એક રેસ્ટોરાંમાં કચરા-પોતા કરનારે બનાવ્યું સરવણા ભવન, આજે છે 80 રેસ્ટોરાંના માલિક

એક રેસ્ટોરાંમાં કચરા-પોતા કરનારે બનાવ્યું સરવણા ભવન, આજે છે 80 રેસ્ટોરાંના માલિક

Wednesday April 20, 2016,

6 min Read

ઘરની બહાર પરિવાર સાથે ફરવા નીકળીએ ત્યારે ભોજન કરવાની વાત આવે તો એવી જગ્યા પસંદ કરીએ છીએ જ્યાં ભોજનનો ટેસ્ટ સારો હોય, હોટેલ વ્યાજબી હોય અને સાફસફાઈ પણ યોગ્ય રીતે કરવામાં આવતા હોય. આવા સંજોગોમાં આપણે સૌથી પહેલાં પોતાની આસપાસના વિસ્તારોમાં જ નજર દોડાવતા હોઈએ છીએ. તે સમયે ચેન્નાઈમાં સરવણા ભવન પણ સારો વિકલ્પ બની રહે છે. અહીંયા સરવણા ભવન એવી રેસ્ટોરાં છે જેણે લોકોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે.

સરવણા ભવન બનાવવા અને ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કરવા પાછળ વિચારો છે પી રાજગોપાલન. એક વખત કોઈએ પી રાજગોપાલને કહ્યું કે તેઓ ચેન્નાઈના કે. ટી. નગર એટલા માટે જાય છે, કારણ કે કે.કે. નગરમાં કોઈ સારી રેસ્ટોરાં નથી. આ વાતો પી રાજગોપાલને આંતરિક રીતે હચમચાવી દીધા. રાજગોપાલ ચેન્નાઈના કે.કે. નગર વિસ્તારમાં જ રહેતા હતા. તે દિવસે જ રાજગોપાલે નક્કી કર્યું કે તેઓ અહીંયા એક રેસ્ટોરાં ખોલશે અને લોકોનો વિશ્વાસ સંપાદિત કરશે. કામ મુશ્કેલ હતું પણ અશક્ય નહોતું. મજબૂત ઈરાદા સાથે રાજગોપાલે તૈયારીઓ શરૂ કરી અને પરિણામ એ આવ્યું કે આ દેશના અલગ અલગ રાજ્યોમાં સરવણા ભવનની કુલ 33 અને વિદેશોમાં 47 શાખાઓ છે.

image


બાળપણ અને ગરીબાના દિવસો

આજે લાખો લોકોના પેટ ભરનારા રાજગોપાલનું બાળપણ અત્યંત મુશ્કેલીમાં પસાર થયું હતું. જે વર્ષે દેશ આઝાદ થયો તે વર્ષે પી. રાજગોપાલનો જન્મ તમિલનાડુના એક નાનકડા ગામ પુન્નઈયાદીમાં થયો હતો. ખેડૂત પિતાએ ગમેતેમ કરીને પણ તેમનો ઉછેર કર્યો. યોગ્ય ઉંમરે તેમને શાળામાં પણ મૂક્યા. જે ઘરમાં ખાવાના ઠેકાણા ન પડતા હોય ત્યાં અભ્યાસને લક્ઝરી સુવિધા જેવી માનવામાં આવતી હતી. પી. રાજગોપાલને સાતમા ધોરણ બાદ અભ્યા છોડવો પડ્યો અને એક રેસ્ટોરાંમાં વાસણ ઘસવાનું અને કચરા-પોતા કરવાનું કામ કરવું પડ્યું. કહેવાય છે કે સ્થિતિ બધાને બધું જ શિખવી દે છે. ધીમે ધીમે રાજગોપાલ ચા બનવતા શીખી ગયા. ત્યારબાદ તેઓ ભોજન બનાવવાનું પણ શીખી ગયા. સમયે તેમને એક તક આપી અને રાજગોપાલે તે તક મેળવવામાં વિલંબ ન કર્યો. ત્યારબાદ તેમને એક કરિયાણાની દુકાને નોકરી મળી ગઈ. તેઓ ત્યાં સાફસફાઈ કરનાર સહાયક તરીકે નોકરી કરતા હતા. આ નોકરીએ રાજગોપાલને એક નવી દિશા ચિંધી. દિશા પોતાનો બિઝનેસ કરવાની હતી. રાજગોપાલે પોતાના પિતા અને કેટલાક સંબંધીઓની મદદથી ઓછા રોકાણમાં એક કરિયાણાની દુકાન શરૂ કરી. દુકાન ખોલી તો લીધી પણ સામે મુશ્કેલીઓના પહાડ હતા. જે યોજનાઓ સાથે રાજગોપાલે દુકાન ખોલી હતી તે યોજનાઓ ધરાશાયી થઈ ગઈ. એક ક્ષણે એમ લાગ્યું કે બધું જ બેકાર થઈ ગયું. કહેવાય છે કે દુનિયામાં આશા જેવું મોટું કોઈ હથિયાર હોતું નથી અને ધીરજ જેવી કોઈ દવા હોતી નથી. વિપરીત સ્થિતિમાં સતત માત ખાધા બાદ પણ રાજગોપાલના મનમાં ક્યાંક વિશ્વાસ હજી પણ જીવતો હતો. આ વિશ્વાસ કંઈક કરી છૂટવાનો હતો.

