઇન ઇન્ડિયા'ને લગતી વધુ સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ધોરણ 10 પાસ મિકેનિકે બનાવી પાણીથી ચાલતી કાર, 'મેક ઈન ઈન્ડિયા' માટે વિદેશી ઓફર પણ ઠુકરાવી

કોઈ પણ નવી શરૂ થયેલી કંપની એ 'સ્ટાર્ટઅપ' નથી!

૧૦મું પાસ મિકેનિકના સ્વપ્નોને ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’એ વેગ આપ્યો, સૌથી ઓછા ખર્ચે ચાલતી ઈ-બાઇક તૈયાર કરી


image


image