વ્હીલચેર પર હોવા છતા સેનાના અધિકારી પોતાના ખભા પર ૫૦૦ બાળકોના ભવિષ્યને ઉપાડી રહ્યા છે!

વ્હીલચેર પર હોવા છતા સેનાના અધિકારી પોતાના ખભા પર ૫૦૦ બાળકોના ભવિષ્યને ઉપાડી રહ્યા છે!

Monday December 21, 2015,

5 min Read

૧૦ વર્ષ પહેલા શરૂ કર્યુ હતું ‘અપની દુનિયા, અપના આશિયાના’

કેપ્ટન ગરીબ, અનાથ અને અપંગ બાળકોની મદદ કરે છે!

કેપ્ટન ભોજનથી માંડી કપડા અને ભણતર સુધીની વ્યવસ્થા કરે છે!

અકસ્માત કોના જીવનમાં નથી થતા, પણ મોટા ભાગના લોકો એવા હોય છે જેઓ કોઇ અકસ્માત બાદ અંદરથી તૂટી જાય છે. તેમ છતાં આપણા સમાજમાં કેપ્ટન નવીન ગુલિયા જેવા લોકો પણ છે જેઓ કોઇ દુર્ઘટના બાદ મજબૂત થઇને સામે આવે છે અને પોતાના જીવનને નવેસરથી જીવવાનો પ્રયાસ કરે છે, તેમાં રંગ ભરે છે અને તે રંગોથી બીજાને રંગવાનો પણ પ્રયાસ કરે છે. કેપ્ટન નવીન ગુલિયા પોતાના પગ પર પોતાનો ભાર ભલે ના ઉપાડી શકતા હોય પણ પોતાની વ્હીલચેર મારફત તેઓ પોતાના ખભા પર એવા બાળકોનો ભાર ઉપાડી રહ્યા છે જેમનું આ દુનિયામાં કોઇ નથી અને જેમને છે તેઓ એટલા સક્ષમ નથી કે તેઓ આ બાળકોને ભણાવી શકે, તેમને આગળ વધવાનો પાઠ શીખવી શકે. કેપ્ટન નવીન ગુલિયા પોતાની સંસ્થા ‘અપની દુનિયા, અપના આશિયાના’ મારફત સંખ્યાબંધ બાળકોના ભણતરની જવાબદારી ઉપાડી રહ્યાં છે અને એટલું જ નહીં સાથે જ તેમને કાબેલ બનાવવા માટે તે દરેક કામ કરી રહ્યા છે જે કોઇ માતા-પિતા જ કરી શકે છે.

image


કેપ્ટન ગુલિયા બાળપણથી જ દેશ માટે કાંઇ કરવા માગતા હતા આ કા!રણે જ તેમણે સેનામાં પેરા કમાન્ડોની તાલીમ લીધી હતી પણ ચાર વર્ષની તાલીમ પૂરી કર્યા બાદ તેઓ એક સ્પર્ધા દરમિયાન વધારે ઊંચાઈએથી પડી ગયા હતા. તે કારણે તેમની કરોડરજ્જૂના હાડકામાં ગંભીર ઇજા થઇ હતી. બે વર્ષ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેમણે આર્મી છોડવી પડી હતી, પણ તેમનામાં દેશની સેવા કરવાનો જુસ્સો જેમનો તેમ યથાવત રહ્યો હતો. તેઓના જણાવ્યા પ્રમાણે, “આજે હું ગરીબ અને અપંગ બાળકો માટે કાંઇ કરી રહ્યો છું તો તેમાં મને સન્માન આપવા જેવી કોઇ વાત ના હોવી જોઇએ, આ તો સમાજ પ્રત્યે અને પોતાના દેશ પ્રત્યેનું મારું કર્તવ્ય છે.” બીજા કરતા અલગ વિચારધારા રાખતા કેપ્ટન ગુલિયા અને તેમની સંસ્થા ગરીબ બાળકો, ભીખ માગતા બાળકો અને ઈંટના ભઠ્ઠાઓમાં કામ કરતા મજૂરોના બાળકો માટે કામ કરી રહી છે. તે બાળકોની જરૂરિયાતના હિસાબે મદદ કરે છે. આ બાળકો ઉપરાંત એવા બાળકોની મદદ કરે છે જેમને તેમના માતા-પિતાએ તેમના હાલ પર છોડી દીધા છે.

શિયાળાની એક રાતે ગાઢ ધુમ્મસ છવાયેલુ હતું ત્યારે કેપ્ટન ગુલિયાને રોડ પર એક ૨ વર્ષની બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. જેના શરીર પર ઘણા ઓછાં કપડાં હતા. તેને કેટલાક બાળકો પોતાની સાથે લઇને આવ્યા હતા જેઓ આસપાસ જ રમતા હતા. ત્યારે કેપ્ટન ગુલિયાએ તે બાળકોને શોધ્યા હતા અને આ વાતે તેમને ઠપકો આપ્યો હતો કે તેમણે આ બાળકીને આવી રીતે કેમ રાખી છે. જે બાદ તેઓ બાળકીને લઇને ત્યાંથી જતા રહ્યા હતા, ત્યારે કેપ્ટન ગુલિયાએ વિચાર્યુ હતું કે આવા બાળકોની મદદ કરવાનું કામ શરૂ કેમ ના કરવામાં આવે અને તે પળે જ તેમણે નક્કી કરી લીધુ હતું કે તેઓ ગરીબ બાળકોની સારસંભાળનું કામ કરશે.

