કર્ણાટકને 'સ્ટાર્ટઅપ હબ' બનાવવા દિવસ-રાત એક કરતા મહિલા IAS અધિકારી રત્ના પ્રભા!

0

રત્ના પ્રભાની લોકોને મદદ કરવા અવિરત સફર

મહિલા આઇએએસ અધિકારી રત્ના અત્યારે 'ઇન્વેસ્ટ કર્ણાટક પહેલ'નું નેતૃત્વ કરે છે!

કોઈ પણ ઉદ્યોગસાહસિકને તેમનો સમગ્ર સમય સ્ટાર્ટઅપને આપવો પડે છે. 24/7 કામ કરવું ઉદ્યોગસાહસિકો માટે સામાન્ય છે, પણ સરકારી અધિકારીઓમાં આવી ધગશ ભાગ્યે જ જોવા મળે છે. અહીં વાત એક મહિલા આઇએએસ અધિકારીની છે, જે હમેશા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં અને પોતાની આસપાસના લોકોને પ્રેરિત કરવામાં માને છે. તેઓ 'ઇન્વેસ્ટ કર્ણાટક' પ્લેટફોર્મને સફળ બનાવવા રાતદિવસ એક કરી રહ્યાં છે. તેઓ કામ કરવામાં માનતા સરકારી અધિકારી છે. યોરસ્ટોરીએ કર્ણાટકના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક મુખ્ય સચિવ રત્ના પ્રભા સાથે તેમની કામગીરી અને તેમની કારકિર્દી વિશે વાત કરી હતી. અહીં તેમની સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશો રજૂ કરવામાં આવ્યાં છેઃ

YS: તમને કઈ બાબત પ્રોત્સાહન આપે છે?

રત્ના પ્રભા: મારી કારકિર્દીની શરૂઆતથી જ હું ઉત્સાહી છું. જ્યારે મારે કોઈ સમસ્યાનું સમાધાન કરવાનું હોય - પછી તે સરકાર સાથે હોય કે જનતા સાથે હોય- ત્યારે મારો અભિગમ સંપૂર્ણપણે અલગ હોય છે. હું મારા કામને પ્રેમ કરું છું અને મને કામ કરવાની ધગશ છે. એટલે મેં જ્યાં કામ કર્યું છે, ત્યાં લોકો મને મારા કામ માટે યાદ કરે છે. સર્વિસમાં આ મારું 35મું વર્ષ છે.

મારી કામ કરવાની ચાહના જ મને પ્રેરિત કરતી રહે છે.

જ્યાં સુધી આ વિભાગનો સંબંધ છે, ત્યાં સુધી હું આ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવું છું. 1996-97ની આસપાસ હું નિકાસ પ્રોસેસિંગ ઝોનના ડેવલપમેન્ટ કમિશનર તરીકે જોડાઈ હતી. તેમાં મેં પહેલી વખત ઉદ્યોગજગત સાથે કામ કર્યું હતું. તેમાં પહેલી વખત મેં ઝોનનું નિર્માણ શરૂ કર્યું હતું. તે અગાઉ હું હંમેશા જિલ્લા કમિશનર તરીકે કામ કરતી હતી અને ગ્રામીણ વિકાસ અને સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી.

જ્યારે નિકાસ પ્રોસેસિંગ ઝોનના ડેવલપમેન્ટ કમિશનર તરીકે કામ શરૂ કર્યું, ત્યારે મારી પાસે ઉદ્યોગનો કોઈ અનુભવ નહોતો. મેં ઉદ્યોગજગત પાસેથી શીખવાનું શરૂ કર્યું હતું. તેઓ ખરેખર શું ઇચ્છે છે અને સરકારે ઉદ્યોગને સફળ બનાવવા શું કરવું જોઈએ તેની જાણકારી મેળવી હતી.

ઉદ્યોગનો ઉદ્દેશ – રોજગારીનું સર્જન

ઔદ્યોગિક વસાહત ધારા હેઠળ જમીન ફાળવવાનો હેતુ રોજગારી પ્રદાન કરવાનો છે, જેની અવગણના કરવામાં આવતી હતી. એટલે અમે નવી નીતિ પ્રસ્તુત કરી હતી, જેમાં અમે ઉદ્યોગપતિઓને સ્થાનિક યુવાનોને રોજગારી માટે તાલીમ આપવા પ્રોત્સાહન આપ્યું હતું. ઘણા ઔદ્યોગિક ઝોને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ કૌશલ્ય વિકાસના કાર્યક્રમો શરૂ કર્યા છે. અત્યારે સરકાર પણ કૌશલ્ય સંવર્ધન માટે કેટલાંક કાર્યક્રમો ચલાવે છે.

રાજ્યનો સંતુલિત વિકાસ

અમારી ઔદ્યોગિક નીતિનો આશય બેંગલુરુ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં રોકાણને આકર્ષવાનો છે. જેમ જેમ તમે બેંગલુરુથી દૂર એકમો સ્થાપિત કરો તેમ વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. હૈદરાબાદ-બેંગલુરુ રિજન પર મહત્તમ પ્રોત્સાહન મળે છે, ત્યારબાદ બોમ્બે-કર્ણાટક અને મૈસૂર, મેંગલોરના વિસ્તારોને વધુ પ્રોત્સાહન મળે છે. અમે એરોસ્પેસ, આઇટી અને ઇલેક્ટ્રોનિકસ જેવા ઉદ્યોગને પણ વિકસાવી રહ્યાં છીએ. આ રીતે અમારો આશય રાજ્યના તમામ વિસ્તારોમાં વિવિધ ઉદ્યોગો સ્થાપિત કરવાનો છે.

