જો મૂડ ખરાબ હોય તો 'WhySoSerious' ઉપર જાઓ અને ફ્રેશ થઈ જાઓ!

જો મૂડ ખરાબ હોય તો 'WhySoSerious' ઉપર જાઓ અને ફ્રેશ થઈ જાઓ!

Sunday November 01, 2015,

3 min Read

શું તમે જીવનમાં ખૂબ જ નિરાશ છો? તમારા જીવનમાં કંઈ બરાબર નથી ચાલી રહ્યું? તો તમે WhySoSerious.co.inની વેબસાઈટ ઉપર આવો. આ વેબસાઇટને ચલાવનારા એવો દાવો નથી કરતા કે અહીં દરેક લોકોના જીવન સાથે સંકળાયેલી વસ્તુ મળી જશે પરંતુ અહીં મળનારી વસ્તુઓ તમારો મૂડ ચોક્કસપણે બદલી નાખશે.


image


WhySoSerious.co.inની સ્થાપના ખુશ્બૂ બિષ્ટે આ વર્ષે માર્ચ મહિનામાં જ કરી હતી. તે કહે છે કે, "અમે જે ઉત્પાદનો વેચી રહ્યા છીએ તેનાં ક્ષેત્રે ખાસ્સી એવી તકો રહેલી છે." પરંતુ તેણે કેટલાં ઉત્પાદનો વેચ્યાં છે તે જણાવતા તે ખચકાટ અનુભવે છે. ખુશ્બૂનું કહેવું છે કે જ્યારે તેણે આ વેબસાઇટની શરૂઆત કરી હતી તો તેણે માત્ર મોજમસ્તી ખાતર આ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. પરંતુ હવે જે લોકો જીવનમાં મજા કરવા માગે છે તેમને આ ખૂબ જ પસંદ પડી રહ્યું છે. આ સાઇટ ઉપર મળનારાં મોટાભાગનાં ઉત્પાદનો અને તેની ડિઝાઇન ખુશ્બૂનાં પોતાનાં હોય છે તે કારણોસર જ તેની પાસે બ્રાન્ડેડ વસ્તુઓ કરતાં તેની પોતે ડિઝાઇન કરેલી વસ્તુઓ વધારે પ્રમાણમાં મળે છે.

આ ખાસ પ્રકારનાં ઉત્પાદનોને મેળવવા મુશ્કેલ કામ છે. પરંતુ ખુશ્બૂ માટે તે પોતાનાં કામનો એક ભાગ છે. અને આમ કરવામાં તેને મજા પણ આવે છે. ખુશ્બૂના જણાવ્યા અનુસાર તેની સાથે અનેક સપ્લાયર્સ પણ જોડાયેલા છે. પરંતુ તે તેમની પાસેથી વધારે માલ નથી ખરીદતી. તેનું કારણ એ છે કે તેને અનેક પ્રકારના માલની જરૂર હોય છે તેના માટે તે અમુક જ સપ્લાયર ઉપર આધારિત ન રહી શકે. ખુશ્બૂ જણાવે છે કે તેની પાસે સારા માણસો આવી જાય છે કે જેમને સારો સામાન જોઇતો હોય અને તેઓ એવા લોકો માટે જ સામાન ખરીદે છે. એવામાં તે લોકો ગુણવત્તા સાથે કોઈ સમાધાન નથી કરતાં. આ ઉપરાંત, તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત સામાન વેચવાનો આગ્રહ રાખે છે. ખુશ્બૂ જણાવે છે કે તેઓ એવી વસ્તુનો ઓર્ડર પણ લે છે કે જે તેમની સાઇટ ઉપર ક્યાંય દેખાતો નથી. અથવા તો કોઈએ ક્યાંક બીજે તે વસ્તુ જોઈ હોય અને તેઓ એમ ઇચ્છતા હોય કે WhySoSerious.co.in તેમના માટે આ ઉત્પાદન બનાવે.

આ સાઇટ ઉપર વેચવામાં આવતી વસ્તુમાં મોટાભાગે ટેટ્રિસ લેમ્પ, દિવાલો માટે કલાકૃતિ, બિગ બેન્ગ થિયરીવાળો સામાન અને બેટમેન સાથે સંકળાયેલો સામાન હોય છે. ખુશ્બૂનું કહેવું છે કે તેની સાઇટ ઉપર વધારે પ્રમાણમાં મહિલાઓ પુરુષો માટે સામાન ખરીદે છે. ઉપરાંત સૌથી વધારે વસ્તુઓ ભારતીય ગ્રાહકો ખરીદે છે. આ સ્ટાર્ટઅપ કેટલાક ડિઝાઇનર સાથે મળીને કામ કરે છે. જેથી કરીને તેમનાં ઉત્પાદનો બીજા કરતાં અલગ દેખાય. હવે આ કંપનીના સ્થાપકો પણ લોકોની પસંદ અને નાપસંદને સમજવા લાગ્યા છે.


image


WhySoSerious.co.inના મોટાભાગના સભ્યો સર્જનાત્મક અને સોફ્ટવેર સાથે સંકળાયેલા લોકો છે. ટીમના સભ્યો વેબસાઇટ માટે ઓનલાઇન જાહેરખબર, પીઆર પબ્લિસસિટી તેમજ લોકો સાથે વાતચીત કરીને પ્રચાર કરવા ઉપર વિશ્વાસ રાખે છે. પરંતુ હજી સુધી આ લોકોએ પ્રચારનો વધારે ઉપયોગ નથી કર્યો. તેનું કારણ તે લોકોની વિચારસરણી છે. તેમનું માનવું છે કે જો તે લોકોનાં ઉત્પાદનો અન્ય લોકો કરતાં સારા હશે તો લોકો આપમેળે બીજી વખત આવશે અને અન્ય લોકોને પણ તે ખરીદવા કહેશે. અને આ જ બાબત તેમના માટે અત્યાર સુધી ફાયદાકારક રહી છે.

ખુશ્બૂનું કહેવું છે કે તે પોતાની આ વેબસાઇટમાં લોકોને વધારે ક્રેઝી કરી શકાય તેવો સામાન રાખવા માગે છે. તે પોતાની આ વેબસાઇટને વધારે ક્રિએટિવ બનાવવા માગે છે. તે દિશામાં તેમની ટીમ કામ પણ કરી રહી છે. લાંબા સમય સુધી અમુક જ ઉત્પાદનો ઉપર તે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા નથી માગતી. તેથી તે પ્રદર્શન, પ્રોડક્ટ ડિઝાઇનર વગેરે સાથેના સહયોગને વધારવા માગે છે. ખુશ્બૂને સહુથી વધારે તકલીફ કુરિયર સેવા અંગે પડી રહી છે. તેનું કહેવું છે કે આ વાત ભલે એકદમ સરળ લાગતી હોય પરંતુ જે રીતે કુરિયર કંપનીઓ કામ કરે છે તેની અસર તેના વ્યવસાય ઉપર પણ પડે છે. ખુશ્બૂએ આ વેપારની શરૂઆત પોતાની બચતના નાણાં રોકીને કરી હતી. હવે તેનું કહેવું છે કે વેપારનો વ્યાપ વધારવા અને તેને શ્રેષ્ઠ બનાવવા માટે રોકાણની જરૂર છે.