ગરીબ બાળકોની જિંદગી બહેતર બનાવવાનું બીડું ઝડપ્યું છે દિલ્હી પોલીસની કોન્સ્ટેબલ મમતા અને નિશાએ!

0

ગરીબ બાળકોની જિંદગીને બહેતર બનાવવાની એક કોશિશ!

દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ મમતા અને નિશા ગરીબ બાળકોને ભણાવી તેમની જિંદગી વધુ સરળ બનાવી રહ્યાં છે. દિલ્હીના બે પોલીસ સ્ટેશનમાં 100 ગરીબ બાળકોને વિદ્યાની સાથે સાથે સંસ્કાર અને ચારિત્ર્યના પાઠ પણ શીખવાડવામાં આવે છે!

પોલીસનું નામ પડતાની સાથે જ લોકોના મગજમાં ખાખી વર્દી પહેરેલી વ્યક્તિની ઇમેજ ઊભી થઇ જાય છે, જે હાથમાં બંદૂક કે દંડો લઇને લોકો પર પોતાનો રૂઆબ જમાવતા હોય છે. પોલીસવાળાને સામાન્ય રીતે ખૂબ જ કઠોર માનવામાં આવે છે, પરંતુ હંમેશાં આવું હોતું નથી. દિલ્હી પોલીસની બે કોન્સ્ટેબલ મમતા નેગી અને નિશા, પોલીસની ઇમેજ કરતા તદ્દન અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે. કારણ કે આ બે મહિલા કોન્સ્ટેબલ ગરીબ બાળકોના બાળકોને ભણવાવાનું બીડું ઝડપ્યું છે.

ઉત્તર દિલ્હીના તિમારપુર અને રૂપનગર પોલીસ સ્ટોશનમાં દરરોજ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારના બાળકોને શિક્ષણની સાથે સાથે સમાજમાં થતા ખરાબ બનાવોને કેવી રીતે રોકવા અને પોલીસને કેવી રીતે મદદ કરવી તે અંગેના પાઠ પણ શીખવાડવામાં આવે છે.

ભણતર સાથે સંસ્કારોનું પણ સિંચન!

યોરસ્ટોરી સાથે વાતચીત કરતા મમતા જણાવે છે,

"તિમારપુર અને રૂપનગર પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટી આવેલી છે. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા મોટા ભાગના લોકો પોતાના પરિવારના ભરણ પોષણ માટે નાના મોટા કામો કરે છે. આ પરિવારના બાળકો સ્કૂલ પૂરી થયા બાદ આમ તેમ રખડ્યા કરે છે, જેનાથી ખોટી સંગતમાં પડી જવાની સંભાવના રહેતી હોય છે. આ ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં નાની બાળકીઓ સાથે અનેક પ્રકારના અપરાધ થવાની શક્યતા પણ રહે છે."

આવા સંજોગોમાં છેલ્લા છ મહિનાથી આ બંન્ને પોલીસ સ્ટેશનની કોન્સ્ટેબલ મમતા નેગી (તિમારપુર) અને કોન્સ્ટેબલ નિશા (રૂપનગર) અહીંના બાળકોને ભણાવવાનું અને તેઓ આત્મરક્ષામાં નિપુર્ણતા મેળવે તેવા પાઠ તેમને શીખવાડી રહ્યાં છે.

હાલ પોલીસ સ્ટેશનમાં ભણી રહ્યાં છે 100 બાળકો!

નિશા જણાવે છે,

"દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા 50 જેટલા બાળકો ભણવા માટે આવે છે. જેમાં મોટા ભાગના બાળકો સરકારી સ્કૂલમાં ભણતા બાળકો છે, તો કેટલાંક બાળકો કોઇ કારણસર સ્કૂલે જતા પણ નથી. ઘણાં બધા બાળકો ભણવામાં ઘણાં હોંશિયાર પણ છે, પરંતુ સાચી દિશા અને સલાહ ન મળવાને કારણે તેઓ પાછળ રહી ગયા છે. પોલીસ સ્ટેશનમાં બાળકોને સ્કૂલના અભ્યાસક્રમ ઉપરાંત અંગ્રેજી, ગણિત અને સામાન્ય જ્ઞાન પર પણ વિશેષ રૂપમાં ધ્યાન આપવામાં આવે છે."

નિશાની વાતમાં સૂર પૂરાવતા મમતા વધુમાં જણાવે છે,

"હું પોતે પણ એક સરકારી સ્કૂલમાં ભણી છું. સરકારી સ્કૂલોમાં સંસાધનોની ઘણી અછત હોય છે. કેટલીક વાર તો શિક્ષકો માત્ર નામ માટે જ ભણાવતા હોય છે. દરેક વ્યક્તિ પાસે ટ્યુશનના પૈસા હોતા નથી. અહીંયા સૌથી સારી બાબત એ છે કે, જે બાળકો પોલીસ સ્ટેશનમાં ભણવા માટે આવે છે તેમના વાલીઓ ભલે ગરીબ અને ઓછા ભણેલા છે, પરંતુ શિક્ષણને લઇને તેઓ ઘણાં જાગૃત છે."

બાળકોને કરાય છે પ્રોત્સાહિત પણ!

નિશા જણાવે છે,

"દિલ્હી પોલીસમાં જોડાયા તે પહેલા હું બાળકોને ટ્યુશન આપતી હતી. ત્યારે બાળકોને ભણાવવાની સાથે સાથે મને પણ ઘણું શીખવા મળતું હતું. અહીંયા ભણતા મોટા ભાગના બાળકો ઘણાં હોંશિયાર છે. બસ તેમને સાચી દિશા બતાડવાની જરૂર છે."

પોલીસ સ્ટેશમાં અન્ય બાળકોની સાથે ભણતો નિખિલ જણાવે છે, "હું પહેલા અંગ્રેજીમાં થોડો નબળો હતો, પરંતુ જ્યારથી હું અહીંયા આવીને ભણવા લાગ્યો છું ત્યારથી મારી અંગ્રેજી ભાષા સુધરી છે. હવે મને અંગ્રેજી વિષયમાં ઘણાં સારા માર્ક્સ આવવા લાગ્યા છે. હું પણ નિશા મેડમની જેમ મોટો થઇને પોલીસમાં જોડાવા માગું છું."

જ્યારે અન્ય એક વિદ્યાર્થીની કાજલ કહે છે કે, મમતા મેડમ અમને ભણાવવાની સાથે સાથે ડાન્સ અને યોગ પણ શીખવાડે છે. અમે જ્યારે સ્પર્ધામાં વિજેતા બનીને આવીએ ત્યારે તે અમને પેન અને ચોકલેટ આપે છે. મમતા મેડમ અમને અક્ષરધામ મંદિર પણ ફરવા લઇ ગયા હતાં, જ્યાં અમે અમારા દેશની સંસ્કૃતિ અને મહાન પુરુષો અંગેની જાણકારી મેળવી.

દિલ્હી પોલીસના 'શી ટૂ શક્તિ' પ્રોગ્રામના અંતર્ગત આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણનો છે. 'શી ટૂ શક્તિ' પ્રોગ્રામ અંતર્ગત દિલ્હી પોલીસ વિવિધ કોલેજની યુવતીઓને સેલ્ફ ડિફેન્સ ટ્રેઈનિંગ પણ આપે છે, જ્યારે સમય સમય પર તેમને પગભર કરવામાં મદદ પણ કરે છે.


લેખક- અનમોલ

અનુવાદક- શેફાલી કે. કલેર

Related Stories