દીકરાનાં અધૂરાં સપનાંને સાકાર કરવા 75 વર્ષનાં આ 'માસ્ટર સાહેબ' હોકીમાં નવી પેઢી તૈયાર કરે છે!

0

ઓલિમ્પિયન દીકરા વિવેક સિંહના મૃત્યુએ અંદરથી હચમચાવી મૂક્યા!

હોકી અકાદમી મારફતે નવા ખેલાડીઓને તૈયાર કરે છે! 

ખેલાડીનો આખો પરિવાર વિવિધ રમતો સાથે સંકળાયેલો છે!

તેઓ માસ્ટર સાહેબનાં નામે જાણીતા છે. તેઓ 75 વર્ષ વટાવી ચૂક્યા છે પરંતુ શારીરિક સ્ફૂર્તિ એવી છે કે ભલભલા ખેલાડીઓ પાછા પડી જાય. કોઈ નવયુવાનની જેમ તેઓ પણ રોજ સવાર-સાંજ 5થી 8 કિમી દોડે છે. જીમ તેમજ યોગ સેન્ટરમાં કલાકો સુધીનો સમય વીતાવે છે. 

પરંતુ ઊભા રહો... આ માસ્ટર સાહેબની ઓળખ આટલી જ નથી. હવે અમે તમને માસ્ટર સાહેબનાં જીવનનાં એ પાસાં વિશે માહિતી આપવા જઈ રહ્યાં છીએ કે જે આજે સમાજમાં એક ઉદાહરણ બની ગયું છે. પોતાને સ્વસ્થ રાખવા માટે માસ્ટર સાહેબ બનારસમાં હોકીની એક નવી પેઢી તૈયાર કરવામાં લાગેલા છે. તેમણે હોકીને જ પોતાનાં જીવનનું એક અભિયાન બનાવી લીધું છે. તેઓ ઇચ્છે છે કે ભારતીય હોકીનો ફરીથી એક વખત દુનિયામાં ડંકો વાગે. હોકીને ફરીથી હિન્દુસ્તાનની નિપુણતા પ્રસ્થાપિત થાય.

પોતે પણ હોકીના શ્રેષ્ઠ ખેલાડી રહી ચૂકેલા માસ્ટર સાહેબ એટલે કે ગૌરીશંકરનાં આ અભિયાનની શરૂઆત વર્ષ 2005માં ત્યારે થઈ કે જ્યારે માત્ર 34 વર્ષના તેમના દીકરા વિવેક સિંહનું કેન્સરના કારણે મૃત્યુ થઈ ગયું. વિવેક સિંહની ગણના ભારતના ટોચના હોકી ખેલાડીઓમાં થતી હતી. વિવેક સિંહ એ જમાનામાં હોકીના એવા ખેલાડી હતા કે જ્યારે આખી દુનિયા ભારતીય હોકી પાછળ ગાંડી હતી. જ્યારે ઓલિમ્પિક અને વિશ્વકપમાં ભારતીય હોકી ટીમનો ધ્વજ લહેરાતો હતો. માત્ર બનારસને જ નહીં પરંતું સમગ્ર ભારતને હોકીના આ ખેલાડી પ્રત્યે ગર્વ હતો. તેઓ ઇચ્છતા હતા કે બનારસ હોકીની રમતનું કેન્દ્ર બને. અહીંથી બહાર પડનારા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચે. તેમણે બનારસ અંગે અનેક સપનાં સેવી રાખ્યાં હતાં. પરંતુ ભગવાનને કદાચ તે મંજૂર નહોતું. 34 વર્ષની ઉંમરે વિવેક આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા. વિવેક આટલી ઝડપથી આ દુનિયા છોડી દેશે તે વાતનો કોઈનેય વિશ્વાસ ન આવ્યો. એવું લાગવા માંડ્યું કે વિવેકના ગયા બાદ તેમનાં સપનાં પણ મરી જશે. પરંતુ એવું ન થયું. વિવેકનાં અધૂરાં સપનાં પૂરાં કરવા માટે તેમના પિતા ગૌરીશંકર સિંહ આગળ આવ્યા. 75 વર્ષની ઉંમરે માસ્ટર સાહેબ ખૂબ જ ધગશથી હોકીને ઊંચાઈઓ ઉપર લઈ જવામાં મથેલા છે.