વિશ્વાસની કસોટીનો સમય પૂરો થયો. હવે સમય હતો દુનિયાને પોતાને ક્ષમતા સાબિત કરી બતાવવાનો. 1979માં જ્યારે એક સેલ્સમેને તેમને કહ્યું કે, કે. કે. નગરમાં ભોજન માટે સારી કોઈ વ્યવસ્થા નથી. પેલા સેલ્સમેને આ વાત મજાકમાં કરી હતી પણ રાજગોપાલ માટે આ વાત પ્રેરણા સમાન બની ગઈ. બે વર્ષ એટલે કે 1981માં રાજગોપાલે સરવણા ભવનની સ્થાપના કરી. આ એ સમય હતો જ્યારે બહાર ખાવા જવાનું ખાસ ચલણ હતું નહીં. રાગોપાલે જનતાની માગ પૂરી કરી અને રેસ્ટોરાં બિઝનેસમાં પોતાનો અડિંગો જમાવી દીધો.

કામ અને કર્મચારીઓ માટે અનુસાશન

રેસ્ટોરાં ચલાવવા માટે રાગોપાલે કેટલાક નિયમ બનાવ્યા હતા. આ નિયમોમાં ગ્રાહકોની વિશ્વસનિયતાને ટોચનો ક્રમ આપવામાં આવ્યો હતો. રેસ્ટોરાંમાં યોગ્ય સાફસફાઈ અને સ્વાદિષ્ટ તથા સ્વચ્છ ભોજન દ્વારા જ ગ્રાહકોની વિશ્વસનિયતા વધે છે. તેમના જે કર્મચારીઓએ ગુણવત્તા સાથે સમાધાન કરવાની વાત કરી તેમને રાજગોપાલે કાઢી મૂક્યા. તેવી જ રીતે જે રસોઈયાઓએ ભોજન બનાવવામાં હલકી ગુણવત્તાના મસાલાનો ઉપયોગ કર્યો તેમનો પગાર કાપી લેવામાં આવ્યો હતો. આ તમામ બાબતોનો એક જ સાર હતો કે ગુણવત્તા સૌથી જરૂરી છે અને ગ્રાહકોને સંતોષ તેના દ્વારા જ આપી શકાય છે. તેની અસર એ પણ થઈ કે સરવણા ભવન નુકસાન કરવા લાગ્યું. તે સમયે રાજગોપાલને દર મહિને દસ હજાર સુધીનું નુકસાન ભોગવવું પડતું હતું. કહેવાય છે કે સફળતા ક્યારેક મોડી મળે છે પણ તેનો આનંદ બમણો હોય છે. રાજગોપાલનું સરવણા ભવન પણ લોકો માટે એક ઉદાહરણ બની ગયું અને નફાનો વરસાદ થવા લાગ્યો.