બેંગલુરુમાં માળખાગત સુવિધાના વપરાશ પર નિયંત્રણ મેળવવું

માળખાગત સુવિધાઓ મુખ્ય મુદ્દો છે. સરકારે તેના પર ઘણું ધ્યાન આપ્યું છે. આ કારણે અમે બેંગલુરુ માટે અલગ પ્રધાનની નિમણૂક કરી છે.

કર્ણાટક પ્રત્યે રોકાણકારોના આકર્ષણમાં વધારો

જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે કર્ણાટક રોકાણકારોને આકર્ષવામાં દેશમાં સાતમું કે આઠમું સ્થાન ધરાવતું હતું. અત્યારે અમે બીજા સ્થાને છીએ. ગુજરાત ટોચના સ્થાને છે. અમે મહિલા ઉદ્યોગસાહસિકો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે – આ માટે મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશિષ્ટ પાર્કનું કામ ચાલી રહ્યું છે. બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસનો વિસ્તાર પણ વિશાળ તક ધરાવે છે. કર્ણાટકમાં ટૂંક સમયમાં સંરક્ષણ અને એરોસ્પેસમાં હાઇ-ટેક કેન્દ્રો બનશે. કર્ણાટક હંમેશા એરોસ્પેસમાં ટોચ પર રહ્યું છે.

સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રિત

જ્યારે સ્ટાર્ટઅપ્સની વાત આવે ત્યારે અમે હંમેશા નંબર 1 રહ્યાં છીએ! (હસે છે) અમારા ઉદ્યોગ મંત્રી ફક્ત આઇટી ક્ષેત્રમાં જ સ્ટાર્ટ-અપ્સને જ પ્રોત્સાહન આપવાની સાથે ઉત્પાદન ક્ષેત્રમાં પણ સ્ટાર્ટ-અપ્સને આગળ ધપાવવામાં માને છે. એટલે અમારે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન

અમે એવી નીતિ બનાવી છે, જેમાં ઔદ્યોગિક પાર્કમાં 5 ટકા પ્લોટ મહિલા ઉદ્યોગસાહસિકો માટે અનામત રાખવામાં આવે છે. અગાઉ મહિલા ઉદ્યોગસાહસિકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નહોતું. હવે અમે મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશિષ્ટ પાર્ક બનાવવા કામ કરી રહ્યાં છીએ.

YS: તમારી વ્યક્તિગત સફર વિશે થોડું જણાવો અને તેનાથી તમારી કારકિર્દીને થયેલી અસર વિશે કહો.

રત્ના પ્રભા: મારા પિતા સિવિલ સર્વન્ટ હતા અને માતા ડૉક્ટર. મારા મોટા ભાઈ પ્લાસ્ટિક સર્જન છે. મારો બીજો ભાઈ પિતાની જેમ સિવિલ સર્વન્ટ છે. અમે બાળપણથી અમારા માતાપિતાને કામ પ્રત્યે પ્રતિબદ્ધ જોયા છે અને અમને તેમના જેવા બનવાની પ્રેરણા મળી છે. અત્યારે હું સતત કામ વિશે જ વિચાર કરું છું. મારા માતાપિતાનો મારા જીવન પર ઘણો પ્રભાવ છે, કારણ કે તેઓ હંમેશા લોકોની મદદ કરતાં હતાં અને જ્યારે હું લોકોને મદદ કરું છું ત્યારે મને સાચી ખુશી મળે છે.

લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું

જ્યારે તમે સારું કામ કરો છો, ત્યારે લોકો તમને હંમેશા યાદ કરે છે. મારું પ્રથમ પોસ્ટિંગ 32 વર્ષ અગાઉ આસિસ્ટન્ટ કમિશનર તરીકે બિડરમાં થયું હતું. ત્રણ દાયકા પછી પણ મને બિડરના લોકો યાદ કરે છે. એક વખત એક પુરુષ નિયમિત ચકાસણી વખતે મારા લોહીનો નમૂનો લેતો હતો. તેણે મને મારું નામ પૂછ્યું અને મેં રત્ના પ્રભા જણાવ્યું. મારું નામ સાંભળીને તેણે મને કહ્યું હતું કે, તમે બિડરમાં સિવિલ સર્વન્ટ હતા. મેં હા પાડી ત્યારે તેના ચહેરા પર ખુશી જોવા મળી. તેણે મને કહ્યું હતું કે, તેની માતા તેને મારા વિશે જણાવતી હતી. હું જ્યારે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બિડરમાં ગઈ ત્યારે તેનો જન્મ પણ થયો નહોતો.

ઉપરાંત બિડરના એક શિક્ષક મને મળ્યાં હતાં. તેમણે મને જણાવ્યું હતું કે, “તમે બિડરમાંથી ચાલ્યાં ગયાં, પણ અમારા હૃદયમાંથી ગયા નથી.”

રત્ના પ્રભા એવા અધિકારી છે, જે હંમેશા ચીજવસ્તુઓને વધુ સારી રીતે બદલવા વિચારે છે અને દાયકાઓ સુધી લોકો યાદ રાખે તેવો વારસો છોડે છે.


લેખક પરિચય- શ્રદ્ધા શર્મા

શ્રદ્ધા શર્મા યોરસ્ટોરીના સ્થાપક અને ચીફ એડિટર છે.

અનુવાદક- કેયૂર કોટક

Related Stories

Stories by YS TeamGujarati