દીકરાની યાદમાં માસ્ટર સાહેબે વર્ષ 2006માં 'વિવેક સિંહ હોકી એકાદમી' બનાવી. ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લાઈએ તેનું ઉદઘાટન કર્યું. માત્ર થોડાં જ વર્ષોમાં આ અકાદમીએ ઉત્તરપ્રદેશમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. અહીંથી બહાર પડનારા ખેલાડીઓનો ડંકો આખા દેશમાં વાગે છે. આ અકાદમીમાં ખેલાડીઓને સંપૂર્ણ મફત તાલીમ આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં અપાતી તાલીમમાં આધુનિકતાનો ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. કારણ કે માસ્ટર સાહેબ માને છે કે અત્યારે હોકીનું સ્તર ખૂબ જ ઊંચું જઈ ચૂક્યું છે. તેવામાં ખેલાડીઓને પરંપરાગતના બદલે આધુનિકતાથી દાવ-પેચ શીખવાડવાની જરૂર છે. માસ્ટર સાહેબ પોતે અકાદમીના દરેક ખેલાડીની ટેક્નિક ઉપર ખાસ ધ્યાન આપે છે.

ગૌરીશંકરનો પરિવાર પણ રમત જગતમાં એક ખાસ જગ્યા ધરાવે છે. તેમને છ દીકરા છે. વિવેક હવે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ તેમના ભાઇઓ રાહુલ અને પ્રશાંત સિંહે પણ હોકીમાં પોતાની ધાક જમાવી છે. આ ઉપરાંત રાજન સિંહ અને અનન્ય સિંહ બેડમિન્ટનમાં તો સીમાંત સિંહ ક્રિકેટમાં પોતાનો જાદૂ પાથરી રહ્યા છે. વર્ષ 2014માં આ પરિવાર ઉપર બનેલી ડોક્યુમેન્ટરી 'એન્ડ વી પ્લે ઓન'ને પુરસ્કાર મળી ચૂક્યો છે.

ગૌરીશંકર સિંહના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાના દીકરાઓની ચાલવાની ઢબ ઉપર ખાસ ધ્યાન આપતા. તેમને જોઈને જ તેઓ નક્કી કરી લેતા હતા કે તેઓ હોકી રમશે કે પછી બેડમિન્ટન કે ક્રિકેટ.

એટલું જ નહીં તેમના પત્ની પદ્મા સિંહ પણ રાષ્ટ્રીય સ્તરનાં બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યાં છે. તેમનાં પૌત્ર સાનિધ્ય, સાહિલ અને રિશિકા અંડર 14માં બેડમિન્ટન તેમજ ફૂટબોલમાં પોતાનું નામ ઉજાળી રહ્યાં છે. આખો પરિવાર જ વિવિધ રમતો સાથે સંકળાયેલો છે. તેમ છતાં પણ ગૌરીશંકરને આજે પણ પોતાના દીકરા વિવેકની યાદ આવે છે. વિવેક વિના તેઓ આજે પણ પોતાની જાતને અધૂરા અનુભવી રહ્યા છે. પરંતુ રમતને લઈને તેમની હિંમત જ એવી છે.

ગૌરીશંકર સિંહ કહે છે,

"હોકીને નવી ઊંચાઈએ પહોંચાડવી તે જ તેમનાં જીવનનું ધ્યેય છે. બનારસમાં હોકી અંગે ઘણી તકો રહેલી છે. બસ તેને મઠારવાની જરૂર છે. જો અહીંના ખેલાડીઓને સારી સુવિધા આપવામાં આવશે તો તેનાં પરિણામો વધુ સારાં આવશે."

ગૌરીશંકર સિંહની મહેનતનાં પરિણામે જ વિવેક હોકી અકાદમીમાંથી નીકળનારા ખેલાડીઓની માગ વધી રહી છે. રાષ્ટ્રીય સ્તરથી માંડીને એચપીએલમાં પણ આ ખેલાડીઓ પોતાનું કૌવત દર્શાવી રહ્યા છે. રમતગમતનાં ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ ગૌરીશંકર સિંહને અનેક પુરસ્કારો પણ મળી ચૂક્યા છે.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને પર જોડાઓ...

Related Stories