image


પોતાના કામોની શરૂઆત તેમણે એવા બાળકોની સાથે કરી હતી જેઓ ભૂખ્યા હતા. સૌ પહેલા તેમણે આવા બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. તે બાદ જ્યારે તેમણે આ બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે નિર્ણય કર્યો હતો કે તેઓ આ બાળકોને ભણાવવાનું પણ કામ કરશે. તે માટે તેમણે એવા બાળકોને પસંદ કર્યા હતા જેઓ ભણવા માગતા હતા. તે માટે તેમણે આ બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવ્યા હતા અને એટલુ જ નહીં, તેમની ફી, કપડાં અને અન્ય વસ્તુઓનાં ખર્ચનો બોજ પણ પોતે જ વેઠ્યો હતો. આજે કેપ્ટન ગુલિયા અને તેમની સંસ્થા ગુડગાંવ અને તેની આસપાસના વિસ્તારમાં રહેનારા લગભગ ૫૦૦ બાળકોની સારસંભાળ કરી રહી છે.

image


આ કેપ્ટન ગુલિયાના પ્રયાસોનું જ પરિણામ છે કે તેઓ એવા ગામમાં જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે જ્યાં મહીલાઓની સંખ્યા ઘણી ઓછી છે. તે ઉપરાંત ગામની છોકરીઓને બોક્સિંગની તાલીમ પણ આપવામાં આવે છે. માત્ર આત્મરક્ષણ માટે જ નહીં, પરંતુ એટલા માટે પણ જેથી તેઓ રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરી શકે. આ જ કારણ છે કે તેમણે શીખવેલી કેટલીક છોકરીઓ પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. તે ઉપરાંત એવા બાળકોની જરૂરિયાતોને પણ પૂરી કરવામાં આવે છે જેઓ શારીરિક રીતે અક્ષમ છે. આવા બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરવી હોય કે પછી તેમની સારવારની. કેપ્ટન ગુલિયા અને તેમનું સંગઠન દરેક પ્રકારે જરૂર મુજબ તે બાળકોની મદદ કરી રહ્યું છે.

‘અપની દુનિયા, અપના આશિયાના’ નામક આ સંગઠન ગરીબ અને નબળા બાળકો માટે સમય-સમયે મેડિકલ કેમ્પ, ભૂખ્યા બાળકોને ભોજન આપવાનું કામ, ગરીબ બાળકોને કપડાં આપવા વગેરે જેવા કામ કરે છે. તે ઉપરાંત આ સંગઠન બાળકોને તેમના અભ્યાસમાં પણ મદદ કરે છે. હરિયાણાની પાસે માનેસરમાં રહેતા એક બાળક જેનું નામ સન્ની છે તેની આ લોકો છેલ્લા દસ વર્ષથી તેના અભ્યાસ અને આરોગ્યમાં મદદ કરી રહ્યા છે. કેપ્ટન ગુલિયા જણાવે છે કે તે છોકરો દર વર્ષે પોતાના વર્ગમાં પહેલા સ્થાને આવે છે. આ વખતે દસમા ધોરણની પરીક્ષામાં તેણે ૯૫ ટકા કરતા પણ વધારે ગુણ મેળવ્યા છે. તેવી જ રીતે ગીતા નામની એક છોકરી છે જેનો અભ્યાસ તેને પોલિયો હોવાને થોડા સમય માટે છુટી ગયો હતો. જે બાદ તે આ લોકોને મળી તો, તેણે માત્ર પોતાનો અભ્યાસ જ પૂરો ના કર્યો બલ્કે આજે તે ટીચર બની ગઇ છે અને બીજા બાળકોને ભણાવવાનું કામ કરી રહી છે. આવા બીજા બાળકો પણ છે જેમની તેઓ મદદ કરી રહ્યા છે. આ લોકો જે બાળકોની મદદ કરે છે તેમાંથી મોટાભાગનાની વય ૪થી ૧૪ વર્ષ વચ્ચેની છે.

image


કેપ્ટન નવીન ગુલિયા માત્ર ગરીબ બાળકોનો બોજ જ નથી ઉઠાવી રહ્યા બલ્કે તેઓ એક શાનદાર લેખક પણ છે. બજારમાં તેમણે લખેલુ પુસ્તક ‘વીર ઉસકો જાનીએ’ અને ‘ઇન ક્વિસ્ટ ઓફ ધ લાસ્ટ વિક્ટરી’ની ઘણી ડિમાન્ડ છે. કેપ્ટન ગુલિયાએ તે બધું જ કર્યું છે જે તેઓ કરવા માગતા હતા. આજે ભલે તેઓ વ્હીલચેર પર હોય પણ તેમના નામે ઘણા રેકોર્ડ નોંધાયેલા છે.

image


ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવા પર કેપ્ટન ગુલિયા કહે છે, “મહાત્મા ગાંધી કહેતા હતા કે કોઇ સમાજની પ્રગતિ તે સમાજના નબળા વ્યક્તિની હાલતથી સમજી શકાય છે અને આપણા સમાજમાં સૌથી નબળા બાળકો છે અને જો આપણે તેમને નહીં જોઇએ તો કોણ જોશે. તેથી જ હું આવા બાળકોની વધારે મદદ કરવા માગુ છું.”

image


image


લેખક- હરીશ બિશ્ત

અનુવાદક-કલ્પેશ દ્વિવેદી