સરવણા ભવનની સફળતાનું રહસ્ય માત્ર શુદ્ધ ભોજન જ નહોતું. તે એક પરિવાર જેવું પણ હતું. રાજગોપાલ પોતાના કર્મચારીઓને ક્યારેય નોકર નહીં પણ પોતાના પરિવારના સભ્યની જેમ રાખતા હતા. તેમની ખુશી અને મુશ્કેલીને હંમેશા પોતાના પરિવારની ખુશી અને મુશ્કેલી માની છે. રાજગોપાલ માને છે કે, કર્મચારી ત્યારે જ ખુશ રહેશે જ્યારે રેસ્ટોરાંનું વાતાવરણ યોગ્ય હશે. રેસ્ટોરાંની સાથે સાથે કર્મચારીઓની સાફસફાઈનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવતું હતું. તેનું એક નાનકડું ઉદાહરણ છે, સરવણા ભવનમાં ભોજન માટે પ્લેટના બદલે કેળાના પાનનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાજગોપાલનો આ પ્રયોગ ગ્રાહકોને પસંદ આવવાની સાથે સાથે તેમના કર્મચારીઓ માટે પણ કારગર સાબિત થયો. કર્મચારીઓને ન તો પ્લેટની મુશ્કેલી પડતી, ન તો તેને સાફ કરવાની સમસ્યા થતી. રાજગોપાલે પોતાના કર્મચારીઓ માટે એક નિયમ બનાવ્યો કે તેઓ દર મહિને એક વખત વાળ કપાવશે. તેનાથી કર્મચારીઓ સાફ દેખાતા અને ભોજનમાં વાળ પણ નહોતા પડતા. તે ઉપરાંત કર્મચારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે તેમણે મોડી રાત સુધી જાગીને ફિલ્મો જોવી નહીં કે ઉજાગરા કરવા નહીં, કારણ કે તેનાથી તેમની કાર્યક્ષમતાને અસર થઈ શકે છે. સરવણા ભવનમાં જેટલી કડકાઈ હતી તેટલી જ તેમના માટે સુવિધાઓ પણ હતી. સરવણા ભવનમાં કર્મચારીઓની નોકરીની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું. તે ઉપરાંત તેમને રહેવા માટે ઘર આપવામાં આવતું અને સમયાંતરે તેમના પગારમાં પણ વધારો કરવામાં આવતો. કર્મચારીઓને પોતાના ગામડે પરિવાર પાસે જવા માટે પણ વાર્ષિક રકમ આપવામાં આવતી હતી. પરિણીત કર્મચારીઓના પરિવારનું અને તેમના બાળકોના અભ્યાસનું પણ ધ્યાન રાખવામાં આવતું. અભ્યાસનો ખર્ચ સરવણા ભવન તરફથી અપાતો હતો. કોઈ કર્મચારીની તબિયત ખરાબ થઈ જાય તો તેની સારવાર માટે પણ બે લોકોની નિમણુક કરવામાં આવતી.

ફરી શરૂ થયો કપરો કાળ

હજારો કર્મચારીઓની સંભાળ રાખનારા અને ચિંતા કરનારા રાજગોપાલ માટે 2009નું વર્ષ ખરાબ સાબિત થયું. તે સમયે તેમની સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો. રાજગોપાલ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે પોતાના મેનેજરની દીકરીના મિત્ર સંથારામની હત્યા કરી. કહેવાય છે કે, રાજગોપાલ પોતાના મેનેજરની દીકરી જીવાજ્યોતિ સાથે લગ્ન કરવા માગતા હતા પણ જીવાજ્યોતિ અને સંથારામ એકબીજાને પ્રેમ કરતા હતા. ઘણી ધમકીઓ છતાં પણ જીવાજ્યોતિ અને સંથારામ ડર્યા નહીં તો અચાનક એક દિવસ સંથારામનું અપહરણ કરી લેવાયું અને કેટલાક દિવસ બાત તેની લાશ મળી આવી. પોલીસે કેસ દાખલ કરીને રાજગોપાલને જેલભેગા કરી દીધા. રાજગોપાલ સામે પૂરતા પુરાવા ન હોવાથી તેમને જામીન પર છોડી દેવાયા.

એક વખત એક પત્રકારે જ્યારે સરવણા ભવનના એક અધિકારી સાથે વાતચીત કરવા દરમિયાન જણાવ્યું કે, અહીંયા ભોજન કરવું એટલે એક હત્યારાના ખીસ્સા ભરવા જેવું છે. તેના જવાબમાં અધિકારીએ જણાવ્યું કે, જીવનમાં આપણે કેટલાય લોકોને મળતા હોઈએ છીએ જેના અંગે આપણી પાસે પૂરતી માહિતી હોતી નથી. તેમણે આજસુધી શું સારું કર્યું અને શું ખરાબ કર્યું, તેમ છતાં આપણે તેમની સાથે બિઝનેસ પણ કરીએ છીએ. એવામાં કોઈ સારું ભોજન ઉપલબ્ધ કરાવતું હોય તો તેની પાસે ન જવાનું કોઈ કારણ જણાતું નથી.

લેખક: ધીરજ શર્મા

ભાવાનુવાદઃ મેઘા નિલય શાહ