આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ કેવી રીતે થઇ શરૂઆત?

આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ કેવી રીતે થઇ શરૂઆત?

Tuesday June 07, 2016,

2 min Read

સમગ્ર વિશ્વમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2015ની સફળતાપૂર્વક ઉજવણી થયા પછી આપણે બીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાથી થોડા અઠવાડિયા દૂર છીએ. ચાલો આપણો જોઈએ કે ગયા વર્ષે આ પહેલની શરૂઆત કેવી રીતે થઈ હતી?

પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015માં સહભાગી વિદ્યાર્થીઓ

જ્યારે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 69મા સત્રને સંબોધન કર્યું હતું, ત્યારે તેમણે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા અપીલ કરી હતી. તેના પગલે સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય રાષ્ટ્રોએ 11 ડિસેમ્બર, 2014ના રોજ 177 સહ-પ્રાયોજક રાષ્ટ્રોની સાથે સર્વસંમતિથી 21 જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવાના ઠરાવને મંજૂરી આપી હતી. આ ઠરાવમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ સ્વીકૃતિ આપી હતી કે યોગ સ્વાસ્થ્ય અને સુખાકારી માટેનું સંપૂર્ણ વિજ્ઞાન છે. યોગ જીવનના તમામ ક્ષેત્રોમાં સંવાદિતતા પણ લાવે છે અને એટલે તે રોગનિવારક, સ્વાસ્થ્ય સંવર્ધક તરીકે પ્રસિદ્ધ છે. તે જીવનશૈલી સાથે સંબંધિત ઘણી સમસ્યાનું મેનેજમેન્ટ કરે છે.

આયુષ મંત્રાલયે નવી દિલ્હીમાં રાજપથ ખાતે 21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી. તેમાં બે ગિનીઝ વિશ્વ વિક્રમ સ્થાપિત થયા હતા. એક, યોગ માટેના એક મંચ પર 35,985 સહભાગીઓ સામેલ થયા હતા અને બે, તેમાં સૌથી વધુ 84 દેશના નાગરિકોએ ભાગ લીધો હતો. ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહ સાથે સંપૂર્ણ વિશ્વમાં કરવામાં આવી હતી, જેમાં લાખો સહભાગીઓ સામેલ થયા હતા અને યોગને સંદેશ ફેલાવ્યો હતો.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 69મા સત્રને સંબોધીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા અપીલ કરે છે

યોગ પ્રાચીન ભારતની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જે સ્વાસ્થ્ય અને સુખાકારી માટે લાભદાયક છે. સમગ્ર વિશ્વમાં વિવિધ સંશોધન અભ્યાસ થયા છે, જેમાં વિવિધ માનસિક વિકારોના નિવારણ અને વ્યવસ્થાપનમાં યોગના સંભવિત ફાયદા પુરવાર થયા છે તેમજ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. યોગની લોકપ્રિયતા ક્રમશઃ વધી રહી છે, ત્યારે તે સમગ્ર દુનિયાના લોકોના સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરશે એ નિશ્ચિત છે. અહીં જોતા રહો, 21મી જૂન, 2016ના રોજ બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.