વાર્ષિક 24 લાખની નોકરી છોડી ખેતીથી 2 કરોડ કમાય છે આ એન્જિનિયર!

2

ખેતીમાં વધતો ખર્ચો અને ઘટતા ફાયદાના કારણે ગામડાના યુવાનો હવે જાણે ખેતીથી દૂર થઇ રહ્યાં છે. મોટા ભાગના યુવાનો હવે ખેતી કરવા નથી ઈચ્છતા. પણ શું તમને ખબર છે કે ખેતીથી મોહભંગના આ સમયમાં કેટલાંક લોકો એવા પણ છે કે જેઓ તગડા પગારની નોકરી છોડી પોતાના ગામ પરત ફરી રહ્યાં છે! 

પત્ની કલ્યાણી સાથે સચિન કાલે. ફોટો- bstby.in
પત્ની કલ્યાણી સાથે સચિન કાલે. ફોટો- bstby.in
મેધપુર, જિલ્લા બિલાસપુર છત્તીસગઢના સચિન કાલે ગુડગાવની એક મોટી કંપનીની સારી એવી નોકરી છોડી પોતાના ગામ પાછા ફર્યા અને હાલ ખેતીથી કરોડો કમાઈ રહ્યાં છે. 

સચિને કોન્ટ્રાક્ટ પર ખેતી કરવા પર ઘણું રીસર્ચ કર્યું અને 2014માં પોતાની કંપની 'ઇનોવેટીવ એગ્રીલાઈફ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ' શરૂ કરી. આ કંપની ખેડૂતોને કોન્ટ્રાક્ટ પર ખેતી કરવામાં મદદ કરે છે. સચિને પ્રોફેશનલ રીતે ખેતીના સલાહકારોને નોકરી પર રાખ્યા અને તેમને ટ્રેઈનિંગ આપી પોતાનો બિઝનેસ વધારવાની શરૂઆત કરી. 

સામાન્ય રીતે બેરોજગારીના આ સમયમાં દરેક યુવાનનું સપનું હોય કે કોઈ પણ પ્રોફેશનલ ડીગ્રી લઇ સારી નોકરી કરે, જેમાં પ્રથમ નંબરે આવે છે એન્જીનિયરીંગ. ત્યાં બીજી બાજુ ગામડાંના યુવાનો ગામડાંથી મોઢું ફેરવીને શહેર તરફ પલાયન કરી રહ્યાં છે. પરંતુ આવા સમયે મેધપુર, જિલ્લા બિલાસપુર છત્તીસગઢના સચિન કાલે ગુડગાવની એક મોટી કંપનીમાં સારી એવી નોકરી છોડી પોતાના ગામ પાછા ફર્યા અને હાલ ખેતીથી કરોડો કમાઈ રહ્યાં છે. 

સાંભળવામાં આ થોડું આશ્ચર્યજનક લાગે પણ આ હકીકત છે. લગભગ દરેક મધ્યમવર્ગીય પરિવારની જેમ સચિનના પરિવારજનોની પણ ઈચ્છા હતી કે તેમનો દીકરો એન્જિનિયર બને. પોતાના પરિવારનું સપનું પૂરું કરવા સચિને વર્ષ 2000માં નાગપુરની એન્જીનિયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જીનિયરીંગમાં બીટેક કર્યું. ત્યારબાદ તેમણે ફાઈનાન્સમાં MBA પણ કર્યું. આટલું ભણ્યા બાદ સચિનને ખૂબ સરળતાથી એક પાવર પ્લાન્ટમાં નોકરી પણ મળી ગઈ અને ધીરે ધીરે તે સફળતાની સીડી ચઢવા લાગ્યા. ત્યારે પણ સચિનને વધુ ભણવાની ઈચ્છા થતી અને તેમણે નોકરી કરતા કરતા લૉનો અભ્યાસ કર્યો. 2007માં તેમણે ડેવલોપમેન્ટલ ઇકોનોમિકસમાં PhD માટે પ્રવેશ મેળવ્યો. PhD કરતી વખતે તેમને લાગ્યું કે નોકરી કરતા બિઝનેસ શરૂ કરવો જોઈએ. 

કયો ધંધો શરૂ કરવો એ અંગે જ સચિન વિચારી રહ્યાં હતાં ત્યાં તેમને તેમના દાદા યાદ આવ્યા. તેમના દાદા સરકારી નોકરી કરતા અને રીટાયર થયા બાદ તેમણે ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું. તેમના દાદાજીએ તેમને બાળપણમાં સલાહ આપી હતી કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ વગર રહી શકે છે પરંતુ ખાધા વગર નથી રહી શકતી. 

સચિનની પાસે 25 વીઘા ખેતીલાયક જમીન હતી પણ તેમને નહતી ખબર પડતી કે તેમાં શેની ખેતી કરવામાં આવે જેથી સારી એવી આવક થાય. થોડા દિવસો સુધી ખેતી પર ધ્યાન આપ્યા બાદ તેમને લાગ્યું કે અહીં સૌથી મોટી સમસ્યા મજૂરોની છે. બિલાસપુરના મોટા ભાગના મજૂર લોકો રોજગારની શોધમાં દેશના અન્ય ભાગોમાં નીકળી જાય છે. સચિનને લાગ્યું કે જો તેઓ મજૂરોને એટલા પૈસા આપશે તો તેઓ રોજગાર અર્થે બહાર નહીં જાય અને તેમની ખેતીનું કામ પણ થશે. સચિનનું સપનું તો આનાથી પણ મોટું હતું. સચિને મજૂરોની સાથે સાથે ખેડૂતોનું પણ ભલું વિચારવાનું શરૂ કરી દીધું. તેમણે ખેડૂતોનું જમીન ભાડે લીધી અને ખેડૂતો તેમના કહેવા પ્રમાણે ખેતી કરવા લાગ્યા. આ કામમાં સચિનને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. આ સમયે સચિને તેમનું 15 વર્ષ જૂનું PF પણ તોડવું પડ્યું. પણ તેમણે હાર ના માની. સચિને વિચાર્યું કે જો તેઓ આ કામમાં સફળ નહીં થાય તો તેમના જૂના કરિયરનો વિકલ્પ તો છે જ. જનૂની અને સમર્પણની ભાવના રાખતા સચિનની મહેનત બેકાર ન ગઈ.

સચિનના સેટઅપથી ખેડૂતોને પણ સારો એવો ફાયદો થાય છે. અગાઉ જ્યાં ખેડૂતો સમગ્ર વર્ષમાં માત્ર એક પાક ઉતારતા હતાં ત્યાં આજે આખું વર્ષ ખેતી કરે છે. સચિનની મદદથી તેમના વિસ્તારોમાં ખેડૂતોના પાકનો લઘુત્તમ દર પણ નક્કી થઇ ગયો.

શું છે કોન્ટ્રાક્ટ ખેતી?

કોન્ટ્રાક્ટ ખેતીમાં ખેડૂતોને એક પણ રૂપિયાનો ખર્ચો નથી કરવો પડતો. ખાતર, બીજથી લઈને સિંચાઈ અને મજૂરી સુધીનો ખર્ચ કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે. કોન્ટ્રાક્ટર જ એ ખેતીનો ગુરુમંત્ર બતાવે છે. પાકની કિંમત પણ પહેલેથી નક્કી હોય છે, એ જ કિંમત પર ખેડૂતો તેમની ખેતીની ઉપજ કોન્ટ્રાક્ટરને વેચી દે છે અને જો માર્કેટમાં ઉપજની કિંમત વધારે જોય તો ખેડૂતોને પણ નફામાં ભાગીદારી મળે છે. કોઈ પણ હાલતમાં ખેડૂતોને નુકસાન નથી થતું. 

આ સાથે જ સચિને પોતાના 25 વીઘા ખેતરમાં અનાજ અને શાકની ખેતી શરૂ કરી દીધી. તેનાથી પણ તેમને ફાયદો થવા લાગ્યો. સચિનને જોઇને અન્ય ખેડૂતો પણ આકર્ષિત થયા અને સચિનને પોતાની ખેતીમાં ભાગીદાર બનાવવા લાગ્યા. 

આજે સચિનની કંપની લગભગ 137 ખેડૂતોની 200 એકરથી વધુ જમીન પર ખેતી કરે છે અને વર્ષે લગભગ 2 કરોડનું ટર્નઓવર કરે છે. સચિન જો ઈચ્છત તો ખેડૂતોના ખેતર જાતે પણ ખરીદી શકતા હતાં પરંતુ તેમનું માનવું હતું કે તેનાથી ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન વેઠવું પડશે. સચિને તેમની પત્ની કલ્યાણીને પણ સાથે જોડી લીધા. માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કરેલી કલ્યાણી હવે કંપનીના ફાઈનાન્શિયલ વિભાગને સંભાળે છે. સચિનનું સપનું આનાથી પણ મોટું છે. તેઓ ઈચ્છે છે કે એક દિવસ તેમની કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય.


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook પર જોડાઓ...

Related Stories